“થાળી પીરસીને જીભ કાપી લીધી” ~ લેખ ~ અનિલ ચાવડા

ગુજરાતી ભાષાના શિરમોર લેખક જોસેફ મેકવાનની ‘આંગળિયાત’ નામની અદ્ભુત નવલકથા છે. ગુજરાતના તળપ્રદેશના સમાજનું, પાત્રોનું, તેમના ખંત અને બહાદુરીનું ખૂબ ચીવટપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે તેમાં.

Ouroboros Theatre Company - #SahityaShanivaar: જ્યારે કૉલેજમાં હતો ત્યારે પહેલીવાર આંગળિયાત વાંચવાનું થયેલું. એ વાંચતાની સાથે જ તેના પાત્રો, વાર્તા, ભાષા ...

મૂળ તો મેઠીઽ ને ટીહા નામના બે પાત્રોની પ્રેમકથા છે. પણ બંને આખી નવલકથામાં ક્યારેય એક નથી થઈ શકતા. સમાજ, રિવાજ, દલિત, ઉચ્ચ, ગામ, પ્રદેશ, પરગણાં, સ્વાર્થ, અહમ જેવી અનેક બાબતો તેમને આજીવન અળગા રાખે છે.

નવલકથામાં એક જગ્યાએ સ્થિતિ એવી આવે છે કે મેઠી પોતાના પતિનું ખૂન કરીને આત્મહત્યા કરવા કૂવામાં પડવા જાય છે, ત્યાં જ તેને પાછળથી કોક પકડી લે છે. જુએ છે તો તેનો પ્રેમી ટીહો હતો. ટીહાને પણ નહોતી ખબર કે મરનાર મેઠી હશે.

ટીહો તેને સમજાવીને ઘરે લઈ જાય છે. તેને રાખે છે, પણ તેની સાથે ઘર નથી માંડી શકતો. કેમ કે તેનો પૂર્વપતિ તો હજી જીવે છે, તે જ્યાં સુધી છૂટાછેડા ન આપે ત્યાં સુધી ટીહાનું ઘર ન માંડી શકાય. મેઠીનો પતિ પણ જીદે ચડે છે કે હવે તો જીવીશ ત્યાં સુધી છૂટાછેડા નહીં આપું.

છેવટે ટીહો અને મેઠી બંને સાથે મરે છે, પણ કરૂણતા એ કે બંને સાથે રહ્યા પછી પણ સાથે જીવી ન શક્યા. નવલકથામાં એક જગ્યાએ કંકુ કહે છે કે ટીહાભઈની આ કેવી વિવશતા, ભગવાને થાળી પીરસીને જીભ જ કાપી લીધી!

જિંદગી દરેક સાથે આવી રમત ક્યારેય રમી જાય છે. જેની ઝંખનામાં રાતદિવસ કાઢ્યા હોય, આખી જિંદગી ખર્ચી નાખી હોય, તે મળે પણ ખરું, પણ પછી તેને પામી શકવાની હામ ન રહી હોય.

જીવનભર ઢસરડા કરતા નોકરિયાતને થાય છે કે ફલાણી પોલીસીમાં થોડા પૈસા રોકું, એફ.ડી.થી સેવ કરું, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા કરાવું, અમુક વર્ષો પછી સારું એવુંં સેવિંગ થઈ જશે. પછી આરામથી જિંદગી જીવીશ.

ભવિષ્યને સુખમય બનાવવાની લાહ્યમાં વર્તમાનનું એક પણ સુખ સરખું માણી નથી શકાતું. ક્યારેક થાય છે કે ચાલો દૂરના પ્રવાસે ક્યાંક ફરવા જઈએ, પણ તેનો ખર્ચો બજેટની બહાર નીકળી જતો હોય. હપ્તાઓ આંખ સામે ઊભા હોય. મધ્યમ વર્ગના માણસને પરિવાર સાથે ફિલ્મ જોવા જવું હોય તોય બજેટ બનાવવું પડતું હોય છે.

આજના પૈસા રોકાણમાં નાખીને આવતી કાલને ઊજળી બનાવવાનું સપનું સેવતા લોકો, જ્યારે આવતી કાલ ઊજળી થઈને આવે છે, રૂપાળા દૃશ્યો દેખાડવા માટે તૈયાર થઈ જાય છે, ત્યારે તે દૃશ્યોને નિહાળવા માટે આંખ પહેલા જેવી સજ્જ નથી રહી હોતી.

ઘણા સમય પહેલા, હાઇરિન્ક બ્યૂોલ નામના લેખકની વાર્તાનો અનુવાદ વાંચ્યો હતો. (જોકે લેખકનું નામ ચોક્કસ યાદ નથી.) તેની વાર્તામાં એક માણસ એવો હતો કે એ કંઈ ખાસ કરતો નહોતો, બસ, તેના હાસ્ય માટે જાણીતો હતો.

કોક એને પૂછે કે તમે શું કરો છો, તો એ કહેતો કંઈ નહીં, બસ, હસું છું. મારું કામ હસવાનું છે. હસવાનો તે કંઈ વ્યસાય હોઈ શકે? હા, હોઈ શકે.

વાત એમ બની કે આ માણસ કોઈ પાર્ટીમાં ગયો હતો. ત્યાં તે વિવિધ રીતે છટાથી હસતો હતો. તે અનેક પ્રકારનું હસી શકતો.

11 Different Ways to Laugh in English #Shorts

દરેક હાસ્ય એકદમ કુદરતી લાગતું. તેમાં જરા પણ બનાવટની છાંટ ન આવતી. રાજા કેવું હસે, નોકર કેવું હસે, દરેક પ્રકારના હાસ્યમાં એ પાવરધો હતો.

આ પાર્ટીમાં એક રેકોર્ડિસ્ટ પણ હતો. તેણે આ માણસની કળા પારખી અને તેને કામ ઓફર કર્યું. તે માણસ વિવિધ હાસ્ય કલાકારના કાર્યક્રમો રેકોર્ડ કરતો. તેમાં આવા હાસ્યના અવાજો ઉમેરવા પડતાં. આ માણસ તેની જરૂરિયાત પ્રમાણે એકદમ ફિટ બેસતો હતો, ખાલી ફિટ નહોતો બેસતો, એ બેસ્ટ હતો એ કામમાં.

આ માણસ પરણિત હતો, બાળકો હતાં, પત્ની હતી. એટલે પરિવાર માટે પૈસાની પણ જરૂર હતી. તેણે કામ સ્વીકાર્યું અને તેની ગાડી તો પુરપાટ દોડવા લાગી. લોકો પણ આ માણસના હાસ્ય પર ફિદા હતા, તેની હસવાની છટા બધાને બહુ ગમતી.

પણ તે રવિવારે હસતો નહીં. દરેક માણસ પોતાના કામમાં રવિવારે રજા રાખે તેમ, આ માણસ પણ રાખતો. એક દિવસ તેની પત્ની પૂછે છે કે આખી દુનિયાના લોકો માટે હસો છો, પણ રવિવારે ઘરે કેમ સાવ મૂંગા થઈ જાવ છો, હસવા જેવી વાતમાં પણ હસતા નથી.

ત્યારે પતિ એટલુંં જ કહે છે કે, “આમ તો હું અનેક પ્રકારનું હસી શકું છું, બીજાનું હસવામાં, મારું પોતાનું હાસ્ય કેવું છે એ હું ભૂલી ગયો છું.”

આજીવન આપણે બીજા માટે જીવીએ છીએ. પત્ની માટે, બાળકો માતા, માતાપિતા માટે, પરિવાર માટે, સમાજના રિવાજો માટે, લોકોના અભિપ્રાયો માટે.

Quotes About Family -

પોતે મુક્ત રીતે જે જીવવું હોય છે તે જીવી જ નથી શકાતું. અને જ્યારે આ વાતનું ભાન થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. પોતે પણ ભૂલી ગયા હોઈએ છીએ કે આપણે કેવું જીવવું હતું. પછી જે જિંદગી પરાણે જીવતા હોઈએ છીએ તે ગમાડવા માંડ્યા હોઈએ છીએ. અને હોંશભેર સજાવેલું સપનું ક્યાંય દૂર ફેંકાઈ ગયુંં હોય છે.

ઘણી વાર અમુક કામ માટે યોગ્ય સંજોગો નથી મળતા, અને જ્યારે સંજોગો મળે છે ત્યારે એ કામ કરવાનો ઉત્સાહ મરી ગયો હોય છે. આ જ છે જીવનની વિષમતા.

મનોજ ખંડેરિયાએ લખ્યું છેને-
“જ્યાં પહોંચવાની ઝંખના
વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછું વળે
એમ પણ બને.”

~ અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. અનિલ ચાવડા ની સુઝ અને કલમને સલામ.

  2. વાહ. સરસ લેખ. જોસેફ મેકવાનના રેખાચિત્રો અને નવલકથાઓ વાચકને એક અલગ જ ભાવવિશ્વમાં લઈ જાય છે. આંગણિયાત મારી ગમતી નવલકથાઓ માની એક છે. એમની જ બીજી એક નવલકથા ‘મારી પરણેતર’ વાંચીને એના પર એક અભિપ્રાય-લેખ લખેલો. લિંક આપની સાથે શેર કરુ છું. આશા છે આપને ગમશે.

    https://www.facebook.com/share/p/12CEzG5hPD2/