ભયનો ભય: સાંપ્રત સામાજિક સમસ્યા ~ લેખ (૧) ~ ડૉ. અર્પણ યાજ્ઞિક

પ્રો. ડૉ. અર્પણ યાજ્ઞિક

(લેખક પરિચયઃ  પ્રો. ડૉ. અર્પણ યાજ્ઞિક વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સર્જનાત્મકતા અને ભયના નિષ્ણાત છે. તે TEDx સ્પીકર છે, ત્રણ પુસ્તકોના લેખક છે અને યુ.એસ.એ.માં પેન સ્ટેટ યુનિવર્સિટીમાં કાર્યકાળ ધરાવતા પ્રોફેસર છે.

તેઓ યુનિવર્સિટી સેનેટર હતા અને “ડાયવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝન”ના વાઇસ ચેરમેન તરીકેની તેમની ભૂમિકામાં સેનેટ લીડરશીપ કમિટીના સભ્ય હતા.

તેઓ કમિશ્નર ટુ ધ ગવર્નર ઓફ પેન્સિલવેનિયા (Commissioner to the Governor of Pennsylvania) તરીકે સેવા આપે છે. તેઓ હાલમાં ગ્લોબલ યુથ ટીમ ફોર ઇનિશિયેટિવ્સ ઓફ ચેન્જ (IofC) ના કન્વીનર અને અધ્યક્ષ છે, જે 60 દેશોમાં કામ કરે છે. પ્રો. યાજ્ઞિક ભારતીય સેનાના ચુનંદા ઉચ્ચ કક્ષાના અધિકારીઓને તાલીમ આપવાનું વિશિષ્ટ સન્માન ધરાવે છે.)

લેખ (૧)

જેમ વાદળોમાં વરસાદ અદૃશ્ય બનીને રહેતો હોય છે એવી રીતે દરેક વ્યક્તિના વ્યક્તિત્ત્વમાં ભય છુપાયેલો હોય છે.
ભય એ મનુષ્યની સહજ વૃત્તિ નથી, આનંદ  સહજ છે. પણ જ્યારે ભય મનુષ્યના જીવન પર હાવી થઈ જાય છે ત્યારે માણસ એનું મૂળ સ્વરૂપ ભૂલીને એક ગ્રસિત અસ્તિત્ત્વ જીવે છે – જીરવે છે.

ભયથી ગ્રસિત જીવન, કે હયાતી, – પરતંત્રતાભરી અને ગુલામીભરી હોય છે. આ ભય અનેક પ્રકારના હોય છે. આ જ વસ્તુવિષય પર આપણે આજે ઉદાહરણો સાથે વાત કરીશું.

યામિની ત્રણચાર વરસની બે બાળકીઓની માતા છે. વોશિંગ્ટન ડી.સી.ની એક શાળામાં એ ટીચર છે. રોજ સાંજે, ૪ વાગે યામિની એની બેઉ દીકરીઓ, હસતાં, ગાતાં અને અલકમલકની વાતો કરતાં હાઈવે પર ગાડી હંકારીને ઘરે જતાં. પણ આ દરમિયાન યામિનીને સતત ભય રહ્યા કરે કે રસ્તામાં ટ્રાફિક જામ થશે તો એ તેમાં ફસાઈ જશે.

એને ટ્રાફિકમાં ફસાઈ જવાની એટલી બીક હતી કે ચાલુ ગાડીમાં એને પેનિક એટેક આવી જાય. પેનિક એટેક આવે એટલે યામિની પોતાના હાથ-પગ પરનો કંન્ટ્રોલ ગુમાવી બેસશે એવું એને સતત લાગે.

વિચારો, હાઈવે પર જો ખરેખર આવું થાય તો કેટલી ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ શકે? અમેરિકામાં કે વિશ્વમાં ક્યાંય પણ, ટ્રાફિક જામમાં તો કેટલાયે ફસાયા હોય પણ આવી અસર માત્ર યામિની પર થતી.

ભયની આ જ તો ખૂબી છે કે બધાંને જુદીજુદી રીતે પોતાના સકંજામાં ફસાવે છે. વાંદો અને ગરોળી સામાન્ય રીતે ઘરઘરમાં એક સમસ્યા છે. એની બીક પણ ઘરમાં વસતાં સભ્યોને લાગતી હોય છે. પણ એ બીક બધાંને એકસરખી નથી લાગતી કે નથી એક જ પ્રકારે દરેક માણસને સતાવતા ભય, ભયના પ્રકારો અને એની અસર બધાં પર એકસરખી નથી થતી.

ભયનો ઓછાયો કોઈકના અસ્તિત્ત્વ પર, શ્વાસ લેવા જેટલીયે જગા છોડતો નથી અને સદંતર હાવી થઈ જાય છે. તો બીજા કોઈને ભય એટલી તીવ્રતાથી આવરી લેતો નથી હોતો. બેઝિકલી, દરેક માણસને આ ‘ભયનો ભય’ અલગઅલગ પ્રકારે સતાવતો હોય છે.

હવે વાત એક બીજા પ્રકારના ભયની કરીએ.

