લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 6 ~ એક મજલિસ મરીઝ સાથે (ભાગ 1) ~ રઈશ મનીઆર

લેખ 6
એક મજલિસ મરીઝ સાથે
(ભાગ 1)

Mareez

આપણું આંગણુંની આ મહેફિલમાં આજે કલ્પના કરવાની છે કે તમારી કલાપ્રિયતાના એકાંતમાં તમારી અને મરીઝની બે જ જણાની મુલાકાત છે.

બે જણા દિલથી મળે તો
એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે
એને સભા કહેતાં નથી

જે મરીઝસાહેબનું નામ આજે અપાર પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિનું પર્યાય બની ગયું છે એ મરીઝસાહેબને પોતાની પ્રતિષ્ઠા ફેલાવવાની કોઈ તાલાવેલી ન હતી. ગઝલ દ્વારા બહુ મોટા સમુદાય સુધી પહોંચવાની કે જાણીતા થવાની એમને ખેવના કદી ન હતી.

નવાઈ શું કવિ દિલનો
હાલ સમજે છે

ફકીર લોક જમાનાની
ચાલ સમજે છે

ફક્ત હું એમને માટે
ગઝલ લખું છું ‘મરીઝ’

આ ચાર પાંચ જે
મારો કમાલ સમજે છે

એ સમયનો જ કમાલ છે કે એ ચાર પાંચ વધીને આજે લાખો થયા છે. વીતેલા દાયકાઓમાં એમના કમાલને અને એમના કલામને સલામ કરનારાની સંખ્યા નિરંતર વધતી જ રહી છે. ગુજરાતના ગાલિબ તરીકે જેમને ઓળખવામા આવે છે, એ મરીઝ બરાબર એકસો પાંચ વર્ષ પહેલા, 1917, 22 ફેબ્રુઆરી, બેગમપુરા, સુરતમાં અબ્બાસ અબ્દુલ અલી વાસી નામે જન્મ્યા હતા.

આજે આપણે એવા નિર્લેપ અને નિસ્પૃહ શાયરની કથા સાંભળવાની છે જે પોતે કહે છે…

કોઇ મારી કથા પૂછે નહીં
તેથી સુણી લઉં છું
ગમે ત્યારે, ગમે તેની,
ગમે તેવી કહાણીને
*
એ જ છે મારી દશા
ને એ જ મારો હાલ છે
આજ જેવી આજ પણ
લાગે છે કે ગઈ કાલ છે

પોતાના જીવન દમિયાન નજૂમીને એટલે કે જ્યોતિષીને ઉદ્દેશીને એમણે લખ્યું હતું,

તારી માફક થઈ ગયા
વરસો મને રસ્તા ઉપર
જો નજૂમી જો હવે
આગામી કેવી સાલ છે

મરીઝ સાહેબની વિદાયને આજે બેતાળીસ વર્ષ થયા છે ત્યારે જીવન ભલે દુખી રહ્યું પણ જીવનના અંતે મરીઝસાહેબને ખાતરી હતી કે…

આગામી કોઈ પેઢીને
દેતા હશે જીવન
બાકી અમારા શ્વાસ
નકામા તો જાય ના

એક નજરે જોતાં એમ લાગે કે મરીઝસાહેબની ગઝલો એટલી બધી સરળ છે કે એના વિશે કોઈએ કંઈ બોલવાની જરૂર શું છે? બીજી જ નજરે એમ લાગે કે મરીઝ સાહેબના અમુક શેરોમાં એટલું ઊંડાણ છે, એમાં એટલી બધી ગહનતા છે કે એના વિશે કંઈ બોલવાની આપણી હેસિયત શું છે?

તો આ જરૂરત અને હેસિયતની મર્યાદાની વચ્ચે રહી વાત કરીશું. આજે આપણે મરીઝનો આસ્વાદ જરૂર કરવો છે પણ વિવેચન નથી કરવું કેમ કે મરીઝે પોતે જ કહ્યું છે..

