બે માતા (વાર્તા) ~ રઈશ મનીઆર
આ સદી કે પેલી સદીની વાત છે. ઈઝરાયલની કે પેલેસ્ટાઈનની કે યુક્રેનની કે રશિયાની અથવા કોરિયાની વાત છે. સ્થળ બદલાય કે કાળ બદલાય, અમુક કથાઓને ફરક પડતો નથી.
એનો દીકરો કોલેજના પહેલા વરસમાં હતો. થોડા દિવસથી એ બહુ ઉત્સાહિત હતો. અઢાર વર્ષ પૂરા કરી ઓગણીસમાં વર્ષમાં પ્રવેશ્યો. એને ટેવ હતી સવારસવારમાં ઊંડો શ્વાસ લઈને છાતી ફુલાવે. છાતી ફુલાવે ત્યારે પૂરો પુરુષ લાગે. હવે એ થોડાથોડો એના સ્વર્ગસ્થ પિતા જેવો દેખાતો. પિતાનો યુનિફોર્મ હજુ એને ઢીલો પડતો, પણ કેપ બરાબર આવી જતી. એ કેપ પહેરી એ ફરતો.
સૈનિકનો પરિવાર જેમ જીવે, એમ મા-દીકરો જીવતા. માતાને રોજનું એક જ કામ. તૈયાર કરી દીકરાને ભણવા મોકલવાનો, પછી ઘરનું કામ પતાવવાનું અને સહેજ જંપ વળે એટલે પડોશણો સાથે દીકરાના ભવિષ્ય વિશે પોતે શું સપનાં જોયાં છે એની વાત કરવાની.
‘મારો દીકરો મોટો વેપાર કરશે કે પછી ડોક્ટર બનશે’ રોજની આવી વાતોથી પડોશણો કંટાળે એટલે તેઓ ઊભી થાય એટલે એકલી પડી માતાએ ફરી દીકરાની રાહ જોવાની.
દીકરો આવે, જમે, સ્કૂલની વાતો કરે અને ફરી ફૂટબોલ રમવા જાય. માતાએ ફરી દીકરાની રાહ જોવાની. રાતે જમ્યા પછી ચોગાનમાં નિવૃત્ત સૈનિકો યુદ્ધની રમ્ય વાતો કરે, દીકરો એ સાંભળવા જાય.
માતાએ ફરી દીકરાની રાહ જોવાની. દીકરો આવે ત્યારે એને ચાદર ઓઢાડી, પોતે સૂવાનું. દીકરો સ્કૂલ કે કોલેજની ટીમમાંથી બહાર ફૂટબોલ રમવા જાય ત્યારે જ આ ક્રમ તૂટે અને એ એક બે દિવસ પસાર કરવા માટે માતાએ પોતાનો ક્રમ બહુ મુશ્કેલીથી નવેસરથી ગોઠવવો પડે.
આ નિત્યક્રમ આમ કંટાળાજનક લાગે, પણ આ ક્રમને કારણે જ માતા જીવી ગઈ. પતિ વગર. બીજા કોઈપણ સાથ વગર. વસ્તીની બીજી વિધવાઓએ કર્યાં હતાં, એવાં કોઈ પણ સમાધાનો વગર. બસ, દીકરામાં ચિત્ત પરોવી રાખ્યું.
દીકરા અને માતા બન્ને વચ્ચે પરસ્પર ખૂબ લગાવ! ફરક એટલો જ હતો, દીકરાની દુનિયા માતાથી શરૂ થતી, પણ માતાની દુનિયા દીકરા પર જ પૂરી થતી.
થોડા દિવસથી એ આર્મીની કેપ પહેરી ફરતો. માતા કેપ સંતાડી દેતી, તો એ બજારમાંથી નવી કેપ લઈ આવે. માતાને તો ખબર જ હતી કે આખરે કેપ જ રહી જાય છે. માણસ વહી જાય છે.
એક દિવસ દીકરાએ આવીને માતાના હાથમાં કાગળ મૂક્યો. માતા અભણ હતી. પણ કવરનો રંગ અને કાગળની લખાવટ જોઈ એને ખ્યાલ આવી ગયો. દીકરાની લશ્કરમાં ભરતી માટે પસંદગી થઈ હતી. હવે કાલથી છ મહિના ટ્રેનિંગ અને પછી સરહદ પર. આ એવા દેશની સરહદ હતી, જ્યાં વિજયપતાકાઓ ઓછી લહેરાતી. મોટેભાગે શહીદો જ એ ધ્વજમાં લપેટાઈને આવતા.
