આમંત્રિત (નવલકથા) ~ પ્રીતિ સેનગુપ્તા ~ પ્રકરણ:28-29

પ્રકરણ: ૨૮

હું એની સાથે રહેવા આવ્યો છું ત્યારથી કદાચ પહેલી વાર સચિનનું ધ્યાન મારા પર નથી ગયું. આજે એની વાતોમાંએની અને જૅકિની વાતોમાંમશગુલ થઈ ગયો છે. તે સારું છે, બંનેની આવી ખુશી માટે હું પણ ખુશ છું. પણ આજે એને મારા મોઢા પરનો થાક, કે પછી થોડી ઉદાસી દેખાઈ નથી. એટલો આનંદમાં છે કે

વખતે ફોન આવ્યો. મેં ચૂપચાપ સાંભળ્યા કર્યું, અને ફોન મૂકી દીધો.

સચિન જરા અકળાઈનેએની વાતોમાં ખલેલ પડીનેબોલ્યો, “કોણ હતું, પાપા?”

મારે કહેવું તો પડે કે કોનો ફોન હતો

જો બાબા, શર્માજીએ ફોન કર્યો. એમ કહેવા કે ગઈ કાલે વહેલી સવારે માનિની મૃત્યુ પામી છે.”

શું કહો છો? આટલું જલદી કઈ રીતે બન્યું? અમે ફ્રાન્સ જતાં પહેલાં એને જોવા હૉસ્પિટલમાં ગયેલાં. ત્યારે તબિયત એવી ખરાબ તો નહોતી.” સચિન આઘાત પામી ગયો. હવે બીજી બધી વાત છોડીને એણે કહ્યું, “પાપા, તમે શર્માજીને ફોન કરોને. ફ્રી હોય તો હમણાં મળી આવીએ.”

પછી તો દિવાનને પણ તૈયાર થઈને તરત નીચે આવી જવાનું કહ્યું, અને જલદીથી અમે ઈસ્ટ સાઇડ પર શર્માજીને ત્યાં જવા નીકળી ગયા.

શર્માજી એકલા બેઠા હતા. બે દિવસમાં સાવ નંખાઈ ગયેલા લાગતા હતા. અમને ત્રણેનેઆવોકહીને સચિનની સામે જોઈને બોલ્યા, “ તને બહુ યાદ કર્યો એણે, બેટા. કહ્યા કરતી હતી, સચિનને કહ્યું? સચિનને બોલાવોને. સચિન ક્યારે આવશે?”

અંકલ, હું સત્તરઅઢાર દિવસથી બહારગામ હતો. હમણાં બે કલાક પહેલાં પાછો આવ્યો છું. અહીં હોત તો તરત મળવા ના આવી જાત?”

હા, બેટા. તારા પાપાએ મને જણાવ્યું હતું, કે તું અહીં નથી. જાણે છે, એક વાર માનિનીએ ધીમેથી મને કહેલુંએવી અશક્ત થઈ ગઈ હતીને, કે બહુ બોલાતું પણ નહોતું. કહે,‘દાદાજી, સચિન જેવો મિત્ર મને પહેલાં મળ્યો હોત તો હું બચી ગઈ હોત. મને જિંદગીનો સાચો આનંદ જાણવા મળ્યો હોત. મારી આવી હાલત ના થઈ હોત.’ છોકરી ડાહી હતી, પણ એને સોબત ખરાબ મળી. નાની ઉંમરે વધારે પડતા પૈસાની છૂટ મળવાથી કેવું નુકશાન થઈ જઈ શકે છે, તે બધા યુવાન લોકોએ સમજવા જેવું છે”,  શર્માજી આંખો લૂછતા લૂછતા બોલ્યા.  

અમે ત્રણ અવાક્ થઈને બેસી રહ્યા. હું અને દિવાન શર્માજીની બે બાજુ પર બેઠેલા, એમના ખભા પર હાથ મૂકીને, પણ અમે સાંત્વનના કોઈ શબ્દ બોલી ના શક્યા. પોતાના પહેલાં પૌત્રીને જતી જોવી પડી, એનું દુઃખ કોઈ પણ શબ્દોથી ઘટવાનું ન હતું.

માનિનીને શું થયું હતું, તે પૂછવાનું યોગ્ય નહોતું લાગતું. પણ શર્માજી આગળ બોલ્યા, “જેવી રૂપાળી હતી તેવી હોંશિયાર પણ હતી. તારી જેમ પણ પ્રોફેશનલ કરિયર કરી શકી હોત, સચિન. પણ એને ધૂન લાગેલી મઝા કરવાની. આખો વખત મઝા. ખાવાનું સાવ નહીં જેવું, પીવાનું વધારે. સિગારેટ પણ ખરી, અને બીજા ડ્રગ પણ લેતી હોય તો કોણ જાણે. રોજ બહાર જવાનું. ક્યારેક તો રાતે પાછી પણ ના આવી હોય. માબાપનુંલોકેશ ને શીલાનુંકશું સાંભળે નહીં. હું પાસે બેસાડીને કાંઈ કહેવા પ્રયત્ન કરું, તો હસતાં હસતાં કહે, ‘અરે, દાદાજી, જમાનામાં તો આમ જીવવાનું હોય. જિંદગી કેવી ટૂંકી છે. છેને? તો પછી એને રોજે રોજ માણવાની હોય ને.’ મને ભાષણ આપે. હું તો કહીશ, મઝા અંગેના સાવ ખોટા ખ્યાલમાં ફસાઈ ગઈ હતી.”