ડેવિડ – ડેવ – સડસઠ વરસના રિટાયર્ડ સર્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ (CPA) છે. ૯/૧૧ ના બનાવ પછી એમને પ્લેનમાં સફર કરવાની ભયંકર બીક લાગે છે. પ્લેનમાં સફર કરવાના વિચાર માત્રથી એમને પરસેવો છૂટી જાય છે.

એમના પૂર્વજો આર્યલેન્ડના મૂળ નિવાસી હતા અને પછીથી અમેરિકા માયગ્રેટ થયા હતા. આ ભાઈની પ્રબળ ઈચ્છા કે એકવાર તેઓ એમના મૂળ વતન જઈ શકે અને સગાંસંબંધીઓનો મળી શકે પણ, પ્લેનમાં સફર કરવાની બીક એવી કે અંતે પોતાની લાચારી કે મજબૂરીને શરણ – Surender – થઈને, પોતાનું મન મનાવી લીધું કે હવે તેઓ કદી આજીવન પોતાના પગ વતનની માટીને ક્યારેય સ્પર્શી નહીં શકે કે વતનની ધૂળ પોતાને માથે નહીં ચડાવી  શકે.

યામિનીબહેન અને ડેવભાઈ, બંનેએ એમનાં જીવનનાં નિર્ણયોની દોરી પોતાના હાથમાં રાખવાને બદલે, ભયના હસ્તક કરી દીધી છે. પ્લેન અકસ્માત અને હાઈવે પરનાં અકસ્માતો થતા નથી એવું નથી પણ એની શક્યતા બહુ ઓછી હોય છે. આ બધી જ બાબતો અને શક્યતાઓની સૌને જાણ હોવા છતાંયે લાખો, કરોડો લોકો વિશ્વભરમાં કાર, પ્લેન કે ટ્રાન્સપોર્ટેશનનાં વિવિધ સાધનો થકી મુસાફરી, ટ્રાવેલ કરતાં જ હોય છે.

આપણાં સાહિત્યમાં અને પુરાણ ગ્રંથોમાં પણ મુસાફરીનું મહિમાગાન થયું છે. પણ જેને ડર લાગતો હોય એવાં લોકો તો પોતાનાં ઘરોમાંયે એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ શકતાં નથી. ઉદાહરણ રૂપે જુઓ તો, અંધારાની બીકને કારણે, કેટલાંક લોકો અડધી રાત્રે તરસ લાગી હોય તોયે લોકો રાતભર તરસ્યા પડી રહેવાનું પસંદ કરે છે, પણ પાણી લેવા જતાં નથી.

ભય અજગર જેવો હોય છે, એક વખત ગ્રસી લે તો પછી જલદી છોડતો નથી. ભયને જાણવાનું, સમજવાનું અને એનો યથોચિત ઈલાજ કરવાનું સહેલું નથી, પણ હા, જ્યારે આ ડરના અજગરની પકડ એકદમ સજ્જડ થઈ નથી હોતી ત્યારે એમાંથી નીકળવાનું થોડુંક સહેલું પડે છે.

એક વખત આ પકડ એકદમ જ સજ્જડ થઈ જાય ત્યાર પછી એમાંથી બહાર નીકળવા માટે કોઈ જાણકાર, ક્વોલિફાઈડ પ્રોફેશનલની મદદ લેવી અત્યંત આવશ્યક થઈ જાય છે.

ભયને હરાવવો અઘરો જરૂર છે પણ અશક્ય તો નથી જ. પૃથ્વી પરની દરેક માતામાં મા જગદંબાની શક્તિ છે. યામિનીની અંદર રહેલા માતૃત્ત્વએ અંતે, પ્રોફેશનલ મદદ લઈને પોતાના આ ટ્રાફિક જામના ભયને શિકસ્ત આપી, પણ એ માટે છ મહિના લાગ્યા. પોતાના સંતાન માટે થઈને એણે અંદર રહેલા ડરને સદા માટે દૂર કર્યો.

દરેક માણસ પોતાની નિર્ણયશક્તિ અને આત્મબળ વડે બીકની સામે લડી શકવા સમર્થ છે. શરત એ જ કે બીકને ‘સરેન્ડર’ કરીને કે સ્વીકારીને કદી ન જીવવું.

આકાશમાં અનેકવાર કાળાડિબાંગ વાદળો છવાયા હોય પણ વાયરાના ફૂંકાવાથી એ વિખરાઈ જાય છે. ભયનું પણ એવું જ છે. ભય કેટલો પણ આપણા જીવનને આવરી લે, પરંતુ આત્મવિશ્વાસ, પ્રબળ નિર્ણયશક્તિ, માનસિક તૈયારી અને સૂઝબૂઝ તથા ભગવદ્ કૃપાથી એને હરાવી શકવું બિલકુલ શક્ય છે.

આવતા લેખમાં આપણે બીજા અનેક ઉદાહરણો સાથે આ ભયના સામ્રાજ્યને વધુ સમજીશું અને એ સાથે એની સામે લડવા માટેનાં શસ્ત્ર-સરંજામ વિષે પણ વિસ્તારથી વાતો કરીશું.

(ક્રમશઃ)

Leave a Reply to Krutika TrivediCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment