રાજા માણસ ~ ચરિત્ર લેખ ~ વિજય બ્રોકર

(આદરણીય સ્વ. શ્રી ગુલાબદાસ બ્રોકર ગાંધીયુગના સાહિત્યકારોમાં પ્રથમ પંક્તિ અને મોખરાનું નામ હતું, છે અને કાયમ રહેશે.

૨૯મી સપ્ટેમ્બર, ૧૯૦૯માં જન્મેલા, આ અદના સાહિત્યકારનો ૧૧૫મો જન્મદિન પસાર થયો. આદરણીય સ્વ. શ્રી ગુલાબદાસભાઈના સો વર્ષની ઉજવણી કરવાનું જ્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીએ નક્કી કર્યું, ત્યારે “ગુલાબદાસ બ્રોકરઃ અધ્યયનગ્રંથ” માટે, એમના પુત્ર, શ્રી વિજય બ્રોકરે આ લેખ લખ્યો હતો.

આ જ લેખને “આપણું આંગણું”માં પ્રકાશિત કરવાની અનુમતિ આપવા બદલ, હું ભાઈશ્રી વિજય બ્રોકરનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.)

પોરબંદરના અમારા સમાજની રીત મુજબ અમે અમારા પિતાશ્રી ગુલાબદાસ બ્રોકરને ‘ભાઈ’ કહેતા. એમને એ રીતે સંબોધવામાં અમને જાણે વિશેષ વહાલ આવતું. એથી એમને એક પેઢી નીચે સહજતાથી લાવી દઈ શકાતું ને અમારી વચ્ચેનો generation gap જાણે અદૃશ્ય થઈ જતો.

જો કે એમનાં અમે ચારે સંતાનોથી એમનો દરજ્જો ક્યારે પણ ન સચવાયો હોય એવું યાદ નથી આવતું. ભાઈને ન ગમે એવું કાંઈ પણ આપણાથી કરાય જ નહીં એ સંસ્કાર લઈને આવ્યાં હશું અને માએ અમારા બાળપણથી વિધવિધ રીતે અમને એ બાબત સચેત રહેતાં શીખવ્યું પણ હશે. હકીકતમાં તો એમને ન ગમે એવું વિચારવાનું ભાઈએ ક્યારેય ક્યાં કારણ સુધ્ધાં આપ્યું હતું ?

એમની સાથેના આટલા નિકટના સંબંધને કારણે અને એમના આનંદી અને ખેલદિલ સ્વભાવને લીધે અમે ભાઈ સાથે છૂટથી રમૂજ કરી શકતા; જેવી કે – : “ભાઈ, તમે ખરેખર રાજાની જિંદગી જીવ્યા છો !’

ભાઈ: કેમ એમ કહે છે ?

હું: જુઓ, તમને ક્યારેય કાંઈ કામ કરવું પડ્યું હોય એવું અમે કોઈએ જોયું નથી. પાણી માગો – ને એ પણ દિવસમાં કેટલી બધી વાર માગો! – અમે આપ્યે જ રાખીએ.

ઉપરાંત છાશ, કૉફી, શરબત, બિસ્કીટ કાંઈક ને કાંઈક આપવાનું ચાલ્યે જ રાખે. ઘરનાં બધાં તમારી સેવામાં ને તમે સોંપેલાં કામ કરવા હાજરાહજૂર! કોઈ જાતની મહેનત કરવાનું કષ્ટ તો તમારે વેઠવું જ નથી પડ્યું.

ભાઈ: હા, વાત તદ્દન ખોટી તો નથી. બહુ નાનો હતો ત્યારે મારા ભાઈ (પિતા) ગુજરી ગયેલા. એટલે મારાં મા, મોટીબહેન ને મોટાભાઈએ મને ખૂબ લાડ લડાવેલા, મોડી રાતે પણ જીદ કરું કે મારે પેંડા, ગાંઠિયા, ખાજલી ખાવાં છે, તો ત્યારે ને ત્યારે મંગાવીને મને ખવડાવે.

જીવ્યાં ત્યાં સુધી મારાં માએ મને એવો ને એવો અદ્ધર રાખ્યો હતો. પછી મોટાભાઈએ જોયું કે મને ભણવામાં, સ્વાતંત્ર્યની ચળવળમાં અને સાહિત્યની પ્રવૃત્તિમાં વિશેષ રસ છે એટલે એમણે એ બધાં માટે સગવડ કરી આપી.

આ બધું કરવામાં શેરબજારમાં હું પૂરું કામ ન કરું તોયે અડધોઅડધ ભાગ મારે લેવાનો જ એવો એમનો આગ્રહ. તમારી માએ તો મારું ધ્યાન રાખવામાં પોતાની આખી જિંદગી ઘસી નાખી છે, ને હવે તમે ચારેય છોકરાંઓ મારું આટલું ધ્યાન રાખતાં હો તો લાડ માણવાનું કોને ન ગમે?

હું: ફઈબા પણ કહેતાં તારો બાપ નાનપણથી ‘સતાપિ’ (સત્તાપ્રિય) હતો!”

ભાઈ” (હસતાં) ફઈબાને બિચારાંને સરખું બોલવાનું પણ ક્યાં ફાવતું? એમણે પોતે જ મારે માટે આવું વિશેષણ શોધી કાઢ્યું હતું: “સત્તાપ્રિય” બોલવું એમને ન ફાવતું એટલે ‘સતાપિ’ કહેતા. કદાચ પહેલેથી મારો સ્વભાવ એવો રહ્યો હશે કે હું કહું એમ થવું જ જોઈએ. પણ તમારા કોઈ ઉપર એવી સત્તાનો દુરુપયોગ મેં ક્યારેય કર્યો છે ખરો ?

હું: ના રે ના, રાજામાણસ! માઠી યાદનો એક પણ પ્રસંગ ન બન્યો હોય ત્યારે તો તમારી જોડે આવી મજાક કરી શકાય છે.

ભાઈનું સ્મ૨ણ કરું છું એ સાથે મીઠી યાદોના અનેકાનેક પ્રસંગો પૂરની માફક મને ઘેરી વળે છે. ‘બેટા’ ને ‘દીકરા’ જેવાં વહાલનાં વિશેષણો વા૫૨વાનો અમારે ત્યાં સૌને સંકોચ રહ્યો છે; ને છતાં યે વહાલ શરીરના રોમેરોમમાંથી સદાય ટપકતું અનુભવાયું છે. પોતાની નજીક ખેંચી લેવાની ભાઈની આગવી રીતો યાદદાસ્તને તો છે…ક મારા બાળપણના દિવસો સુધી ખેંચી જાય છે…

અમારા ઘરની આગળનો ઓટલો ને સામે પેલું, બદામનું ઝાડ. મારો એક ગમતો ડબ્બો લઈને હું એ ઓટલે બેઠો છું ને ડબ્બામાં જાળવી રાખેલો કાચની રંગબેરંગી ગોટીઓનો ખજાનો જોઈને ખુશખુશાલ છું.

આ ગોટીઓથી ૨મીને એને મેલી થવા કે ખરડાવા દેવા કરતાં જતનથી એ ખજાનાનું રક્ષણ કરવાનું ને એના રંગોમાં ખોવાઈ જવાનું મને વિશેષ ગમતું. બહારની રમતો કરતાં વાચન, ચિત્રકામ વગેરે મારા શોખો ઘરની દીવાલો વચ્ચે મને વધુ રાખતા.