હું વચમાં સચિનની સામે જોઈ લેતો હતો, અને અંજલિને યાદ કર્યા કરતો હતો. બે જાતે જાતે મોટાં થયાં, પણ આવા રવાડે ના ચઢી ગયાં, ને આવાં મિત્રોમાં ના ફસાયાં, માટે ફરીથી, ફરી ફરી, મનોમન હું નસીબનો પાડ માનતો હતો

કદાચ શર્માજીને પોતે પણ જવાબદાર લાગતા હશે, કે પછી હું ને દિવાન પાસે હતા તેથી દિલ ખાલી કરવા માગતા હશે. બોલતા ગયા, “નાનપણમાં બહુ લાડમાં ઉછેરી હતી માનિનીને. કોઈ વાતની ના નહીં પાડવાની. મારા અને એની દાદી તરફથી માનિનીને બધી છૂટ હતીને તે વખતે. માગે તેનાથી વધારે પૈસા હું આપતો હતોને એને. સ્કૂલમાં બધાં મિત્રોને માટે પૈસા ખરચતી. બધાં કહેવાતાં મિત્રો. એવાં એને મળતાં પણ રહ્યાં. છેક સુધી.”

સચિન રસોડામાં જઈને એમને માટે પાણી લઈ આવ્યો. પાણી પી, આંખો લૂછીને એમણે કહ્યું, “બેટા, અમારે માનિનીની પાછળ ચૅરિટીમાં પૈસા આપવા છે. તને ખ્યાલ છે વિષે કશો?” 

સચિનને તરત ગ્રાન્ડ કૅથિડ્રાલમાં મળેલો તે વિલિયમ યાદ આવી ગયો. એણે શર્માજીને ત્યાંના સૂપકિચન વિષે કહ્યું. “ત્યાં આર્મિના રિટાયર્ડ સોલ્જરો માટે જમવાના ડબ્બા તૈયાર થાય છે, અને બસોઅઢીસો હોમલેસ લોકો ત્યાં રોજ જમે છે. કેન્દ્રમાં ફંડની જરૂર હંમેશાં હોય છે. નહીં તો અંકલ, તમે કોઈ મંદિરમાં પણ પૈસા આપી શકો.”

હા, કોઈ વાર મંદિરમાં જવાનું થશે ત્યારે ત્યાં પણ આપીશું. અમુકમાં સામાજિક કાર્યો થતાં હોય છે, કાઉન્સેલિંગ વગેરે પણ થતું હોય છે. ત્યાં જરૂર અમે મદદ કરીશું. પણ આપણે અમેરિકામાં રહીને પૈસા કમાયા, સુખી થયા, તો અહીંની દુઃખિયારી પ્રજાને પણ આપણે સહાય કરવી જોઈએ, એમ મને લાગે છે. તેં ઘણું સારું સૂચન કર્યું છે, ને અત્યારે તો, તું કહે છે ત્યાંને માટે કશુંક કરવાનું મન થાય છે.” 

સચિને તરત વિલિયમને ફોન કર્યો. ત્યાં હતો, ને તરત એની સાથે વાત થઈ ગઈ. કયા નામે ચેક લખવાના તે વિલિયમે જણાવ્યું, અને પ્રમાણે શર્માજીએ બે ચેક લખી આપ્યા

સાથે , એમને સચિનની સાથે ગ્રાન્ડ કૅથિડ્રાલ પર જવાની, અને ચૅરિટી સેન્ટર જોવાની પણ ઈચ્છા થઈ. કહે, “જોઉં, ને સમજું, તો ફરી દાન કરી શકું. અને ક્યારેક ત્યાં જઈને સમયની મદદ પણ કરી શકું.” 

હું તો પહેલાં સચિનની સાથે ત્યાં ગયો હતો, પણ દિવાન નહોતા ગયા. એમને પણ થયું, કે સાથે છે તો પણ કેન્દ્ર જોઈ કેમ ના લે

વિલિયમને કહેલું હતું એટલે અમારી રાહ જોતો હતો. એની પત્ની સુઝન પણ હતી. સચિને અમારી ઓળખાણ કરાવી. શાને માટે દાન કરવાનું છે, તે વિલિયમે પૂછ્યું નહીં, ને અકાળ અવસાન વિષે અજાણ્યાંને વાત કરવાનું શર્માજી ઈચ્છતા પણ ન હતા

ચેકમાંની રકમ જોઈને વિલિયમે ખૂબ આભાર માન્યો. “તમે અમને ખૂબ સમયસર મદદ કરી રહ્યા છો, સર. અત્યારે અમારે વધારે લોકોને ખાવાનું પૂરું પાડવાનું છે, કારણકે હાર્લેમમાંનું એક કેન્દ્ર હમણાં બંધ થયું છે.”

