વીરકન્યા વિદ્યુલ્લતા (એકોક્તિ) ~ ડૉ. નિરંજના જોશી ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૨
પૂનમની રાત હતી. સોળે કળાએ ખીલેલા ચંદ્રમા ગગનમંડળમાં વિહાર કરી રહ્યા હતા. દૂધની ધારા જાણે વસુંધરા પર વરસી રહી હતી. હું તો શીતળતાના સાગરમાં હિલોળા લેતી માલતી મંડપમાં પ્રસન્ન ચિત્તે બેઠી હતી. અચાનક મારે કાને પગરવ સંભળાયો.
મધ્યકાલીન ભારતીય રાજરાણીઓ યવનો અને મ્લેચ્છોથી પોતાના સતીત્વની રક્ષા કાજે પોતાના પ્રાણ પણ હથેળી પર લઈને રહેતી હતી. તેમ જ અમારા જેવી સાધારણ ગૃહસ્થીઓની કન્યાઓ અને પુત્રવધૂઓ પણ રાષ્ટ્રરક્ષા કાજે માભોમનું અસ્તિત્વ ટકાવવા માટે તેમ જ સ્વત્વ માટે પ્રાણનું બલિદાન આપવા સદા તત્પર રહેતી હતી.
બરાબર તે જ વખતે ચિતોડ પર અલાઉદ્દીનનું આક્રમણ ઇતિહાસવિદે જરૂર નોંધ્યું છે. ચિતોડ અને રણથંભોર પર વિજય પ્રાપ્ત કરવામાં યવનાધિપતિ ગૌરવ માનતા હતા. એક બાજુ અલ્લાઉદ્દીન ચિતોડ પર આક્રમણ કરવાની યોજના ઘડી રહ્યો હતો. ચિતોડના એક પ્રખ્યાત સરદારનો પુત્ર એટલે સમરસિંહ શૂરવીર તો હતો જ, પણ ગૌરવર્ણો, તેજસ્વી, ફૂટડો, મનમોહક પણ હતો. હું તેને મનોમન મારો પ્રિયતમ માનવા લાગી હતી.
હું પણ ચિતોડના વીર સૈનિકની પુત્રી હતી; તેથી શૌર્ય તો મારી રગરગમાં વહેતું હતું. સાથેસાથે સૌંદર્યનું વરદાન પણ મને મળ્યું હતું. શૌર્ય અને સૌંદર્ય જાણે મારા જીવનસાથી હતાં.
આ બાજુ ઘરઘરમાંથી માતૃભૂમિની રક્ષા કાજે હાકલ પડી હોવાથી સમરને પણ રણસંગ્રામમાં જવાનું કહેણ આવ્યું હતું. જોકે અમારો એકપક્ષી પ્રેમ નહોતો. સમરને પણ મારા માટે અત્યંત આકર્ષણ હતું, પણ માભોમ અને પ્રેમિકા વચ્ચે તેણે માભોમને કાજે રણાંગણ પર હાજર રહેવાનો નિર્ણય કર્યો. અમારા બંને વચ્ચે જાણે યુગનો વિરહ અનુભવાયો. હું પણ તેને મળવા તલપાપડ થઈ રહી હતી. મારું લોહી ઊકળતું હતું. ધડકન વધી ગઈ હતી. શ્વાસ અદ્ધર રહેતો હતો. આખો દિવસ ઘરઆંગણે પુષ્પવાટિકામાં બેસીને સમય વ્યતીત કરતી હતી; છતાં મન સંતુષ્ટ હતું કે મારો ભાવિ ભરથાર કર્તવ્યપરાયણ છે. તે ફરજપરસ્તીને કારણે મારાથી દૂર ગયો છે.
ત્યાં તો અચાનક.. સપનું છે કે સત્ય? માની જ ન શકી. આંખો ચોળીને જોયું તો ખરેખર! નજર સમક્ષ સમર! હું સ્તબ્ધ થઈ ગઈ.
તેણે કહ્યું: “હું અહીં તારી પાસે એક ખાસ કારણસર આવ્યો છું. બધા જ રાજપૂત સૈનિકો મુસલમાન સેનાના ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. મારે પ્રેમની પવિત્ર ભાવનાને મારી-મચડીને સમરાગ્નિમાં નથી હોમી દેવી.”