ભાઈ અચાનક ઓટલે આવે છે ને મારી મનઃસ્થિતિ પામી જાય છે. “ચાલ, આપણે બન્ને થોડી જૂની દેખાતી ગોટીઓથી રમીએ’ કહી મને જમીનમાં ‘ગલ’ બનાવતા શીખવે છે ને ધોતિયાને કમર ૫૨ ખોસી પોતે પહેલો દાવ રમે છે… અમારી બન્નેની રમત જોઈ ત્યાં ખેંચાઈ આવેલા આડોશપાડોશના સૌ મિત્રોના આશ્ચર્યચકિત ચહેરાઓ આટલાં વર્ષો પછી હજુ આજે પણ એમની આંખોના ભાવથી કહેતા દેખાય છે:

“અમારા કોઈના બાપુજી આમ અમારી સાથે રમવા નથી બેસી જતા. તારા બાપુજી તો તારા ખાસ દોસ્ત લાગે છે!’’ બહારની ખુલ્લી હવામાં ૨મવા આટલી સિફતથી ખેંચી જનાર એ માનસશાસ્ત્રીની સમજભરી રીતોનો પરિચય ત્યાર પછીનાં આટલાં વર્ષોમાં અનેકવિધ રીતે થતો જ રહ્યો છે.

બીજો એક પ્રસંગ: ભાઈ હતા પેટના દરદી એટલે ખૂબ સંભાળ રાખવી પડે. સાદોસીધો આહાર લે. ડૉક્ટરોના શોખીન અને એ પણ સારામાં સારા ડૉક્ટર પાસે જ નિદાન કરાવવાના આગ્રહવાળા.

એમાંના એકે સૂચવ્યા મુજબની દવાનું મિશ્રણ ઘેરે કરવાનું આવ્યું. જુદી જુદી દવાઓને માપ પ્રમાણે એક તપેલામાં ભેગી ક૨વાની, બરોબર હલાવીને મિશ્રણ તૈયાર થાય એને નાની બાટલીઓમાં રેડવાનું. દ૨રોજ યાદ કરીને ભાઈને પીવડાવવાનું.

આટલો નાનો અમથો હું, ને આવું ‘અગત્ય’નું કામ ભાઈ મારી પાસે કરાવે, એટલે આપણે તો રાજીના રેડ! કામમાં ચોક્કસ રહેવાનું ને નિયમિતતા કેળવવાની, એના પહેલા પાઠ કદાચ આ રીતે શીખવા પામ્યો હોઈશ.

એ પછી તો ભાઈની ચોકસાઈ કેટકેટલા રૂપમાં જોવા મળી છે! શબ્દનો સાચો અર્થ જાણવા માટે જુદા જુદા શબ્દકોશ ઘરમાં દરેક બેસવાની જગ્યાની બાજુમાં જોવા મળતા. જેટલી ભાષાઓ ભાઈ વાંચી જાણતા એ બધીઓની ડિક્શનરીઓથી એમનું ટેબલ ભરેલું રહેતું.

શબ્દનો સાચો અર્થ કે જોડણી જાણી લીધેથી પત્યું એમ નહીં; એનો કઈ ભાષામાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ માટે જેટલા જાણકા૨ લોકો મળે એટલાંને પૂછીને ચોક્કસ ખાતરી કરી લેવાની.

શબ્દના મૂળ બાબત હરિવલ્લભ ભાયાણી સાથે મસલત ક૨વાની; સંસ્કૃતની કાંઈ પણ ચોખવટ કરવાની હોય તો નજીકમાં રહેતા કરસનદાસ માણેક કે બીજા વિદ્વાનો પાસેથી પૂરું સમજી લેવાનું; વ્યાકરણનો પ્રયોગ કે કવિતા બાબત કાંઈ પણ પ્રશ્ન ઊઠ્યો તો વર્ષોવર્ષના ધારા મુજબ રવિવારની સાંજે ચાર વાગ્યે મનસુખલાલ ઝવેરી અને સુંદરજી બેટાઈ સાથેની મૈત્રી બેઠક દરમિયાન એનું સ્પષ્ટીકરણ કરી લેવાનું.

યુસુફ મહેરઅલીએ કે મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નેહરુ એક પંડિત રાધાકૃષ્ણને અંગ્રેજીમાં આપેલાં વ્યાખ્યાનોમાં કયો શબ્દપ્રયોગ કઈ રીતે કર્યો હતો એની વર્ષો સુધી યાદ તાજી રાખવાની. આ બધું ભાષા માટેનો પ્રેમ અને ચીવટ ન હોય તેને થોડું વરી શકે?

કોઈ પણ લખાણને શબ્દેશબ્દ પૂરેપૂરો ચકાસ્યા વિના અને પૂર્ણ સંતોષ ન થાય ત્યાં સુધી સુધારે રાખ્યા સિવાય ભાઈએ કોઈને ક્યારેય કાંઈ પણ મોકલ્યું હોય એવું યાદ નથી આવતું.

આવી જ ચોકસાઈ માટેની વૃત્તિ ભાઈના દરેક કામમાં દેખાઈ આવતી. કોઈનો પણ પત્ર આવ્યો એવો જ એને વાંચ્યો ને તરતોતરત એનો જવાબ લખાઈ ગયો જ હોય. લખ્યો એટલે તરત પોસ્ટ થવો જોઈએ. પૂછીએ કે બહાર જવાનું થશે ત્યારે ટપાલપેટીમાં નાખતા જઈશું તો નહીં ચાલે?

એમના મોંના ભાવ કહી આપે કે હમણાં જ જઈ આવ ને, ક્યાં દૂર જવાનું છે? બીડેલું કવર હોય તો, ચાલો, માની લઈએ કે કાંઈ કામની ચીજ લખી હશે. પણ પોસ્ટકાર્ડ આપ્યું હોય તો જાણવાની ઇચ્છા જરૂર થાય કે એવું અગત્યનું તો જવાબમાં શું યે લખ્યું હશે. છાનેમાને વાંચી લઈએ તો પત્ર મળ્યાની પહોંચ હોય, તેથી થયેલો આનંદ વ્યક્ત કર્યો હોય, કુટુંબીજનોનાં નામ સાથે ખબરઅંતર પુછાયા હોય અને સ્નેહાધીન હોવાના એકરાર સાથે પત્ર પૂરો!

થોડા અકળાઈને ક્યારેક પૂછ્યા વિના ન રહેવાય કે કેમ આટલી ઉતાવળ કરો છો જવાબ મોકલવાની, તો સાંભળવા પામીએ કે કોઈને વાટ ન જોવડાવવી સારી, આપણો જવાબ જાય નહીં ત્યાં સુધી સામાને નાહકનો ઉચાટ રહે કે ટપાલખાતાએ એમના કાગળનું શું કર્યું હશે.

પછી પૂછે : જવાબ ડબ્બામાં બરોબર નાખ્યો હતો ને ?”’ એમને ચીઢવવા માટેનો જવાબ: “ના, બાજુની કચરાપેટીમાં ફગાવી દીધો હતો.’” બન્ને પક્ષે પછી અટ્ટહાસ્યના અવાજ આજે પણ કાનમાં ગુંજે છે ને મારું મોં હસુંહસું થઈ જાય છે, લાગે છે કે આ ચીકણાશનો સ્વભાવ વારસાગત ઊતર્યો હોય તો નવાઈ નહીં. મારાં છોકરાંઓ પણ એકમેકને કહેતાં હશે: બાપ કરતાં એનો દીકરો સવાયો નીકળ્યો!

આ તો થઈ મજાકની વાત, પણ કોઈ પણ કામ પૂરા ખંતથી થવું જોઈએ. એવો ભાઈનો આગ્રહ. ‘સંસાર’ વાર્તાના દલસુખને કૂતરું કરડ્યાની વાર્તા લખવા પહેલાં હડકવા વિશે પૂરી જાણકારી માટે કેટલાયે ડૉક્ટરોને પૂછીને એ માંદગી દરમિયાનની દરદીની હાલત બાબત જાણી લીધું હતું.