હાર્લેમનું નામ સાંભળીને હું ચોંકી ગયો. જાણે મારા કોઈ પરિચિતનો ઉલ્લેખ થયો હતો. સચિને જોઈ લીધું હતું. એણે વિલિયમને પૂછ્યું, “કયું કેન્દ્ર? હંમેશ માટે બંધ કરવું પડ્યું છે?”

ના, ના. હમણાં ત્યાં મકાનનું સમારકામ ચાલે છે, એટલે ત્યાં જમવા જનારા હોમલેસ લોકોને બીજાં બેએક કેન્દ્રમાં વહેંચી દીધા છે. પણ આથી દરેક કેન્દ્ર પર ભાર વધી જતો હોય છે. બે ચેકની રકમ આપીને તમે અમારા પર બહુ રાહત કરી છે, સર”, વિલિયમે ફરીથી શર્માજીનો આભાર માન્યો.

એણે તો સચિનનો પણ આભાર માન્યો, કારણકે એણે કેન્દ્ર વિષે શર્માજીને જાણ કરી હતી.   

શર્માજીએ વિલિયમને બીજી કઈ કઈ પ્રવૃત્તિ ત્યાં થાય છે, તે વિષે પૂછ્યું. એણે કહ્યું, કે આમ તો જમાડવાનું થતું હોય છે. પણ ક્યારેક બહુ જરૂર હોય તો કાઉન્સેલિંગ, શારીરિક કસરત વગેરે જેવી મદદ પણ કરવામાં આવે છે. માટે સુઝનની જરૂર પડતી. એની ટ્રેઇનિંગ બાબતોમાં હતી. સુઝને જણાવ્યું કે લોકોને જાતજાતના માનસિક તેમજ શારીરિક રોગ થતા હોય છે. કેન્દ્રમાં અમે એમને તાત્કાલિક સહાય આપી શકીએ. પછી વધારે સારવાર માટે એમણે સરકારી કાર્યાલયોમાં જઈને નોંધણી કરાવવી પડે, અને જરૂર પ્રમાણેની ચિકિત્સા મેળવવી પડે.

આવી સમસ્યા શું ન્યૂયોર્ક જેવા મોટા, અને વસવાટ માટે કઠિન કહેવાય એવા શહેરમાં હોય છે?”,  દિવાને પૂછ્યું.  

અરે, ના, ના. અમેરિકાના દરેક મોટા ને નાના શહેરમાં ઓછેવત્તે અંશે આવી સમસ્યાઓ ઊભી થયેલી છે. માનવું મુશ્કેલ લાગે છે, નહીં? એકદમ આધુનિક અને ધનિક ગણાતા દેશમાં આટલી મોટી સંખ્યામાં ગરીબ અને હોમલેસ લોકો હોય, તે કોણ માની શકે? પહેલાં ઘર, કુટુંબ, નોકરી વગેરે જવા માંડે, ધીરે ધીરે હાલત બગડતી જાય, ને પછી માનસિક અને શારીરિક રોગ થવા માંડે, તેમજ ગુના કરનારાઓ પણ વધતા જાય.”

મારે અહીં આવીને મદદરૂપ થવું હોય તો —”

સુઝન અને વિલિયમે માથાં હલાવ્યાં, અને કહ્યું કેએવું તો ના થઈ શકે. એક તો, સુઝન કરે છે તેવી મદદ માટે તો ક્ષેત્રમાં ડિગ્રી હોવી જોઈએ”, વિલિયમ બોલ્યો. “અને બીજું, લોકો સાથે કામ કરવું, કે એમને મદદરૂપ થવું પણ હંમેશાં સહેલું નથી હોતું. આપણે સાચવવું પડે, ને સતર્ક રહેવું પડે. કોઈ ક્યારે ઝગડી પડે, કે મારવા માંડે, તે કહેવાય નહીં.”

હુંમાનવીય કેન્દ્રમાં બેસવા બે વર્ષ રહ્યો, અને મદદરૂપ થયો. પણ ત્યાં આવતા લોકો ઘણા શાંત અને મળતાવડા હતા, એટલે વાંધો ના આવ્યો”, મારાથી કહેવાઈ ગયું.

કેન્દ્ર બહુ સારું હતું. સરકારે મદદ બંધ કરી, ખરુંને? એટલે કેન્દ્ર પણ બંધ થયું. આવી વાસ્તવિકતા છે, તે કેટલાં ઓછાં જાણતાં હોય છે, નહીં?”, વિલિયમ બોલ્યો.  

