પ્રકરણ: ૨૪ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
‘ઈર્ષાનો ભોગ બનું એવી અધૂરી તો હું નથી જ. મને સવિતાની ઈર્ષા ન થઈ તો શારદાની થાય? કહે છે કે દરેક યુવતીના હૃદયમાં એનો કલ્પનાપુરુષ બિરાજતો હોય છે. પણ એટલા પૂરતી હું મૂર્તિપૂજક નહિ, સ્થાનકવાસી છું.
સ્વપ્નમૂર્તિના આધાર વિના જીવવા હું ટેવાતી જાઉં છું. તેથી એક પુરુષ તરીકે તમે આકર્ષક હો તોપણ હું અપેક્ષા વિના તમારી સાથે વર્તી શકું એટલી શક્યતા તમારે સ્વીકારવી જોઈતી હતી. તમારી કળામાં મારો રસ એક યુવતી તરીકે નહીં, એક વ્યક્તિ તરીકે રહ્યો છે. “નૉટ ઍઝ એ વૂમન, બટ ઍઝ એ પર્સન!” પણ તમે પુરુષો કોઈ યુવતીને વ્યક્તિ તરીકે જોઈ શકતા જ નથી. અને એ જો કંઈક સુંદર હોય તો —’ કહેતાં લાવણ્ય હસી પડી, પોતાની નબળાઈ પર!
આ તો આત્મશ્લાઘા થઈ ગઈ! પોતે માત્ર વ્યક્તિ જ હોય તો સૌંદર્યનો સવાલ વચ્ચે ક્યાંથી આવી ચડ્યો?
બસ આવી. વિદાયની ક્ષણે લાવણ્યનો ચહેરો ફૂલની જેમ ખીલેલો અને હસતો જોઈને પ્રેમલની ગ્લાનિ દૂર થઈ. એને મોટરસાઈકલ ચલાવવામાં મઝા આવી.
સ્ટુડિયો પર પહોંચતાં જ એને અતુલ દેસાઈનો પત્ર યાદ આવ્યો. એણે એક કાપલી લાવણ્ય માટે મોકલી હતી. એમાં કવિતા જેવું કશુંક લખ્યું હતું. એ વાંચી લીધું. રમૂજ પડી. પછી એણે પોતે પણ એક પત્ર લખ્યો. એમાં ફેરવી ફેરવીને એમ કહેવા પ્રયત્ન કર્યો કે આજે મળાયું એથી ખૂબ રાહત થઈ છે. યુવતી તરીકે નહીં પણ માત્ર વ્યક્તિ તરીકે (રૂપગર્વિતા નહીં પણ વિદુષી તરીકે?) જીવવાની તમારી તૈયારી વિશે જાણ્યું.
આ પરિચય મને આપમેળે નહોતો થયો. કોઈને નકાર્યા કે સ્વીકાર્યા વિના સ્વાયત્ત રીતે જીવી શકાય – આ એક નવી વાત હતી, મને રસ પડ્યો. સામી વ્યક્તિને વશ કરવાની લાલસા વગર, આત્મનિર્ભર મિત્રો તરીકે આપણો સંપર્ક ચાલુ રહી શકે? તમારા જેવી વ્યક્તિ સહૃદય ભાવક તરીકે સાંપડે તો એની કેવી અસર પડે છે એ મેં તે દિવસ પેલા મહેમાનોના દાખલામાં પણ જોયું હતું.
શું શારદા મને માફ કરી શકી છે? એને મારી પાસેથી જે જોઈતું હતું એ એને બીજેથી સવાયું મળે તો એ મને જરૂર ભૂલી જાય. આજે મને નવાઈ લાગે છે: અમે મળીએ ત્યારે શરીરના કિલ્લામાં કેદ થતાં. ધારું છું કે શારદા હવે એ કેદમાંથી મુક્ત રહી શકશે.
આ સાથે અતુલ દેસાઈએ તમારે માટે મોકલેલી એક ચબરખી છે. એનું સરનામું મારી પાસે નથી. વનલતાની નજીકમાં રહે છે એટલી ખબર છે.
છેલ્લે ઘેર ગયો ત્યારે મમ્મી તમને યાદ કરતી હતી. એણે ક્યાંક તમારો ફોટો જોયો હતો.