રામાયણ અને મહાભારતના અનુવાદો તો વાંચેલા. પછી મૂળ સંસ્કૃતમાં વાંચ્યા. એનો પૂરો રસાસ્વાદ કરવા એક શાસ્ત્રીજી પાસે જતા. જુદા જુદા વિદ્વાનોએ આ મહાગ્રંથોના ઘટાવેલા અર્થ સમજવા એ દરેકના નિબંધોનો Comparative Study કર્યો. અગત્યની સભામાં સાક્ષરી ભાષણ કરવાનું હોય કે પછી નાનામાં નાની સંસ્થામાં બે શબ્દ કહેવાના હોય પોતાને કહેવાના મુદ્દાઓની વ્યવસ્થિત નોંધ શાંતિથી બનાવાઈ જ હોય.

કુટુંબના અમારા સૌ માટેનું શેરબજારનું રોકાણ વર્ષો સુધી ભાઈએ જ કર્યું હતું. એની વિગતવાર નોંધ કરેલી ચોપડીઓ એમના છેવટનાં વર્ષોમાં અમને સૌને સુપરત કરી ત્યારે આખી જિંદગી એમણે ઉઠાવેલી જહેમતનો ખયાલ આવ્યો. આટલી વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક રાખેલી હિસાબની ચોપડી કોઈ પણ ઘરાક લાવે એ સાંજે એનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભગવાનને ખુશીથી નાળિયેર ચઢાવે!

ગાંધીયુગ અને સ્વાતંત્ર્યસંગ્રામનાં લીધેલા સક્રિય ભાગની અસર ભાઈની વાર્તાઓમાં તો જોવા મળે છે, પણ એમની જિંદગીનાં અનેક પાસાંઓને પણ આવરી લેતી સ્પષ્ટ દેખાઈ આવે છે, આપણે સાચા હોઈએ તો કોઈના બાપથી ન ડરવું”  એ પોતે આત્મસાત કરેલો મંત્ર, કોઈ પણ મુશ્કેલીના સમયે અમને યાદ કરાવી હિંમત આપતા.

અન્યાય થતો લાગે, પક્ષાપક્ષી થતી દેખાય, તો એ બાબત ‘કોઈના બાપથી ડર્યા વિના’ આ સત્યાગ્રહીએ લડી પણ લીધું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે એમનું નામ આવેલું, એ પહેલે વર્ષે બીજાઓએ ભાઈને સમજાવ્યા કે બીજા નામવાળાની ઉંમ૨ મોટી છે ને તબિયત નાજુક છે તો તમે ચૂંટણીમાંથી ખસી જાઓ ને એમને આવવા દો. નમ્રતાથી ભાઈએ પોતાનું નામ પાછું ખેંચી લીધું.

ત્યાર પછીની બીજી ચૂંટણી વખતે પાછું ભાઈનું નામ આવ્યું ત્યારે ફરી એમના ઉ૫૨ દબાણ લાવવાનો પ્રયત્ન થયો-તમે હઠી જાઓ ને બીજા ઉમેદવા૨ને આવવા દો. સાહિત્યક્ષેત્રે રાજકારણ રમનારાઓની ચાલ ભાઈએ સમજી લીધી. જણાવી દીધું કે ચૂંટણી થવા દો, જે જીતી ચૂંટાઈ આવે એને પ્રમુખ થવા દો. ચૂંટણી લડ્યા, સારી રીતે જીત્યા ને સાહિત્ય પરિષદનું પ્રમુખપદ શોભાવ્યું.

આપણા અનેક સુશિક્ષિત જુવાનો આગળ અભ્યાસ કરવા પરદેશ જાય છે ને પછી સ્વદેશ પાછા આવવાને બદલે ત્યાં જ રહી પડે છે એ વાતનું આ દેશપ્રેમીને મોટું દુઃખ રહેતું. એટલે તો B.Com. પછી London School of Economicsમાં ભણવા જવાની મારી ઈચ્છા વખતે એમણે મને અટકાવ્યો: પહેલાં આપણા દેશમાં જ કોઈ સારી ડીગ્રી મેળવ. એ રીતે ઉંમર પણ વધુ યોગ્ય થાય ત્યારે તારા ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવા પરદેશ જવાથી ફાયદો થવાનો હોય તો વિચારીશું.”

સારી ડીગ્રી મેળવ્યા પછી ફરી જવાની વાત મેં કાઢી ત્યારે બીજી શરત મૂકી: “દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો ભલે, બાકી આપણા દેશમાં શું ખોટું છે?’’ એમને પસંદ પડે એ જાતનું admission લાવી બતાવ્યું ત્યારે ત્રીજી શરત: “ભણાઈ જાય પછી ઝાઝું રોકાવું નહિ, બહુ ઈચ્છા હોય તો એકાદ વર્ષનો અનુભવ લઈને પાછા આપણા દેશ ભેગા થઈ જવું.” જિંદગીમાં ‘ઉત્તમ’ને જ જેમણે ધ્યેય બનાવ્યું હતું એ એની જ હિમાયત કરે ને?

શિસ્તનો ગુણ પણ અનેક સ્વાતંત્ર્યસેનાનીઓના સહવાસમાં આવેલા ભાઈમાં ડોકાયા વિના રહેતો નથી – જેમ કે, સ્વાસ્થ્ય જાળવવાની બાબતમાં, ખાવાપીવાના નિયમિત સમયનું પાલન કરવામાં, દરેક જગ્યાએ સમયસ૨ હાજ૨ ૨હેવામાં, દિવસના નિર્ધારિત સમયે વાચન-લેખન કરવામાં, નાહકનો સમય બરબાદ ન કરવામાં અને નાનીમોટી બીજી અનેક ટેવોમાં –  જુઓને, આ એમનો નિત્યક્રમ :

  • સવારના પહોરમાં વહેલા ઊઠવું. ભગવાનના નામ સાથે દિવસની શરૂઆત કરવી.
  • નિત્યક્રમ પતાવી કસરત કરવી.
  • કૉફી પીતાં છાપા પર ઊડતી નજર કરી લેવી.
  • જૂહુ ફરવા જવું, મિત્રો સાથે મુક્તપણે હસવું, મજાક કરતાં કરતાં દુનિયાના કેટલાયે પ્રશ્નોનો સામૂહિક ઉકેલ સૂચવવો.
  • સ્વચ્છ થઈ, લેખન માટે બેસવું, એક ગ્લાસ છાશ સાથે બે એક કલાક એકચિત્તે લેખન પ્રવૃત્તિમાં ગાળવા.
  • જમવાના સમય પહેલાં બાકીનું છાપું જોઈ જવું, મેગેઝિનોમાંથી વાંચવા યોગ્યને ન્યાય કરવો, નવાં પુસ્તકોનું પઠન કરવું.
  • ૧૧ થી ૧૨ના અરસામાં પાચન માટે સ૨ળ એવું બપોરનું ભોજન લેવું, પાચનના સહયોગ માટે જમ્યા પછી તરત વાંચવા ન બેસવું કે સૂવા ન જવું.
  • કે, પછી બપોરના અર્ધ-પોણા કલાકના આરામ પછી કૉફી, ફરી પાછું વાચન, ટેબલ સામે વ્યવસ્થિત ગોઠવાઈને લેખન, પત્રવ્યવહાર, કામના કાગળોને થાળે પાડવા – સાથે ફળનો રસ કે શરબતનો એક ગ્લાસ.
  • સાંજ પડ્યે સંસ્થામાં ભાષણ માટે જવું / મિટિંગમાં હાજરી આપવી / મિત્રોની મુલાકાત – જે કાંઈ પણ પ્રવૃત્તિ હોય તે સાત વાગ્યા સુધીમાં સમેટાઈ જવી. જોઈએ ને ઘેરે પાછા આવી જવું જોઈએ.
  • સાડા સાત સુધીમાં રાત્રિભોજનનો હળવો ખોરાક – કુટુંબીઓ સાથે દિનચર્યાના ગપાટા મારતાં કે મસ્તીમજાકની છોળ ઉડાડતાં – કોઈ પણ કારણસર આ સમય ચૂકાઈ ગયો તો જમવાનું ૨દ્દ – માત્ર છાશના બે ગ્લાસ પીવાના. પેટને થોડો આરામ આપ્યા પછી લેમ્પ નીચેની ખુરશીમાં ટટ્ટાર બેસી દુનિયાભરના શ્રેષ્ઠ લેખનનું રસપાન કરવું.
  • સાડા દસ-અગિયાર સુધીમાં દિવસ સરસ ગાળ્યાના સંતોષ સાથે ભગવાનનું નામ લઈ સ્વપ્નલોકમાં સરી જવું.