***
દીકરાને મોટા શહેરમાં મૂકીને એ પરત વળી. પરત થતી વખતે એક ટિકિટ ઓછી કઢાવવાની હતી.
બીજા દિવસે એને સાથ આપવા માટે એનો ભાઈ બીજા શહેરથી આવ્યો હતો. દીકરાનો સાથ છૂટ્યો, એ કેટલા સમય માટે એ એને ખબર નહોતી, પણ ભાઈનો સાથ આજે સાંજ સુધી રહેવાનો હતો.
એને રસોઈ બનાવવાનું સૂઝ્યું નહીં. ભાઈ બહારથી કંઈ નાસ્તો લઈને આવ્યો ત્યારે એ રડતી હતી. થોડીવાર ભાઈ કંઈ ન બોલ્યો. માતા ફરી રડી. આજુબાજુના લોકો પણ એના આંસુ જોવા આવ્યાં. તમાશો થઈ રહ્યો હતો.
ભાઈ જરા ચિડાઈ ગયો, “બસ કર હવે! કોઈ મરી નથી ગયું.”
“ચૂપ મર! તારો દીકરો તો વેપાર કરે છે, દુકાને બેસીને! તને ખબર નથી મારું દર્દ!
લોકો જોતાં થઈ ગયા. એક સમજદાર દેખાતા ભાઈ બોલવા લાગ્યા, “દેશ માટે મરી ખપવું એ કોઈ નાની સૂની વાત નથી!”
માતા સરમુખત્યારનું નામ બોલીને કહેવા લાગી, “પેલો માત્ર બુલેટપ્રૂફ જેકેટ પહેરી ભાષણ કરે, રેલી કરે, બુલેટપ્રૂફ ગાડીમાં ફરે, લડાઈ થાય ત્યારે બંકરમાં ભરાઈ જાય! આપણા ગરીબોના વર-દીકરાઓએ જ મરી ખપવાનું?”
ભાઈએ માંડ એને ચૂપ કરી. પણ એણે નાસ્તો કર્યો નહીં, જો કે એક દિવસ ન ખાવાથી કોઈ મરી જતું નથી.
***
સરહદ પર લડાઈ ચાલુ રહી. માતા આંસુઓ સાથે લડતી રહી. આખી વસ્તીમાં ઘણા સૈનિકોના પરિવારો હતા, સહુ નોર્મલ લગતા હતા. પણ આ માતાને ખબર નહીં કેમ આ અસહ્ય લાગતું હતું.
“તારો દીકરો જીવે છે ને, એના કાગળપત્તર આવે છે! અત્યારે શું કામ આટલો શોક કરે છે?” એના પડોશીઓ કહેતા.
“એના કાગળપત્તર પણ ખાખી કવરમાં આવે છે. એના પપ્પા ગુજરી ગયેલા એ લેટર પણ આવા જ કવરમાં આવેલો. અઠવાડિયે ખબર પડી. બોંબ ફૂટેલો, આખી બોડી પણ નહોતી મળી. કવર જોઈને કેવી રીતે ખબર પડે કે અંદર શા સમાચાર છે?”
એની દલીલો સામે કોણ ઝીંક ઝીલે? અને શું કામ ઝીલે? પણ વસ્તીમાં એક વ્યક્તિના મનમાં શોકનો પહાડ હોય તો બાકી બીજાના આનંદોમાં પણ જાણે નાનીનાની કાંકરી આવી જાય છે.
વસ્તીવાળા ચોગાનમાં કોઈ તહેવાર ઉજવી રહ્યા હતા ત્યારે એ અચાનક રડવા લાગી. એક મોટેથી રડે એટલે સહુની મોજમજા અટકી જાય. માંડ એને શાંત પાડી ઘરે મોકલી પછી જ માંડ મોજમજા શરૂ થઈ શકી.
બીજા દિવસે એક સમજદાર પડોશીએ વિચાર્યું, બહુ થયું. હવે આનું કંઈ કરવું પડશે. એમણે આ બાઈને પોતાના પરિચિત કાઉંસેલર પાસે શહેર લઈ જવાનું નક્કી કર્યું.
