રોથનબર્ગથી પ્રયાણ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:47 ~ ઉત્કર્ષ મઝુમદાર
બધાના મનમાં ઘુમરાતા એક પ્રશ્નને નિશ્ચિંતે એ વાચા આપી. “બીજા વિશ્વ યુદ્ધ વખતે અહીં પણ બોમ્બાર્ડિંગ થયું હશે, પણ તારાજી બહુ ઓછી દેખાય છે.”
“વાત સાચી છે તારાજી થઇ હતી પણ પ્રમાણમાં ઓછી, એના કારણમાં બે વ્યક્તિનું પ્રદાન છે. સાચું ખોટું રામ જાણે પણ કહે છે કે યુએસએના તત્કાલીન આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ વૉર, જ્હોન જે. મેકકોલી.

મેકકોલીની માએ આ નગરની મુલાકાત લીધી હતી એણે એના દીકરાને આ નગરની સુંદરતાની વાત કરી હશે; તેથી તેણે કાળજી લીધી કે આ નગરને તારાજીથી બચાવવું,
બીજી વ્યક્તિ હતી જર્મન મિલિટરી કમાન્ડર મેજર થોમે જેમણે સામે ચાલીને શરણાગતિ સ્વીકારી લીધી જેથી આ નગરને વધુ નુકસાન ન થાય. સાંસ્કૃતિક ધરોહર બચાવવાની કેટલી બધી સમજદારી!”

અમે ટાઉન હોલ આગળ પાછા ફર્યા હતા અહીં જોયું તો મધ્યકાલીન યુગના વસ્ત્રોમાં ઘણા બધા નગરજનો આંટા મારતા હતા. કુતુહલનું શમન થયું એ જાણી કે કાઉન્ટ તિલ્લી અને મેયર નોશવાળું નાટક ટાઉનની અંદર આવેલ સભાગૃહમાં ભજવાવાનું છે.

નાટક શરુ થવાને હજી વાર હતી પણ ઉત્સાહી નગરજનો તૈયાર થઈને આવી ગયા હતા. આબાલવૃદ્ધ બધા પોતપોતાનું પાત્ર ભજવવા તૈયાર હતા. અમારે સાંજનું વાળું કરવાનું હતું ને પછી એક રાતની ‘વૉકિંગ ટુર‘ લેવાની હતી એટલે નાટક જોવાય એમ ન હતું.

અમે ત્યાંથી આગળ ચાલ્યા. ગલીમાં પૈડાં પર ચાલતી નાની તોપ સાથે બે ત્રણ નગરજનો સૈનિકના પરિધાનમાં તૈયાર થઇ ઊભા હતા. થોડું આગળ ચાલ્યા કે બીજી આવી તોપ પણ સૈનિકો સાથે દેખાઈ.
સૂચના મુજબ એમણે તોપ દાગવાની હતી. યુદ્ધના દ્રશ્યમાં વાસ્તવિકતા લાવવા માટે આ થઇ રહ્યું હતું. સાથોસાથ બહાર ઊભેલા પ્રવાસીઓને પણ એક જોણું થાય ને અંદર બેઠેલાઓને યુદ્ધ ચાલી રહ્યાની અનુભૂતિ થાય.
કેપ્ટને એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ વિષે જાણી રાખેલું એટલે સાંજે ત્યાં ખાવા જવાનો કાર્ય્રક્રમ બનાવ્યો. આ રેસ્ટોરન્ટનું નામ હતું-ઝુર હેલ એટલે કે નારકીય પીઠું. અહીં તમને અધિકૃત જર્મન વાનગીઓ ને સ્થાનિક ફ્રાંકોનીઅન વાઈન પીવા મળે.

વાચકને થશે આવું કેવું નામ? તો આની પાછળનું રહસ્ય બતાવું. મધ્યકાલીન સમયમાં આ ગલીના એક ભાગમાં સેન્ટ જ્હોન નામનો એક મઠ આવ્યો હતો.

