શું બનીશ? (એકોક્તિ) ~ ઊર્મિલા પાલેજા ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૩
(કલાકાર: આઠ-દસ વર્ષની બાળકી)
હું અત્યારે આઠ વર્ષની છું, પણ હું નાની હતી ત્યારથી બધા મને પૂછપૂછ કર્યે રાખે, ‘મોટી થઈને તને શું બનવું છે?’ ત્યારે હું વિચારતી જ રહેતી, અરે! આમ કેમ પૂછ્યે રાખે છે? હું જે છું એ છું!
જોકે મને હવે સમજાય છે કે એ લોકો એમ જાણવા માગે છે કે મોટી થઈ મને શું બનવામાં રુચિ છે? જેમ કે શિક્ષિકા, નર્સ, ડૉકટર, વકીલ, ઇજનેર, સૈનિક, પાઇલટ વગેરેમાંથી શું બની કારકિર્દી બનાવવી છે? એક સાચી વાત કહું? હું જે વાર્તા વાંચતી હોઉં કે જે ફિલ્મ જોતી હોઉં એમાં નાયિકાનું જે કિરદાર હોય, મને એ બનવું હોય!
મને મારાં શિક્ષિકા આશાબેન બહુ ગમે. તેઓ બહુ સુંદર છે. સાડી એકદમ વ્યવસ્થિત પહેરે અને એમના ચહેરા પર હંમેશ સ્મિત હોય! મને એમને જોયે રાખવાં બહુ ગમે. ભણાવે પણ બહુ સરસ રીતે, ક્યારેય કોઈને વઢે નહીં ને શિક્ષા તો ક્યારેય ન કરે!
તેઓ ભણાવતાં હોય ત્યારે હું હંમેશા વિચારું કે હું એમના જેવી જ એક શિક્ષિકા બનીશ, પણ હું કેવી રીતે? તકલીફ ઈ છે કે મને કોઈને વઢવું, કોઈના ઉપર રોફ છાંટવો બહુ ગમે! ‘ચાલ, ઊભો થા. મુરઘો બન!’ અને પેલો રાહુલ જો મારો સ્ટુડન્ટ હોય તો એને તો રોજે જ મુરઘો બનાવત, એ મને બહુ હેરાન કરે છે!
એક વાત કહું? ગયા મહિને મારા પપ્પા મને મામાના ઘરે વિમાનમાં કોલકોતા લઈ જતા હતા. ત્યાં એક મહિલા પાઇલટ હતી, એને મેં વિમાનચાલકની સીટ પર કૉકપીટમાં અંદર બેઠેલી જોઈ! બસ ત્યારથી મને રોજ પાઇલટ બનવાના જ વિચાર આવે છે.
પાઇલટ બની આખી દુનિયાની સફર કરવી છે. મારે વગર પાંખે બસ ઊડ્યે જ રાખવું છે. ભારતથી અમેરિકા, અમેરિકાથી રશિયા, રશિયાથી જર્મની, બસ એમ દુનિયાના બધા દેશો અને બધી અજાયબીઓ જોવી છે. વિમાન ચલાવવાનું, ખાવાપીવાનું ને ફર્યે રાખવાનું! ફક્ત મજા ને મજા જ! મારી દાદી છે ને એક ગીત બહુ ગાય,
‘પંછી બનું ઊડતી ફિરું મસ્ત ગગન મેં, આજ મૈં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં’
મને અર્થ બરાબર તો ખબર નથી પડતો, પણ લાગે છે મારી ખ્વાહિશો જેવો જ હશે ને?
