“કહે કબીર…” ~ સંજુ વાળા

કહે કબીર – ૧🪶  ~ સંજુ વાળા

કહે  કબીર  :  મગહરને  મારગ   જાતાં નડશે જળો !
વ્યથા,  પ્રથા આડી ઊતરશે,
અથડાશો  નિજગતથી  સ્હેજે હલોચલો સળવળો

                  યાત્રી થઈને  નીકળે એણે
             ગાંઠ  વાળવી  પડે  મૂકી સૌ ગ્રંથિ
                   ઓઢ્યું-પહેર્યું એક કરીને
             ખાલી થઈ રહેવાનું મક્કમ મનથી
એવો પણ મુકામ  મળે કે
મુઠ્ઠીભર   મગફળી    પામવા   તુર્યાતિત    ટળવળો !
કહે  કબીર  :  મગહરને  મારગ   જાતાં નડશે જળો !
                   વણખેતીએ ખેડુ ના હોય
              વણખેડુ ના હોય કદી પણ ખેતી
                મુગતાફળના મોહ ન જકડે
              બદરીફળથી પણ ચાલે જે ચેતી
પાણીને   જે   ભૂ   કહે
એનાં ભાગ્યેથી  પ્રલય  વિશેનાં  કથા-કથાનક  ટળો !
કહે  કબીર  :  મગહરને  મારગ   જાતાં નડશે જળો !
કહે કબીર – ૨🪶  ~ સંજુ વાળા
કહે  કબીર :  અમને   અનુસરશે,  એ  અગ્નિના સાક્ષી !
મીટ  હજો મદિરાલય  બાજુ,  દાંત  ન  મળજો રાક્ષી !
તુરત જ  માગે  તારણ,  તેના
                 ભાલે તિલ્લક કરે નહીં કોઈ  સિદ્ધિ
ચડી  છાપરે  શંખ  ફૂકે  નહીં
                     કે   મુઠ્ઠીમાં   રમતી   રાખી  રિદ્ધિ
નગર  વચાળે  નાગર  થઈને
                      રહે, પાનમાં  ચાવે  સૌ  પ્રસિદ્ધિ
કહે કબીર  :  એ  મોતીમના,   વીંધાય  જેમ  મીનાક્ષી !
કહે  કબીર :  અમને   અનુસરશે,  એ  અગ્નિના સાક્ષી !
હડસેલી હદ બહાર તરાપો
                  નિજ બાહુબળ  અજમાવીને તરે
સામે પૂર જઈ પાર ઊતરતા
                   વાટ  નીરખતી  મનસાકુંવરી   વરે
પછી લાગલો ઓચ્છવ ઓચ્છવ
                 ગગન  ગડગડે,  નેહ  નિરામય  ઝરે
કહે કબીર : આંજે અજવાળાં એ ના અન્ય આકાંક્ષી !
કહે  કબીર :  અમને   અનુસરશે,  એ  અગ્નિના સાક્ષી !
(આજ અનુપમ દીઠો – સંજુ વાળા)   ટૂંકમાં જ પ્રગટ થનાર કાવ્યસંગ્રહમાંથી)

(બુદ્ધિપ્રકાશના સૌજન્યથી સાભાર)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.