અહીં લાકડાની મોટી છત બાંધવામાં આવેલી જેથી દિવસે પણ અંધારું રહેતું તો રાતના કેવું કાળું ડિબાંગ અંધારું થતું હશે એની કલ્પના કરી શકાય છે. જગા ભૂતાવળ સમી ભાસતી તેથી લોકો આ ગલીને નર્કના નામથી સંબોધવા લાગ્યા. આથી જયારે રેસ્ટોરન્ટ અહીં ખુલી ત્યારે એ જ પ્રચલિત થયેલું નામ રાખી લીધું.
રોથનબર્ગના સૌથી પ્રાચીન મકાનમાં જેનો પાયો સન 970માં નંખાયેલો. આવી આ નાની પીળા રંગની પથ્થરની દીવાલોવાળી રેસ્ટોરન્ટ તરત જ તમને એ સમયમાં લઇ જાય છે.
ભોજન પછી સીધા હોટેલ પર ના જતા અમે આવ્યા પાછા ટાઉન હોલ પર, કેમ કે પેલી વોકિંગ ટુર લેવાની હતી.
ટાઉન હોલના પગથિયાં પર બેસીને રાહ જોતા હતા ત્યાં નિશ્ચિત, એની જિજ્ઞાસાવૃત્તિ બહુ, તે કહે પેલું નાટક હજુ છૂટયું નથી તો હું જરા ઉપર આંટો મારી આવું. આમ કહીને તે દાદર વાટે ઉપર ગઈ.
થોડી વારે હું પણ ઉપર ગયો પહેલે માળે જ સભાગૃહ હતું દરવાજો ખુલ્લો હતો નાટકનું છેલ્લું દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. નિશ્ચિતને મેં સાઈડમાં ઊભેલી જોઈ, હું પણ સાઈડમાં ઊભો રહી ગયોઃ ને કર્ટન-કોલ શરુ થયો ત્યારે અમે નીચે ઉતરી ગયા. આમ નાટકની એક ઝલક જોવા મળી ગઈ.

તમને પ્રશ્ન થશે કે રાતના તે વળી કઈ વોકિંગ ટુર હોય? કંઈ દેખાય તો નહિ. વાત સાચી. આ ટુર હતી નાઈટ વોચમેન ટુર. ક્રિકેટના રસિયાઓને જે અર્થમાં નાઈટ વોચમૅન અભિપ્રેત હોય છે એ અર્થમાં નહિ પણ એના સાચા અર્થમાં. ‘રાતના ચોકિયાતની ટુર’.
એ જમાનામાં નગરનો રાતનો ચોકિયાત હથિયારબદ્ધ સજ્જ થઈને નગરની રક્ષા માટે નગરની અંદર આવવાના બધા દરવાજા બંધ કરી રાત આખી ગામની અંદર આલબેલ પોકારતો આંટા મારે. અહીં આવી જ એક ટુર ગોઠવાયેલી છે.
થોડી વારે એક વ્યક્તિ એ વખતના ચોકિયાતના વેશમાં એક હાથમાં ફાનસ ને બીજા હાથમાં હલબર્ડ એટલે કે પરશુ ને ભાલાના સંયોજનવાળું યુદ્ધનું એક હથિયાર લઇ ટાઉન હૉલ પર આવી એકઠા થયેલા લોકોને લઇ નગરની પરિક્રમા પર લઇ જવા નીકળ્યો. એ નગરના ઇતિહાસની સાંભળી ન હોય તેવી દિલચસ્પ વાતો કરવાનો હતો.
આપણે ત્યાં પણ આ પ્રથા હતી. હું નાનો હતો ત્યારે મુંબઈમાં અમારી સોસાયટીમાં રોજ રાતે એક ચોકિયાત આલબેલ પોકારતો આંટા મારતો. મૂળ શબ્દ હતો ઓલ ઇસ વેલ જેનું અપભ્રંશ થતું થતું આલ્બેલ થઈ ગયું હતું. એટલે અમે આવા ચોકીદારોને આલબેલિયોના નામે ઓળખતા.
એક સારી વાત એ હતી કે તમારે અગાઉથી આ ટુર બુક કરાવવી પડતી નથી એટલે વિચાર બદલાયો હોય તો ટિકિટના પૈસા ડૂબી ગયા તેની ચિંતા નહિ. શરુ થવાના સમયે ત્યાં આવી જવાનું.
એ રાતે બધું મળીને અમે વીસ બાવીસ જણ હતા. આવેલો ચોકિયાત ઊંચો સરખો ને પહાડી અવાજવાળો હતો. એના ખભા પર રણશિંગુ પણ લટકતું હતું.
કોઈકે પ્રશ્ન કર્યો કે આ શેને માટે છે તો એણે સમજાવતા કહ્યું કે સમજો કોઈ ખતરા જેવું લાગે તો સુતેલા લોકોને આ રણશિંગુ ફૂંકીને ચોકિયાત સાવધાન કરી દેતો.
એણે પ્રાસ્તાવિક કરી જણાવ્યું કે એ વખતે આવા છ ચોકિયાત રહેતા. રસ્તા પર દીવાબત્તી કરવાની જવાબદારી એમની. બધાના દરવાજા વાસેલા છે કે નહિ એ પણ તપાસતા ને કોઈ ખતરો કે આગ લાગી હોય તો તુરત જ ખબર કરી દેવામાં આવતી. આ ટુર આમ તો 1990 થી શરુ થઇ પણ ઠેઠ 2020 સુધી અસલી ચોકિયાતો પોતાની ફરજ નિભાવતા હતા.