પણ તમે આવીને સોલ્જરો માટેના ખાવાનાના ડબ્બા ભરાવવામાં મદદ કરી શકો, ખરુંને, વિલિયમ?”, સુઝને કહ્યું.    

હા, થઈ શકે, કારણકે કામ રસોડાની બાજુના રૂમમાં થતું હોય છે, અને ત્યાં કાર્યકરો અને સ્વયંસેવકો સિવાય કોઈ જતું નથી હોતું. હમણાં તો અમારી પાસે પૂરતા મદદગારો છે, પણ તમારો ફોન નંબર મને આપી રાખો, સર. જરૂર હોય ત્યારે હું તમને આગળથી ફોન કરી દઈ શકું”,  વિલિયમે વિવેકથી જવાબ આપ્યો.

બહુ સારી માહિતી મળી હતી અમને. અમે સુરક્ષિત રહીને મદદરૂપ કેવી રીતે થઈ શકીએ, જાણવું અમને ત્રણેયને ગમ્યું હતું. સચિને સુઝન અને વિલિયમ સાથે ફરી મળવાની વાત કરી

બહાર નીકળીને સચિને અમને એક કાફે તરફ દોર્યા. કહે, “તમને હું સરસ કૉફી પીવડાવું.”

પેલા હંગેરિયન કાફેમાં બેઠા પછી ફરી શર્માજી રુંધાયેલા અવાજે કહેવા માંડ્યા, “તમે બધા મારા સાચા મિત્રો છો. તમે પૂછ્યું પણ નથી કે લોકેશ અને શીલા, એટલેકે માનિનીનાં પપ્પામમ્મી ઘેર કેમ ના દેખાયાં. ગઈ કાલે અગ્નિદાહ અપાયો. અમે કોઈને ના બોલાવ્યાં. માંદી હતી, પણ તોયે જીવતી હતી ત્યારે કોણ આવ્યું એને જોવા, એને મૈત્રીની હુંફ આપવા? અમે ત્રણ જણે એને વિદાય આપી. પછી લોકેશ અને શીલા સોએક માઇલ દૂર એક બૌદ્ધ મઠમાં ત્રણેક દિવસ રહેવા જતાં રહ્યાં. ત્યાં પહેલાં પણ ગયાં છે બંને, અને ત્યાં એમને બહુ શાંતિ મળે છે

અત્યારે તરત લોકેશશીલાને માનિની વગરના ઘેર પાછાં નહોતું જવું. પણ મેં ઘેર રહેવાનું નક્કી કર્યું. અઘરું છે મારે માટે પણ, છતાં મેં ઘેર રહીને સ્વસ્થ થવાનું પસંદ કર્યું.”

સચિન તરત બોલ્યો, “અંકલ, તો આજે તમે ઘેર ના જાઓ. અમારે ત્યાં રાતે રોકાઓ.”

નહીં તો મારે ત્યાં રહેજો. મુકુલ ને રીટા પણ બહાર છે આજે”,  દિવાને કહ્યું.

શર્માજી નાના તો કર્યું, પણ દિવાન અને હું આગ્રહ કરતા રહ્યા. દિવાનને સરસ કંઇક સૂઝ્યું હશે, તે કહેવા માંડ્યા, “જુઓ, શર્માજી, કાલે આપણે ત્રણ જણા સાથે દિવસ પસાર કરીશું, સાથે જમીશું, સાંજે નીચે પાર્કમાં સાથે આંટો મારીશું. બરાબર ને?”

હું ને સચિન તો નાટ્યાત્મક રીતે કહેવાયેલી વાત સાંભળીને હસી પડ્યા, પણ શર્માજીના હોઠ પર પણ આજે પહેલી વાર આછું સ્મિત જોવા મળ્યું.

પ્રકરણ: ૨૯

કેવા સરસ દિવસો વીત્યા હતા ફ્રાન્સમાં. હજી તો એમને યાદ કરી કરીને આનંદ પામવાનો હતો, ને ત્યાં આ અણધાર્યા, આઘાતજનક સમાચાર.

સચિનને ક્યાં ખાસ ઓળખાણ હતી માનિનીની સાથે? પણ એને લાગ્યું હતું કે સચિન એને મૈત્રી આપી શકશે, ને તો હજી કદાચ એ બચી જાત.

સચિને ક્યારેય કોઈને આમ ગુમાવ્યાં નહતાં. મૉમનાં માતા-પિતા ક્યારે અવસાન પામ્યાં હશે, તે એ જાણતો નહતો. ને છાપાંમાં કોઈ મોટા માણસોના મૃત્યુના સમાચાર વાંચીને અંગત રીતે આઘાત ના લાગે. આ તો કોઈ પોતાની ઉંમરનું આમ જતું રહે – કંઇક નિર્દોષતા ને કંઇક મૂર્ખામીને કારણે, તે જાણીને એ બેચેન થઈ ગયો હતો.