વર્ષોનાં વર્ષો સુધી શિસ્તબદ્ધ અને આનંદિત રહ્યા હોવાને અંગે ભાઈની ઉંમર જાણે વધતી જ નહોતી. શોખ પણ ક્યાં ઓછા હતા? કૉલેજકાળમાં એ જમાનાની latest styleનાં કોટ-પાટલૂન અને ટાઈ પહેરેલાં. સ્વાતંત્ર્ય ચળવળમાં એ બધાંની હોળી કરી ખાદી અપનાવી, પણ ખાદી પણ આંધ્રની સુંવાળી જોઈએ, ધોતિયાની પાટલી સરસ રીતે પડવી જોઈએ, સ્ટાર્ચવાળા સરસ આખી બાંયના પહેરણ ઉપર બંડી પહેર્યા પછી અરીસાએ સર્ટિફિકેટ આપવું પડે:  “વટ છે, હું!”

ત્યાર પછી બંદા ઘરથી બહાર પડે. પરદેશથી આવનાર ભાઈ માટે સરસ કોલોન કે After-shave લાવે એનો મઘમઘાટ નજીક આવનાર તરત માણી શકે. Pondsનું Vanishing Cream તો કદાચ ભાઈને લીધે જ આટલાં વર્ષોં ધમધોકાર ચાલ્યું હશે.

દુનિયાની સારામાં સારી ફાઉન્ટન પેનનો ભાઈનો ટેબલ પરનો ખજાનો જોવા જેવો! કહેતા કે એમની જુવાનીમાં વાળ એટલા ઘટ્ટ હતા કે ઓળતાં કાંસકી તૂટી જાય. કાળક્રમે એ ભલે ઓછા ને ઓછા થતા ગયા હોય પણ દરેક વખતે વાળ કપાવી આવે ત્યારે ઘરના દરેકની સામે ઊભા રહીને પૂછવાનાઃ “બરોબર કાપ્યા છે?” ફોટો પાડના૨ કોઈ પણ મળે કે છાતી બહાર નીકળી જ છે ને એમનું પેલું trademark smile મોં પર છવાઈ જ ગયું છે ને!

કસરતના સંસ્કાર ભાઈને નાનપણથી પડેલા. મોટી ઉંમરે પણ વારંવાર યાદ કરે માંકડ માસ્તરને: “પો૨બંદ૨માં ઘેરઘેર ફરીને માંકડ માસ્તર અમને છોકરાઓને ભેગા કરે ને અખાડામાં લઈ જાય. જાતજાતની કસરત કરાવે ને શરી૨ને તંદુરસ્ત રાખવાની અગત્યતા શીખવાડે. અમારી ગમતી રમત શું હતી, ખબર છે? છાતીને શ્વાસ ભરીને એકદમ ફુલાવવાની ને છાતીએ બાંધેલા પટ્ટાને તોડી કાઢવાનો!’’

ભાઈની ફિલસૂફી: સાજું-સારું રહેવું હોય તો ચિંતામુક્ત રહેવું, હસવું ને શરી૨ને કસરતથી કસેલું રાખવું. શિખામણ માત્ર આપવા પૂરતી નહોતી, પોતે એનો અમલ બરાબર કરતા. હસવાનો અને હસાવવાનો એક પણ પ્રસંગ ન ચૂકતા. છેવટનાં વર્ષોમાં ક્યારેક પૂછતા – આજકાલ લોકો હસતા ઓછા થઈ ગયાં હોય એવું લાગે છે ને?

ચિંતાથી પોતાની મગજની શાંતિ ગુમાવી હોય કે રાતની ઊંઘ બગાડી હોય એવું યાદ નથી આવતું. સત્તાણુમે વર્ષે પણ સવા૨ની નિયમિત કસરત પછી પોતાના હાથના સ્નાયુની તાકાત અરીસામાં પોતે ચકાસતા ને અમારી પાસે પણ એ સ્નાયુને દબાવડાવી એની લોખંડી તાકાતની પરીક્ષા કરાવતા. “તારો મસલ બતાવ જોઉં!” શું બતાવે, એમની નિયમિતતાથી શરી૨ને કસેલું રાખવાની જહેમત ન ઉઠાવનારા અમારામાંથી કોઈ!

ભાષાપ્રેમ અને સાહિત્યરસથી ભાઈનું જીવન છલકાતું. કલાને ઉચ્ચ જીવન માટેનું આવશ્યક અંગ ગણતા. ભારતમાં ધીમેધીમે આપણી માતૃભાષાઓનો લોપ થતો જાય છે એથી એમને ઊંડું દુઃખ થતું ને એ વિશે ટકોર પણ કરતા: “એ તે કેવો ગુજરાતી જે જાણે નહીં ગુજરાતી!’

ગુજરાત રાજ્યે ભાઈના ૯૩મે વર્ષે એમનું સન્માન કર્યું ત્યારે પોતાના બે બોલમાં માત્ર એટલું જ કહ્યું કે “ઇતિહાસ કલાકારોને સદીઓ પછી પણ યાદ કરે છે, શ્રીમંતોને નહીં. શેક્સપિય૨ કે કવિ કાલિદાસને પેઢી-દર-પેઢી માનથી જોતી આવે છે. આજે માન વ્યક્તિ ગુલાબદાસનું નહીં, ગુજરાતના સાહિત્યના વારસાનું થઈ રહ્યું છે. જે રાજ્યોએ કલાને ઉચ્ચ સ્થાને બિરદાવી છે એમને ઇતિહાસે પ્રગતિશીલ ગણ્યાં છે. ગુજરાતની આમ જ ઉત્તરોત્તર પ્રગતિ વધતી ચાલે એવી મારી શુભેચ્છા.”

દુનિયાભરનું સાહિત્ય ખૂબ રસથી વાંચતા, એમાં થતા પ્રયોગોથી ને વાર્તાને રજૂ કરવાની બદલાતી જતી રીતોથી પૂરા માહિતગાર રહેતા. એમના વખતના જૂનું એ જ સારું ને નવું બધું બકવાસ’ કહેનારાઓ સાથે વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓ કરતા ભાઈને અનેક વાર જોયા છે અને નવામાંના ઉત્તમ તત્ત્વને આવકારવા ને સ્વીકારવા હંમેશાં હિમાયત કરતા સાંભળ્યા છે. એટલે તો સુરેશ જોષીના ‘ગૃહપ્રવેશ’ને પ્રસ્તાવના લખી એમણે આવકારી; રાધેશ્યામ શર્માનું ફેરો’ “વાંચ્યું એવો મુગ્ધ થઈ ગયો… આફ્રિન બોલાઈ ગયું” એમ લખી એ લઘુનવલને બિરદાવી; નિરંજન ભગત – રાજેન્દ્ર શાહ પછીની પેઢીમાં નવી પ્રણાલીથી આગવું સ્થાન સિતાંશુ યશશ્ચંદ્રને જાય એમ કહેવામાં એમણે બીજા કોઈની રાહ ના જોઈ. અન્ય પ્રાંતના કે બહારના કોઈપણ દેશના માણસને મળે ત્યારે પેલાની ભાષાના ઉત્તમ લેખકોનાં નામ અને કામની ભાઈની જાણકારીને લીધે તરત નિકટની દોસ્તીના સ્તર પર આવી જતા જોયા છે.

