પીડિતા (એકોક્તિ) ~ કુંતલ સંજય ભટ્ટ (સુરત) ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૫

(પીડિતા : ડિઝાઇનર પત્રકારો અને ટીઆરપી વધારવાની રમતમાં શિકાર બનેલી સામાન્ય સ્ત્રીની વ્યથા, કથા અને આક્રોશ. કલાકાર: સ્ત્રી)

(હાથમાં મોબાઈલ ફોન પકડી ધીમે પગલે, લાંબે ડગલે આંટા મારતાં સ્મિતા..)

“હું ધીમે ધીમે મારું નામ ભૂલી જઈશ, હું સ્મિતા છું કે પીડિતા? આ આખો મહિનો આ મીડિયાવાળાએ સખત રીતે માથે માર્યું છે. પીડિતા…પીડિતા…પીડિતા… (હાથેથી માથું કૂટતાં) ઉફ્ફ, (વિચારતાં) શું કરવું જોઈએ આનાથી બચવા? આમાંથી નીકળવા? પીડિતાનો જબરજસ્તી લાગેલો ટેગ દૂર કરવા?”

(ફોનની રિંગ વાગી)

“જુઓ સર, મેં તમને આગળ પણ કહ્યું છે અને આજે પણ કહું છું. મને મારાં ઘરે.. આઈ મીન સાસરે રહેવામાં કોઈ જ પ્રૉબ્લેમ નથી. તમે લોકોએ કોના કહેવાથી વાતનું વતેસર કર્યું છે? તમે આમ કોઈની જિંદગી સાથે આવી બેહૂદી રમત ન રમી શકો. મને વ્યવસ્થિત રીતે મારી બાજુ રજૂ કરવાનો મોકો પણ નથી મળ્યો. સવાલ પૂછતાં મને અને મારા જવાબની રાહ જોયા વગર મારાં આઘાત, આંસુ અને મૌન જ દર્શાવાયાં….

(સામેનો અવાજ સાંભળતાં) ઓહ! તો વાત એમ છે. તમારા પત્રકારો સ્ટૉરી મેળવવા કંઈ પણ કરી દે એ થોડું ચાલે.. અમારા જેવા સામાન્ય વર્ગનાં લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. જ્યાં જાઉં ત્યાં “આ જ પેલી પીડિતા.. નામ શું એનું? સ્મિતા કે મીતા કે કંઈક છે ખરું!” એવું સાંભળવું પડે છે.

(દર્શકો તરફ જોતાં) કેવી હતી અને કેવી બનાવી દીધી જિંદગી! બસ.. એક દિવસ ફકત એક દિવસ હું અને મારા પતિ રિવર ફ્રન્ટ પર કોઈ નાની એવી વાતે ઝઘડી પડ્યાં અને મારી જીભની તલવાર સામે પતિએ એક થપ્પડ જડી દીધી અને ત્યાં કોઈ પત્રકાર હશે એણે હો..હો.. કરી દીધું.

હું શું બોલી હતી એવું કોઈ સાંભળવા તૈયાર નહોતું, અરે! આજની તારીખમાં પણ કોઈ પૂછતું નથી કે આખરે વાત શું હતી કે પતિએ હાથ ઉગામવો પડ્યો? અને હું રડું છું એનું કારણ પણ એ લોકો જ થોપી બેસાડે છે ..અજબ ટીવીની ગજબ કહાની છે.

(અચાનક બીજી દિશામાં નજર નાખતાં) આ બહાર શેની હો..હા.. છે? (દોડીને પહોંચતાં અને ફરી પાછળ ડગ માંડતા) ના… બેન.. ના… મને કોઈ તકલીફ નથી. મારે કોઈ કેસ કરવો નથી. મારે કોઈ સ્ત્રીસ્વતંત્રતાના ઝંડા તળે આશરો લેવો નથી. નથી મારાં સાસુ કે બીજાં સાસરિયાં તરફથી મને કોઈ દુઃખ કે નથી થતો કોઈ અત્યાચાર!

અમે સૌ હળીમળી ખભેખભા મિલાવી કામ કરીએ છીએ. હું જૉબ કરું છું તો એને માટે મને દરેક વાતમાં મદદરૂપ થતાં અને પૂરતી છૂટ આપતાં સાસરિયાઓ ઉપર મહેરબાની કરી કોઈ કીચડ નહિ ઉછાળો. હું મારા પરિવાર સાથે જીવવા માગું છું.

(હાથ જોડતાં, રડતાં) મને મારે ઘરે જવું છે. (અચાનક આંસુ લૂછતાં, ગુસ્સાથી) લાવો જોઉં તમારું માઇક લાવો…. ઓ… ડિઝાઇનર પત્રકારો ક્યાં ગયા? હા, હું તો સો ટકા તમને ડિઝાઇનર જ કહીશ. આવો.. સામે આવો.. સાથે તમારા, વીડિયોગ્રાફર અને ફૉટોગ્રાફરને લાવવું ભૂલતા નહિ.. આવો… આવો અને નવી સ્ટૉરી બનાવો, જે સત્ય છે. હું આજે મારી પીડાની રજેરજ માહિતી આપવા માગું છું. રેડી..

તો સાંભળો… એ ભાઈ તમે આ બાજુ ધ્યાન આપજો. આ પીડિતાની વાત સાંભળો.. તમે જબરજસ્તી બનાવી દીધેલી પીડિતાની વાત સાંભળો.. એની જાહેરમાં પીટાઈ કરતાં નરાધમ પતિની વાત સાંભળો… તમારે ફક્ત  દુઃખ, દુઃખ અને દુઃખ જ સાંભળવા અને સંભળાવવા છે ને? સ્ત્રીને તમારે કાં તો ચંડી કાં તો દુઃખિયારી દર્શાવીને જ ટીઆરપી વધારવાં છે ને? તો આજે તમને ખુશ કરી દઉં. લાઈવ ટેલિકાસ્ટ કરજો. તમને સોગંદ છે તમારી રોજીની જો જરાય ફેરફાર કરી મૂકો તો.

સાચી વાત આજે… આજે પૂરા એક મહિને હું કહેવા પામીશ. વિચારો કેવો ત્રાસ હશે. કોનો? પૂછો છો? સવાલ.. સવાલ અને સવાલ. અને એનો જવાબ તમને મનગમતો અને ટીઆરપી વધારતો નહિ મળે ત્યાં સુધી એ સવાલોની ઝડી અટકાવશો નહિ રાઈટ? તો લખજો, બતાવજો કે તમારા લોકો જેવા પત્રકારોના ત્રાસને કારણે હું સાચું કારણ છેક આટલા સમયે માઇક ઝૂંટવીને કહેવા પામી છું.

(ઊંડો શ્વાસ ભરતાં)

તે દિવસે રિવર ફ્રન્ટ પર મેં મારા પતિને મને છૂટાછેડા આપી બીજી સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું કારણકે હું કોઈ પણ રીતે મા બની શકું એમ નથી! હા, મારો પ્રૉબ્લેમ એટલો મોટો છે કે હું કોઈ એટલે કોઈ પણ રીતે મા બની શકું એમ નથી. કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ મને માતૃત્વ બક્ષવા સક્ષમ નથી રહી..

(ધ્રુસકે ધ્રુસકે રડતાં) આ કારણે હું જીદે ભરાઈ હતી કે જો તમે મને ડિવોર્સ આપી, બીજાં લગ્ન નહિ કરો તો હું મરી જઈશ. એમ બોલતી હું નદીની પાળી પર ચડવાની કોશિશ કરતી હતી. તો મારા પતિએ મને નીચે ખેંચી અને એક થપ્પડ મારી હતી.

આ પ્રેમ હતો, પ્રેમ! પીડા તો હું એમને આપી રહી હતી. એમણે પીડા નહોતી આપી. હું પીડિતા નથી. આવી પર્સનલ વાત બહાર ન આવી જાય એટલે મારાં પતિ અને સાસરિયાં આજ દિવસ સુધી મૌન છે સમજ્યા! (આંખમાં આંસુ સાથે) ખરું કહું તો હું આ જૂજ ડિઝાઇનર પત્રકારો અને ટીઆરપીની રમત કરી રહેલી ચેનલ દ્વારા પીડા પામી રહેલી પીડિતા છું.

હેં? શું? (અતિશય ગુસ્સો કરતાં) નીકળો અહીંથી, નીકળો નહિ તો છૂટ્ટો પથ્થર મારીશ. (ઘૂંટણે બેસીને રડતાં) હવે નવો સવાલ.. નવો સવાલ કે.. મા ન બની શકવાનું કારણ? હે ભગવાન હવે આ મુદ્દે શું હું તારા દ્વારા બનેલી પીડિતા કહીને ચગાવાઈશ?

 લેખિકા: કુંતલ સંજય ભટ્ટ (સુરત)

kuntalbhatt2012@gmail.com
~

Leave a Reply to Kuntal Sanjay BhattCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 Comments

  1. ડિઝાઇનર મિડિયાને જોરદાર લપડાક

  2. વાહ! સાવ અલગ વિચારને લઈને ખૂબ સરસ પ્રસ્તુતિ.

    પોતાનો ટી.આર.પી. વધારવા કાગનો વાઘ કરતા ટી.વી,ચેનલ,અખબાર પર કેમ કોઈ કેસ નથી કરતું?