સ્વર અને સૂરની સહિયારી સફર ~ શ્રીકાંત ગૌતમ
દંતકથા સમાન ગાયક અને જન્મજાત સંગીતકાર; ભાવભીની ભારતની ધરતીના ખોળે ઊછરેલી ગાયક અને સંગીતકારની આ સૂરીલી સંગીતબેલડી એટલે ગાયક મહમદ રફી જેમની જન્મતારીખ ચોવીસમી ડિસેમ્બર (૧૯૨૪) અને સંગીતકાર નૌશાદ જેમની જન્મતારીખ પચ્ચીસમી ડિસેમ્બર (૧૯૧૯).
ગાયક સંગીતકારની આ જુગલબંદી સર્જિત સિનેગીતોની કર્ણમંજુલતા તથા મધુરતા સદાકાળ શ્રોતાજનો માણતાં રહ્યા છે, અને આજે પણ એ મધુરપ માણતાં માણતાં સિનેસંગીતના સુવર્ણયુગની સ્મરણયાત્રાએ સાનભાન ભૂલીને લટાર મારવા નીકળી પડે છે.

ઓલિયો જીવ લેખાયેલા આ ગાયક અને સંગીતકાર સર્જિત સૂરીલી સ્વરરચનાના સંયોજન થકી નિષ્પન્ન થયેલા સિનેભજનગીતોમાં આ બંને ઓલિયા જીવોના સૂફિયાના મિજાજની ઝલક અવશ્ય વર્તાતી રહી છે.
‘‘મન તડપત હરિદર્શન કો આજ,
મોરે તુમ બિન બિગડે સકલ કાજ
ઓ બિનતી કરત હૂં રખિયો લાજ,
મન તડપત હરિદર્શન કો આજ’’
કે પછી,
‘‘ઓ દુનિયા કે રખવાલે
સુન દર્દભરે મેરે નાલે,
સુન દર્દભરે મેરે નાલે..’’
(‘‘બૈજુ બાવરા’’)
‘અમર’ ફિલ્મનું આ એક ભક્તિગીત જેમાં ભગવાનની સર્વોપરિતા સાબિત કરતી એમનાં ચરણોમાં અર્પણ થતી શરણાગતિ જિવાતા જીવ માટે એકમાત્ર ઉપાય એવ સધિયારાની બાંયધરી ગાયક-સંગીતકારની આ જુગલજોડીએ આમ પેશ કરી હતી,
‘‘ઈન્સાફ કા મંદિર હૈ,
યે ભગવાન કા ઘર હૈ,
કહેતા હૈ જો કહ દે
તુઝે કિસ બાત કા ડર હૈ,
હિમ્મત હૈ તો આજા
યે ભલાઈ કી ડગર હૈં…’’
સંગીતકાર નૌશાદ અને ગાયક મહમદ રફી સ્વરચિત સહિયારી સિનેભજન રચના ફિલ્મ ‘‘રૂપલેખા’’ની આ હતી.
‘‘ભજન બિના બાવરે તૂને
હીરા જનમ ગવાયાં,
ઓમ હરિ, ઓમ હરિ
માન કરે તૂં અપને બલ પર
જો હૈ ઢલતી છાયા,
મૌજ મેં અપની
ડૂબનેવાલા ધ્યાન ન ઉસકા આયા,
બાવરે બાવરે તૂને
હીરા જનમ ગવાયાં’’
કૃષ્ણઘેલી રાધાનું ભાન ભૂલીને કૃષ્ણમય થઈ જવામાં નિમિત્ત ઠરતી કાન્હાની માધુર્યપૂર્ણ વાંસળી ફિલ્મ ‘‘કોહિનૂર’’ના આ મધુરા ગીતનું કારણ આમ બની હતી.
‘‘મધુબન મેં રાધિકા નાચે રે,
ગિરધર કી મુરલિયા બાજે રે,
પગમેં ઘૂંઘર બાંધકે
ઘૂંઘટા મુખ પર ડાર કે
નૈનનમેં કજરા લગાકે રે..
મધુબન મેં રાધિકા નાચે રે,
ગિરધર કી મુરલિયા બાજે રે….’’
ગાયક મહમદ રફીએ જ્યારે સિનેપાર્શ્ર્વગાયન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું, ત્યારે તેમની એક અદકેરી મનોકામના હતી, સ્વરસમ્રાટ સાયગલ સંગાથે પાર્શ્ર્વગાયન કરવાની અને એ રીતે આ મહાન અજરાઅમર ગાયક કુંદનલાલ સાયગલ સાથે એ દૃષ્ટિએ ‘‘એક પંગતે’’ બેસવાની.