“વાંચતા રહેશો તો જિંદગીમાં ક્યારેય એકલાપણું નહીં લાગે, પુસ્તકો તમારા સૌથી વફાદાર મિત્ર હંમેશાં રહેશે’’ કહેનારે પુસ્તકોની મૈત્રી છેક છેવટ સુધી પૂરા દિલથી જાળવી રાખેલી એનો હું સાક્ષી છું.

પુસ્તકમિત્રોથી ભાઈનું આખું ઘર ખીચોખીચ ભરાયેલું રહ્યું છે. કબાટોની આગલી હરોળમાં વ્યવસ્થિત ગોઠવાયેલાં એમનાં ગમતાં પુસ્તકો. એ ભરાઈ જાય એટલે એની ઉપર, પાછળ, ઘ૨માં જ્યાં ક્યાંય પણ ખાલી જગ્યા દેખાઈ ત્યાં બધે પુસ્તકો જ પુસ્તકો! એ પણ માત્ર ગુજરાતીનાં જ નહીં, ભારતની અન્ય ભાષાઓ જેટલી ભાઈ જાણતા એનાં પણ કેટકેટલાં પુસ્તકો, world literatureના કેટલા બધા ઉત્તમ નમૂનાઓ!

આશ્ચર્યથી હું ભાઈને પૂછતો; તમે આ બધું વાંચેલું છે? કહેતા : ઘણુંખરું. તક મળ્યે બાકીનું ભેગું કરેલું પણ ચોક્કસ વાંચી જઈશ. શેરબજારમાંથી નિવૃત્ત થયા પછી આમાંનાં કેટલાં મોટાં થોથાંઓ વાંચવાં બાકી હતાં એને એક પછી એક માણતા મેં એમને જોયા છે.

આટલા પ્રેમથી ચાહેલાં એ પુસ્તકોનો ખજાનો ઘ૨માં અન્ય ચીજો રાખવા થોડો ઓછો કરવાનું ભાઈને ક્યારેક કહેવામાં આવતું ત્યારે એમને પીઠ ફેરવી ચાલી જતા જોયા છે. હળવેકથી બોલાતા એમના શબ્દો એમના વિષાદને છતો કરી દેતા: “આ ઘરમાંથી પહેલાં મને કાઢજો, પછી મારાં આ પુસ્તકોને.”

વાચનનો શોખ ભાઈને કૉલેજકાળથી, જે તક મળતાં સત્યાગ્રહ સમયે જેલમાં વિકસ્યો. એકએકથી ચઢે એવા અલગઅલગ વિષયોના વિદ્વાનોનો પરિચય જેલના સહવાસે સહજતાથી કરાવ્યો અને એથી અનેક વિષયો પરનાં ઉત્તમ લખાણોની માહિતી મળતી રહી.

એ જ અરસાએ લખવાની પહેલી તક ઊભી કરી – પેલા જેલરે સ્ત્રીઓ પ્રેમ કરતાં પૈસાને વિશેષ પસંદ કરે છે’ એ વિષય પર લેખ લખી આપવા આ હોશિયાર લાગતા જુવાનને કહ્યું એ પરથી, ભાઈના જેલના અનુભવોની વાતો સાંભળવાનું ખૂબ રસપ્રદ હતું.

એમાંયે ગાંધીજી સાથેની એમની અંગત મુલાકાતની વાત કહેવા અમે ભાઈને વારંવાર વિનવતા ત્યારે ભાઈ રંગમાં આવી જતા. ગાંધીજી સામે બેઠેલા જુવાન ગુલાબદાસના સંવાદોનું નાટક અમારી સામે એક્ટિંગ સાથે રજૂ થતું.

ગુલાબદાસ: બાપુ, તમે કહો છો પરદેશી કાપડની હોળી કરો, અમે કરીએ છીએ. તમે કહો છો સત્યાગ્રહ કરો, અમે કરીએ છીએ. જેલમાં ભરતી થાઓ, અમે થઈએ છીએ. પણ આવું બધું કર્યે સ્વરાજ આપણને ખરેખર મળશે?

ગાંધીજી: મળશે કે નહીં એમ પૂછો છો? (ગાંધીજીનું પાત્ર ભજવતા એક્ટર ગુલાબદાસ હાથને ઉછાળતા બતાવે છે –) આ આવ્યું, સામેથી દોડતું આવતું ચોખ્ખું દેખું છું!

ગુલાબદાસમાંનો વાર્તાકાર વાતને સમેટતાં કહે છે: “આ વાત હતી ૧૯૩૧- ૩૨ની ને એટલાં વર્ષો પહેલાં પણ ગાંધીજીને ‘૪૭માં આવનારું સ્વરાજ્ય સ્પષ્ટ દેખાતું હતું! એટલા દૂરંદેશી હતા એ મહાન માણસ.’

ગુલાબદાસઃ મારા મા મારી પત્નીને લાજ કાઢવા કહે છે. મારે નથી કઢાવવી લાજ. ન કાઢવા દઉં તો મા સાથે ઝઘડો થાય એમ છે. પત્ની કહે છે કે માને નારાજ નથી કરવાં, મને લાજ કાઢવાનો વાંધો નથી. આવા ધર્મસંકટમાં મારે શું કરવું?

ગાંધીજીઃ મા સાથે ઝઘડો ન કરાય, એને તમારી પત્ની કહે છે એમ પ્રેમથી જીતી લેવાય.

ગુલાબદાસમાંનો વાર્તાકાર એકરાર કરે છે: પત્નીની રીતથી મા જિતાઈ ગયાં. માએ પોતે જ પત્નીને લાજ કાઢતી મુકાવી. બે સ્ત્રીઓએ મળી મને ઝઘડાનું કારણ બનતો અટકાવ્યો.

આ એમનાં મા – એટલે ભાઈની જિંદગીનું અને એમની વાર્તાઓનું પ્રિય પાત્ર. કોઈકને કોઈક રીતે મા એમની વાર્તાઓમાં ડોકાઈ જતાં દેખાયા કરે છે.

ભાઈ કહેતા : “મારા પિતા વહેલા ગુજરી ગયા ત્યારે માએ મને કહેલું – આજથી હું જ તારી મા અને હું જ તારો બાપ.’” એ મા માટેનો અનહદ પ્રેમ ભાઈની જિંદગીની છેવટની ક્ષણો સુધી એવો ને એવો જ રહ્યો. છેવટનાં વર્ષોમાં દ૨રોજ, અને દ૨રોજના અનેક વાર ભાઈ એક સવાલ કરતા: “તને મારાં મા યાદ આવે છે? મને બહુ આવે.”

ભાઈ માણસમાત્રના ચાહનારા, ને એમનામાંથી જ એમને વાર્તાવસ્તુ મળી આવતું. એમની વાર્તાઓનાં પાત્રો ને જ જુઓને – એમાં રમતા દેખાય છે બાળપણના દોસ્તો, મા પાસે આવતાં સગાંસંબંધીઓ, પ્રેમમાં પડેલાં નવયુવાનો ને રૂપાળી સ્ત્રીઓ, પ્રેમમાં નાસીપાસ થનારાં કે માનવસહજ નબળાઈની કોઈક ક્ષણે extramarital affair તરફ સરકી જનારા.