***
દવાખાનાના બોર્ડ પર મગજનો ફોટો હતો. વિચારોનો ફોટો તો મૂકી ન શકાય એટલે મગજનો ફોટો મૂક્યો હશે. એકાદ કલાક રાહ જોઈ ત્યારે લેડી ડોક્ટર આવ્યા.
એમની મોજડીઓ ચમ..ચટ ચમ..ચટ અવાજ કરતી હતી. દર્દીઓના પગલાં ધીમા અને અચોક્કસ પડે, ડોક્ટરના પગલાં મક્કમ હોય.
માતાએ જોયું, લેડી ડોક્ટર યુવાન લાગતાં હતાં પણ સહેજે પચાસનાં તો હશે જ. પેસેજની સામી તરફ મિરર લગાવેલો હતો એમાં માતાને પોતાનું પ્રતિબિંબ દેખાયું. પોતે બેતાલીસ વરસે જ ઘરડી થઈ ગઈ હતી. આંખો કૂવા જેવી ઊંડી, આસપાસ કૂંડાળા, નીચે લથડેલી ચામડી, કાબરચીતરા વાળ.
પેલા સમજદાર પડોશી ઊભા થયા. ડોક્ટર સાથે વાત કરી. ડોક્ટરે સ્મિત સાથે એની સામે ફરીને કહ્યું, “આ ત્રણ દર્દી ઝડપથી પતાવી લઉં પછી છેલ્લે તમને પૂરતો સમય આપીશ. ઓકે બહેન!” ડોક્ટરનું હાસ્ય ચેપી હતું. માતાથી સહેજ હસાઈ ગયું, નહોતું હસવું તોયે! એથી એને ફરી રડવું આવ્યું.
***
કલાક પછી ત્રણે કેબિનમાં હતા. કેબિનમાં ચોથી એક સ્ટુડેંટ જેવી વ્યક્તિ પણ હતી. માતાએ વિચાર્યું, કોણ હશે! લેડી ડોક્ટર આંખોમાંથી સવાલો વાંચી લેતી હતી.
“ઈન્ટર્ન છે. જેમ તમારો દીકરો અત્યારે લશ્કરમાં શીખે છે, એમ આ મારી પાસે મનોચિકિત્સા શીખે છે!”
વિદ્યાર્થિનીએ ગુરુ પરત્વે આભારસૂચક ચેષ્ટા વ્યકત કરી. સમજદાર પડોશી મલકાયો. પોતે આ દુ:ખી સ્ત્રીને યોગ્ય જગ્યાએ લઈ આવ્યો છે, એવો પહેલા એને વિશ્વાસ બેઠો અને પછી એને એ વાતનો સહેજ ગર્વ થયો.
“કહો!” સહાનુભૂતિભરેલા અવાજમાં સ્ત્રી બોલી. જવાબમાં દુ:ખી માતા એવું પણ ન બોલી કે “મારે કંઈ કહેવાનું નથી.”
પેલા સમજદાર પાડોશીએ ત્રણચાર મિનિટમાં સ્થિતિ વર્ણવી, દુ:ખી માતાએ બહુ કોશિશ કરી કે ધ્યાન ન આપે, પણ પોતાની જ વાત પર ધ્યાન અપાઈ જવાથી પોતાને રડવું આવ્યું.
વિદ્યાર્થિનીને ખબર હતી કે આવું થાય ત્યારે એક ગ્લાસ પાણી લાવવું. એ કોઈ પ્યૂન જેવું કામ નથી. એ ‘એમ્પથી’ની નિશાની છે. એણે ‘એમ્પથી’ બતાવી.
“તમારુ દુ:ખ હું સમજી શકું છું.”
દુ:ખી માતાએ ડોક્ટર સામે જોયું. કોઈ કશું કહે એ પહેલા જ એનું દુ:ખ સમજી શકે એવી આવડત, એવો કોંફીડંસ એ લેડી ડોક્ટરમાં એને દેખાયાં.
“દેશમાં તમારા જેવી અનેક માતાઓ છે..”
“હા, જેટલા સંતાનો… એટલી માતાઓ…”
“અરે, એમ નહીં, જેમના વહાલા દીકરા લશ્કરમાં ગયા હોય એવી હજારો માતાઓ છે!”
“હં તો..”
“એ બધી માતાઓ પણ તમારી જેમ જ દુખી છે.”
“શું એમનો એકનો એક દીકરો લશ્કરમાં ગયો છે?” દુ:ખી બાઈએ નહોતો કરવો તોય એનાથી સવાલ થઈ ગયો.