તેને માટે મારા પ્રત્યેનો પ્રેમ સ્વર્ગ હતું. સેનાપતિની નજર ચોરાવીને તે રણ છોડીને મારી પાસે આવ્યો હતો. તે મને ભગાડી પ્રેમસાગરમાં ડૂબકી મરાવવા ઇચ્છતો હતો.
..પણ હું કોણ હતી? વિદ્યુલ્લતા! રજપૂત વીર કન્યા! મારો ચહેરો ક્રોધથી લાલઘૂમ થઈ ગયો. મેં કહ્યું: “મા ભોમ પર વિધર્મીઓનું આક્રમણ થઈ રહ્યું છે. તારા જેવા વીર રાજપૂતનાં આ કાયર-દીન વચનોથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ છું. સ્વકર્તવ્યથી વિમુખ એવા કાયર પુરુષોને પ્રેમ કરવામાં કે તેની સાથે વિવાહ કરવામાં હું પાપ/દુષ્કર્મ માનું છું. જો મારો પ્રિયતમ રણમાં વીરગતિ પામશે તો મારા આનંદની કોઈ સીમા નહીં રહે. કદાચ સાંસારિક બંધનોમાં બંધાવાનું નસીબમાં નહીં લખ્યું હોય, પણ સ્વર્ગીય સંબંધ તો બે પ્રેમી પંખીડાઓનો અક્ષુણ્ણ જ રહેશે ને!”
મારાં આ વીરતાપૂર્ણ વચનોની તેના પર કોઈ અસર ન થઈ. તે ફરી રણમેદાન પર ગયો, પણ એક દુષ્ટ ભાવનાને મનમાં સંગોપીને. ત્યાં જઈ તેણે યવનોને ચિતોડની સારી સુરક્ષા યોજના બતાવી દીધી. તેણે એક સૈનિકને લાંછન લાગે તેવું દુષ્ટ કૃત્ય કર્યું. તેણે રાજદ્રોહ કર્યો. તેને લાગ્યું કે રાષ્ટ્રની ગુપ્ત વાતો શત્રુને બતાવવાથી તેના પ્રાણ બચી જશે તો હું પણ તેને મળી શકીશ.
…પણ પરિણામ? હજારો રાજરાણીઓએ પદ્મિની સાથે જૌહર કરી પ્રાણત્યાગ કરવા પડ્યા. એ અધમ દુષ્ટના પાપે ચિતોડને ભસ્મિભૂત કરી નાખ્યું.
ત્યાર બાદ તેને મારી યાદ આવી. તે ચિતોડ તરફ રવાના થયો. તેની સાથે સેંકડો મુસ્લિમ સૈનિકો પણ હતા.
મને બિલકુલ ખબર નહોતી કે આટલા ભીષણ અગ્નિકાંડનું મૂળ સમરસિંહ છે. ક્ષણભર સમરને જોઈ હું હર્ષોલ્લસિત થઈ ગઈ, પણ બીજી જ ક્ષણે મેં જોયું કે મુસલમાન સૈનિકો તેને લોખંડની બેડીમાં બાંધીને નહોતા લાવ્યા. હું તરત સમજી ગઈ કે પાપી દુષ્ટ સમરે રાષ્ટ્રદ્રોહ કર્યો છે. તેથી હવે તેની ગુપ્ત માહિતીના આધારે એ સઘળા મુસ્લિમ સૈનિકો ચિતોડમાં રહેનારી નારીઓને કબજે કરવા આવ્યા હતા. મારું હૃદય ધબકવા લાગ્યું.
સમર હર્ષભેર મારી નજીક આવી “પ્રિયે”નું સંબોધન કરી મને આલિંગન આપવા ચાહતો હતો.
તત્ક્ષણે મેં સિંહણની જેમ ગર્જના કરી: “અધમ! મારો દેહસ્પર્શ કરવા કરતાં તો સારું એ છે કે તું ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર. કાયરને તો કટાર જ કામની. એમ કહી મેં કમરમાં ખોસેલી કટાર બહાર કાઢી….
***

+91 98206 37645