ગાયક મહમદ રફીની આ મનોકામના અથવા ઇચ્છાપૂર્તિને પૂર્ણતાનો અંજામ આપવામાં નિમિત્તે ઠર્યા હતા સંગીતકાર નૌશાદ.
કુંદનલાલ સાયગલ અભિનિત ફિલ્મ ‘‘શાહજહાં’’ના સંગીતકાર નૌશાદ હતા અને ગાયક સાયગલની ગાયકી ધરાવતાં આ ફિલ્મનાં અદ્ભુત ગીતોમાંના એક ગીતમાં સાયગલ સાથે ગાવાની પહેલી અને છેલ્લી તક ગાયક મહમદ રફીને ‘‘શાહજહાં’’ના આ ગીતમાં સાંપડી અને તેઓ આ સુવર્ણતકને પોતાના જીવનની અણમોલ તક લેખીને ધન્ય ધન્ય થઈ ગયા હતા. આ ગીત હતું,
‘‘મેરે સપનોં કી રાની,
મેરે સપનોં કી રાની,
રુહી, રુહી, રુહી, રુહી’’
ગાયક મહમદ રફીએ આ ગીતની અંતિમ પંક્તિ ગાઈ હતી, જે એક ફકીર ઉપર ચિત્રિત થઈ હતી.
વાત ચિત્રિકરણની નીકળી છે તો, એના અનુસંધાને એ ગીતોના ગુંજારવને અત્રે યાદ કરીએ જે સંગીતકાર નૌશાદની સ્વરરચનામાં ગાયક મહમદ રફીએ ગાયાં હતાં.
રફીની ગાયકી ધરાવતા નૌશાદનું સ્વરાંકન ધરાવતાં આ જે ગીતો હતાં, એ ગીતો જે અભિનેતાઓ ઉપર ચિત્રિત થયાં હતાં, એમના અભિનયકૌશલ્યની જે અમુક મર્યાદાઓ હતો, એનો ઢાંકપિછોડો ગાયક મહમદ રફીની ગાયકીમાં ગવાયેલાં તથા સંગીતકાર નૌશાદ સ્વરરચિત રચનાઓની મધુરતા તથા કર્ણમંજુલતાને આભારી અનાયાસે થઈ જતો હતો.
ઉદાહરણરૂપે મહમદ રફી અને નૌશાદના આવા સંગીતમઢ્યા સહિયારા સર્જનનાં અમુક ગીતોનો ઉલ્લેખ કરીએ, જે ગીતો આ અભિનેતાઓની અભિનયમર્યાદાનું આવરણ બન્યા. અભિનેતા ભારત ભૂષણ અભિનિત ફિલ્મ ‘‘બૈજુબાવરા’’નાં ગીતો,
‘તૂં ગંગા કી મૌજ,
મૈં જમુના કા ધારા
હો રહેગા મિલન..”
*
‘‘ઝુલે મેં પવન કે આઈ બહાર,
નૈનોં મેં નયા રંગ લાઈ બહાર,
પ્યાર છલકે ઓ પ્યાર છલકે..’’
અભિનેતા ભારત ભૂષણ અભિનિત ફિલ્મ ‘‘શબાબ’’ની સ્વરરચના નૌશાદની હતી, અને ગાયક રફીની ગાયકી ધરાવતા ભારત ભૂષણ ઉપર ચિત્રિત થયેલાં ગીતો હતાં..

‘‘યહીં અરમાન લે કર આજ
અપને ઘર સે હમ નીકલે,
જહાં હૈ જિંદગી અપની
ઉસી કુચે મેં હમ નીકલે…’’,
*
‘‘આયે ના બાલમ વાદા કરકે,
થક ગયે નૈના ધીરજ ધર કે
આયે ના બાલમ..’’
ત્રીજું ગીત,
‘‘મરના તેરી ગલીમેં,
જીના તેરી ગલી મેં,
મિટ જાયેગી હમારી દુનિયા
તેરી ગલી મેં..
મરના તેરી ગલી મેં…’’
અભિનેતા સુરેશ અભિનિત ફિલ્મ ‘‘દુલારી’’નાં અન્ય પાસાં ત્યારે પણ રસનો વિષય બનવા અસક્ષમ રહ્યાં, જ્યારે આજે પણ ક્યારેય એ પાસાં ઉલ્લેખ ન પામ્યાં, સિવાય કે આ ફિલ્મનાં ગીત-સંગીત.