“હજારોમાંથી સેંકડો તો એવી હશે જ!” ડોક્ટરે ધીરજથી પેપર વેઈટ હાથમાં ફેરવીને જવાબ આપ્યો.
“શું એ સેંકડો માતાઓના પતિ પણ યુદ્ધમાં ખપી ગયા છે?” દુ:ખીબાઈ પોતાની ખુરશી પર ન ફાવતું હોય એમ આગળ ખસી.
“એવી પણ થોડી માતાઓ હશે, બલકે એવી અમુક માતાઓને હું ઓળખું પણ છું.”
“એમનો દીકરો મારા દીકરા જેવો વહાલુડો નહીં હોય. આ તો હજુ અઢારનો જ છે. ઓગણીસમું તો અત્યારે બેઠું, એમના દીકરા પચીસના હશે!”
ડોકટરે શાંતિથી વાત ચાલુ રાખી, “તમારી વાત હું સમજું છું. આમ જુઓ તો અઢાર બહુ નાની ઉંમર કહેવાય. પણ એ જ સાહસની ઉંમર છે!”
“તો ફૂટબોલમાં કરે ને સાહસ! મેં કદી ના નથી પાડી. નાનપણથી ઘૂંટણ છોલાવી આવતો તો હું જ હળદરનો લેપ કરી આપતી અને એ રડે તો કહેતી, કે આમ જ બળવાન થવાય. હું કંઈ પોચકી માતા નથી!”
ડોક્ટરની ઈંટર્ની હસી પડી. ડોક્ટરે એને ઈશારાથી ના પાડી. ડોક્ટરોથી અમુક સાહજિક લાગે એવી અભિવ્યક્તિ પણ ન કરાય, એવું અણમોલ જ્ઞાન ઈન્ટર્નને લાધ્યું. સમજદાર પાડોશીએ દુ:ખી માતાને કહ્યું, “ડોક્ટર પાસે સમય ઓછો છે, તેઓ શું કહે છે તે સાંભળો!”
“સમય તો છે, જે કહેવું હોય તે કહો!” ડોક્ટરે ઉદારતા બતાવી. ડોક્ટરો પાસે ઉદારતાનું અદૃશ્ય એકાઉન્ટ હોતું હશે, જેમાંથી તેઓ ઓવરડ્રાફટ કરી શકે.
સમજદાર પાડોશીની ધીરજ પતવા આવી હતી, હવે એ જ બોલ્યા, “તમે એમની વાત નહીં સમજો તો એ તમને એવી ભારે દવા લખી આપશે કે જેથી તમને આંસુ જ નહીં આવે, આમ રડવું જ નહીં આવે!”
દુ:ખી માતા બોલી, “એવી દવા આવે?”
ડોક્ટરે કહ્યું, “હા આવે પણ..”
દુ:ખી માતા બોલી, “તો પછી અઢાર વરસના દીકરાને લશ્કરમાં જવાનું મન જ ન થાય એવી દવા પણ આવતી હશે!”
“હા, પણ કમનસીબે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં વિશ્વમાં પચીસ જગ્યાએ યુદ્ધો ચાલે છે અને રોજના પચીસ હજાર માણસો મરે છે. યુદ્ધો આપણી નિયતિ છે!”
“યુદ્ધો દીકરાઓની નિયતિ છે. રડવું માતાઓની નિયતિ છે!”
“ક્યારેક રડવું પડે થોડું. પણ આપણે ઈચ્છીએ તો ખુશીથી જીવી જવું આપણી ચોઈસ છે!”
દુ:ખી માતાથી બોલાઈ ગયું, “હું તમારી વાત ત્યારે જ માનું જ્યારે તમારો પોતાનો અઢાર વરસનો દીકરો લશ્કરમાં ગયો હોય!”
સામાન્ય રીતે ડોક્ટરો પોતાનું ઉદાહરણ આપતાં નથી, પણ લેડી ડોક્ટરે આજે કહેવું પડ્યું, “વેલ મારો દીકરો..” એમણે ડ્રોઅરમાંથી એક ફ્રેમ કરેલી તસ્વીર કાઢી.. હસીને ચૂમી ભરી, “લવ યૂ જીમી!” તસવીર દુ:ખી માતાની સામે ધરી.
