ભયનો ભય – સાંપ્રત સામાજિક સમસ્યા ~ લેખ (૪) ~ ડૉ. અર્પણ યાજ્ઞિક
ભયના અગણિત પ્રકાર હોય છે, એનો તો ખ્યાલ બધાંને છે, પણ ઘણા ભય હાસ્યાસ્પદ હોય છે, એટલું જ નહીં, હાસ્યાસ્પદ પરિસ્થિતિ પણ જન્માવે છે.
અગત્યની વાત અહીં એ નોંધવાની છે કે જ્યાં સુધી આવો ભય બીજાનો હોય ત્યાં સુધી જ એ હાસ્યાસ્પદ હોય છે. પોતાનો ભય કદીયે કોઈને હાસ્યાસ્પદ લાગતો નથી.
શરૂઆત હું અહીં મારાથી જ કરીશ. માનો કે ન માનો, એક જમાનામાં મને કૂકરની સીટીનો ખૂબ ભય લાગતો હતો. હું મોટો થતો ગયો પણ એ ભય યથાવત્ રહ્યો. હું નાનો હતો ત્યારે કૂકર જો ગેસ પર હોય તો હું રસોડામાં જાઉં જ નહીં. ભૂલમાં કે અજાણતાં પણ હું જો રસોડામાં પહોંચી ગયો હોઉં અને કૂકરની સીટી વાગી જાય તો દોડીને બીજા રૂમમાં ભરાઈ જતો.

હવે નસીબે એવો મોડ લીધો કે આ ભયને હારાવવાનો મને મોકો મળ્યો. હું અમેરિકા આવ્યો અને મારે એકલા જ, એક રૂમના “સ્ટુડિયો એપાર્ટમેન્ટ” – Studio or Efficiency Apartment – (એટલે કે એક રૂમ જેમાં કિચન અને બેડરૂમ અને લિવિંગરૂમ – બધું જ આવી જાય)માં રહેવાનું થયું. અહીં બીજો રૂમ હતો જ નહીં, તો ભાગીને બીજે ક્યાં જઈ પણ શકાય?
પહેલાં પહેલાં તો ક્લોઝેટમાં સંતાઈ જતો. પણ પછી આ ડરને હરાવવાનું નક્કી કર્યું અને કૂકરની સીટી વાગતી હોય તોયે સામી છાતીએ એને ‘ફેસ’ કરતો. થોડો સમય લાગ્યો અને આજે એ ડર હવે બિલકુલ જતો રહ્યો છે. હવે કૂકર અને હું એક સાથે એક જ રૂમમાં અમારું “સહઅસ્તિત્વ” સહન કરી શકીએ છીએ.
અનેક લોકોને ગરોળી, વાંદા, કૂતરા, બિલાડી, ઉંદરડા, કાગડા, કાનખજૂરા વગેરેની બીક લાગતી હોય છે.

પાણીની, અંધારાની, ઊંચાઈની, બંધિયાર જગ્યાઓની બીક લાગતી હોય છે. અમેરિકામાં કરોળિયાનો બહુ ભય હોય છે. કેટલાંકને ફટાકડાના અવાજો, મેઘગર્જના અને ફાઈટર વિમાનની સોનીક બૂમની બીક લાગતી હોય છે. ફટાકડાના અવાજોથી પ્રાણીઓ પણ ડરતાં હોય છે.


સપનાંઓ સાથે તો આપણી ઊંઘનો ચોલી-દામનનો સંબંધ છે પણ ખરાબ સપનાંઓની ઘણાંને બીક લાગતી હોય છે. જ્ઞાન ડહોળવા માટે આપણે સહુ કહેતાં હોઈએ છીએ કે જગત આખું મિથ્યા છે અને એમાંયે સ્વપ્નલોક તો ડબલ મિથ્યા છે. તે છતાંયે લોકો બિહામણાં સપનાં જોઈને રાતે પરસેવે રેબઝેબ થઈ જતાં હોય છે.