હાંસલ ન થશે કાંઇ
વિવેચનથી કદી

રહેવા દે કલાને
એ બની જેવી બની

તસ્વીર જો દરિયાની
નિચોવી તો ‘મરીઝ’

બે ચાર બુંદ રંગની
એમાંથી મળી

મરીઝ ઉદાહરણ શું આપે છે તે જુઓ! કેનવાસ પર દરિયો દોરેલો હોય એ કેનવાસને નીચોવીએ તો શું મળે? દરિયાનું ચિત્ર ગમે તેટલું સુંદર હોય એનું પૃથક્કરણ કરતાં રંગના બે ચાર ટીપાં સિવાય બીજું શું મળે? તો મરીઝ નામના આ દરિયાને તાગવા માટેય ગજું જોઇએ

મરીઝ પોતે કહે છે …

પાણીમાં હરીફોની હરીફાઇ ગઇ,
શક્તિ ન હતી અલ્પતા દેખાઇ ગઇ

દરિયાનું માપ કાઢવા નાદાન નદી,
ગજ એનો લઇને નીકળી, ખોવાઇ ગઇ

મરીઝ પોતે પોતાનો વિશિષ્ટ પરિચય આપતાં  કહે છે,

દુનિયાથી છું અલગ
બધાં રસ્તાથી દૂર છું
માનો ન માનો હું
કોઈ મંઝિલ જરૂર છું

લાવી છે આ અસર
હવે સંગત શરાબની
ચાખો મને કટુ છું
પીઓ તો મધુર છું

મરીઝસાહેબની વાત આવે એટલે આવા થોડા શેરો ટાંક્યા પછી વાત કરવામાં આવે છે મરીઝસાહેબના વ્યસનની.. અને બીજાને ગઝલ લખી આપવાની એમની પ્રવૃતિ વિશેની. જાણ્યે અજાણ્યે આપણા હાથે મરીઝસાહેબની પ્રતિષ્ઠા થવાને બદલે બદનામી જ વધુ થઇ છે. એટલે જ કદાચ મરીઝસાહેબે કહેવું પડ્યું હશે..

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં,
મને પણ છે કબૂલ
કોણ જાણે કેમ આખી
જિંદગી બદનામ છે

(MUST Watch)

એ સમયમાં કદાચ બદનામી થઈ હશે થોડીઘણી, પણ આ વીતતા જતાં વર્ષોમાં મેં સતત જોયું છે કે નવી પેઢીને મરીઝસાહેબમાં જેટલો રસ પડે છે એટલો રસ બીજા કોઈ ગુજરાતી શાયરમાં પડતો નથી. દિન-પ્રતિદિન એમની લોકપ્રિયતા વધતી જ જાય છે.

મરીઝ 5 વર્ષના હતા ત્યારે એમની માતાનું મરણ થયું.. અગિયાર અનાથ સંતાનોની વચ્ચે જાતે જ ઉછરવાનું હતું. આ દશામાં, ટકવાની લડતમાં અને ભટકવાની લતમાં બાળપણ પસાર થયું. ન પ્રેમ, ન પૈસો, ન મિત્રતાની હૂંફ.. એકલવાયા અબ્બાસ ગુજરાતી શાળામાંથી ભાગી ભાગીને રોજ સુરત રેલવે સ્ટેશન પર ધુમાડા છોડતી આગગાડી જોવા જતાં. ટ્રેનના મોહ ઉપરાંત બાળક મરીઝસાહેબને કબૂતરો અને કૂતરાઓ સાથે દોસ્તી.

એ એમના જીવનનો એકમાત્ર અને અદ્‌ભૂત આનંદ. શેરીમાં રખડતા કૂતરાને ઘાયલ જુએ તો સ્કૂલે જવાનું પડતું મૂકી એની પાટાપીંડી કરવા બેસી જાય. આટલી તબીબી આવડત બાળપણમાં કેળવેલી. તો આવા ઉપચારક… ગઝલના મરીઝ કેવી રીતે થયા?

