લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 7 ~ એક મજલિસ મરીઝ સાથે (ભાગ 2) ~ રઈશ મનીઆર

લેખ 7
એક મજલિસ મરીઝ સાથે
(ભાગ 2)

Mareez - Wikipedia

પ્રથમ જો થાય છે
આ જિંદગી તમામ ગઝલ

પછી લખાય છે તો
એનું એક નામ ગઝલ

ન ધર્મ ભેદ છે એમાં,
ન કોઈ જાત મરીઝ

આ અલ્લા અલ્લા ગઝલ છે
ને રામ રામ ગઝલ

ગુજરાતી ગઝલના સુવર્ણયુગના તમામ સિતારાઓને સલામ કરીને પણ કહેવું પડે કે એ આખી પેઢીમાંથી, આજે સૌથી વધુ પ્રસ્તુત કે રિલેવંટ મરીઝસાહેબ છે.

આપણે એમ કહી શકીએ કે એમની કવિતામાં આબાલ-વૃદ્ધ સહુને રસ પડે છે, પણ માત્ર એમ કહીને છૂટી જવા કરતાં, આ ગઝલની વાત છે, તો દાવાદલીલ સાથે ઉદાહરણ સાથે આ વાત સમજીએ!

આજેય તમે ૮૦ વરસના વૃદ્ધને સંભળાવો કે…

થઈ ગયું એકાંત પૂરું ઓ ‘મરીઝ’
અંતકાળે લોક ભેગા થઈ ગયા

Is it One or Two 'salams' in Funeral Prayer? - Mathabah Institute - Traditional learning for Modern day students

તો તરત એ વડીલ મરીઝસાહેબના આ શેરો સાથે કનેક્ટ થઈ જશે, આ સંવેદના અનુભવશે. જીવનના જંગમાં હાર ખમીને તંગ થઈને બેઠેલા કોઈ પ્રૌઢને મરીઝ સાહેબનો આ શેર સંભળાવો…

કહો દુશ્મનને દરિયા જેમ
હું પાછો જરૂર આવીશ
એ મારી ઓટ જોઈને,
કિનારે ઘર બનાવે છે

તો એ રોષ અને ગુસ્સાને ત્યજીને જોમ અને જુસ્સાનો અનુભવ કરશે. તમે આજના કોઈ લબરમૂછિયા યુવાનને વેલેંટાઈન ડેના પછીના દિવસે આ શેર સંભળાવો…

‘હા’ જ્યાં સુધી હતી
તો હતી આપણાં સુધી

પણ ‘ના’ની વાત કેમ
બધે વિસ્તરી ગઈ?

Why It's So Hard To Break Up With Someone (Even When You Need To) - Paging Dr. NerdLove

તો એય વાહ અથવા આહનો પ્રતિભાવ આપશે કેમ કે આ એક સાર્વત્રિક અને સર્વકાલીન અનુભવ છે અને એ અનુભવ પણ અમુક અંશે ‘અંતકાળે લોક ભેગા થઈ ગયા’ જેવો જ છે!

મરીઝ પાસે ચોટદાર શેરોનો એવો ખજાનો છે કે દસ સુજ્ઞ ગઝલરસિકોને મરીઝના વીસ વીસ શ્રેષ્ઠ શેર શોધી આપવાનું કહેવામાં આવે તો કદાચ આપણને બસ્સો અલગ અલગ શ્રેષ્ઠ શેરો મળી આવે એવો એમનો વૈભવ, એવી એમની લીલા.

એમની ગઝલમાં અલ્લાહ પણ આવે રામ પણ આવે અને કૃષ્ણ પણ આવે…
દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું..

પ્રેમિકાના કાળાભમ્મર વાળ પર કવિનું દિલ આવી ગયું પણ એ દિલ કેવું હતું, દિલમાં તો વેદનાની આગ ભડભડ બળતી હતી. એટલે મરીઝ કહે છે…

દિલ એની શ્યામ શ્યામ
લટોને દઈ દીધું

બળતું’તું ઘર એ
કૃષ્ણને અર્પણ કરી દીધું

અહીં લખાયેલ શબ્દ ‘વાળની લટ’ અને અદૃશ્ય શબ્દ ‘આગની લપટ’ એ બે વચ્ચે ઉચ્ચારનું સામીપ્ય છે એ પણ નોંધવા જેવું છે. કૃષ્ણથી શ્યામ અને શ્યામથી કાળી લટનું કનેક્શન પણ કવિત્વનું પરિચાયક છે.