“આજે જીવતો હોત તો ત્રેવીસનો હોત!” લેડી ડોક્ટર સ્વસ્થતાથી કહી રહ્યા હતા, “પાંચ વર્ષ પહેલા એ લશ્કરમાં ગયો અને ગયા વર્ષે એ દેશ માટે શહીદ થયો. મારે એને ડોક્ટર બનાવવો હતો પણ એણે એના પપ્પાની જેમ સરહદે જ જવું હતું. દેશ માટે શહીદ થઈ ગયો.”
“એના પપ્પા પણ..?”
“હા! સત્તર વર્ષ પહેલા!”
“પરિવાર… હશે ને તમારે?”
“જીમી મારો એકનો એક દીકરો હતો. પોતાને મનગમતી જિંદગી જીવી ગયો. જેમ તમારો દીકરો જીવવા માંગે છે!”
“પણ હવે તમે..?”
“દર્દીઓ, સમાજસેવા, પ્રવચનો, શિક્ષણ, બીઝી રહું છું.. હું મારી જિંદગી જીવું છું. મરી જનારા આપણા માટે દુ:ખ નથી અનુભવી શકતા, એમને માટે દુ:ખી થવાને બદલે, જે દુ:ખી છે એમના દુ:ખ હું ઓછા કરું છું.”
દુ:ખી માતા આ બહાદુર સ્ત્રીને હેરતથી જોવા માંડી, “ઓહો.. મારામાં તો એવી કોઈ આવડત પણ નથી..”
“બારીબારણાં ખોલો, જીવન બધા માટે છે! જીવવા માટે બસ એક જ આવડત જરૂરી છે, સ્મિત કરી શકવું!”
દુ:ખી માતાથી બોલાઈ ગયું, “મારી તો દીકરા સિવાય કોઈ જિંદગી જ નથી. કદાચ તેથી જ આટલું દુ:ખ થાય છે,”
પછી દુ:ખી માતા સમજદાર પડોશી તરફ જોઈને બોલી, “સારું થયું તમે મને અહીં લઈ આવ્યા. આ લેડી ડોક્ટરે તો મને જીવવાનો રસ્તો બતાવી દીધો. મારો દીકરો જેમાં ખુશ રહે એમાં હું ય ખુશ રહીશ!”
લેડી ડોક્ટરના મોં પર કેસ સુલઝાવ્યાનો આનંદ હતો. આ સફળતા એમણે ઈંટર્ન સાથે નજર મેળવી સેલિબ્રેટ કરી. ઈન્ટર્ને એક અહોભાવભરેલી નજર નાખી.
ઊભા થતાં દુ:ખી માતા બોલી, “તમે તો ડોક્ટર છે, તમે તમારા જીવનને સેવા માટે સમર્પિત કરી દીધું. હું તો..”
લેડી ડોક્ટરે કહ્યું, “સાવ એવું પણ નથી, જીવન માત્ર સેવા માટે નથી. મોજ પણ કરવી જોઈએ. હું સવારે સ્વીમીંગમાં જાઉં, સાંજે ડાંસ ક્લાસમાં જાઉં, સાંજે ફિલ્મ જોઉં, રવિવારે મ્યુઝિક ક્લાસ.. હું આનંદમાં રહુ છું.”
“તમે આનંદમાં રહી શકો છો?”
“યસ! ઘરે જઈશ, રસ્તેથી ગરમાગરમ તાજી બ્રેડ અને ચિકન લઈ જઈશ. મનગમતું સંગીત મૂકીશ. મારો એક ફ્રેંડ છે, એને કોલ કરીશ. અમે બન્ને રેડ વાઈનનો એક એક પેગ લઈશું. પછી જમીશું. લાઈફ ઇઝ ફન!”
દુ:ખી માતા એટલું જ બોલી શકી, “તમે આટલું આનંદમાં રહી શકો છો, એ સારી વાત છે, પણ તમારો દીકરો ખરેખર મરી તો ગયો છે ને?”
“એટલે?”
“તમને જોઈને લાગે છે કે ખરેખર તમારો દીકરો મરી ગયો હશે કે પછી મને સમજાવવા માટે તમે વારતા..”
લેડી ડોક્ટરે સ્મિત સાથે આર્મીએ આપેલું મરણોત્તર સન્માનપત્ર બતાવ્યું. એમાં સન્માનસૂચક શબ્દોની સાથે જીમીની મરણની તારીખ વગેરે લખેલું હતું.
