પ્રાકૃતિક સૌંદર્યનું ‘અવર્ણનીય’ વર્ણન ~ શ્રીકાંત ગૌતમ

પ્રાકૃતિક સૌંદર્ય સંબંધિત સિનેગીતો આમતૌર પર બે પ્રકારનાં હોવાં સંભવિત છે. એકમાં, પ્રકૃતિ અથવા કુદરતી ઘટકો સંગાથે પોતાની પ્રેમિકાની સુંદરતાની સરખામણી કરતાં, એ પ્રકૃતિજન્ય ઘટકોને ઉપમા અલંકારરૂપે લઈને પ્રેમિકાનાં સૌંદર્યને વર્ણવતા પ્રેમીના મુખેથી ગવાયેલાં ગીતો.

ઉદાહરણરૂપ જેમ કે ફિલ્મ ‘‘આરતી’’નું ‘‘અબ ક્યા મિસાલ દૂં મૈં તુમ્હારે શબાબ કી, ઈન્સાન બન ગઈ હૈ કિરણ મહેતાબ કી….’’, અથવા ફિલ્મ ‘‘ચૌદવી કા ચાંદ’’નું શીર્ષક ગીત, ‘‘ચૌદવી કા ચાંદ હો, યા આફતાબ હો, જો ભી હો ખુદા કી કસમ લાજવાબ હો…’’ કે પછી, ફિલ્મ ‘‘બરખા’’નું – એક રાત મેં દો દો ચાંદ ખિલે, એક ઘૂંઘટમેં એક બદરીમેં…’’

જ્યારે બીજા પ્રકારનાં પ્રાકૃતિક સૌંદર્ય સંબંધિત સિનેગીતો એટલે શતપ્રતિશત પ્રકૃતિના સૌંદર્યનું, એની સુંદરતાનું તથા કુદરતી લીલાનું જ સીધેસીધું વર્ણન કરતાં સિનેગીતો, જેમાં કોઈ વ્યક્તિની સુંદરતા સંબંધિત ઉપમા અલંકારનો નિર્દેશ નથી થતો.

અત્રે આપણે આવા બીજા પ્રકારના પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન કરતાં બેનમૂન ગીતોને યાદ કરીએ.

આરંભ કરીએ એક આદિ અનાદિ ‘‘ચિત્રકાર’’ એવા ઈશ્વરની એક અજરાઅમર, અવિસ્મરણીય ચિત્રકળાની બેનમૂન વર્ણનબાનીથી. આવી અવર્ણનીય ચિત્રકળાનું શાબ્દિક વર્ણન કવિ ભરત વ્યાસે ફિલ્મ ‘‘બુંદ જો બન ગઈ મોતી’’ના એક સિનેગીતના માધ્યમથી કર્યું હતું. જેની સ્વરરચના સંગીતકાર સતીશ ભાટિયાની હતી, અને આ વર્ણનવાણી વહી હતી ગાયક મૂકેશના મુલાયમ સૂરીલા કંઠેથી…

‘‘હરિ હરિ વસુંધરા પે નીલા નીલા યે ગગન, કે જીસ પે બાદલોં કી પાલકી ઊઠા રહા પવન, દિશાએં દેખો રંગભરી, ચમક રહી ઉમંગભરી.. યે કૌન ચિત્રકાર હૈ…’’

પ્રાકૃતિક અથવા કુદરતી સૌંદર્યનું આવું સોહામણું વર્ણન શાયર સાહિર લુધિયાનવીએ સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલની સૂરરચનામાં સ્વરબદ્ધ ફિલ્મ ‘‘મન કી આંખે’’ના સિનેગીત થકી આમ કર્યું હતું, જેને કંઠ સાંપડ્યો હતો અપરંપાર ગાયક મહમદ રફીનો, અને આ ગીત હતું,

‘‘દિલ કહે રુક જા રે રુક જા, યહીં યે કહીં, જો બાત ઈસ જગહ હૈ કહીં પે નહિ, પર્બત ઉપર ખિડકી ખોલે ઝાંકે સુંદર ભોર, ચલે પવન સુહાની, નદીયોં કે યે રાગ રસીલે, ઝરનોં કા યે શોર, બહે ઝરઝર પાની… ડાલી ડાલી ચિડિયોં કી સદા, સૂર  મિલા મિલા, ચમ્પાઈ, ચમ્પાઈ ફિઝા દિન ખિલા ખિલા, તો દિલ કહે રુક જા…’’