જૅકિ ક્યારની એની રાહ જોતી હતી, પણ સચિનનું ઉદાસ મોઢું જોઈને એણે કશું પૂછ્યું નહીં. એના વાળમાં હાથ ફેરવવા લાગી. થોડી વારે ઊઠીને પાણી લઈ આવી.

“જૅકિ, તું ક્યારેય મને છોડીને જતી ના રહેતી.” જૅકિ સમજી તો નહીં, પણ કાંઈ બોલ્યા કે પૂછ્યા વગર, સચિનની સામે જરા સ્મિત આપીને માથું હલાવતી રહી. એક શ્વાસ લઈને સચિને એને માનિનીના સમાચાર આપ્યા.

હવે જૅકિની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. હૉસ્પિટલમાં એણે માનિનીને જોઈ હતી. એને માટે સહાનુભૂતિ જ થઈ હતી. પણ સહેજમાં એની જિંદગી પૂરી થઈ જશે, એવું તો કોઈએ માન્યું નહતું.

બંને જણ હાથ પકડીને, કશી વાત કર્યા વગર, ઘણી વાર સુધી બાલ્કનિમાં બેસી રહ્યાં.

સવારે સચિને ફોન ઉપાડ્યો, ને ખલિલ ખોટું ખોટું ઝગડવા લાગ્યો. “આવી ગયો કે નહીં? ક્યારે આવ્યો? આવીને એક ફોન પણ ના થયો તારાથી. જાણે તું જ એક બિઝી હોઈશ. ને છેક હવે એમ ના પૂછતો કે શું કામ છે.”

“કેમ છે, દોસ્ત? અમે ગઈ કાલે જ આવ્યાં, ને મુસાફરીનો થાક બહુ લાગ્યો હતો. બોલ, ગુરુવારે મૅરૅજ લાયસન્સ બ્યુરો -માં કેટલા વાગ્યે મળવાનું છે?”

ટેવ પ્રમાણે ખલિલ પાછો ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યો, “આપણે સિટિ હૉલનાં આગલાં પગથિયાં પર સવારે બરાબર સાડા આઠ વાગ્યે મળીશું. રેહાના આવે ત્યારે આપણે ત્યાં આવી ગયા હોઈએ તે સારું.”

ખલિલે આખી વાત સમજાવી. રેહાનાની નાની બહેન રૂહીને તો બહુ જ ઈચ્છા હતી હાજર રહેવાની. એ એકલી તો ન્યૂયોર્ક ક્યાંથી આવે? એટલે રેહાનાનાં મમ્મી-પપ્પા અને રૂહી આગલી રાતે આવીને રેહાનાની સાથે રહેવાનાં હતાં.    “મારા તરફથી તો મારે એક તું જ ત્યાં હાજર જોઈએ છે, દોસ્ત. ને સાક્શી તરીકે પણ એક તું જ. બસ”, ખલિલે કહ્યું. એમની મૈત્રીમાં આ ખાસ પ્રસંગે બીજું કોઈ જરા પણ ભાગ પડાવે તે એને કે સચિનને જોઈતું નહતું.

સહી-સિક્કા થઈ જાય પછી બધાં ખલિલનાં મા-બાપને ત્યાં લંચ લેવાનાં હતાં. સચિન તો આવશે જને, એમ ખલિલે માન્યું હતું, પણ સચિને સમજાવ્યું, કે “બંને કુટુંબો જ સાથે હોય, તે વધારે સારું છે. ને ઑફીસમાં આ અઠવાડિયે મારે વધારે કામ રહેવાનું છે.”

માનિનીના સમાચારથી એ હજી બેચેન હતો. કોઈ ઉજવણીમાં ભાગ લઈ શકે તેમ નહતો. ને અત્યારે ખલિલને ઉદાસ કરે તેવા કોઈ સમાચાર આપવા માગતો નહતો.

પછી તો ગુરુવારે સવારે જ બધાં ભેગાં થયાં. ન્યૂયોર્ક શહેરનો સિટિ હૉલ, એટલેકે મ્યુનિસિપાલિટિનૂં મકાન આવું મોટું, રાજમહેલ જેવું હશે, તેની રેહાનાનાં પૅરન્ટ્સને તો ખબર જ નહતી. આટલો મોટો ઘુમ્મટ, આટલા થાંભલા, પ્રવેશમાં આટલાં પહોળાં પગથિયાં, ને અંદર જાઓ કે તરત ગોળ ફરતે જતો દાદર. દીવાલ પર સળંગ કળાકૃતિઓ. સચિને જણાવ્યું કે આ ઘણી જૂની ઇમારત હતી. છેક ૧૮૧૧-૧૨માં ખુલેલી. પછીથી બહાર અને અંદર અમુક સમારકામ થતું ગયું, પણ એનો દેખાવ મૂળ પ્રમાણે જ રહ્યો છે. રૂહીએ તરત કહ્યું, “ખલિલભાઈ, તમારે કહ્યે અમે ના આવ્યાં હોત તો આ બધું જોવા પણ ના મળ્યું હોત ને.”