‘બળતું ઘર કૃષ્ણને અર્પણ કરવું’ એ કહેવતમાંથી કવિએ ગજબ રીતે શેર રચ્યો છે. ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં મરીઝનો દરજ્જો ન ભૂતો ન ભવિષ્યતિ જેવો છે. આપણી ભાષાની ગઝલમાં કદાચ બીજો આવો શાયર નહીં થાય. ક્યારેક એ સંતની જેમ કહે છે…

બસ એટલી સમજ
મને પરવારદિગાર દે

સુખ જ્યારે જ્યાં મળે
ત્યાં બધાના વિચાર દે

પણ સુખ મળ્યું નહીં,  શું મળ્યું?

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

મરીઝનો આ અદ્‌ભુત શેર 1948ના એક જૂના મેગેઝિનમાં છપાયેલો મેં વાંચ્યો છે. એ સમયે પણ 31 વરસના યુવાન મરીઝમાં કેવી આધુનિકતા હતી.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

કવિના મનમાં વાત તો પ્રેમી-પ્રેમિકાની જ હશે, પણ સારા શેરની ખાસિયત એ છે કે સંદર્ભ બદલીને એ કોઈ બીજી પરિસ્થિતિમાં પણ લાગુ પાડી શકાય.

એમ પણ કલ્પી શકાય કે બે પક્ષો વચ્ચે બે વ્યક્તિ વચ્ચે સંવાદનો દરવાજો બંધ છે. સામે પક્ષે બેરૂખી છે, ઉપેક્ષા છે, મોટપ છે, જે બંધ દ્વાર બનીને ઊભી છે. આ પક્ષે અરમાન અને ઈંતેજારી છે જે ટકોરારૂપે આંગળીથી વ્યકત થવા માગે છે, પણ ત્યાં જ અપમાન કે અવગણનાનો ડર જાગવાથી મન વલોવાઈ રહ્યું છે, ટકોરો મારતાં હવે ખચકાટ થાય છે.

હૈયેથી દોડતા નીકળેલા ટકોરા છેક આંગળી સુધી આવી ગયા છે પણ હવે મનમાં દ્વિધા જાગવાથી ટકોરા આંગળીમાં આવીને ત્યાં જ થંભી ગયા છે.

કવિ પહેલા ગતિ સર્જીને એનું અગતિમાં રૂપાંતર કરે છે. પણ આ ટકોરા સાવ ફ્રીઝ નથી થયા, આંગળીની અંદર એમનો ચાલુ રહેલો સળવળાટ અથવા વલવલાટ ભાવક અનુભવી શકે છે.

ટકોરા અને દ્વારના પ્રતીકથી બે વ્યક્તિની વાત છે. એક વ્યક્તિ દ્વાર જેવી સજ્જડ છે તો બીજો માણસ ટકોરાની જેમ પોતાની જ આંગળીમાં અટકી ગયો છે. તો આવા યાદગાર શેર ત્યારે જ લખાય જ્યારે જીવનમાં આવા અનુભવો થયા હોય.

એકવાર મરીઝસાહેબનું સન્માન થયું. ઘણા રુપિયા એકઠા થયા. સન્માન સમિતિના કન્વીનર તરીકે જે નર હતા એ એક જાણીતા શાયર જ હતા. પ્રોગ્રામ પછી સન્માનની થેલી એ ઘરે લઈને ગયા. મરીઝનેય એમ કે મારી રકમ એ શાયરની પાસે ‘સેઈફ’ રહેશે અને પણ એ શાયરને જુગારનું વ્યસન હતું. મરીઝસાહેબના સન્માનની રકમ તેઓ જુગારમાં હારી ગયા. એમને ઈરાદો કદાચ એવો હશે કે જુગારમાં રકમ બમણી કરીને આપું.

મરીઝને કોઈએ પૂછ્યું, કે એ સન્માનના પૈસાનું શું થયું? મરીઝસાહેબ એટલું જ કહ્યું, “એ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા.”

આ મજાક ફેમસ છે પણ એની પાછળની એ હકીકત પણ જુઓ કે મરીઝે કદી એ શાયરનું નામ જાહેર ન કર્યું. એમની પ્રતિષ્ઠા સેઈફ રાખી. મિત્રો માટે એમણે બહુ લખ્યું છે.