આ શબ્દ ‘‘ચમ્પાઈ’’ અને ગીતકાર સાહિર, એ બન્નેનો કાવ્યમય સમન્વય ફિલ્મ ‘‘શગુન’’ના આ પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન ગાતાં ગીતમાં પણ સંગીતકાર ખય્યામની સ્વરરચનાને કંઠ આપતા ગાયક મહમદ રફી અને ગાયિકા સુમન કલ્યાણપુરના આ યુગલગીતમાં પણ આમ થયો હતો, કુદરતની કરામતનું આ ગીત…

‘‘પરબતોં કે પેડોં પર
શામ કા બસેરા હૈ,
સુરમઈ ઉજાલા હૈ
ચમ્પઈ અંધેરા હૈ
રોશની કા જુરમત હૈ,
મસ્તીઓં કા ઘેરા હૈ,
પરબતોં કે પેડોં પર
શામ કા બસેરા હૈ…’’

સંગીતકાર ચિત્રગુપ્ત, શાયર મજરૂહ સુલતાનપુરી અને ગાયક મૂકેશ, ગાયિકા લતા અને ફિલ્મ ‘‘ઓપેરા હાઉસ’’નું એક પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન કરતું ગીત એટલે આ,

‘‘દેખો મૌસમ, ક્યા બહાર હૈ, સારા આલમ બેકરાર હૈ, છલકી છલકી ચાંદની…’’

https://www.youtube.com/watch?v=9lgWKqVcWH0

પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન ગાતું એક અદ્‌ભુત ગીત ફિલ્મ ‘‘દિલ્હી કા ઠગ’’નું પણ છે, જેની સ્વરરચના સંગીતકાર રવિએ કરી હતી અને આ કુદરતની લીલાનું વર્ણન કરતા ગીતની શબ્દરચના ગીતકાર શૈલેન્દ્રની હતી, જે યુગલગીતના સ્વરૂપે વહેતું થયું હતું. કિશોરકુમાર અને આશા ભોંસલેની ગાયકી થકી, આ ગીત એટલે…

‘‘યે રાતેં, યે મૌસમ નદી કા કિનારા, યે ચંચલ હવા… યે ક્યા બાત હૈ આજ કી ચાંદની મેં… સિતારોં કી મહેફિલ કરેં ઈશારા, યે રાતેં યે મૌસમ નદી કા કિનારા…’’

હવા અને પાણી, પ્રકૃતિનાં આ બે ઘટકોનું વર્ણન અનેક સિનેગીતોના ગીતકારોએ સમયાંતરે કર્યું છે, આવું એક ગીત જે હવા સંબંધી છે, એનો ગુંજારવ માણીએ…

‘‘ઠંડી હવાએં લહેરા કે આયે, રુત હૈ જવાં… ચાંદ ઔર તારેં, હસતે નઝારે…’’

આ ગીત ૧૯૫૧ની ફિલ્મ ‘‘નૌજવાન’’નું હતું. જે ગાયિકા લતા મંગેશકરે, સંગીતકાર સચિનદેવ બર્મનની સ્વરરચનામાં મઢાયેલા ગીતકાર સાહિર લુધિયાનવીના શબ્દોને પોતાની કોકિલકંઠી ગાયકીમાં ગાયું હતું.

આવી જ રીતે ખળ ખળ વહેતાં પાણીનું એક ગીત ફિલ્મ ‘‘પ્રેમ પર્બત’’માં હતું. શાયર જાનીં-સા-અખ્તર રચિત આ ગીતની સ્વરરચના સંગીતકાર જયદેવની હતી અને ગાયિકા લતા મંગેશકર દ્વારા ગવાયેલું આ ગીત હતું,

‘‘યે નીર કહાં સે બરસે હૈ, યે બદરી કહાં સે આઈ હૈ…’’

ધરતી ઉપર ઊતરેલું સ્વર્ગ એટલે સોહામણું સૌંદર્યમય કાશ્મીર, કુદરતી સૌંદર્યની રહેમ જે કાશ્મીર ઉપર ન્યોચ્છાવર થઈ છે, એને અનુલક્ષીને ફિલ્મ ‘‘રોજા’’નું પ્રાકૃતિક સૌંદર્યનું ગીત આ હતું,

‘‘યે હસીં વાદિયાં યે ખૂલા આસમાં,
ઈન બહારોં મેં દિલ કી કલી ખીલ ગઈ’’