આવા પ્રસંગે પણ બધાં ફૉર્મલ કપડાં પહેરે જ, એવું અમેરિકામાં જરૂરી નથી હોતું, પણ બંને મિત્રો એમના મોંઘા, ઘેરા બ્લુ સૂટ્સમાં સજ્જ હતા. જૅકિએ સચિન સાથે મજાક કરેલી, “જોજે, કોઈ તને પરણવા તૈયાર મૂરતિયો ના માની બેસે!”  અને રેહાના? એણે સાવ સફેદને બદલે આછા બદામી રંગનો લાંબો ડ્રેસ પસંદ કર્યો હતો. એના પર સોનેરી અને મરૂન કિનાર ભરેલી હતી.

રેહાનાને માટે તાજાં મરૂન ક્રિઝાન્થમમ ખલિલ પોતે જ લાવેલો, તે રેહાનાની મમ્મીએ એના વાળમાં ભરાવી આપ્યા. અને બ્રાઇડના તો હાથમાં પણ ફૂલ હોવાં જોઈએ, પછી ભલેને બ્રાઇડ કોઈ ધાર્મિક વિધિથી નહીં, પણ સહી કરીને લગ્ન કરવાની હોય. એ માટેનો ‘બુકે’-ગુચ્છ પણ ખલિલ જ લેતો આવેલો. કશુંક વિશિષ્ટ લાવવા માટે એણે વિચાર કરેલો, અને પછી રેહાનાને માટે એ ખાસ સફેદ અને આછાં ગુલાબી પિયોનિ ફૂલનો ગુચ્છ લઈ આવેલો. “સુંદર અને સુકોમળ, તારી જેમ”, એણે રેહાનાને કહ્યું, “અને સુગંધી, આ પ્રસંગની યાદની જેમ.”

“ને હવે તું કવિ થવાનો કે શું?”, ત્યારે પણ રેહાના એને ચિડાવ્યા વગર રહી શકી નહતી!

મૅરેજ લાયસન્સ બ્યુરોના કમરાની બહાર બીજાં બે યુગલ આવી ગયેલાં હતાં. ખલિલ અને રેહાનાનો વારો ત્રીજો હશે. ખલિલ ખુશ થયો, કે બહુ વાર નહીં થાય. “સારંુ થયું ને આપણે નવ વાગતાં પહેલાં આવી ગયાં?”, એણે કહ્યું. એ પછી તો ધીરે ધીરે કરતાં બીજાં દસેક યુગલો આવતાં ગયેલાં.

ખલિલ અને રેહાનાનો વારો આવ્યો ત્યારે સાક્શી તરીકે અંદર બે જણ જઈ શકે. નક્કી એમ થયું હતું, કે સચિન તો ખરો જ, અને બીજાં રેહાનાનાં મમ્મી જશે. અરજી-ફૉર્મ ભરીને તૈયાર હતાં, અને ઓળખ-પત્ર તરીકે ડ્રાયવર-લાયસન્સ સાથે રાખેલાં હતાં. વિધિમાં તો અરસપરસ લગ્ન માટેની મરજી દર્શાવવાની હતી. તે પછી મોટા ચોપડામાં બંનેએ સહી કરી, બંને સાક્શીઓએ સહી કરી, અને સિક્કો મરાઈને એમનું મૅરેજ-સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું.

સચિન બહાર જવા માંડ્યો, કે જેથી ખલિલ અને રેહાનાને પરણી ગયા પછીની પહેલી મિનિટે પ્રાઇવસી મળે. બહાર આવ્યાં ત્યારે બંનેનાં મોઢાં પર ઊંડા પ્રેમ અને સુખનો ભાવ જોઈ શકાતો હતો. સચિને ખલિલને ભેટીને અભિનંદન આપ્યાં. રૂહી તો દોડીને રેહાનાને વળગી પડી હતી. એનાં મમ્મી સ્મિત સાથે આંખો લુછતાં હતાં, અને પપ્પા ખલિલનો હાથ હલાવતા હતા. એ પણ સમજ્યા હતા કે એમનાં દીકરી અને નૂતન જમાઈએ આ રીતે લગ્ન કરીને બહુ ડહાપણ અને મૅચ્યૉરિટી દર્શાવ્યાં હતાં.

સચિને રેહાનાને કહ્યું, “તને બેવડી શુભેચ્છાઓ – વર્ષગાંઠની અને લગ્નની. પણ તું આજથી જ તારા વર પર રુવાબ કરવા માંડજે, હોં. નહીં તો એ ઘરમાં બૉસ બની બેસશે.”