એમના ઘરની નજીકમાં સુરતનો મોટો કસાઇવાડો. આ કસાઇવાડાના કસાઇઓ દિવસભરનું કામકાજ પતાવી રાત્રે શેરો શાયરીની મહેફિલ જમાવતા..

ગાલિબ, મીર,  દાગ,  સૌદા, દર્દ,  ઇકબાલ અને જિગરના શેરોની રમઝટ રેલાતી.. 12-13 વર્ષના મરીઝ, અને એમનાથી 6 વર્ષ મોટા શાયર અમીન આઝાદની સંગતમાં ત્યાં પહોંચી ખૂણે ઊભા રહી ઉર્દૂ ગઝલોનો આસ્વાદ માણતાં. આમ સુરતના કસાઇઓની નિશ્રામાં ગુજરાતી ભાષાનો આ સર્વશ્રેષ્ઠ શાયર પાંગર્યો..

સુરતના ભાગળ વિસ્તારમાં અમીન આઝાદની સાયકલ રિપેરીંગની દુકાન હતી, ત્યાં મરીઝ, ગની દહીંવાલા અને રતિલાલ ‘અનિલ’ બેસી રહેતા.

Ghazals of Ratilal 'Anil' | RekhtaGujarati
રતિલાલ ‘અનિલ’

એટલે ત્યારે એમ પણ કહેવાતું કે દુકાન સાયકલની હતી, સાયકલનું પંચર રિપેર થતું પણ ત્યાં ટાયરો કરતાં શાયરો વધુ જોવા મળતા. અમીન આઝાદ ટેબલ પર તાલ આપીને સહુને ગઝલના છંદો શીખવતા.

મરીઝની લોકપ્રિયતા એમના પ્રેમવિષયક શેરોને કારણે વિશેષ છે. સાહિત્યની ભાષામાં કહું તો પ્રણયની નિષ્ફળતાના શેરો એમણે હળવાશ અને વિનોદથી કહ્યા છે એ એમની વિશેષતા છે. અને અને આજના યુવાનની ભાષામાં કહું તો પોતાના બ્રેકઅપની વાત પર એ પોતાની જાત પર હસી શકે છે એ એમનો યુ. એસ. પી છે.

તો આ મરીઝને 14 વર્ષની ઉંમરે આપણા બધાની જેમ પોતાના મહોલ્લાની જ એક છોકરી ગમતી થઇ. છોકરી પાસે રૂપનું ગૌરવ હતું, ધનનો વૈભવ હતો અને આપણા આ અબ્બાસ અનાથ અને દરિદ્ર. 14 વર્ષની ઉંમરે મરીઝે પ્રથમ ગઝલ લખીને એ છોકરીની વર્ષગાંઠની ઉજવણીમાં હિંમતભેર સંભળાવી. કેવી હતી એ પ્રેમિકા.. કોઈ પાર્ટી કે પ્રસંગમાં મળી જાય તો.. એનું વલણ કેવું હોય?

જાહેરમાં એ દમામ
કે પાસ આવવા ન દે

અંદરથી એ સજાગ
કે છેટે જવા ન દે

એના ઇશારા રમ્ય છે
પણ એનું શું કરું

રસ્તાની જે સમજ દે
અને ચાલવા ન દે

હવે કલ્પના કરો કે 13 ફેબ્રુઆરીના મૂડમાં આવીને મરીઝે અરીસા સામે જોઈ સેલ્ફ મોટીવેશન કર્યું, આ રીતે

ફક્ત પૂરતો ને કાફી છે
ટકો એક જ મુહબ્બ્તમાં
પ્રથમ બાકીના નવ્વાણું
તું ખર્ચી નાખ હિંમતમાં

અને પછી.. 15 ફેબ્રુઆરી કેવી ઊગી એની વાત એક ગઝલમાં છે.