આમાંથી જ સર્જાય છે લતા, નીલી કે એમના તરફ આકર્ષાયેલા નિરંજન ને શશી, આ વાર્તાઓમાં બાળપણમાં પોતાને પીઠ પર બેસાડી ઘોડો બનનારો નોકર ભીમો પણ મીઠાશથી યાદ પામે છે અને પરદેશની મુસાફરીમાં અચાનક ભેટો થઈ ગયેલી ઈવાની દુનિયા પણ જોવા મળે છે. શેરબજારના દલાલો ને એમને ખટાવતા / ટટળાવતા શેઠિયાઓ જોવા મળે છે ને ‘નવા ગગનની નીચે’ના પરદેશના પ્રવાસપુસ્તકથી ત્યાં મળેલાં સ્ત્રીપુરુષો મારફત એમનાં દેશોને સમજવા પણ મળે છે.

“માણસનાં મન” જેવો વાર્તાસંગ્રહ લખનાર કે મનનાં ભૂત’ જેવું નાટક લખનારના સર્જનના મૂળમાં આ મનનાં અગાધ ઊંડાણનું – ને છેક ત્યાં સુધી પહોંચી જઈ શકનાર લેખકની માણસને પરખવાની ઊંડી સમજનું – દર્શન થતું રહે છે.

સુરેશ સાથે સુખી લગ્નજીવન ગાળતી લતાને મિત્ર નિરંજનનો હાથ ગાલ ૫૨ ૨હેવા દેવામાં ‘સ્ત્રીસુલભ જ્ઞાનથી પોતાના હૃદયની ચોરી પારખી લેતી’ લેખક બતાવે છે. તો નીલી પ્રત્યે આકર્ષાયેલો શશી નીલીની વિરુદ્ધની વાતો કરવામાં પોતે નીલીને કેટલો અન્યાય કરી રહ્યો હતો એ શા માટે? શા માટે?” એમ ફરીફરીને એના હૃદયમાંથી ઊઠતા સવાલથી લેખક વાચકને પણ એની અકળાયેલી મનઃસ્થિતિનું દર્શન કરાવે છે.

પોતાના મન સાથે થઈ રહેલ છેતરપિંડીથી સર્જાતી ભૂતાવળ “કોઈ અણચિન્તવ્યા ભયે ફરી પાછો તેનો કબજો લઈ લીધો’ લખીને વાચકને પણ શશી સાથે બેબાકળા બનાવે છે. આનાથી તદ્દન અલગ પ્રકારની વાર્તા ‘કુંડી’ – એમાં અંત૨થી અનુભવાતું એકલાપણું, કુટુંબીજનોથી વીંટળાયેલા હોવા છતાં, એની વાત કોને ક૨વી? કોને ફુરસદ છે બીજાના હૃદયતળની સંવેદનાને પારખવાની?

આમ, જ્યાં જોઈએ ત્યાં, માણસના અંતરતમ તત્ત્વનાં ગૂઢ રહસ્યો એનાં અનેકાનેક રૂપોમાં માણસના રસિયા આ લેખકે આપણી સામે જાતજાતની વાર્તાઓ દ્વારા વેરી દીધાં છે.

આત્મકથાત્મક લાગતા ગયાં વર્ષો… રહ્યાં વર્ષોમાં ભાઈ પોતે જ લખે છે એમ માણસની પણ તેની ઈચ્છા અને આકાંક્ષા, તેનાં અરમાન અને ઓરતા, તેનામાંનો મૂળભૂત માણસ ક્યાં કદી પલટાય છે?’ ને પછી પોતાના લખાણ અને પોતા વિશે લખે છે: ‘વાત તો મૂળભૂત માણસની જ થશે. એ (આ) માણસે એનું આકર્ષણ કદીયે ગુમાવ્યું નથી; આ જગત(માં) રહેશે ત્યાં સુધી ગુમાવશે પણ નહીં.’

વાર્તાઓ ભાઈને દેશદેશાવર લઈ ગઈ. પુષ્કળ અનુવાદો થયા, માનપાન મળ્યાં, દેશના દરેક ભાગમાં અને પરદેશનાં વિધવિધ આમંત્રણોથી મુસાફરી અને ભાષણો કરવાના પ્રસંગો આવ્યા. રાજ્યોએ પારિતોષિકો આપ્યાં, દેશે પદ્મશ્રી’ આપી નવાજ્યા.

જિંદગીભર કરેલી ભાઈની સાહિત્યસેવાની ઠેકઠેકાણે કદર થઈ. ક્યારેક એમનાથી જુનિય૨ ગણાય એવાંઓને ઇનામ પહેલાં અપાય અને ઇનામ આપનારાંઓને ભાઈની યાદ પાછળથી આવે એવું બને ત્યારે પણ ભાઈનો કોઈ ચાહક એ બાબત વિરોધ બતાવે તો ભાઈનું કહેવાનું એક જ રહ્યું હતું: વહેલું કે મોડું, આપણે પૂરી Sincerityથી કરેલું કામ એળે નથી ગયું ને લોકો આપણને યાદ કરે છે, એટલું ઘણું છે.

‘તમને જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળવો જોઈતો હતો’ એમ કહેવામાં આવતું તો એમનો જવાબ રહેતો: “એ ઍવૉર્ડ ગુજરાતીમાંથી કોને આપવો એ કમિટીમાં મને નીમ્યો છે, એ કાંઈ ઓછું છે? પન્નાલાલને એ માન મળવું જ જોઈએ એ માટે મેં કેટલી ઝુંબેશ ઉઠાવેલી. એ સાહિત્યજગતનાં ઘણાંને ખબર છે. આ છેક હમણાં પણ રાજેન્દ્ર શાહની અને મારી ભલામણ પછી એમને એ ઍવૉર્ડ મળ્યો હતો. લાયક ગુજરાતી સર્જકોને એ માન મળ્યું છે એનું મને ગૌરવ છે. બાકી બધા જ સારા ગુજરાતી લેખકોને થોડો જ્ઞાનપીઠ ઍવૉર્ડ આપી શકાય?”

પોતાને માનપાન ને ઇનામો મળે એ માટે ખેંચતાણ કરતા ભાઈને ક્યારેય જોયા નથી. માત્ર વારંવાર કહેતા સાંભળ્યા છે:લખવાનું ચાલુ કર્યું ત્યારે સ્વપ્નેયે ખ્યાલ નહોતો કે આટલું બધું લખાશે ને એને લીધે આટલાં માનપાન પણ મળશે. જિંદગીએ ઘણું ઘણું આપ્યું છે. જે મળ્યું છે એનો મને અત્યંત સંતોષ છે.” 

ભાઈ કહેતા: “દરેક માણસની બે બાજુ હોય છે. તમારે સુખી થવું હોય તો માત્ર એની સારી બાજુ જોવીપોતે આ રીતે જ વર્ત્યા છે આખી જિંદગી.

સાહિત્યની દુનિયાના રાજકારણમાં કોઈ એમને ઉતારી પાડવા જેવું બોલે કે લખે એને માટે પણ પેલાની કાબેલિયત (હોય તો!) વિશે સાંભળવા મળે, એના સાહિત્યના પ્રદાન (જો કર્યું હોય તો!) બાબતની વાત કરતા જોવા મળે, પણ સામી વ્યક્તિને પણ દુનિયા આગળ છતી કરી દઉં’ એવું વલણ ક્યારે પણ જોવા મળ્યું નથી.

એમનાં છેવટનાં વર્ષોની છાપામાં લખાતી કૉલમમાં પણ એમણે માત્ર અમૃતનો આસ્વાદ’ જ કરાવ્યો હતો. એમાં વણાયેલા કોઈ પણ પાત્રની ટીકાટિપ્પણીનો અંદેશ સુધ્ધાં ક્યાંય જોવા મળતો નથી. જેમના પણ પરિચયમાં ભાઈ આવ્યા, એ સૌને ખરા દિલથી ચાહ્યા છે ને સૌને મૈત્રીસંબંધના મજબૂત તાંતણે બાંધી પોતાની નિકટ રાખ્યાં છે.