ચાલો હવે નીકળીએ કહીને ટુર શરુ કરી ને એની પાછળ પાછળ અમે બધા. જગ્યા જગ્યા પર અટકે, બધા આવી પહોંચ્યા એ જાણી પછી જ પોતાની વાત માંડે.
ગામના જુદા જુદા ભાગોમાં જ્યાં અમે નહોતા ગયા તેવી જગ્યાએ ફેરવ્યા. ક્યારેક કોઈ જૂના મકાન વિષે તો ક્યારેક કોઈક લતા વિષે તો ક્યારેક નગર વિષે રસપ્રદ વાતો કરતો રહે. કલાકેકમાં ટુર સમાપ્ત થઇ ને અમે પ્રસન્ન વદને મોડી રાતે હોટેલ પાછા ફરતા રસ્તો ચૂક્યા.
મુખ્ય રસ્તો પણ સુમસામ થઇ ગયેલો ત્યારે અંદરની ગલીની તો વાત જ શી કરવી. છતાંય કોઈ ભય જેવું લાગ્યું નહિ. આવા ગામની આબરૂં જ આના પર છે જો કોઈક એવો બનાવ બની જાય તો પછી નગરની આબરૂનું ધોવાણ થઇ જાય ને પ્રવાસન ધામ તરીકે એ પડી ભાંગે ને આર્થિક રીતે મોટો ફટકો પડે જે ન પરવડે.
અમે નિશ્ચિન્ત થઈને નિશ્ચિન્ત સાથે પાછા હોટેલ પર પહોંચી ગયા. મોટો ગેટ તો બંધ થઇ ગયેલો એક ક્ષણ માટે વિચારમાં પડી ગયા હવે અંદર કેવી રીતે જવું? કોઈને ઘંટડી મારીને ઉઠાડવા પડશે કે શું? પણ તરત જ યાદ આવ્યું કે આપણી પાસે રૂમની ચાવી છે દરવાજાનો લોક એનાથી જ ખુલશે એવું મેનેજરે જણાવેલું. તેથી એમ કરીને અમારી રૂમ આવી હું તો સીધો પલંગ પર પડયો, જેવો પડ્યો કે નિશ્ચિન્ત તરત જ બોલી, “ઉત્કર્ષ, કપડાં બદલીને સૂજે.”
બે પળ આડો પડી પછી નાઈલાજે ઊભા થવું પડ્યું. ચાલી ચાલીને એવો થાકી ગયો હતો કે વાત ન પૂછો. પણ કપડાં બદલ્યા વગર છૂટકો ના હતો. એ બદલી જે સૂતો તે વહેલી પડે સવાર.
સવારે ઉઠ્યા વહેલા વહેલા. ઝટપટ તૈયાર થઇ સામાન પેક કરી નાસ્તો કરવા પહોંચ્યા રેસ્ટોરંટમાં સામે. સરસ નાસ્તો કરી અમે તો નીકળી પડ્યા, બીજે ગામ જવા નહિ પરંતુ નગરની એક ચીજ જોવાની બાકી રહી ગયેલી તે પતાવવા. તે હતી નગર ફરતે બંધાયેલી પ્રાચીન દીવાલની ટુર.
આ જાતે જ કરવાની હતી. અમે જ્યાં રહ્યા હતા તેની બાજુમાં જ હતી. શહેર ફરતી એ મોટી દીવાલને ઉપરથી જોવા માટે દાદરાની સિડી ઠેર ઠેર હતી ને લાંબી પરસાળ હતી જેના ઉપર છાપરું હતું. જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જાવ પછી ઉતરી આસપાસ ફરો ને ફરી ઉપર ચઢીને આગળ જવું હોય તો તેમ કરો.