બસ દુર્દશાનો એટલો
આભાર હોય છે

જેને મળું છું મુજથી
સમજદાર હોય છે.

તો સલાહ આપનારા, પણ મદદ ન આપનારા મિત્રો માટે મરીઝે એક શેર લખ્યો છે… મિત્રો ખુદાપરસ્ત મળ્યા છે બધા ‘મરીઝ’

‘ખુદાપરસ્ત’ શબ્દનો મરીઝ કેવો સરસ ઉપયોગ કરે છે તે જુઓ…

મિત્રો ખુદાપરસ્ત
મળ્યા છે બધા ‘મરીઝ’

સોંપે છે દુ:ખના કાળમાં
પરવરદિગારને

મરીઝસાહેબ કહે છે મારા મિત્રોને ભગવાન પર એટલી શ્રદ્ધા છે કે મુસીબતના સમયે જાતે મદદ કરવાને બદલે મને ભગવાનને હવાલે કરી છોડી જાય છે. બીજા એક શેરમાં કહે છે…

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ
મેં મુસીબતમાં મદદ માંગી નહીં

મરીઝ સાહેબ મિત્ર માટે શુભેચ્છક માટે દિલદાર માટે સરસ લક્ષણ તારવી આપે છે…

એવો કોઈ દિલદાર
જગતમાં નજર આવે

આપી દે મદદ કિંતુ
ન લાચાર બનાવે

આ જ ગઝલમાં આગળ તેઓ કહે છે…

છે મારી મુસીબતનું ‘મરીઝ’
એક આ કારણ,

હું મુજથી રૂઠેલો છું,
મને કોણ મનાવે?

મરીઝનું દર્દ કદાચ એવું હતું કે ખુદ ઈશ્વર આવે તોય એમને મનાવી ન શકે. પોતાની ગઝલોમાં ઈશ્વર સાથે બહુ વાતો કરી છે મરીઝે.

અન્ય લોકોને ભક્તિ કરવા માટે ઈશ્વર જોઈએ, કવિને ફરિયાદ કરવા માટે ઈશ્વર જોઈએ. અને આપણી ભક્તિ પણ કેવી ભીખ લક્ષણા ભક્તિ છે! મરીઝ કહે છે…

મને શ્રદ્ધા ભલે ને હોય
કે ઇશ્વર બધાનો છે
દુઆ એવી કરું છું
જાણે મારા એકલાનો છે!

થ્રી ઈડિયટ્સ, મુન્નાભાઈ અને પીકે જેવી ફિલ્મોના રાઈટર અભિજાતભાઈ જોશી પણ મરીઝના ચાહક છે.

Abhijat Joshi – Movies, Bio and Lists on MUBI
અભિજાત જોશી

મારી સાથે એક કાર્યક્રમમાં મરીઝ વિશે બોલ્યા હતા. મને યાદ છે ત્યાં સુધી એમણે કહ્યું હતું પીકે ફિલ્મના ત્રણથી ચાર સીનની પ્રેરણા એમને મરીઝના શેરોમાંથી મળી હતી.

ખુશામત નામ જેનું હોય છે
દુનિયાની ભાષામાં

ખુદા સામે રજૂ થાય
તો થઈ જાયે દુઆ મારી

Dua and Acceptance | All You Need To Know | Faith Consulting

તો ઈશ્વર ખરેખર મરીઝની વાત જો સાંભળી લે તો બધા રોંગ નંબરની ખબર લઈ નાખે. ઇશ્વરના સમગ્ર તંત્ર વિશે મરીઝે એક અદ્‌ભૂત શેર લખ્યો છે.

એ અદ્‌ભૂત શેર માણતા પહેલાં એટલું જાણી લઇએ કે એવી માન્યતા છે કયામતના દિવસે પાપ -પુણ્યનો હિસાબ થશે ત્યારે ન્યાય કરતી વખતે ઈશ્વર થોડું દયાનું, થોડું માફીનું વલણ રાખશે. હવે મરીઝસાહેબ શું લખે છે જુઓ. માત્ર બે જ શબ્દોની રમત છે…

