હું મારી પૌત્રીને કઈ વાર્તા કહીશ? ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
સાહિત્યમાં વાર્તાના પ્રકાર દ્વારા જિંદગીના વિવિધ પાસાઓ સુપેરે વ્યક્ત થતાં રહ્યા છે. મલયાનિલ લિખિત ગોવાલણી ૧૯૧૮માં પ્રસિદ્ધ થઈ ત્યારથી ગુજરાતીમાં ટૂંકી વાર્તાના વિધિવત મંડાણ થયા.

ધૂમકેતુએ ગુજરાતી વાર્તાવિશ્વને મજબૂત પાયો આપ્યો તો રામનારાયણ પાઠકે યાદગાર વાર્તાઓ દ્વારા પોતાનું સ્થાન જમાવ્યું. મુનશી, સુન્દરમ, ગુલાબદાસ બ્રોકર, ઉમાશંકર જોશી વગેરેએ વાર્તાના દૈવત અને કૌવતને નિખારવામાં ફાળો આપ્યો. મેઘાણીએ લોકકથાઓને સાચવી આપણા ઉપર મોટો ઉપકાર કર્યો છે.
નવી પેઢી સામે આ સર્જકોના નામે બોલશું તો શક્ય છે કે તેઓ મોં વકાસીને આપણને જોતા રહે. શિષ્ટ સાહિત્ય તો જવા દો બાળસાહિત્યની ગુજરાતી વાર્તાઓથી પણ તેઓ જોજનો દૂર છે. ઉદયન ઠક્કરનો આ શેર વાંચી તમને કઈ વાર્તા યાદ આવે છે?
દ્રાક્ષને પોતે લચી પડવું હતું,
એટલામાં લોમડી ચાલી ગઈ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી?
જે ગમે તે ધાર, જેવી વાત છે
સાહિત્યને એક બાજુએ મૂકીએ તોપણ માતૃભાષાના સંવર્ધન માટે વાર્તાનો ફેલાવો જરૂરી છે. આપણે ત્યાં લખનાર ઘણા છે, કહેનાર ઓછા છે અને સાંભળનાર તો સાવ નહિવત છે. વિવિધ વેબ સિરિઝમાં મુખ્ય કેન્દ્ર વાર્તા જ હોય છે.
મુકુલ ચોક્સીના મુક્તકમાં તમને એક દૃશ્ય દેખાશે…
એની વાંચી છે ડાયરી આખી
પુત્રથી વાત ગુપ્ત એ રાખી
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી

નવી શિક્ષણનીતિને કારણે માતૃભાષાનું મહત્ત્વ ધીરે ધીરે વધતું જશે એવી ધારણા છે. આપણે ઇચ્છીએ કે ચકો-મકો, મિયાં ફુસકી વગેરે વાર્તાઓનો યુગ પાછો આવે.

આધુનિક માહોલને ચિત્રિત કરતી નવી વાર્તાઓ મુદ્રિત સ્વરૂપે નહિ તો ધ્વનિ મુદ્રિત સ્વરૂપે પણ પહોંચે એ જરૂરી છે. વિકી ત્રિવેદીની વાતમાં વાર્તા પણ છૂપાયેલી છે અને વિચાર પણ…
હું પૂરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે
છૂટ્યો છતાંય બહાર નથી નીકળી શક્યો
આ દુનિયા જાળ છે અને સાલી વિશાળ છે
શાળામાં કથાકથનના કાર્યક્રમો થાય તો એની ઊંડી અસર પડે. સારી રીતે વાર્તા કહી જાણનાર આપણી ભાષાનું માધુર્ય પણ પીરસી શકે અને બાળકોનું શબ્દભંડોળ પણ સમૃદ્ધ કરી શકે. ઘણા શબ્દોના અર્થ આંગિક અભિનયને કારણે વધારે સ્ફૂટ થાય છે.

વિવિધ સ્તરે પ્રયાસો થતા રહે છે, પણ એક સંસ્થાકીય માળખા અંતર્ગત એનો વ્યાપ વધે તો વધારે અસરકારક નીવડે. હાંસિયામાં ન ધકેલાવું હોય તો હાંસિયાની બહાર દેખાવ કરવો પડશે. પરબતકુમાર નાયી દર્દ વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે…
શરત એક જ છે દુનિયાનીઃ
અહીં જીવંત દેખાવું
ભલે અંતિમ દશા આવે છતાં,
પણ સ્હેજ સળવળજે
નથી કિસ્સો હું તારી જિંદગીનો,
એ ખબર છે પણ
લખે તારી કથા,
તો હાંસિયામાં ક્યાંક સાંકળજે
આઠ-દસ વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકાના સાહિત્યિક આયોજન માટે વાર્તાઓ વાંચવાનું સવિશેષ શરૂ કર્યું. ત્યાર પછી દિલ્હીમાં રેખ્તા ફાઉન્ડેશનનો ફેસ્ટિવલ માણવાનું થયું ત્યારે આ ફૉર્મની બળકટતાનો ખ્યાલ આવ્યો.
મધુ રાય અનેક વાર ફરિયાદ કરતાં હોય છે કે કવિતાના સંમેલનો થાય છે, વાર્તાના નથી થતા. આ ટકોર સાચી છે. અનેક લોકાના પ્રયાસને હવે વિસ્તારની અપેક્ષા છે. હરીન્દ્ર દવે લખે છે…
આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફકત
બાકી હજીયે મારી કથા હોવી જોઈએ
તારા ખરી ખરીને નિમંત્રણ દઈ રહ્યા
મારીયે એક ખાલી જગા હોવી જોઈએ

ખાલી જગ્યા પૂરવાનું કામ સાહિત્યકારો અને કલાકારોએ સાથે મળીને કરવાનું છે. એક પાસે લખવાની આવડત છે તો બીજા પાસે કથનનું કૌશલ્ય છે. આ બંને ભેગા થાય તો ઉપકારક નીવડે. જો આવું નહીં થાય તો મરીઝનું બયાન સાચું પડતું જણાશે…
લાગણી જેમાં નથી, દર્દ નથી, પ્યાર નથી
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી
કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી
લાસ્ટ લાઈન
વાર્તાચક્ર
દાદી નિશાળમાં મહેતી હતી
કાગડા-શિયાળની વાર્તા કરતી-
વચ્ચે અટકીને કહેતી
આપણે આપણાં જ
`ફળ’ ખાવાં જોઈએ!
વળી એ પણ કહેતી
આંખ અને નાકનું
જતન કરવું
એ બંનેને પોતાની
શરમ અને સન્માન હોય છે
જતાં-જતાં મને ટપલી મારીને
એટલું કહેતી ગઈઃ
સમજાય છે બુદ્ધુ?
રંગીન પીંછાઓ ખોસવાથી
મોર બનાતું નથી!
વર્ષો બાદ
આજે મને એક પ્રશ્ન થાય છેઃ
હું મારી પૌત્રીને કઈ વાર્તા કહીશ?
~ મહેન્દ્ર જોશી
~ કાવ્યસંગ્રહઃ ખીંટીઓ

LOST VARTA> NEW YUG ALL WANT QUICK>VIDIO GAME BUT NOT VIDIO VARTA> change time must be start from school again VARTA subject-vishy. they new generation not believes in OLD IS GOLD>