લેવા ગયો જો પ્રેમ
તો વહેવાર પણ ગયો
દર્શનની ઝંખના હતી,
અણસાર પણ ગયો

એની બહુ નજીક
જવાની સજા જુઓ
મળતો હતો જે દૂરથી
સહકાર પણ ગયો.

અને હવે આ શેર જુઓ અને કહો ગઝલમાં આ રીતે અંધકાર શબ્દ ક્યારેય સાંભળ્યો છે?

રહેતો હતો કદી કદી
ઝુલ્ફોની છાંયમાં,

મારા નસીબમાંથી એ
અંધકાર પણ ગયો.

અને

કેવી મજાની પ્રેમની
દીવાનગી હશે !

કે જ્યાં ‘મરીઝ’ જેવો
સમજદાર પણ ગયો

મરીઝે પ્રેમિકાને ગઝલો લખીલખીને મોકલવાનું ચાલુ રાખ્યું પરંતુ તકલીફ એક જ હતી, મરીઝની આ પ્રેમિકા જેટલી કવિતાપ્રેમી હતી એટલી કવિપ્રેમી ન હતી. મરીઝને કેવો અનુભવ થયો? પ્રેમિકા પાસે એક હાથમાં જેના માંગા આવતાં એના ફોટા હતા અને બીજા હાથમાં મરીઝની ગઝલ. મરીઝસાહેબે લખવું પડ્યું,

મુજ પર સિતમ કરી ગયા
મારી ગઝલના શેર
વાંચીને એ રહે છે
બીજાના ખયાલમાં

પણ મરીઝ પણ રિઝનેબલ ડિમાંડ સાથે પ્રેમમાં પડ્યા હતા. કદાચ ડિમાંડ બહુ ઓછી હતી…

હું ક્યાં કહું છું આપની
હા હોવી જોઇએ
પણ ના કહો છો એમાં
વ્યથા હોવી જોઇએ

મેં એનો પ્રેમ ચાહ્યો
બહુ સાદી રીતથી
ન્હોતી ખબર કે એમાં
કલા હોવી જોઇએ

મરીઝ પાસે કલા તો હતી, પણ કલદાર નહોતા. બન્ને પાત્રોના વ્યક્તિત્વ વચ્ચે આસમાન જમીન જેવું અંતર હતું. મરીઝસાહેબે આ અંતરને એક મુસલસલ ગઝલમાં સરસ રીતે બતાવ્યું છે…

જિજ્ઞેશ મેવાણી | Opinion Magazine

એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.

એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.

એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.

એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.

પોતાના જીવનની આ કરૂણ વાસ્તવિકતા મરીઝસાહેબ એક શેરમાં કેવી હળવાશથી મૂકે છે તે જુઓ..

પ્રેમમાં ખેંચાણ છે,
આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે
કે ભૂલી જા મને.

હું તને જોતે તો
દુનિયાને પછી જોતે નહી
તું મને જોતે તો
જોતી થઇ જતે દુનિયા મને

માત્ર હું, તું , જોવું અને દુનિયા આ ચાર શબ્દોની રમતથી આખા પ્રેમપ્રસંગનું તારણ થોડા સુરતી ટચ સાથે મરીઝે રજૂ કરી દીધું ..

હું તને જોતે તો
દુનિયાને પછી જોતે નહી
તું મને જોતે તો
જોતી થઇ જતે દુનિયા મને

છતાંય મરીઝ નસીબદાર તો ખરા. આપણે કલ્પી શકીએ કે પ્રેમિકાનો હાથ, હાથમાં લઈ બેસવાની તક તો એમને ચોક્ક્સ મળી હશે નહીંતર આવો શેર ન આવે…

ભલે બેઠો હજારોવાર
એનો હાથ ઝાલીને
પરંતુ એ ન સમજાયું હજી પણ,
એની નસ ક્યાં છે?