ન્યાયમાં મહેરબાની રાખે છે
મહેરબાનીમાં જેની ન્યાય નથી

મરીઝ કહે છે, એ શું ન્યાયમાં મહેરબાની રાખશે જેણે મહેરબાની કરતી વખતે અમુક વર્ગ પર જ મહેરબાની કરી છે. દુ:ખીને દુ:ખી રાખ્યા છે, ગરીબને ગરીબ જ રાખ્યા છે! ખુદ ઈશ્વરને ગૂંચવી નાખે એવો એક શેર મરીઝે લખ્યો, એની પહેલી પંક્તિ આમ છે…

તું એ કહે, “હું ક્યાં નથી?”
લે હું કહું, તું જ્યાં નથી

ઈશ્વર કહે છે, “હું ક્યાં ક્યાં નથી, હું બધે જ છું, હું તો સર્વત્ર છું.” ઈશ્વરની સર્વત્રતાના દાવાને પડકારતા મરીઝ કહે છે, “લે, હું કહું તું ક્યાં નથી!” કવિ ઈશ્વરને વ્હાલથી તુંકારે બોલાવી શકે. જરા કડવી વાત કરી શકે. કવિ ઈશ્વરનો વંઠેલો મિત્ર છે. ઈશ્વર એની વાતનું ખોટુંય ન લગાડે. હજુ તમે એક જ પંક્તિ વાંચી છે.

તું એ કહે, “હું ક્યાં નથી?”
લે હું કહું, તું જ્યાં નથી

જ્યારે સર્વત્ર વ્યાપ્ત ગણાતાં ઈશ્વરને કોઈ મોં પર જ આવું ચોખ્ખું કહી દે તો ઈશ્વર જેવો ઈશ્વર પણ બે ઘડી ચોંકી જાય. પણ આ દાવો કરીને કવિ થોભી ન જાય, એ તો દલીલ કરીને પોતાના દાવાને મજબૂત બનાવે છે.

આપણે પણ વિચારીએ કે, હજુ તો અડધો શેર પત્યો અને એટલામાં એક કવિએ ઈશ્વરને પડકાર્યો અને કહી દીધું, કોઈ એક એવી જગ્યા છે જ્યાં સુધી તું હજુ પહોંચ્યો નથી. આપણને પ્રશ્ન વિચાર આવે કે એવી તે કઈ જ્ગ્યા હશે, જ્યાં ઈશ્વર હજુ પહોંચ્યો નથી!

કવિ ફોડ પાડીને ઈશ્વરને કહે છે…

તું એ કહે, “હું ક્યાં નથી?”  
લે હું કહું, તું જ્યાં નથી
મારી સમજમાં કાં નથી?
મારી સમજમાં આવ તું!”

Arguing with God | Rabbi Daniel Lapin

કવિ કહે છે, હે સર્વવ્યાપી હોવાનો દાવો કરનાર ઈશ્વર! તું ભલે બીજે બધે જ વ્યાપ્ત હોય પણ ‘મારી સમજ’માં હજુ આવ્યો નથી. અને પાછા કવિ એક જ શ્વાસમાં ચતુરાઈથી અને પ્રેમથી ઈશ્વરને નિમંત્રણ આપે છે, “મારી સમજમાં આવ તું!”

ઈશ્વર પણ વિચારતો થઈ જાય કે આની સમજમાં કેવી રીતે આવવું? ભક્ત માટે થાંભલો ફાડીને નીકળવું સહેલું છે. આકાશમાંથી દેવો પાસે પુષ્પવર્ષા કરાવવી સહેલી છે. પણ આ મુશ્કેલ જગતમાં જીવન વેંઢારી રહેલા સીધાસાદા સમસ્યાગ્રસ્ત માણસની સમજમાં પ્રવેશવું, જરા મુશ્કેલ છે!

મરીઝ તો આ વાત હળવાશથી ડંખ વગર કહીને નીકળી જાય છે. એના ઊંડાણમાં જવું કે ન જવું એ ભાવકની ચોઈસ છે. આમ પણ મરીઝ તો ચેતવી જ ગયા છે..

મારા કવનનું આટલું
ઊંડું મનન ન કર 

કંઈ યાદ રહી જશે
તો ભુલાવી નહીં શકે

આ શેર સાથે એક કિસ્સો જોડાયેલો છે. મરીઝસાહેબના અંતિમ દિવસમાં મરીઝસાહેબના કોઈ ચાહક એમને મળવા ઘરે પહોંચી ગયા.

