વીણેલાં મોતી ~ સંકલનકારઃ ડૉ. શ્રીરામ રમણલાલ સોની
ઓશોએ એમનાં વક્તવ્યમાં નીચેની વાત કરી હતી.
ઘણાં વરસો પહેલાંની, જૂના જમાનાની વાત છે. એક નાનું એવું નગર હતું. નગરમાં એક નગરશેઠ રહેતા હતા. તેને સાત ખોટનો એકનો એક દીકરો હતો. શેઠની ધર્મપત્ની બાળકાનાં જન્મ પછી, એકાદ વરસમાં ગામમાં ફાટી નીકળેલા રોગચાળામાં ગુજરી ગઈ હતી. નગરશેઠ તો રાજાના અને પોતાના વેપારના કામમાં ગળાડૂબ રહેતા. એમને તો ધન કમાવવાની બસ, ધૂન ચડી હતી અને ઉપરથી નગરશેઠની સલાહ વિના, રાજા પણ શહેરના વેપાર વાણિજ્યમાં કોઈ નિર્ણય કદી લેતા નહીં. આથી જ નગરશેઠ, એમનાં કામકાજ, સત્તા, મિલકત, ધન અને સત્તાના કેફમાં સતત રહેતા.
એમનો દીકરો તો ઘરમાં નોકરચાકરના ભરોસે મોટો થતો હતો. દીકરો બેએક વરસનો હતો ત્યારે એક દિવસ નગરશેઠને બહાર કોઈ કામ માટે જવું પડ્યું. પાછા આવીને જુએ છે તો એમની હવેલીમાં આગ લાગી છે. હવેલી ચારે બાજુએથી ભડભડ બળી રહી છે. નોકરચાકર બધાં જ હાંફળાફાંફળા થઈને આગ કેમ ઓલવવી એ જ કામમાં લાગેલા હતા. નગરશેઠને આગનું તાંડવ જોઈને આઘાત લાગ્યો. લોકો પણ ભેગા થઈ ગયા અને આગ હોલવવા પાણી નાખવા લાગ્યા. નગરશેઠ કપાળે કૂટીને કહેવા લાગ્યા કે, “મારી આખા જનમની કમાઈ, સોનુંચાંદી, જરઝવેરાત બધું જ એમના પેઢીના ઓરડામાં કબાટોમાં છે, હવે એનું શું થશે? જે પણ મારી એ દોલત લાવી આપશે એને હું મોટું ઈનામ આપીશ! અરેરે, હું તો રસ્તા પર આવી ગયો!”
આગ હજુ એકદમ ફેલાઈ નહોતી. શેઠના આ શબ્દો સાંભળીને કેટલાક લોકો સળગતા મકાનની અંદર જઈને કિમતી સામાન લઈ આવવા માડ્યાં અને શેઠની આગળ લાવી મૂકતા. દુઃખી અને હતાશ નગરશેઠ હવેલીની સામે જ ઊભા રહીને બળતી હવેલીને જોઈ રહ્યા હતા પણ જ્યારે કોઈ બળતી હવેલીમાં જઈ સામાન લઈ આવતું, ત્યારે શેઠ તેને શાબાશી આપતા અને એને મોટું ઈનામ આપવાનું વચન પણ આપતા.
જોતજોતામાં, આગ વિકરાળ બનવા માંડી અને હવે તો હવેલીની અંદર જવું પણ જોખમભર્યું થઈ ગયું હતું. પરંતુ એવી સ્થિતિમાં પણ એક જુવાન સળગતી આગમાં ઘૂસી ગયો. લોકો બુમો પાડવા લાગ્યા “અલ્યા આવુ ગાંડપણ રેવા દે,અંદર જવા જેવુ નથી.” પણ જુવાન તો અંદર જતો રહ્યો. થોડીવાર સુધીમાં તે પાછો ફર્યો નહીં, એટલે લોકો કહેવા લાગ્યાં, “મરી ગયો, બિચારો! હવે પાછો ના આવે. હાડકાં મળે તોયે ઠીક! કેટલી ના પાડી, પણ એણે તો સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને ગયો તે ગયો જ!”
એટલીવારમાં તો કોઈએ મોટેથી ચીસ પાડીને કહ્યું, ”અરે, જુઓ, જુઓ! એ તો પાછો આવતો લાગે છે.” બધા લોકો ધુમાડાથી છવાયેલા એ ઘર તરફ જોવા લાગ્યા. કોઈએ કહ્યું, “એ આવે છે, પણ રડતો હોય, એવું લાગે છે! આટલું સાહસ કર્યું, પણ કંઈ મળ્યું હોય એવું લાગતું નથી!”
તો કોઈક બોલ્યું, ”જરા ધ્યાનથી બરાબર જુઓ. એના હાથમાં કોઈક વસ્તુ હોય એવું લાગે છે. એ વસ્તુને ખૂબ જતનથી અને સંભાળીને એ લાવતો હોય, એવું દેખાય છે. નક્કી, કોઈ બહુ કીમતી વસ્તુ લાગે છે, જેને એ એની છાતીએ વળગાડીને લાવી રહ્યો છે.”
એટલીવારમાં તો એ જુવાન બહાર આવી ગયો હતો. એ ધુમાડાથી આવરાઈ ગયેલો હતો અને ખાંસી ખાતો હતો. હવે તે સ્પષ્ટ દેખાતો હતો. પણ તે રડતો રડતો બહાર આવી રહ્યો હતો. બધા વિચારમાં પડ્યા કે એવું તે શું એ લઈને આવી રહ્યો છે કે એને રડવું આવે છે! એ જુવાન નગરશેઠ પાસે ગયો. કપડાંમા વીંટાળેલી એ વસ્તુને નગરશેઠના પગ આગળ મૂકીને એ હવે જોરજોરથી રડવા લાગ્યો. નગરશેઠ પણ કંઈ સમજ્યા નહીં. તેમણે કપડું હટાવીને જોયું, તો એમના એકના એક, સાત ખોટના દીકરાનું શબ હતું! નગરશેઠને હવે ભાન થયું કે આ કિમતી જરઝવેરાત અને ધનની હાયવોયમાં એ પોતાના કુમળા, બે વરસના દીકરાને જ ભૂલી ગયા હતા…! નગરશેઠ બેભાન થઈને જમીન પર પટકાયા…!