કુલ્લે 2.5 માઈલ લાંબી આ દીવાલના કુલ્લે સિત્તેર ટાવરોમાંથી ચાલીસ હજુ સાબૂત છે. આની ઉપર ચાલવાના કોઈ પૈસા નથી અને ચોવીસે કલાક ખુલ્લી રહે છે. ચાલતા ચાલતા દીવાલ પર અમુક અમુક અંતરે તકતી લગાડેલી જોઈને કોઈકે સવાલ કર્યો “આ તકતીઓ શું કામ મૂકી હશે?”
જવાબમાં મેં કહ્યું બીજા વિશ્વ યુદ્ધમાં અહીં પણ બોમ્બમારો થયો હતો. નવ જેટલા વૉચટાવર્સ ને 2000 ફૂટ દીવાલને નુકસાન પહોંચ્યું હતું.
સદ્નસીબે આગળ જાણ્યું તેમ આ બોમ્બમારો પછી અટકી ગયો એટલે ઝાઝુ નુકસાન ન થયું પણ જે થયું એને સરખું કરાવવાનું હતું. સમારકામ માટેના પૈસા ગામ પાસે ન હતા એટલે દાન માટે ટહેલ નાખીને કહ્યું કે તમે જો એક મીટર લાંબી રેમ્પના સમારકામના પૈસા આપો તો તમારા નામની તમારા શહેરના નામ સાથેની તકતી અહીં દીવાલ પર ચણાવીને મુક્શું.
1950માં આને માટે 40 ડોલર મુકરર કરેલા આજે એના માટે 2000 ડોલર મુકરર કર્યા છે. આના માટે દાન આપનાર એ દાનવીરોની આ તકતીઓ છે. આપણે ત્યાં પણ ધાર્મિક મકાનો કે શાળાઓ બંધાવવા ઓરડે ઓરડે આવી તકતીઓ મુકાય જ છે ને? દુનિયાના ખૂણેખૂણેથી લોકોએ આના માટે દાન કર્યું છે.

અમે નીચે ઉતરીને બગીચા બનાવેલા તે પણ જોયા. ટૂંકમાં દોઢેક કલાકની આ વૉક બહુ જ સંતોષકારક રહી. સારું થયું કે નીકળવાના દિવસે પણ સવારે આ જોઈ લીધું. પાછા હોટેલ પર આવી પહોંચ્યા.
કેપ્ટન બાજુના અગાઉના તબેલામાં રાખેલી ગાડી લેવા ગયો. એક વાત તમને જણાવવાની રહી ગઈ કે ગામમાં બહારનાની ગાડીઓને અંદર પ્રવેશ નથી સિવાય કે તેઓ હોટેલમાં ઊતર્યા હોય.
પાર્કિંગ માટે ગામ બહાર મોટા મોટા ચાર પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. આખા ગામમાં તેથી જ અમને એકે વાહન દેખાયું ના હતું. હોટેલ ગરનીને ટાટા કહી, રોથનબર્ગને અલવિદા કરી અહીંનું સુખદ સંભારણું લઇ ન્યૂરેમ્બર્ગ જવા ઉપડ્યા.
(ક્રમશ:)