પન્નાને ~ વેલન્ટાઈન ડે, 2025 ~ નટવર ગાંધી

(વસંતતિલકા)

વાર્ધક્યના વરસ સૌ વીતતા, સખી, ને
પૃથ્વી પટે સફર આપણી થાતી પુરી–
જો પ્રેમનો દિવસ આ બસ હોય છેલ્લો
તો ઊજવીશું સખી કેવી રીતે, કહે તું?

લે હું કહું: દિવસ બાકી રહ્યા હવે જે,
તે સર્વ છે ઉજવવા ગણી પ્રેમના જ!
આ આપણું રસિક, રમ્ય, દીધેલ દેવે,
દામ્પત્ય, દુર્લભ, પ્રફુલ્લિત ને પ્રસન્ન,

નિર્વ્યાજ પ્રેમ થકી જે સીંચવ્યુ અનેરું,
તે અર્ક છે જીવનનો, નિત ધન્ય થાવું,
અન્યોન્યના પરમ પ્રેમથી રિદ્ધ છીએ,
ને જાણવું જરૂર કે નથી વ્યર્થ જીવ્યા.

જે જે જીવ્યા જીવન ને હજી જીવશું જે
ઉજાળશું, ઉજવીશું બધું પ્રેમ પૂર્ણ.

~ નટવર ગાંધી

Natwar Gandhi
Author: 
Still the Promised Land
Arch Street Press, 2019, available in Paperback, Kindle and Audible on Amazon

પ્રેમ અને આસવ વચ્ચે સામ્ય અને ફરક એક એક વાક્યમાં કહેવો હોય શું કહી શકાય? સામ્ય એ છે કે, વર્ષો જતાં આસવ વધુ સ્વાદિષ્ટ અને અણમોલ બને છે અને પ્રેમનું પણ એવું જ છે. ફરક એ જ છે કે પીવાઈ ગયા પછી થોડા સમયમાં જ સુરાનો ખુમાર ઊતરી જાય છે પણ એક વાર સાચા પ્રેમનો રંગીન નશો ચડ્યો તો એ પછી શાશ્વતકાળ સુધી યથાવત્ રહે  છે.

આપણી ભાષાનું આ સદ્ભાગ્ય છે કે લેજેન્ડરી કવયિત્રી આદરણીય શ્રી પન્નાબહેન નાયકને એમનાં જીવનસાથી, આદરણીય કવિશ્રી નટવરભાઈ ગાંધી દરેક વેલેન્ટાઈન દિને એક નવું સ્વરચિત સોનેટ ફૂલોની સાથે અર્પણ કરે છે. આ સોનેટો જ્યારે પણ વાંચો, ત્યારે વાંચનારના ભાવવિશ્વમાં વેલેન્ટાઈન દિવસ પોતાને ઉજવતો હોય છે.  આ જ તો છે એક પ્રેમભર્યાં કવિહ્રદયમાંથી અવતરેલા પ્રણયના પવિત્ર ઝરણાંની તાકાત!

આ સોનેટની છેલ્લી બે પંક્તિઓમાં કવિ આવનારા દિવસોમાં આનંદ અને ઉમંગનો ઉત્સવ ઉજવવાની વાત સહજતાથી કરી જાય છે. એમાં ન તો ક્યાંય દેખાડો છે કે ન તો જ્ઞાન-વિજ્ઞાનનો ભાર. બસ, એકબીજાનું એકબીજા માટેનું હોવાપણું જીવનના છેલ્લા શ્વાસ સુધી માણતાં રહેવાનું ઈજન છે. આ પરિપક્વ છતાં યૌવનની સ્ફૂર્તિભર્યા સાયુજ્યના સમજદારીસભર સ્નેહ પાસે શીશ અનાયાસે નમી જાય છે.
“જે જે જીવ્યા જીવન ને હજી જીવશું જે
ઉજાળશું,  ઉજવીશું   બધું પ્રેમ પૂર્ણ.”

“આપણું આંગણું”ની સમસ્ત ટીમ તરફથી, આદરણીય શ્રી નટવરભાઈ, પન્નાબહેન અને આપ સહુ સુજ્ઞ વાચકોને  Very Happy Velentine’s Day.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. વાહ વાહ અને વાહ… આ તબક્કે આ વિચાર.. આનાથી રૂડું શું ?