અનેક વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોથી પણ ગભરાતાં હોય છે. આવા છદ્મ ગભરાટને કારણે હોશિયાર હોવા છતાં કેટલાંયે બાળકો ઈચ્છવા છતાંયે એંજિનિયરિંગ કે મેડીસિન ભણી નથી શકતાં. આવા વિદ્યાર્થીઓ પોતાનો ભય છુપાવવા એવું પણ કહેતાં હોય છે કે એમને આ વિષયોમાં રસ જ નથી!
માનો કે ન માનો, ઘણાં લોકોને બદલાતી મોસમનો ડર હોય છે. આવા અનેક જાતનાં ભયનો સામનો ન કરાય તો આ ભય ઘણીવાર મનુષ્યના જીવન જીવતાં રોકે છે અને જીવનની દિશા અને દશા બદલી નાખતા હોય છે.
બીજા થોડાંક વિચિત્ર ભયની વાત કરીએ. અમેરિકામાં મોઢાના તાળવા પર પીનટ બટર – સિંગદાણાનું માખણ્ – ચોંટી જવાના ભયથી પીડાતાં હોય છે. એવો જ એક અજબ લાગતો ભય લોકોને ધનાઢ્ય બની જવાનો હોય છે! ઘણાં મનોમન ગભરાતાં હોય છે કે વધારે પૈસા કે મિલકત જો ચોરાઈ જશે તો શું થશે?
કોઈ કોઈ તો રંગોને કારણે પણ બીતાં હોય છે. ધારો કે જો કોઈને પીળા રંગનો ભય હોય તો એણે કલકત્તા ન જવું જોઈએ કારણ કે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પીળી ટેક્સી…!

અનેકોને અમુક નંબર માટે વહેમ હોય છે. ઉદાહરણ રૂપે પ્લેન કે ટ્રેનની ટિકિટનો સીટ નંબર ૮ કે ૧૩ આવે તો તરત જ સીટ બદલાવી નાખે છે.
ઘણીવાર બાળકોને ફુગ્ગાનો ભય હોય છે ત્યારે આવા બાળકો માટે જન્મદિનની ઉજવણીનું ડેકોરેશન કરવું જટિલ થઈ જાય છે. લોકોને લાંબી દાઢીનો, દોરીનો, રસ્સીનો વિચિત્ર ભય પણ હોય છે.
હું એક એવા વ્યક્તિને જાણું છું કે સમય જતાં એમને કોણ જાણે કેમ પણ એડ્રેસનો ફોબિયા હતો જે વખત જતાં એટલો વધી ગયો કે છેલ્લે છેલ્લે તો એ પોતાના સરનામા પર પણ જઈ નહોતા શકતા.
એમના મનમાં એવો વહેમ મનમાં ઘૂસી ગયો હતો કે કોઈ એમનો સતત પીછો કરી રહ્યું છે અને જો એ કોઈ સરનામાવાળી જગા પર જશે તો એમને શોધી કાઢીને નુકસાન પહોંચાડશે.
![]()
એક વખત તો એ ભાઈ એવા ભયભીત થઈ ગયા હતા કે દસ દિવસ સુધી પાર્કિંગ લોટમાં એમની કારમાં રહ્યા…! માંડમાંડ થેરાપિસ્ટની સહાય પછી દસ દિવસે એમને ઘેર લાવવામાં સફળતા મળી. તમે વિચાર કરો કે પરિવારજનો પર શું વીત્યું હશે?

આપણે કેટલુંયે કહીએ કે દાઢીથી કે ડૂંટી કે રંગનો ડર તે હોતો હશે? પણ જેને આવો હાસ્યાસ્પદ ભય લાગતો હોય છે એમને માટે સાચા અર્થમાં આ એક હકીકત હોય છે.
એ ડરની સાથે સામી છાતીએ લડવા આવા ભયભીત થયેલાંઓને સમજાવવા જરૂરી છે. જો આવા ભયનો ઈલાજ ક્વોલિફાઈડ થેરાપિસ્ટ કે ડોક્ટર દ્વારા ન થાય તો આવા હાસ્યાસ્પદ લાગતા ભય લોકોના જીવનને દરેક રીતે તહસનહસ કરી નાંખે છે, એ પણ એક વરવી સચ્ચાઈ છે.
(ક્રમશઃ)
આવતા એપિસોડમાં મોર્ડન જમાનાના એક એવા ડરની વાત કરીશું કે જે નાનાંમોટાં દરેક ઉંમરના લોકોમાં ખૂબ વ્યાપક છે. આ દરને “નોમોફોબિયા” કહેવાય છે. આપણે એ ભય વિશે આવનારા છેલ્લા એપિસોડમાં વધુ જાણીશું.