મરીઝ ખરેખર મરીઝ એટલે કે બીમાર હતા. એટલે મરીઝના પુત્ર મોહસીનભાઈએ મુલાકાતની ના પાડી, પેલા ભાઈએ પોતાની ભલામણ જાતે જ કરતા કહ્યું કે મરીઝસાહેબને કહો ને એમના બધા શેર મને મોઢે છે.

આખરે એ ભાવકનું માન રાખી મરીઝસાહેબે મુલાકાત તો આપી પણ ‘બધા શેરો યાદ છે’ એવી એમની બડાશ પર એક શેર સંભળાવ્યો,

મારા કવનનું આટલું ઊંડુ મનન ન કર
કંઈ યાદ રહી જશે તો ભુલાવી નહીં શકે

પેલા ભાઈ વધુ બોલવાના થયા. મરીઝસાહેબને આ મતલબનું કંઈક કહ્યું, “આપ તો શતાયુ થવાના છો, એવી પ્રભુને પ્રાર્થના છે મારી.” મરીઝસાહેબ તરત બોલ્યા,

ન માંગ એની પાસે
ગજાથી વધુ જીવન

એક પળ એ એવી દેશે
વિતાવી નહીં શકે

મરીઝની દર્દ મિશ્રિત રમૂજો આપણને ઘણીવાર એંતોન ચેખોવની યાદ અપાવે છે. મરીઝના શેરો સાંભળી પહેલા તો આપણે હસી પડીએ છીએ પણ બીજી પળે આપણને વિચાર આવે છે કે આવી કરૂણ વાત પર હસીને મેં કોઇ ભૂલ તો નથી કરીને?

ગઝલો ઉપરાંત રૂબાઈ અને મુક્તકના સ્વરૂપમાં એમનું કામ નોંધપાત્ર છે. રૂબાઈ એટલે ચાર પંક્તિની અમુક ચોક્ક્સ છંદમાં લખાયેલી કવિતા. માણસની બરબાદીની, દેવાદારપણાની ચરમસીમા શું હોય મરીઝે એક રૂબાઈમાં લખ્યું છે

જેવી મળે એવી જ સલામત રાખું.
હુરોને ન સ્પર્શું ન મદિરા ચાખું;
એ હાલ છે જીવનનો કે દુનિયામાં અગર,
જન્નત જો ખુદા દે મને, વેચી નાખું.

કેવી દશા હશે, જેમાં માણસે પોતાની ગઝલો તો વેચી મારી, પણ જન્નત પણ વેચી મારવાનો વિચાર એમને આવે છે. બીજી એક રૂબાઈમાં તેઓ કહે છે…

શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું
હાથે કરી તકદીરને તોડું છું હું
માંગુ છું દુઆ એ તો ફકત છે દેખાવ
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું

હાથ જોડવા એ રૂઢિ પ્રયોગનો ઉપયોગ મરીઝસાહેબ કેવી સરસ રીતે કરે છે. ઈશ્વર પછી બીજા નંબરે એમને દુનિયાના લોકો સામે ફરિયાદ છે મરીઝસાહેબ કહે છે…

આ દુનિયાના લોકો આ દુનિયાની રીત
કદી સાચા માણસ ને ફાવે નહીં
જીવો તો કરે દાટવાની જ વાત
મરો તો દફન કરવા આવે નહીં

મરીઝસાહેબનો અભ્યાસ નહિવત્‌ હતો, પણ દાવા-દલીલમાં એમને કોઈ ન પહોંચે. ગરીબો પ્રત્યે અમીરોનું વલણ એમને ખૂંચે છે. એ કહે છે…

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રૂદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે

તો ડઝનબંધી શાયરો જેમની મજબૂરીનો લાભ ઉઠાવી, નાનકડી મદદના બદલામાં એમની પાસે ગઝલ લખાવી ગયા. આવી અનેક રહસ્યકથાઓ પોતાના વિશાળ દિલમાં મરીઝસાહેબે ધરબી દીધી. કમનસીબે આ દશાનો પ્રાસ નશા સાથે બેઠો.

પીતો રહ્યો સુરા કે બદનામ કોઈ હો
લોકો કહે ખુવાર થયો છું શરાબમાં

પણ સુરાના રંગે રંગાયેલી આ જીવનકથા જો આપણને બરાબર વાંચતા આવડે તો એમાં પણ પાનેપાને અધ્યાત્મ વેરાયેલું છે.