“અલ્યા, તું મારો મિત્ર છે, કે એનો?”, ખલિલે સચિનને રમતિયાળો ધબ્બો માર્યો.

પછી સચિને બધાંને એ પહોળાં, ઐતિહાસિક આગલાં પગથિયાં પર ઊભાં રાખીને ઘણા ફોટા પાડ્યા. આખા કુટુંબના, ફક્ત રૂહી સાથે, ફક્ત મા-બાપ સાથે, અને કેવળ ખલિલ સાથે. રેહાના અને ખલિલ -એ બે જણના તો, જુદા જુદા પોઝમાં, સારા એવા લઈ લીધા. ખલિલે આગ્રહપૂર્વક એનો અને સચિનનો પણ એક પડાવ્યો. વળી એક રેહાના સાથે ત્રણ જણનો પણ લીધો. રૂહીએ જ લીધા એ બધા. કહે, “હા, હા, મને આવડે છે.”

છૂટાં પડતી વખતે, સચિન સાથે નથી જતો જાણીને પૅરન્ટ્સ જરા નવાઈ પામ્યાં હતાં. ખલિલ નિરાશ થયો હતો, પણ એણે માન્યું હતું કે સચિનને જરૂર કામ હશે. એનાં પોતાનાં પૅરન્ટ્સ એમને ઘેર દીકરા અને નૂતન વહુની રાહ જોતાં હતાં, એટલે નજીકમાં એકાદ કૉફી પીવા પણ બેસાય તેમ નહતું.

“કાલે લંચમાં મળીશું, ટાઇમ ખાલી રાખજે”, ખલિલે સચિનને કહી દીધું.

સચિન સીધો પાપાને મળવા જતો રહ્યો હતો. કદાચ એમની સાથે વાતો કરીને કૈંક સાંત્વન મળશે, એમ એને લાગતું હતું. માલતીબેન ખુશ થઈ ગયાં, કે આજે સચિનભાઈને ગરમ ગરમ રોટલી ખવડાવી શકશે. અંજલિ પણ હતી. “અરે વાહ, સિસ. આજે તું ઘરમાં છે ને કાંઈ”, સચિને કહ્યું.

માનિની અને શર્માજીની વાત તો તરત નીકળી જ. બધાંને જ જાણે મન ખાલી કરવાની જરૂર હતી. એ વાત ઘુમરાયા જ કરતી હતી – ફરી ફરી સુજીત વિચારે, આવું કંઇક અંજલિને થયું હોત તો?; અને અંજલિ વિચારે, આવું કંઇક મને થયું હોત તો? ત્રણેય વિચારતાં હતાં, આ જમાનામાં, મઝા કરવાના ખોટા ખ્યાલોને કારણે, કેટકેટલી યુવાન છોકરીઓ આવું પરિણામ પામતી હશે?

“ઓહ, તમને ફોટા બતાવું”, સદ્ભાગ્યે એને એકદમ યાદ આવ્યું. ખાસ તો ખલિલ અને રેહાનાના ફોટા પાપાને અને અંજલિને બતાવ્યા. માલતીબેન કહે, “અરે, મને તો બતાવો.” ખલિલ અને રેહાનાને એમણે જોયેલાં. અંજલિને તો બધા જ ફોટા જોવા હતા. એ પાપાની સામે ફોન રાખીને જલદી ફોટા ફેરવતી ગઈ.

“પાપા, રેહાનાનાં પૅરન્ટ્સને જોઈને એ બંને યાદ આવે છે?”, સચિને પૂછ્યું.

પણ સુજીતને આટલાં વર્ષે હવે એમનાં મોઢાં યાદ નહતાં.

“રૂહી તો કાંઈ બહુ શોખથી તૈયાર થઈ છે ને”, અંજલિએ નોંધ્યું. “પણ રેહાના બહુ સરસ લાગે છે. અમે સાથે જ જૅક્સન હાઇટ્સની ઇન્ડિયન દુકાનમાંથી, ઝીણા સરસ ભરતવાળો, આ લાંબો ડ્રેસ પસંદ કરેલો. એને સાવ સફેદ, એકદમ વૅસ્ટર્ન બ્રાઇડ જેવો નહતો જોઈતો. થોડો ઇન્ડિયન ‘ટચ’ હોય તો જ ગમે ને આપણને.”

ખરેખર જ સચિન જરા હળવો થઈ શક્યો હતો. ખલિલનાં લગ્નની આનંદની વાતો કરીને એનો સહજ આનંદ પણ પાછો આવવા લાગેલો.

“અરે. પાપા”, સચિને કહ્યું, “રૉબર્ટ અંકલ પૂછતા હતા કે ક્યારે એમને ઘેર જઈશું? કહેતા હતા કે વામા આન્ટીએ તો આપણને કાલે જ જવાનું આમંત્રણ આપ્યું છે. હા કહી દઉંને?”