ભાઈના મિત્રોને યાદ કરવા બેસું તો અધધધ થઈ જાય છે! અમારું ઘર કુટુંબીજન બની ગયા હોય એવા અનેકાનેક મિત્રોથી ભર્યુંભર્યું ને ગાજતું રહ્યું છે.

પોરબંદરના નાનપણના મિત્ર રતિલાલ છાયા; રવિવારની સાંજના મળનારા મનસુખલાલ ઝવેરી ને સુંદરજી બેટાઈ; સવા૨ના જૂહુને દરિયે સાથે ફરવા જનારામાંના હરિવલ્લભ ભાયાણી અને અમૃતલાલ યાજ્ઞિક; બહારગામથી આવનારા ઉમાશંકર જોષી, કિશનસિંહ ચાવડા, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, શિવકુમાર જોષી, યશવંત શુક્લ…; ઇતરભાષાના ધર્મવી૨ ભા૨તી, અનંત કાણેકર, સિતારામૈયા…, રૂપેરી પડદાની દુનિયાના બલરાજ સાહની, અયુબ ખાન અને એમના નાના ભાઈ યૂસુફ ખાન (દિલીપકુમાર)… બીજાં કેટલાંયે ક્ષેત્રોના વિદ્વાનો ને રસિકજનો; નાટકને રાજકારણના માણસો, સ્વાતંત્ર્યવીરો, કલાકારો, પત્રકારો; નવોદિત લેખકો,અનેક સંસ્થાના કાર્યકરો, ધર્મગુરુઓ…

અંત જ નથી આવતો સામે આવી રહેલા આ બધા મહાનુભાવોના ચહેરાઓનો! ને આ તો હું સમજણો થયો પછી મેં જોયા છે એમની યાદી થઈ. એ પહેલાંના પણ કેટલા બધા મહાનુભાવો ને સાક્ષરો સાથેની મૈત્રીની વાતો સાંભળી છે.

મેં મુંબઈ છોડ્યું એ પછીનાં ચાળીસેક વર્ષોમાં બીજાં પણ કેટલાંય મિત્રો અને મહેમાનો ઉમેરાયાં હશે. ભાઈ પૂના રહેવા આવ્યા એ છએક વર્ષમાં અહીં પણ એમણે મિત્રમંડળ ઊભું કરી દીધું હતું – વર્ષોથી અમે પૂનામાં સ્થાયી હતાં છતાં અમને પણ ભાઈએ નવી ઓળખાણો કરાવી દીધી!

પત્રમિત્રો, ફોન પ૨ના મિત્રો, સ્ત્રીમિત્રો, બાળમિત્રો, ગામેગામ જાય ત્યાંના મિત્રો, ૫૨દેશનાં મિત્રો….. ગણ્યાં ગણાય નહીં, વીણ્યાં વીણાય નહીં ને કેમે કર્યાં એડ્રેસના ચોપડામાં માય નહીં !

અમે ભાઈને ચીઢવતાં: તમને મળવા આવેલાંઓની આગતાસ્વાગતા કરવામાં ને ચા-પાણી-નાસ્તો-શરબત આપવામાં જ અમારો દિવસ પૂરો થઈ જાય છે.’

ભાઈ જવાબ દેતા: ‘તમને ખબર છે નસીબદાર હોય એને ત્યાં જ મહેમાનો આવે! મૈત્રીનો આનંદ અનેરો છે. એની મસ્તી ગુમાવવા જેવી નહીં.’

બા’ની વાર્તામાં પોતાના માનું કહેલું વચન ટાંકતાં ભાઈ લખે છે: ફાટેલ, સાંધેલ કપડાંથી માણસે લાજવાનું નથી. પણ સામો હાથ ધરીને કોઈ માગવા આવે તેને પાછું વાળવાથી લાજવાનું છે.

માના આ કહેણનું સત્ય ભાઈને કેટલી ગહેરી અસર કરી ગયું હતું એ એમને કોઈક ને કોઈક રીતે અનેકોને મદદ કરતા જોયાથી ખાતરી થતી રહી છે. આંગણે આવેલા કોઈએ પણ મદદ માગી હોય એને એમણે ખાલી હાથે નથી જવા દીધું.

પોતાને ભાગે આવેલું પો૨બંદ૨નું ઘર આખું ને આખું ધર્માંદામાં ત્યાંની કોઈ હૉસ્પિટલના ખપ માટે આપી દીધું હતું. સ્વાતંત્ર્યસૈનિકોને પેન્શન આપવાની વાત આવી ત્યારે પૈસા લેવા સત્યાગ્રહની લડત નહોતી કરી કઈ ન લેવું એમ નક્કી કર્યું. લોકોએ સમજાવ્યા કે તમે નહીં લો તો સ૨કા૨માં તો એ પૈસા ખોટા હાથમાં ચાલી જશે. એટલે એ પેન્શનનો પૈસો પોતા માટે નહીં વાપરું, માત્ર ધર્માદામાં આપવા માટે વાપરીશ એ શરતે પેન્શન લેવા કબૂલ્યું.

ભાઈના મૃત્યુ પછી એમની એક નોટબૂક મારા હાથમાં આવી જેમાં પેન્શનના પૈસા ક્યાં ક્યાં સારાં કામો માટે વાપર્યા હતા એની વિગતે નોંધ હતી. ઊગતા લેખકોને સલાહસૂચનાઓની કે એમનાં પુસ્તકોની પ્રસ્તાવના લખી આપી આગળ વધવા પ્રોત્સાહન આપવાની પણ મદદ જ કહેવાયને?

આવું જ મોટું દિલ એમણે દાખવ્યું પહેલાં નંબરના એમના પ્રેમપાત્ર જેવા પુસ્તકોના ખજાનાને કોઈ જાતની હક્ક કરતી શરતો વિના શ્રી ફાર્બસ ગુજરાતી સભાને સોંપી દેતા વિદ્યાર્થીઓ અને રસિક અભ્યાસી વાચકો એનો સદુપયોગ ક૨શે એ વાત આનંદ આપે જ. એ સારું કામ કર્યાનો મને આનંદ છે.’

બા’ની વાર્તામાં ભાઈએ લખ્યું હતું: “અમને બે ભાઈઓને બા બહુ લોભી લાગતાં. દરેક નાનીનાની બાબતમાં પણ બાનો લોભ તરી આવતો દેખાતો.’

આ બા ગયાં પછી લેખક એકરાર કરે છે: બાને અમે જીવનભર કરેલો અન્યાય આંસુથી ધોવાય તેમ નહોતો…’ નાની નાની ચીજોમાં અમને ભાઈ ક્યારેક નાહકનો લોભ કરતા હોય એવું લાગતું – એ પણ એમને થયેલો અન્યાય જ કહેવાય શું?

જિંદગીના લગભગ અંતસમય સુધી નવું જાણવાની – શીખવાની ભાઈની તમન્ના ઢીલી પડી નહોતી. બધી ચીજમાં બધું જ જાણવા જોઈએ ને પૂરું સમજે નહીં ત્યાં સુધી એનો પીછો ન છોડે. ડિક્શનરીમાં બતાવો, Thesaurusમાં જુઓ, આને પૂછો, તેને પૂછો, દવાના ડબ્બા ૫૨નું લેબલ વાંચો વાંચો વાંચો સમજો, બરોબર સમજો, પાકું સમજી લો, એમ ચાલ્યા કરે. એમની આ curiosity બાબત ભાઈ અને મા વચ્ચે થતો એક સંવાદ રસપ્રદ હતો :

મા: હવે તમે બધાંને બધું પૂછપૂછ કરવાનું મૂકોને.