તો ખરેખર આ પ્રેમિકાની નસ પકડવી મુશ્કેલ હતી. થોડાક રમ્ય ઇશારાઓ પછી એ પ્રેમિકાએ વ્યાવહારિક રીતે સુખ અને સલામતીનો રસ્તો લીધો. જીવનની થોડી રોમેંટીક પળો સ્મૃતિના પટારામાં ધરબી દઇ મરીઝને ગુડ બાય કરીને  વ્યવહારની દુનિયામાં આગળ વધવાનું પ્રેમિકાએ પસંદ કર્યું. આ અસ્થાયી પ્રેમ છોડીને પરણીને સ્થાયી થવાનું નક્કી કર્યું.

પણ મરીઝ એ 16-17 વર્ષની ઉંમરની એ પળમાં જ ફ્રીજ થઇ ગયા. પછી મરીઝના જિંદગીમાં વરસ ઉમેરાયા, રસ ઉમેરાયો નહીં. મરીઝે બ્રેક-અપના બે શેર લખ્યા છે..

એક પળ એના વિના
તો ચાલતું નહોતું ‘મરીઝ’
કોણ જાણે કેમ આખી
જિંદગી ચાલી ગઇ

બાળપણમાં એમની માતાનું અવસાન થયું એ પછી આ પ્રેમ જ અનાથ મરીઝના જીવનમાં નોળવેલ જેવો હતો. અને જ્યારે આ વેલ કરમાઈ ગઈ ત્યારે મરીઝ લખ્યું

મુહબ્બતના દુ:ખની
આ અંતિમ હદ છે
મને મારી પ્રેમાળ
મા યાદ આવી

ઉપરથી બહુ સરળ શેર લાગે પણ સાયકોલોજીની પરિભાષામાં દરેક બાળક માતાના પ્રેમમાં હોય છે. અમુક ઉંમરે માતાનું સ્થાન પ્રેમિકા લે છે. આને ઑબજેક્ટ ટ્રાન્સફર કહેવામાં આવે છે. માનવવંશના ક્રમ માટે આ જરૂરી છે. પણ આ ટ્રાન્સફરમાં કંઈ લોચો થાય તો હતાશા આવે અને સાઈકોલોજીની ભાષામાં રિગ્રેશન થાય. અર્થાત માણસ પારોઠના પગલા ભરે. સાઈકોલોજીની આ ગહન વાત હું સમજાવતાંય સમજાવી ન શકું અને બે ચોપડી ભણેલા મરીઝસાહેબ આ શેરમાં સરળતાથી કહી દે છે.

દાયકાઓ પછી મોડેમોડે જીવનમાં ફરીવાર એ પ્રેમિકા સાથે મુલાકાતનો અવસર આવ્યો. છેલ્લીવાર પ્રેમિકા મરીઝને ગુડ બાય કરવા આવી, ત્યારે એના હાથ પર લગ્નની મહેંદી હતી. હવે દાયકાઓ પછી પ્રેમિકાને જોઈને મરીઝે શું લખ્યું?

ઘણાં વરસો પછી આવ્યા છો
એનો આ પુરાવો છે
જે મ્હેંદી હાથ ને પગ પર હતી
તે કેશ પર લાગી

મરીઝની વાતો સરળ છે પણ છીછરી નથી. નાજુક છે છતાં સોંસરી છે. એમની ફિલસૂફી બહુ ભારે નથી. કદી દુખી થવાય જ નહીં એની ચાવી તેઓ એક શેરમાં આપે છે.

જિંદગીને જીવવાની
ફિલસૂફી સમજી લીધી
જે ખુશી જીવનમાં આવી
આખરી સમજી લીધી

(MUST Watch)

તમને થશે કે ખુશીના ઈનકારની વાત તો સંતો, સાધુઓ, વૈરાગીઓ પણ કરે છે!

પણ મરીઝ વૈરાગીઓની જેમ ખુશીનો ઇનકાર નથી કરતા પણ ખુશીની રાહ પણ નથી જોતા. જે આવે તે ખુશીને આખરી સમજીને માણી લેવાની વાત કરે છે. આ ગઝલમાં આગળ તેઓ કહે છે,

દાદનો આભાર કિંતુ
એક શિકાયત છે મને
મારા દિલની વાત ને તેં
શાયરી સમજી લીધી

પ્રથમ પ્રેમના દરવાજેથી નિષ્ફળ થઈ હતાશ થઈ પાછા વળેલા મરીઝ કિસ્મતનું દ્વાર ઉઘાડવા નાની ઉંમરે મુંબઈ ગયા. 19 વરસની ઉંમરે 1936માં એમણે પ્રથમ મુશાયરો કર્યો ત્યારે શયદાસાહેબે કહ્યું શેર સારા છે પણ ભાષા કાચી છે.

બીજા દિવસે પેપરમાં આવ્યું કે મરીઝની શાયરી મરીઝ જેવી એટલે કે બીમાર હતી. પણ મરીઝની પ્રતિભા ઝાઝો સમય છાની ન રહી. પ્રેમની નિષ્ફળતામાંથી સાંપડેલી શાયરીને કારણે એક તરફ બાહ્ય પ્રતિષ્ઠા વધવા લાગી, તો બીજી તરફ એ જ પ્રેમની નિષ્ફળતાને કારણે મરીઝસાહેબ અંદરથી ખવાતા ગયા. અને વ્યસનને શરણે ગયા.

મરીઝ - વિકિપીડિયા

મુંબઇમાં સાહિત્યવર્તુળોમાં મરીઝના ‘આગમન’ ગઝલસંગ્રહની બહુ વિશિષ્ઠ નોંધ લેવાઇ. મરીઝમાં એમને એવા અલબેલા અને અનોખા શાયરના દર્શન થયા જેને ફેમસ બનવાની ગરજ ન હતી અને જેને પોતાનું વ્યસન પોષવા માટે માત્ર આઠ આના કે રૂપિયાની ગરજ હતી.

મરીઝસાહેબને નામનાની પરવા નહોતી એટલે સહુ કોઈને ગઝલ સુધારી આપતા. ક્યારેક લખી પણ આપતા, આ રીતે મુંબઇમાં મરીઝની પ્યાસ છિપાતી રહી અને કાવ્યક્ષિતિજ પર નવા નવા ગઝલકારોનો ઉદય થતો રહ્યો.

જણસ અમૂલી અમસ્તી
બનાવી નાખી છે
પરાયા શહેરમાં વસ્તી
બનાવી નાખી છે

જગતના લોકમાં જ્યારે
ગજું ન જોયું મરીઝ
મેં મારી જાતને સસ્તી
બનાવી નાખી છે

કહેવાય છે કે એક મુશાયરામાં સ્ટેજ પર બેઠેલા 16 શાયરોને મરીઝે ગઝલ લખી આપી હતી. એક શાયરે તો 2000 રુપિયાની ઉધારીના બદલામાં મરીઝનો આખો સંગ્રહ પોતાને નામે કરી લીધો. પણ આજે હવે લંબાણ નહીં કરું કેમ કે એ જ કહી ગયા છે

જિંદગીના રસને પીવામાં
કરો જલ્દી મરીઝ
એક તો ઓછી મદિરા છે
ને ગળતું જામ છે

એક મહેફિલમાં, એક બેઠકમાં. એક લેખમાં, એક મૂડ કે એક મિજાજમાં મરીઝસાહેબ વિષે વાત કંઈ પૂરી થાય? તો મરીઝના આવા જ ચોટદાર શેરોની અને એમની રસઝરતી વાતોની સફર આગામી લેખમાં પણ ચાલુ રાખીશું.

(ક્રમશ:)

SAMAGRA MARIZ

Leave a Reply to ramesh maruCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. વાહ…સર…મજા આવી ગઈ…ખૂબ જ માહિતીસભર લેખ…મરીઝ તો મરીઝ છે…બસ એટલું કહી શકાય…