સુરા રાતે તો શું
વહેલી સવારે પી ગયો છું હું

સમય સંજોગના ગેબી ઇશારે
પી ગયો છું હું


કોઇ વેળા કશી ઓછી મળે
એની શિકાયત શું

ઘણી વેળા ગજાથી પણ વધારે
પી ગયો છું હું

Social and Emotional Effects of Alcohol | Denver, CO | Continuum

મરીઝ બે પંક્તિમાં જીવનના સત્યો કહી જનારા બહુ મોટા ફિલસૂફ હતા. મરીઝનો બીજો એક શેર છે મને બહુ ગમે છે…

એ વાત કહી રહ્યો છું
સાહિત્યના વિષયમાં
દુ:ખમાં હૃદયને રાખો,
રાખો ન દુ:ખ હૃદયમાં

મરીઝ અહીં મિઝરી અને એમ્પથી એટલે કે પીડા અને કરુણા વચ્ચેનો ફરક સમજાવી દે છે. મરીઝ કહે છે હૃદયની અંદર દુ:ખને ધરબી ન રાખો. જગતભરના દુ:ખને જુઓ. બીજાના દુ:ખ પોતાના સમજીને જુઓ. દુ:ખ હૃદયમાં ધરબી રાખો તો એ મિઝરી છે, સંતાપ છે.  દુનિયાભરના દુ:ખમાં હૃદયને ડૂબેલું રાખો એ કરૂણા છે, એમ્પથી છે.

સાચો મહાકવિ એ જ છે જે આપણને વેદનાથી સંવેદનાની સફર કરાવે. અને એ ગઝલમાં મક્તાનો શેર પણ અદભૂત છે..

મોતવેળાની આ અય્યાશી
નથી ગમતી ‘મરીઝ’

હું પથારી પર રહું
ને આખું ઘર જાગ્યા કરે

Why doctors should involve a patient's family in decisions | Aeon Essays

મરીઝે અહીં શબ્દ તો અય્યાશી વાપર્યો છે પણ આ શબ્દમાં જે વેદના છે એ જેને સમજાય એને જ સમજાય.

કલ્પના કરો કે બીમારીની પથારી પર એક બિન-ઉપયોગી વૃદ્ધ માણસ, સૂતો છે. પોતાની શુશ્રુષામાં રોકાયલા કામગરા કે કમાઉ લોકોનો સમય વાપરે છે એ મરીઝને મન અય્યાશી છે. પણ જે માણસ જીવનભર રોજ મોડી રાતે આવીને, ઘર બંધ હોય તો, ટકોરા કર્યા વગર ચૂપચાપ પાર્કિંગમાં સૂઈ ગયો હોય, એવા માણસને આવી વી.આઈ.પી સેવા- શુશ્રુષા ન ફાવે.

મોત વિશે મરીઝે કેટલા શેરો લખ્યા છે!

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’
ઉપકાર છે એનો

કોઈને કંઈ નથી નુકશાન જેવું,
મારા મરવાથી

અંતે મરીઝસાહેબ ભગવાન પાસે જઈને એના ખભે હાથ મૂકીને કહે છે…

દુનિયામાં મને મોકલી
પસ્તાયો હતો તું!
મૃત્યુનું બહાનું કરી
આ પાછો ફર્યો, લે!

મરીઝનું મૂલ્યાંકન સો,  બસો,  પાંચસો અને હજાર વર્ષ પછી ફરીફરી થતું રહેશે. આપણે તો મરીઝના શબ્દો મરીઝ માટે વાપરીને એટલું જ કહેવું છે…

શું છે જુલમ કે જે જે
પ્રસંગો ગમી ગયા

પૂરી મજા લીધી ન લીધી
આથમી ગયા

હા, સૌને પ્રેમ કરવા
મેં લીધો હતો જનમ

વચમાં તમે જરાક
વધારે ગમી ગયા

Love

અને ગઝલ ગુર્જરીના આપ સૌ ભાવકો માટે પણ એ જ કહેવું છે…

હા, સૌને પ્રેમ કરવા
મેં લીધો હતો જનમ
વચમાં તમે જરાક
વધારે ગમી ગયા

આગામી સપ્તાહે એક નવા સિતારાની રોશની સાથે એક નવા શાયરની સૃષ્ટિ સાથે આ જ આંગણે ફરી મળીશું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment