સીતા (એકોક્તિ) ~ શ્વેતા તલાટી ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૦
સીતા
(વનમાં એકલીઅટૂલી ઊભેલી, ડરેલી)
વનમાં એક ત્યક્તા સતી પત્ની જેની અંદર ગર્ભ પાંગરે છે એવી એક સ્ત્રીની વ્યથા તમે સમજી શકો છો? ચરમસીમા પર છે આજે મારી પીડા. (રડતાં રડતાં) હું મારા જન્મથી લઈને મારી જિંદગી યાદ કરું, તો…..
(એક અટ્ટહાસ્ય સાથે)
સામાન્ય રીતે બાળક પતિ-પત્નીના પ્રેમની નિશાની રૂપે જન્મ લે, પણ મારો તો જન્મ જ અલગ રીતે થયો. મારું તો જગતમાં કોઈ હતું જ નહીં ને મારી ઉત્પત્તિ જ એક શ્રાપના કારણે થઈ. હા….હા…..હા……હા…….
(અને રુદનનો અવાજ)
રાવણને આપેલ બ્રહ્મશાપ મિથ્યા ન થાય એટલે મારો જન્મ થયો. દુકાળ પીડિત પૃથ્વીને તૃપ્ત કરવા માટે મારા પાલક પિતા મિથિલેશ જનકે સ્વયમ્ ઋષિઓના કહેવાથી પૃથ્વીનું ખનન કર્યું. સીત્ એટલે હળની અણીથી યજ્ઞ માટે ખાડો ખોદ્યો અને જમીનની અંદરના એક કુંભમાંથી હું પ્રગટ થઈ. એટલે સીતા.
અને (ફરી અટ્ટહાસ્ય સાથે) વૈદેહી અને જાનકી નામ પણ કેવી રીતે પડ્યાં, ખબર છે? પિતા જનક તો મારું નામ જાનકી. પિતા વિદેહના રાજા તો હું વૈદેહી. અને મિથિલેશ તો હું મૈથેલી.
હે ભાગ્યવિધાતા! મારું ભાગ્ય કેવી ક્ષણે લખાયું હશે? અને કેવું લખાયું એ તો સૌની નજર સામે છે. આટલો બધો સંઘર્ષ?
આમ અસાધારણ રીતે ધરતીમાંથી પ્રગટવું, થોડાં (નાનપણનાં બહુ જ મર્યાદિત) વર્ષો લાડકોડમાં અને સારી રીતે પસાર થવાં અને પછી?
સ્વયંવરમાં જે ન જીતી શક્યા એમના અહંથી લઈને શું શું નડ્યું? અને આટલું બધું સહન કર્યા પછી પણ સૌએ કહ્યું કે ’એ તો મારી નિયતિ હતી!’
જેમની સાથે એનો પડછાયો થઈને મહેલ છોડી ચાલી નીકળી અને મહેલના બધાં બધાં સુખ, એશ-આરામનો ત્યાગ કર્યો. કંદમૂળ ખાધાં, વલ્કલ વસ્ત્રો પહેર્યાં, મહેલની રૂની પોચી પોચી પથારીના બદલે ઝૂંપડીમાં ખૂંચતા ઘાસ પર સૂતી અને આ બધું એક-બે દિવસ નહીં, મહિનાઓ પણ નહીં, પણ આ વનવાસ ચૌદ-ચૌદ વર્ષ સુધી છે તેની જાણ હતી મને.
અને એ દરમિયાન એક સુવર્ણ મૃગથી મારું લલચાવું, એને મેળવવાની મારી જીદ અને શ્રીરામનું મારી જીદને તાબે થવું.
સુવર્ણમૃગ હોય? પણ કહે છે ને ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’ અને પછી રાવણ દ્વારા અપહરણ થવું. જટાયુ, વાનરસેના અને ઘણું ઘણું.
હું યાદ કરું તો…. (ઉદાસીના આવરણમાં સજ્જ) અપહરણ બાદ અશોક વાટિકામાં મને ડરાવવી, રાવણને તાબે થવા માટે મને ધમકાવવી, વિવિધ પ્રકારનાં લોભ-લાલચોથી મનાવવી છતાં એક વિશ્વાસ સાથે અડીખમ રહેવું. આટલી દૂર આ ટાપુ પર જે ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલો છે,
દૂર દૂર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સમુદ્ર અને મારાં પતિ વનવાસી શ્રીરામ અને સાથે ફક્ત એક લક્ષ્મણ એ અહીં સુધી કઈ રીતે પહોંચશે? એ દ્વિધા અને ખૂબ નિરાશા છતાં પણ ક્યાંક અતૂટ વિશ્વાસ. કારણ કે હું તો સીતા. રામની અર્ધાંગિની. ના, ના અર્ધાંગિની નહીં સંપૂર્ણપણે એમની.
(અશોકવાટિકામાં વૃક્ષ નીચે રામનામનો જાપ કરતાં બેઠેલી)
એવામાં હનુમાનજીનું આવવું, મને શોધી કાઢવું અને વૃક્ષ પરથી રામના ઓળખ સમી અમૂલ્ય વીંટી મારા ખોળામાં નાખવી. એ સાથે એક તેજોમય આશાનું કિરણ પ્રગટ્યું. આશા-નિરાશા- વિશ્વાસ આ બધાંની વચ્ચે જોલાં ખાતા મારા અસ્તિત્વના રગેરગમાં આશા અને સ્મિત વ્યાપ્યું.
(રગરગમાં વ્યાપેલા રોમાંચ અને હરખ સાથે ઊંચે જોઈ)
તમે કોણ?… હનુમાનજીનું સ્વરૂપ જોઈ ડરી ગયેલી, પણ પછી એમની સાથેના સંવાદથી વિશ્વાસ આવ્યો. પછી શ્રીરામ વાનરસેનાની મદદથી યુદ્ધ કરી, જીતી મને લઈ ગયા, પણ પછી?
લોકલાજે અને સમાજની બીકે અગ્નિપરીક્ષા? આ અગ્નિપરીક્ષા કાયમ સ્ત્રીઓને જ કેમ આપવી પડે છે? અને એ પરીક્ષામાંથી પસાર થઈ ગયા પછી પણ શું? એક ધોબીના કહેવાથી ગર્ભાવસ્થાની નાજુક અવસ્થામાં પતિવ્રતા સ્ત્રીને વનમાં ત્યજી દેવી?
(અત્યંત વેદનાસભર સ્થિતિમાં)
હે લક્ષ્મણ, તમે તો પુત્ર સમા હતા. તો પછી તમારું કાળજું આટલું કઠોર કેમ થઈ ગયું? આખા રસ્તે મૌન રહી અચાનક વનમાં ભાભીને છોડીને પાછા વળી ગયા? એ પણ મારી આવી અવસ્થામાં! તમને પાછા ફરી ભાભી કેમ છે એ જોવાનું મન ના થયું? આખરે તમારે તો ભ્રાતૃપ્રેમ નિભાવવાનો હતો ને!
હે કાળમીંઢ પથ્થર સમા સૌ અયોધ્યાવાસીઓ… મારો પ્રશ્ન સદીઓ સદીઓ સુધી યથાવત્ રહેશે. આવી અસહાય નિરાધાર સ્થિતિમાં એક અગ્નિપરીક્ષા આપી ચૂકેલી પતિવ્રતા પત્નીને વનમાં છોડી દેવી એ ન્યાય કે અન્યાય? મારી માનસિક સ્થિતિની, વ્યથાની પરાકાષ્ઠાની કલ્પના પણ કરી શકાય?
એક ગર્ભવતી સ્ત્રી, સામાન્ય નહીં પણ અવધની રાણી, પતિને પૂર્ણપણે સમર્પિત, તેના દરેક દુઃખને સરખા ભાગે જેણે વહેંચીને ભોગવ્યું તે. તેને ગર્ભાવસ્થા દરમિયાન સારસંભાળ લેવાને બદલે ત્યજી દેવી? એનું અને ગર્ભમાં રહેલ બાળકનું ભવિષ્ય શું? હું ક્યાં, કેવી રીતે બાળકને જન્મ આપીશ, ઉછેરીશ એ અંગે એક પિતાની સહેજ પણ દરકાર નહીં? શું પત્ની એ પ્રજા નથી?
મારાં બે પુત્ર (લવ અને કુશ)ને મહર્ષિ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં જન્મ આપ્યા બાદ લાગ્યું કે ‘મારું માતા બનવું પણ નિરર્થક થયું. ચૌદ વર્ષના વનવાસ પછી રામે થોડો સમય રાજ કર્યું. માંડ જ્યારે મહેલ અને ગૃહસ્થ જીવનનું સુખ પ્રાપ્ત થયું, ત્યાં ફરી આ બધું?’
હે, ભાગ્યવિધાતા મારો જન્મ એક શાપને લીધે થયો, પણ હુંય શાપિત જ ને? નહીં તો આવું જીવન?
પછી હું, સીતામાતા વાલ્મીકિના આશ્રમમાં રહી અને ત્યાં જ બે જોડિયા પુત્રો લવ અને કુશને જન્મ આપ્યો. આશ્રમમાં જ બંને બાળકો મોટાં થયાં.
એ દરમિયાન અયોધ્યામાં બધાના આગ્રહથી રામે અશ્વમેધ યજ્ઞ કર્યો. જેમાં યજ્ઞનો ઘોડો સ્વતંત્ર વિચરણ માટે છોડવામાં આવે છે, જો કોઈ આ યજ્ઞના ઘોડાને પકડે તો તેણે યુદ્ધ કરવું પડે છે. રામના યજ્ઞનો ઘોડો જ્યારે વાલ્મીકિ આશ્રમ સુધી પહોંચ્યો તો યજ્ઞથી અજાણ મારાં બંને તપસ્વી બાળકો લવ અને કુશે તેને પકડી લીધો.
યજ્ઞના ઘોડાને જે પકડી લે એણે યુદ્ધ કરવું પડે. બાળકો હોવાથી એમને પહેલાં સમજાવ્યાં, પણ તેઓય જિદ્દી. એમણે ઘોડાને છોડવાની ના પાડી. પહેલાં તો બાળક સમજી અમુક યોદ્ધાઓને જ મોકલવામાં આવ્યા હતા. પછી હનુમાનજી, લક્ષ્મણ સહિત ઘણા સાથે એમણે યુદ્ધ કર્યું અને પછી છેલ્લે શ્રીરામ આવ્યા. મારાં બે બહાદુર બાળકો જેમણે કુશળ યોદ્ધાઓને માત આપી એમને જોવા અને હરાવવા. અને મને જાણ થતાં જ હું યુદ્ધ રોકવા આવી.
આટલાં વર્ષો બાદ એમનું મને ફરી મળવું પણ એ મારાથી સહન ન થયું.
લવ-કુશને કહેવું કે ‘આ તમારા પિતા છે. એની સાથે યુદ્ધ ના થાય.’ પિતાની ઓળખ આ રીતે કરાવવી પડે એ પણ કેવું દુર્ભાગ્ય? કેવી મારી મનોસ્થિતિ? અને વર્ષો બાદ પતિ-પત્નીનું મળવાનું પણ કેવું? કેવી પરિસ્થિતિમાં ને સમયે? બાળકોનું વર્ષો પછી પિતાને જોઈ દિગ્મૂઢ થઈ જવું.
એ વખતે ફરી શ્રીરામનું મને જોઈને અને મારું એમને જોઈને ભાવવિભોર થઈ જવું. એમની મને સ્વીકારવાની તૈયારી, પણ ફરી એ જ વાત… એ જ શરત…
અયોધ્યાવાસીઓની મંજૂરીથી! આ પણ એક જાતની અગ્નિપરીક્ષા જ નહીં? હંમેશાં પોતાની પત્ની પતિવ્રતા છે એ જાણ હોવા છતાં અવઢવ કેમ? વિશ્વાસ છતાં પણ પરીક્ષા કેમ? કેટલી મારે મારી જાતને સિદ્ધ કરવાની?
હે મા,… (રડતાં રડતાં) લઈ લે મને. તારામાં સમાવી લે મને. ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં એને પોકારી અને આખરે મારું આક્રંદ અને મારી આ સંવેદના જોઈ મારી માનું હૈયું દ્રવી ઊઠ્યું. એ ફાટી. ધરતી માએ અંદરથી આવી એના ખોળામાં મને સમાવી દીધી. અંતે હું જ્યાંથી આવી’તી એ જ ધરતી માની ગોદમાં સમાઈ ગઈ.
જતાં જતાં કહું છું સૌ સ્ત્રીઓને- હું સદા ચૂપ રહી તે જ મારી ભૂલ? સદા સહિષ્ણુ બની રહી એ જ મારી ભૂલ? પણ -એક સંદેશ આપું છું. મહામૌન અને સંપૂર્ણ સહિષ્ણુતા પોતાની સીમા ખોઈ દે તે પહેલાં થોડું મૌન તોડતાં શીખજો.
***

shwetatalati16@gmail.com
~ ભજવણી માટે લેખિકાની લેવી આવકાર્ય અને અનિવાર્ય છે.
ઉત્તમ આલેખન