જે તે સમયે પણ ઘર ઘર ગુંજતાં રહ્યાં અને આજે પણ ફિલ્મ ‘‘દુલારી’’ના ઉલ્લેખ સાથે એકમાત્ર યાદ એનાં ગીત-સંગીતની જ આવે. આ ફિલ્મનું એક ગીત આ ફિલ્મની આજે પણ શાન લેખાતું રહ્યું છે.
સંગીતકાર નૌશાદ સ્વરરચિત ગાયક મહમદ રફીની ગાયકી ધરાવતું અભિનેતા સુરેશ ઉપર ચિત્રિત થયેલું આ અવિસ્મરણીય ગીત એટલે,
‘‘સુહાની રાત ઢલ ચૂકી,
ના જાને તુમ કબ આઓગે,
જહાં કી રુત બદલ ચૂકી,
ના જાને તુમ કબ આઓગે”
‘સાઝ ઔર આવાઝ’’ ફિલ્મનું આ શીર્ષક, એટલે સ્વાભાવિક છે, આ ફિલ્મની સિનેકથા સંગીત તથા સંગીતકાર આધારિત હતી. અભિનેતા જોય મુખર્જીની અભિનયમર્યાદાની લાજ રાખવામાં ગાયક રફીની ગાયકીનું મહત્તમ યોગદાન રહ્યું હતું, તે તથ્ય પ્રચલિત છે.
‘‘સાજ ઔર આવાઝ’’ ફિલ્મના સંગીતકાર સંગીતબદ્ધ ગીતોને ગાયક મહમદ રફીની ગાયકી સાંપડતાં સાઝ અને આવાઝના આ સુમેળભર્યા સમન્વય થકી પ્રસ્તુત ફિલ્મની અન્ય મર્યાદાઓ ગૌણ બની ગઈ.
‘‘સાઝ હો તુમ આવાઝ હૂં મૈં,
તુમ બિના મૈં હૂં તાર,
રોક શકો તો રોક લો અપની
પાયલ કી ઝંકાર,
મેરે ગીત કો ગીત ના સમજો,
પ્યાર કી હૈ સરગમ,
મેરે રાગ કે હર એક સૂર પે
ઘૂંઘરું બોલે છમ છમ..’’
કે પછી,
‘‘દિલ કી મહેફિલ સજી હૈ
ચલે આઈયે,
આપકી બસ કમી હૈ
ચલે આઈએ…’’
‘‘અંદાઝ’’ અને ‘‘મેલા’’ ફિલ્મનાં ગીતોમાંની સ્વરરચના સંગીતકાર નૌશાદે મુખ્યત્વે ગાયક મૂકેશના કંઠે ગવડાવી હતી અને આ બધાં જ ગીતો આજપર્યંત યાદગાર બની રહ્યાં.
આ બંને ફિલ્મોમાંનું એક એક ગીત ગાયક મહમદ રફીની ગાયકી ધરાવતાં હતાં. ફિલ્મ ‘‘અંદાઝ’’નું રફીની ગાયકી ધરાવતું ગીત અભિનેતા રાજ કપૂર ઉપર ચિત્રિત થયેલું જે ગીત હતું,
‘‘યું તો આપસમેં બિગડતે હૈ
ખફા હોતે હૈ,
મિલનેવાલે કહીં ઉલ્ફત મેં
જુદા હોતે હૈ…’’
જ્યારે ‘‘મેલા’’નું એકમાત્ર ગીત જે મહમદ રફીનું પાર્શ્ર્વગાયન ધરાવતું હતું એ શીર્ષકગીત ફિલ્મમાં એક ફકીર ઉપર ચિત્રિત થયું હતું,
‘‘યે જિંદગી કે મેલે,
યે જિંદગી કે મેલે,
દુનિયા મેં કમ ન હોંગે,
અફસોસ હમ ન હોંગે..”
‘‘મુગલ-એ-આઝમ’’ ફિલ્મમાં પુરુષ અવાજમાં ગવાયેલું એકમાત્ર ગીત સંગીતકાર નૌશાદની સ્વરરચનામાં ગાયક મહમદ રફીએ જે ગાયું હતું એ હતું,
‘‘ઝિંદાબાદ ઝિંદાબાદ,
એ મહોબ્બત ઝિંદાબાદ…’’
https://www.youtube.com/watch?v=YGpJ_3c2gNU
સંગીતકાર નૌશાદ અને ગાયક મહમદ રફીની આ સહિયારી સૂરીલી સફરમાં સિનેસંગીતનો શ્રોતાગણ પરોક્ષપણે એ કારવાંના યાત્રીઓ બનીને આજપર્યંત સાથોસાથ ચાલતાં રહ્યાં છે.
~ શ્રીકાંત ગૌતમ, મુંબઈ
Golden old memories hear touching