ભાઈ: કેમ?

મા: આવી નાહકની પંચાતની તમારી ટેવથી બધાંને કંટાળો આવે.

ભાઈ: (અમારા તરફ જોઈને) લ્યો, આમાં આને પંચાત લાગે છે! તમને લાગે છે કે હું બહુ પંચાત કરું છું? (અમને નિરુત્તર જોઈને, મા તરફ ફરીને –) આ પૂછું છું એને પંચાત ન કહેવાય, curiosity કહેવાય. Curiosity ન હોય તો લેખક ન થવાય.

મા:  મારે કોઈ તમારા જેવી ક્યુરિયોસિટી-ફ્યુરિયોસિટી નથી જોઈતી ને મારે કોઈ લેખક-બેખક પણ નથી થવું. કરો, તમે તમારે પંચાત ને લખે રાખો તમારી વાર્તાઓ.

એકમેકને ચાહવાની ભાઈ-માની વિલક્ષણ રીતનું આ તો માત્ર એક દૃષ્ટાંત. આ પત્ની હતી જેના વગરનો એક દિવસ પણ ભાઈ કલ્પી શકતા નહીં. પોતાનું પુસ્તક અને જીવન અર્પણ કરતાં ભાઈએ લખ્યું હતું ‘સુખેદુઃખે સાથે રહી જીવનને ધન્ય કરતી – પ્રિય પત્ની સુમનને.’

છેવટનાં વર્ષોમાં લખેલી એક કવિતામાં ભાઈએ પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરી હતી. કાંઈક આવી: હું જતો હોઉં ત્યારે એ સમીપે હોય, એનો સુંવાળો હાથ મને હંમેશની જેમ ટાઢક આપતો હોય… પણ ભગવાનને ક્યાં બધી પ્રાર્થનાઓ સાંભળવાની ફુરસદ છે? પ્રભુએ માને પોતા પાસે પહેલી બોલાવી દીધી ત્યારે પ્રિય પત્ની સુમન માટે ભાઈ પાસે આ શબ્દો હતા: આદર્શ વહુ કેવી હોય એ આને લઈ જાય એ પહેલાં જોઈ લો. બહુ ઓછીઓ એના જેવી રીતે આખી જિંદગી બીજાનું ધ્યાન રાખવામાં પોતાની જાતને ઘસી નાખે, પોતા માટે કોઈ પણ જાતની સામી અપેક્ષા રાખ્યા વગર ને હું કાંઈ ધ્યાન રાખવાનું સ૨ળ પડે એવો નહોતો, પોતાનું જ ધારેલું કશું-કરાવું એમાંનો હતો. આણે અમારી પંચોતેરથી યે વધુ વર્ષોની સાથે ગાળેલી જિંદગીમાં એકવા૨ પણ એમ લાગવા નથી દીધું કે એ મારાથી કંટાળી કે થાકી ગઈ છે.’

આ એ જ સર્જકના શબ્દો હતા જેણે પોતાના જીવનની ‘વસંતે’ કવિતાના રૂપમાં પોતાની પ્રિય પત્નીને કહ્યું હતું:

આપીશ ૐ ના, નથી આપવાનું
માનીશ અહેસાન નહીં, ન શબ્દો.’

***

પૂરી ખુમારીથી આખી જિંદગી જીવેલા ભાઈને છેવટનાં વર્ષોમાં વારંવા૨ flashbackમાં જિંદગી જોતા નિહાળવાનું ક્યારેક કરુણ લાગતું, ઘણુંખરું રસિક, કેમકે એ રીતે ભાઈના અનુભવોની નજરથી અમને એમના બાળપણના દિવસો જોવા મળતા.

“તને આપણું પોરબંદરનું ઘર યાદ છે ?” ભાઈ પૂછતા.

એ યાદ આવે એટલું હું પોરબંદર ગયો પણ નહોતો, છતાં કહેતો:  ‘હા, બરોબર યાદ છે.’

“આ જો, આપણા ઘરની સામેની ગલી, ને ત્યાં ઓલું રતિનું ઘર, તને યાદ છે રતિ ગાતો ગાતો આવતો – સંધ્યા સલૂણી વાળ તારા, કોણ નભમાં ગૂંથતું ?”

“હા, રતિકાકા ગાવાના બહુ શોખીન હતા.”

“મા યાદ આવે? મને બહુ આવે. ને મોટાભાઈ – તમે એને ‘બાપા’ કહેતા કે નહીં? ને ઝીણીબેન? ને તારી મા? બધાં મારી ઉપર બહુ પ્રેમ રાખતાં…’ આકાશમાં ઊડતાં પંખીઓને પોતાના ઘર તરફ જતાં, ભાઈની નજર જોઈ રહેતી.

અમે બન્ને સોસાયટીના બગીચાને બાંકડે બેસતા. એ જગ્યા ને સામેનું ખુલ્લું મેદાન ભાઈને ખૂબ ગમતાં. ત્યાંથી દોડાદોડીની રમત રમતાં નાનાં છોકરાંઓ જોવા એમને ગમતા. ત્યાંથી ઢળતી સાંજના બદલાતા રંગો જોવા એમને ગમતા. ત્યાં મીઠો પવન આવતો એ એમને ગમતું. એમના મોં પર સંતોષનું સ્મિત છવાઈ જતું

“કેટલા વાગાં?” પોરબંદરી ભાષાના ઢાળમાં ભાઈ પૂછતા. આંહીં સાત વાગે દીવા થતા લાગે છે…’ જેવી રસ્તાની બત્તીઓ થાય ને ભાઈ ઘડિયાળમાં કેટલા વાગા એ પાકું કરી લે. સારું થયું દીવા થઈ ગયા. ચાલો, હવે ઘરે જઈશું ?” એક વધુ સાંજ ભાઈની ખુશનુમા વીતતી.

નાનામાં નાની ચીજમાંથી પણ આનંદ મેળવવાની રાજામાણસની રીતનો ચેપ લાગે તો સારું !

***

૧૯૦૯ની ૨૭ સપ્ટેમ્બરના ભાઈનો જન્મ પોરબંદરમાં, જિંદગીના નવ દસકાઓનો મોટો ભાગ પોતાની રીતે મુંબઈમાં ગાળીને ભાઈ-મા એપ્રિલ ૨૦૦૦માં પૂના અમારી સાથે રહેવા આવ્યાં. ખૂબ સંતોષથી જીવ્યાં બન્ને, બદલાતા સંજોગોને અને વધતી જતી ઉંમરને સહજ રીતે અનુરૂપ થઈ પોતાનું જીવન ગોઠવતાં ગયાં.

પોતાના પિતાને ભાઈએ માત્ર વાતોથી જાણેલા. પિતાની યાદમાં એમનું લખેલું એક ધાર્મિક પુસ્તક ‘દિવ્ય યાત્રા’ ભાઈએ ખૂબ જતનથી સાચવી રાખ્યું હતું.

કદાચ એ વહેલા ખોયેલા પિતાને શોધવા, અતિપ્રિય મા પાસે લાડ લડાવવા કે અઢીએક વર્ષ પહેલાં જેનો સુખદુઃખનો દુન્યવી સંગાથ ખોયો હતો એ પ્રિય પત્ની સાથે હવે દૈવી જીવનને ધન્ય કરવા ફરી જોડાવા અક્ષરના રસિયા રાજામાણસે ૧૦ જૂન, ૨૦૦૬ના ક્ષર દેહથી દુનિયાની વિદાય લીધી. પોતાની દિવ્ય યાત્રાએ ઊપડી ગયા યાદોનો અણખૂટ ખજાનો અને સરસ જિંદગી જીવવાની ચાવી મૂકીને.

~ વિજય બ્રોકર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment