“એક સાંજે એક ઘટના બની….!” ~ શોભિત દેસાઈ
૧. લઈ આવ્યો….!
જરા અંધાર-નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઈ આવ્યો
’તમે છો’ એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં, બસ હું થોડો ભેજ લઈ આવ્યો.
હતો મર્મર છતાં પર્ણો, અનુભવતાં’તાં એકલતા,
પવન જઈ રાતરાણીથી, મહેકની સેજ લઈ આવ્યો.
પ્રથમ ટપકું’ શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું એ જ લઈ આવ્યો.
બીજું તો શું કહું તમને હું , માયાવી હતો સંબંધ …
એ એનો અંત પણ શરુઆતની સાથે જ લઈ આવ્યો
– શોભિત દેસાઈ
૨. લાપતા રહેવું…..!
સદા શું યોગ્યતાઓ માંગણીની માપતાં રહેવું?
છે તારો ધર્મ કેવળ એટલો કે આપતાં રહેવું
અને કાયમ તમારી રાહમાં બસ, ટાંપતાં રહેવું
ભરાયા મીટમાં જેવા કે થરથર કાંપતાં રહેવું
કદી પણ હોઠે ના આવે, વસાવી લેવું એવું નામ
છુપાવીને બધાથી એ હંમેશાં જાપતાં રહેવું
બીજું તો શું કરી શકવાનાં માણસ થઈ તમે અહીંયા?
જીવો છો ત્યાં સુધી બસ માણસાઈ છાપતાં રહેવું
હવાપાણી નથી રહેવાનાં કૈં તરફેણમાં કાયમ
એ જાણીને જ કૂદકો મારવો, જળ કાપતાં રહેવું
જરૂરી જાગવા માટે છે બળતું તાપણું ભીતર
ક્વચિત ઊંચકીને અંગારો ત્વચાને ચાંપતા રહેવું
અસૂરજલોકનો અંધારપટ ઉલેચવો કાયમ
અને તકતી મુકવાની હો ત્યારે લાપતા રહેવું
– શોભિત દેસાઈ
સરસ ગઝલો શોભિતભાઈ. અભિનંદન બંને કવિમિત્રોને.