“આ તો કાગળ છે, હું તો મરણના દુ:ખનો એકાદ.. એકાદ નાનકડો પુરાવો જોવા માંગતી હતી!” એમ બબડતી વૃદ્ધા બહાર નીકળી, “પણ આભાર, ડોક્ટર! મને વાતોથી સાજી કરવા બદલ! તમારામાં એક અજબ શક્તિ છે!”
સમજદાર પડોશી દુ:ખી માતાને લઈ બહાર ગયો.
ઈન્ટર્ન બોલી, “નોટ્સમાં શું લખું?”
લેડી ડોક્ટર સ્તબ્ધ હતી, એના હાથમાં મરેલા દીકરાનું સન્માનપત્ર હતું. ઈંટર્ને શું કહ્યું એ એણે સાંભળ્યું નહોતું, એના મનમાં દુ:ખી માતાનું વાકય ઘૂમરાઈ રહ્યું હતું, “આ તો કાગળ છે, હું તો મરણના દુ:ખનો એકાદ.. એકાદ નાનકડો પુરાવો જોવા માંગતી હતી!”
લેડી ડોક્ટરે ઈંટર્નને વિનંતિ કરી, “કેન યૂ લીવ મી અલોન ફોર ફાઈવ મિનિટ્સ?”
ઈંટર્નને ખબર હતી, મેડીકલ લાઈનમાં શક્તિશાળી ડોક્ટરોના આજ્ઞાંકિત શિષ્યો બહુ આગળ આવે છે, એટલે એ કશું પૂછ્યા વગર તરત બહાર નીકળી ગઈ.
લેડી ડોક્ટરે બારણું અંદરથી બંધ કર્યું. અને પછી જીમીના અવસાન પછી પહેલી જ વાર મોટે અવાજે ધ્રુસકેધ્રુસકે પોક મૂકીને રડી પડી, “જીમી..! જીમી..! કેમ ચાલી ગયો તું! મને એકલી મૂકીને કેમ ચાલી ગયો!”
~ રઈશ મનીઆર
(આ વાર્તા લખ્યા પછી ખ્યાલ આવ્યો કે આવા જ ભાવવિશ્વની લુઈ જી પિરાંદેલોની એક વાર્તા અગાઉ ક્યારેક વાંચેલી. પછી તો એ વાર્તા ઈન્ટરનેટના દરિયા પરથી મળી પણ ગઈ. સરખાવી જોઈ. “ધ વોર” એ વાર્તાનું શીર્ષક.
બન્ને વાર્તાની માવજત, જો કે, સાવ અલગ છે, એકેય વાક્ય સરખું નથી, આ મહાન પૂર્વસૂરિને વંદન કરીને આ વાર્તા તમારી સમક્ષ મૂકી છે. જિજ્ઞાસુઓ માટે પિરાંદેલોની વાર્તાની લિંક પણ આપું છું.)
હૃદયસ્પર્શી વાર્તા….. રડાવી દીધી…
અદ્ભુત, શબ્દો નથી મારી પાસે વખાણવા માટે
વાર્તાની સરસ ગૂંથણી
ખૂબ સરસ વાર્તા.
Wonderful story of two mothers. 👌
આભાર
અદભુત….🙏🏻
ખૂબ હ્રદયસ્પર્શી વાર્તા. મરણના દુઃખનો એકાદ નાનકડો પુરાવો.. આંખો ભીની કરી ગયું. માના પાત્રની સરસ માવજત થઈ છે. બંને સ્ત્રીઓના સંવેદનશીલ હ્દયની વાત. એકે ક્યાંક ઊંડે દુઃખ ધરબી દીધું છે અને બીજી જે અનુભવે છે એ સીધું જ વ્યક્ત કરે છે.
આભાર
કદાચ આ પ્રકારની વિદેશી વાર્તાઓ હોય તો પણ શું?બે માતાઓની વ્યથાની આ કથા તેના અંતને લીધે તો વધારે સંવેદનશીલ અને અસરકારક થઈ છે.
અદભુત …
જાણે તાદશ જોઈ રહ્યો હોઉં ઘટનાને તેવું વર્ણન , રઈશ ભાઈ ..
લવ યુ..
આભાર પિયૂષ
હૃદયસ્પર્શી વાર્તા!
Simply extra oridinary touchy story. No words are strong enough you convey my feelings. Simply thanks.
આભાર દવેસાહેબ