સુજીતને એકદમ શ્વાસ લેવામાં વાર લાગી. સહેજ વાર શાંત રહી પછી એ બોલ્યા, “ના, બાબા, હમણાં નથી જવું. હજી મન નથી થતું કોઈને મળવાનું. દિવાન અને શર્માજી બરાબર છે, અને લિરૉય પણ ખરો. બીજાં કોઈને મળવા માટે જાણે મારે બહુ પ્રયત્ન કરવા પડે છે.”

એ સૂવા ઊઠ્યા ત્યારે, સચિન સમજી ગયો કે અંદર જઈને એક વધારાની દવા લેવી પડશે પાપાને. ‘કોઈ પણ કારણસર એમને રૉબર્ટ અંકલ અને વામા આન્ટીને મળવાની ઈચ્છા ના હોય, તો નહીં. કોઈ જાતનું દબાણ કરવું નથી મારે.’

બીજે દિવસે લંચમાં સચિન અને ખલિલ મળ્યા ત્યારે આનંદની વધારે વાતો થઈ. કુટુંબમાં બધાં ખૂબ ખુશ હતાં. પહેલાં આવાં લગ્ન પ્રત્યે એમનો વિરોધ હશે, પણ હવે તો ચારેય પૅરન્ટ્સ સંતોષ પામતાં હતાં, કે એમનાં સંતાન આવી સમજણ અને ઉદારતા ધરાવે છે. ખલિલનાં મમ્મીએ, ખાસ યાદ કરીને, સચિનને માટે લગ્ન નિમિત્તની મીઠાઈ મોકલી હતી. “તું આવ્યો હોત તો બધાંને બહુ ગમ્યું હોત, દોસ્ત”, ખલિલ બોલ્યો.

“અરે, હજી તો તમારા બે પ્રસંગો બાકી છે ને, ત્યારે બધાં મળશે.”, સચિને કહ્યું.

“બરાબર. પણ તું શું વિચારે છે? તને ય હવે રોજ સવારે ઊઠીને, સૌથી પહેલાં જૅકિનું મોઢું જોવાનું મન નથી થતું?”

“થાય છે જ ને. પણ હમણાં તો હું એને ત્યાં છું જ ને. મારા રૂમમાંથી બહાર નીકળું કે પહેલાં એ જ દેખાય છે ને. આ સિવાય, હજી મારે પાપાને સંભાળવાના છે. અંજલિ હમણાં તો એમની સાથે છે, પણ ધારો કે એ ને માર્શલ ક્યાંક બીજે રહેવા જવાનું વિચારે તો? પાપા એમની સાથે જઈ જ શકે, પણ ધારો કે એમને બીજે ના જવું હોય તો?

હજી આવા પ્રશ્નો છે ત્યાં સુધી હું અને જૅકિ લગ્નનું નથી વિચારતાં. સાથે જ છીએ ને. ને ઉતાવળ છે જ ક્યાં? શારીરિક ભલે નથી, પણ મન અને હૃદયથી અમે ખૂબ નજીક છીએ, ખલિલ. તું સમજી શકે છે ને, કે આવી મૈત્રી બહુ થતી નથી હોતી. મારે તો જેમ તું છે તેમ હવે જૅકિ પણ છે. મને જેમ તારો આધાર છે તેમ હવે એનો પણ છે.”

“તું બહુ ખ્યાલ રાખે છે બધાંનો. અચ્છા સાંભળ, ઘેર જે બે પ્રસંગો થવાના છે, એમાં અંકલને ચોક્કસ લેતો આવજે. જૅકિ તો જાણે હશે જ. તમે બધાં હશો તો જ મારે માટે પ્રસંગ સંપૂર્ણ બનશે, જાણે છે ને?”

“હું પાપા સાથે વાત કરીશ. એમને જો ઈચ્છા નહીં હોય તો હું પરાણે નહીં લાવી શકું. ને જૅકિ ગરબામાં આવશે, કદાચ બીજે દિવસે નહીં આવે. એ કોઈને ઓળખે નહીં, અને કદાચ એને પણ મન ના હોય.

પણ સાંભળ, ખલિલ, તને એક વાત કરવાની છે. તારાં લગ્ન પહેલાં તારો મૂડ નહતો બગાડવો. જો, તને માનિની યાદ છે? મેં તને વાત કરી હતી એના આધુનિક પ્રકારના ‘હુમલા’ની. એ વખતે તો આપણે હસ્યા હતા. હવે એની વાત ઉદાસ કરે તેવી બની ગઈ છે.”

માનિનીના અકાળ અવસાનની વાત કહીને અને સાંભળીને, કેટલોક સમય ચૂપ રહ્યા પછી બંને ઊભા થયા ત્યારે બહુ લાગણીથી ભેટ્યા, અને કશા શબ્દો વગર જ એકબીજાને આધાર આપી રહ્યા.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.