વળી પ્રજાસત્તાક દિને ટીવી પર સૈનિકોની પરેડ જોતાં હોઈએ ત્યારે દાદાજી એમની બહાદુરીના પ્રસંગો વર્ણવતા એમના કિસ્સા કહેતા હોય ત્યારે મને સૈનિક બની લશ્કરમાં જોડાવાની અદમ્ય ઇચ્છા થાય. આમ હાથમાં રાઇફલ પકડી, મારી મા ભારતીના દુશ્મનો પર ધનધન ગોળી ચલાવી, એમનો ખાત્મો કરી મારી જન્મભૂમિની અને દેશવાસીઓની રક્ષા કરવાની મહેચ્છા જાગે. સાથોસાથ એમ પણ થાય કે ધર્મગુરુ બની આખી દુનિયામાં શાંતિનો સંદેશ ફેલાવું તો કેવું? આ એક ઑપ્શન પણ ખુલ્લો રખાય, ખરું કે નહીં?
એક ઑપન સિક્રેટ કહું? મને ઘણી વાર ઇજનેર બનવાનું બહુ મન થાય, ખબર છે કેમ? કારણકે મારા પપ્પા ઇજનેર છે અને મને મારા પપ્પા બહુ પ્યારા છે અને હું પપ્પાની લાડલી બેટી છું તો મને એમના નકશેકદમ પર ચાલવું છે.
ક્યારેક ક્યારેક મને એમ લાગે કે મારે વકીલ બનવું જોઈએ! બોલો કેમ? કારણકે હું દલીલ કરવામાં એકદમ માહેર છું. મને દલીલબાજીમાં કોઈ હરાવી જ ન શકે!
હું એક પછી એક દલીલ કર્યે જ રાખું, કર્યે જ રાખું. ક્યારેય અટકુંય નહીં અને હાર તો ન જ માનું. હું આખો દિવસ મારાં મંમીપપ્પા સામે દલીલો કરતી જ રહું ત્યારે એ બેઉ મને કહે, ‘તું છે ને મોટી થઈને વકીલ બનજે ને પછી આવી રીતે દલીલો કર્યે જ રાખજે તો ખૂબ પૈસા કમાઈશ. હમણાં ચૂપ બેસ, માથું ન પકાવ!’
શું બનવું એ નક્કી નથી, પણ મારે શું નથી બનવું એ ચોક્કસ નક્કી છે. મારે ડૉક્ટર ક્યારેય નથી બનવું. હું કોઈનું લોહી ન જોઈ શકું ને કોઈને વેદનાથી રિબાતું તો ક્યારેય ન જોઈ શકું. એટલે એના ઉપર તો મોટો ચોકડો.
મેં એક વાત પાક્કી કરી લીધી છે, મોટી થઈને હું જે પણ બનું, પરંતુ સૌથી પહેલાં હું એક સારી દીકરી જરૂર બનીશ. મારાં માબાપનું ખૂબ સરસ રીતે ધ્યાન રાખીશ. અમારી ટીચર રોજ શિખવાડે છે આપણે નાત, જાત, દેશ, ધર્મ વ. ભૂલીને સૌ પ્રથમ એક સારા માનવ બનવું જોઈએ. એ જ આપણો સૌથી મહાન ધર્મ છે ને આપણી માતૃભૂમિ અને ધરતી માતાની પરમ સેવા છે. હું એક નેકદિલ માનવી જરૂર બનીશ જ!
જવા દ્યોને અત્યારથી શું વિચારું? હું જે છું અને જેવી છું એવી જ સારી છું. એક નાનીસી પ્યારીસી પપ્પાની પરી ને મંમીની દુલારી.
હમણાં તો આ બચપણના દિવસોને પેટ ભરી માણી લઉં! એ એકવાર ચાલી જશે પછી ફરી નહીં આવે આ જિંદગીમાં! મોટી થઈને શાંતિથી વિચારીશ કે શું બનવું છે? હમણાં કેમ એની પાછળ સમય બગાડું? આજે તો એનો મહત્તમ ઉપયોગ કરી લઉં અને નીચે મિત્રો સાથે રમવા જાઉં.

urmila.paleja@gmail.com
સરસ એકોકિત, અભિનંદન