ચૂંટેલા મુક્તકો ~ હેમંત કારિયા, મુંબઈ  ~ …ઝાંઝવા પણ કામ આવે (મુક્તક સંગ્રહ)

(મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની પુસ્તક પ્રકાશન અનુદાન યોજનાના સહયોગથી પ્રગટ થયેલાં સંગ્રહમાંથી સાભાર)

 1.
અસલીથી નકલી થવાનું હોય છે
આગથી આગળ જવાનું હોય છે
બાળકોને ક્યાં કશી કંઈ જાણ છે?
એક દિ’ મોટું થવાનું હોય છે

2.
અજબ છે હાલ દુનિયાનો
ગજબ છે આજના લોકો
જરા જુઓ તો કેવી આદરે છે
વારતા લોકો

કહે છે એક બાજુથી,
સમય સારો નથી આજે
ને પાછા એ સમય સાથે જ
ચાલે છે બધા લોકો

3.
નદીનાં જળને દરિયામાં
ન કોઈ શોધી શકવાનું
પડે તજવું અગર પોતાપણું
તો એય તજવાનું

અમસ્તી મસ્તી માટે કોઈમાં
ભળવાનો શું મતલબ?
જો ભળવાનું કોઈમાં
તો નદીની જેમ ભળવાનું

4.
બધાં અંધારાંને ખુદમાં
સમાવી રાતનો દરિયો
મનાવે શોક આજે આટલો
કઈ વાતનો દરિયો

નથી ઘૂઘવાટ, મોજાંમાંય
પાણી છે નહીં અહીંયાં
પૂનમની રાતે પણ છે શાંત,
છે કઈ જાતનો દરિયો

5.
અડધી ત્યાં નદી હશે
ને અડધો દરિયો હશે
ને એમાંય એકબીજામાં
પડતો પડઘો હશે

ને અસ્તિત્વ બેમાંથી
એક થાવાની વેળાએ
દરિયામાં નદી હશે
ને નદીમાં દરિયો હશે

6.
હવે તો કુદરતે એનો
નિયમ બદલાવવો પડશે
ગગનને ફાવે કે ના ફાવે
પણ ફવડાવવો પડશે

સમયની માગ છે ને
ચાંદની પણ છે જરૂરી ખૂબ
અમાસે પણ હવે તો
ચંદ્રને ચમકાવવો પડશે

7.
સફર આદરી છે જે મંઝિલને કાજે
એ મંઝિલમાં એવું નથી કંઈ જે છાજે
બધાને ગગન છે હવે પોતીકું પણ
ગગનમાં નથી કોઈ પોતીકું આજે

~ હેમંત કારિયા, મુંબઈ
~ મોઃ +91 98211 96973
~ પ્રકાશકઃ શુભ પ્રકાશન
અંધેરી (પશ્ચિમ), મુંબઈ
~ મોઃ +91 77009 13055

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ખૂબ સુંદર મુક્તકો… કવિશ્રીને અભિનંદન અને શુભેચ્છાઓ …