પ્રકૃતિ અથવા કુદરતની સુંદરતાને દેશદેશાવરોના કોઈ સીમાડા નડતા નથી. સ્વૈરવિહારી એવા આ સૌંદર્યની આવી અબાધિત સ્વતંત્રતાનો શાયર જાવેદ અખ્તરે ફિલ્મ ‘‘રેફ્યુજી’’ના આ ગીતમાં શબ્દદેહ ઘડ્યો. સંગીતકાર અનુ મલિકની સ્વરરચના ધરાવતી આ ગીતરચનાને કંઠ સાંપડ્યો અલકા યાજ્ઞિક અને ગાયક સોનુ નિગમનો. આ કાવ્યમયની સાથોસાથ સંદેશવાહક ગીત આ હતું,

‘‘પંછી નદિયાં પવન કે ઝોંકે,
કોઈ સરહદ ના ઈન્હેં રોકે…’’

શીર્ષક ભલે ‘‘લોફર’’ હતું, પરંતુ એનું આ ગીત જે મોસમ અથવા ઋતુનું વર્ણન કરતું હતું, એમાં નજાકત હતી, ગાયક મહમદ રફીએ ગાયેલું આ ગીત હતું…

‘‘આજ મૌસમ બડા બેઈમાન હૈ,
બડા બેઈમાન હૈ,
આનેવાલા કોઈ તૂફાન હૈ,

કાલી કાલી ઘટા ડર રહી હૈ,
ઠંડી આહેં હવા ભર રહી હૈ…’’

ઘટાની વાત નીકળી છે તો આવી ઘટા જ્યારે ગોરંભો બને ત્યારે એની એક આશાભરી સુંદરતા, શ્રમજીવી એવા ધરતીપુત્રો અથવા ખેડૂતોના મનમાં જાગૃત થવી સ્વાભાવિક છે, અને એને અનુલક્ષીને ફિલ્મ ‘‘દો આંખે બારહ હાથ’’નો આવો એક શ્રમજીવી સમૂહ, ગીતકાર ભરત વ્યાસ અને સંગીતકાર વસંત દેસાઈ સ્વરરચિત રચના ગાયક મન્નાડે અને સાથી ગાયકોએ આમ ગાઈ હતી…

‘‘હો ઊમડ ઘૂમડ કર આઈ રે ઘટા,
કારે કારે બાદરોં કી છાઈ છાઈ રે ઘટા…’’

અને આવી જ કોઈ હર્ષભરી લાગણી ફિલ્મ ‘‘દો બીઘાં જમીન’’ના ધરતીપુત્રો પણ જ્યારે ગોરંભાતા વાતાવરણને જોઈને જ્યારે અનુભવે છે ત્યારે એ લોકો સંગીતકાર સલીલ ચૌધરીની સ્વરરચનામાં સ્વરબદ્ધ થયેલું ગીતકાર શૈલેન્દ્ર રચિત આ ગીત ગાયક મન્નાડે અને ગાયિકા લતા મંગેશકરના પાર્શ્ર્વકંઠમાં આમ ગાય છે,

‘‘હરિયાલા સાવન,
ઢોલ બજાતા આયા
ધીન ટકટક મન કે મોર
નચાતા આયા,
મિટ્ટી મેં જાન જગાતા આયા,
ધરતી પહેનેગી હરી ચૂનરિયા
બન કે દુલ્હનિયા,
એક અગન બૂઝી…’’

અને અંતે, પ્રાકૃતિક સૌંદર્યનો અવનવો નિખાર કરતું એક ગીત ફિલ્મ ‘‘સ્વર્ણ સુંદરી’’નું જેની સ્વરરચના આદિનારાયણ રાવે કરી હતી અને ગીતરચના ભરત વ્યાસની હતી. ગાયક મહમદ રફી અને ગાયિકા લતા મંગેશકરના સૂરીલા કંઠેથી વહેતું થયેલું આ સોહામણું ગીત આ હતું,

‘‘કુહુ કુહુ બોલે કોયલિયા, કુંજ કુંજ મેં ભંવરે ડોલે, ગુન ગુન બોલે કુહુ કુહુ,

સજ સિંગાર ઋતુ આઈ બસંતી જૈસે નાર હો રસવંતી, ડાલી ડાલી

કલિયોં કો તિતલિયાં ચૂમે, ફૂલ ફૂલ પંખડિયાં ખોલે, અમ્રિત ઘોલેં, કુહુ કુહુ…’’

આમ પ્રેમિકાના સૌંદર્યને વર્ણવવા પ્રાકૃતિક સૌંદર્યમય ઘટકોની ઉપમા આપવી, એ એક વાત થઈ, પરંતુ પ્રાકૃતિક સુંદરતા અથવા કુદરતની કરામતને વર્ણવવા સિનેગીતોનો શબ્દદેહ સાંપડે ત્યારે એ ગીતોનો નિખાર કંઈક ઓર જ હોય છે.

~ શ્રીકાંત ગૌતમ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.