— પ્રેમલ.
પત્ર મૂકીને લાવણ્યે અતુલ દેસાઈનું લખાણ વાંચવા માંડ્યું:
એક સ્વપ્નપરીએ
મારે માટે સર્જી છે સમસ્યા.
જોઉં છું કન્યાઓનાં
ઝૂમખે ઝૂમખાં
પણ કોઈથી તૂટતી નથી મારી તપસ્યા!
હું નથી ઋષિ, નથી બ્રહ્મચારી,
મારી પાસે નથી એવી કોઈ પવિત્રતા
જેને ગુમાવવાની હોય ભીતિ
પણ જ્યારથી ઝંખું છું એની પ્રીતિ
જાણે કે મારે હૈયે રાધા-કૃષ્ણ વસ્યાં!
લાવણ્ય વાંચીને ચબરખીને બાજુ પર મૂકી ન શકી. શું આમાંથી કવિતા ન થઈ શકે? પણ આ લખાણને કવિતા બનાવવાની જરૂર ખરી? અતુલ દેસાઈને મન આ એક પત્ર લાગે છે. પણ પત્રમાં સંબોધન કરવું પડે. જ્યારે આ કોઈને બાંધ્યા કે જાતે બંધાયા વિના વ્યક્ત થવાની યુક્તિ છે.
બનશે તો આમાંથી એક રચના કરીશ. — લાવણ્ય પત્ર પર્સમાં મૂકવા ઊઠી, લલિતાનાં પગલાં સંભળાયાં. તાજેતરમાં એને એક નોંધપાત્ર સફળતા મળી છે એવું એ માને છે. શારદાને પ્રેમલથી વિમુખ કરવાનું એને કોઈએ સોંપ્યું નહોતું પણ એમ કરવામાં એને ફરજ સમજાઈ હતી, રસ પણ પડ્યો હતો.
બીજી બાજુ લલ્લુભાઈએ દીકરીઓના સગપણની તપાસ આગળ ચલાવી હતી. સરપંચ જે આગેવાન માટે ભલામણ કરતા હતા એ મલૂકચંદ એમને શારદા માટે યોગ્ય લાગતા હતા. એમને એક દીકરો હતો એને અમેરિકા મોકલીને કમાતો કરી દીધો છે. એમની ઉંમર વીસ દુ ચાળીસ વરસની હશે.
દીકરાની ઇચ્છા છે કે એના વિધુર પિતા લગ્ન કરે પછી પોતે કન્યા શોધે. એની ભાવનાની કદર કરવી જ પડશે. વળી મલૂકચંદને જાહેર જીવનમાં રસ છે. બહાર જાય ત્યારે ઘર નોકરોને હવાલે કરે કે બંધ રાખે?
ખેમરાજ સરપંચ જાહેરજીવનમાં એમના સાગરીત છે. વેપારધંધામાં પણ સાથે મળીને ઘણું થઈ શકે એમ છે, પણ એ પહેલાં મલૂકચંદને સંસારની માયામાં બરાબર રસ પડવો જોઈએ. એ માટે જ એમણે દૂર-નજીકથી શારદાની ઝાંખી કરાવી, પછી ફોટા બતાવ્યા. ત્યારથી મલૂકચંદ રટ લઈને બેઠા છે: પરણીશ તો શારદાને જ.
બનવાજોગ છે કે લગ્ન પછી એમનું જાહેરજીવન પણ જોર કરવા માંડે. સમારંભમાં શારદા સાથે બેઠી હોય તો આખો મંચ શોભી ઊઠે.
એક સાંજે ડુંગર બાજુથી લટાર મારીને લાવણ્ય-લલિતા પાછી ફરતી હતી ત્યાં એક નવી કાર ઊભી રહી. મલૂકચંદે જીપ કાઢી નાખીને કાર ખરીદી હતી. મલૂકચંદે નમસ્તે કરીને પોતાની ઓળખાણ આપી. એક સમારંભમાં લાવણ્યને નિમંત્રણ આપવાની પોતાની ઇચ્છા જણાવી.
પોતે એવા માનને યોગ્ય નથી એમ કહીને લાવણ્યે આભાર માન્યો. વાત પૂરી કરી. લલિતા તુરત પગ ઉપાડી ન શકી. દસ ડગલાં ચાલીને લાવણ્યે થોભવું પડ્યું.
એક કુંવારી યુવતી એકલી રહેતી હોય તો કેટકેટલા લોકો એના પર નજર રાખે છે! ગમે તેના અંગત જીવનમાં રસ લેવાનો અહીં જે સામાજિક અધિકાર માનવામાં આવે છે એ કેટલો યોગ્ય ગણાય? — લાવણ્ય આ પ્રશ્ન સાથે ઊભી હતી.
લલિતા મલકાતી લચકાતી આવી પહોંચી. અવાજ અને ધૂણી મૂકીને કાર અદશ્ય થઈ એની સાથે લલિતાએ શારદાનું ભાગ્ય વખાણવું શરૂ કર્યું.
‘કેમ બોલતાં નથી દીદી, મલૂકચંદ કેવા લાગ્યા?’
‘મેં એમના તરફ ધ્યાનથી જોયું નથી.’
‘એ શારદાને મળીને આવતા હતા. એમને તમારું પણ કામ હતું.’
‘શારદા ના પાડે તો એ મારા પર પસંદગી ઉતારવા રાજી હશે, ખરુંને!’ — કહીને લાવણ્ય હસવા ગઈ પણ એમાં પૂરતી સફળ ન થઈ. પુરુષોના આ વલણ અંગેનો એનો અભિપ્રાય આંખોમાં પ્રગટ થઈ ચૂક્યો હતો, પણ લલિતાનું એ તરફ ધ્યાન નહોતું. એણે મલૂકચંદની વકીલાત શરૂ કરી દીધી હતી:
‘મલૂકચંદમાં શું ખૂટે છે?’
‘મને શી ખબર?’
‘તમને શારદા કશું કહેતી નથી?’
‘પ્રેમલ અંગે પહેલાં વાત થયેલી. હું ધારું છું કે મલૂકચંદમાં એને એવો રસ ન પડે.’
‘તો મારે કહેવું જોઈએ કે એ ચાકણની ચાલ ચાલે છે. આજે એણે મલૂકચંદને શો જવાબ આપ્યો જાણો છો? લાવણ્યદીદીની સલાહ લઈને હું તમને જણાવીશ. કેવી ચાલાક છે! ના પાડવી હશે તોય તમને વચ્ચે ઘરશે. મને લાગે છે કે પેલા શહેરી ચિત્તાનો શિકાર બનવાનો એનો શોખ હજી પૂરો થયો નથી.’
‘પ્રેમલ સાથેનો એનો સંપર્ક અટકી ગયો છે. જો એ બંને સાચું બોલતાં હોય તો.’
‘તમને એમ હશે કે શારદા તમારી સાથે કાયમ સાચું બોલતી હશે.’
‘એ સાચું બોલે એ મારી જરૂરિયાત નથી, એને ગરજ હોય તો સાચું બોલે. લલિતા, તું મને કેવી ધારે છે? સામી વ્યક્તિ સાચું બોલે છે કે નહીં એટલુંય હું સમજી શકતી નહીં હોઉં? હું શારદાનો કેસ સમજું છું. પ્રેમલની પત્ની બનવા એણે કેમ બધું હોડમાં મૂક્યું એ તુંય સમજી શકે એમ છે.’
‘પણ હવે તો હોડમાં મુકાયેલું બધું વેડફાઈ ચૂક્યું છે ને? એણે એનું સત્ત્વ ગુમાવ્યું છે કે નહીં?’
‘તું શેને સત્ત્વ કહે છે?’ — લાવણ્યના આ પ્રશ્નનો ઉત્તર આપવા જતાં લલિતા થોથવાઈ. લાવણ્યે બીજી રીતે પૂછ્યું: શારદાના ઉપભોગમાં જે સત્ત્વ નિરીક્ષક સાહેબે, ખેમરાજ સરપંચે કે ચિત્રકાર પ્રેમલે નથી ગુમાવ્યું એ એકલી શારદાએ જ ગુમાવ્યું છે, તારે એમ જ કહેવું છે ને?
જો, આ બધું સમાજકારણ છે. જે સમાજમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોય અને ચલણ પુરુષનું હોય એ સમાજમાં સ્ત્રી પાસે આ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે. કૌમાર્યને જ સત્ત્વ ગણવામાં આવે. બાકી જો તેં ઈતિહાસ વાંચ્યો હોય તો, મહાકાવ્યો અને પુરાણો વાંચ્યાં હોય તો, સમજી શકશે કે મોટા રાજા-મહારાજાઓએ પણ પરણેલી સ્ત્રીઓનાં અપહરણ કર્યાં છે. એમને કિંમત કૌમાર્યની નહીં, કાયાની હતી. સમજાય છે મારી વાત?’
‘ના. મને તો એટલું જ સમજાય છે કે શારદાએ આ તક જતી કરવા જેવી નથી.’
‘સારું, તું કહે. મલૂકચંદ સાથે લગ્ન કરવા તું તૈયાર થાય?’
‘દીદી, એ સવાલ જ ઊભો થતો નથી. મલૂકચંદની પસંદગી શારદા પર ઊતરી ચૂકી છે. અને મારા બાપા થોડીક વગવાળા છે. એમણે કોઈ દીકરીને બીજવર સાથે પરણાવવી નહીં પડે. બાકી, પહેલાંના જમાનામાં દોઢ દાયકા મોટા પુરુષ સાથે તો શું પચીસત્રીસ વર્ષ મોટા પુરૂષ સાથે લગ્ન કરવા પણ તૈયાર થવું પડતું.
શારદા આ બધું જાણે છે. એને મલૂકચંદની મિલકત, વગ અને આબરૂ ત્રણેયમાં રસ છે. છતાં હા પાડવામાં સંકોચ શેની કરે છે? તમારું નામ વચ્ચે શું કામ લાવે છે?’
‘એ રીતે સમય પસાર કરતી હશે.’
લાવણ્ય તટસ્થ રહી. લલિતા મલૂકચંદનો પક્ષ લઈને શારદાને મળી.
શારદા અનુકૂળ થતી જતી હતી. એને મલૂકચંદની ઉંમરનો વાંધો નહોતો. એ ખોટ મિલકતથી ભરપાઈ થઈ જતી હતી. વાંધો હતો ખેમરાજની દરમ્યાનગીરીનો.
લગ્ન પછી પણ એનો પગપેસારો ચાલુ રહે તો? મલૂકચંદને વહેલોમોડો ખ્યાલ આવી જાય. પછી એ વહેમી પતિનો પાઠ ભજવવો શરૂ કરે. કદાચ છૂટાછેડા પણ આપી દે. પછી શું? ત્યારે નોકરી પણ ન હોય. ખેમરાજની રખાત થઈને જીવવા વારો નહીં આવે એની ખાતરી શી? એ લોહી ચાખી ગયેલો વાઘ…
લલિતાએ સલાહ આપી કે તું એક વાર ખેમરાજ સાથે બધી ચોખવટ કેમ કરી લેતી નથી? તું કહેતી હોય તો હું બાપુજી મારફત સંદેશો મોકલું. વાટાઘાટોમાં એય હાજર રહેશે.
‘જોજે એમને વાત કરતી. સરપંચને કહેવડાવ કે શનિ-રવિ ગમે ત્યારે મને મળી જાય.’
સંદેશો મોડો મળ્યો હશે. ખેમરાજનું આગમન થયું ત્યારે રાતના સાડા દસ વાગ્યા હતા. થોડોક ઉકળાટ લાગતાં શારદાને ઊંઘતાં પહેલાં નહાવાનું સૂજયું. અડધી પલળી હતી ત્યાં બારણે ટકોરા થયા. લલિતા સિવાય બીજું કોણ હોય? એમ માનીને એણે બારણું ખોલ્યું.
એક વાર ખોલેલું બારણું જાકારો આપીને કેવી રીતે બંધ કરે? વળી, અંદર પ્રવેશ કરવા માટે શારદાની આ સ્થિતિ ખેમરાજને બાધક ન લાગી. પછી તો કશા સંકોચ વિના શારદાએ કપડાં બદલ્યાં. ખુરશી ખેંચી લાવીને સામે બેઠી. સરપંચે પગ પલંગ પર લઈને દીવાલનો ટેકો લીધો.
‘મને થયું કે મારા હાથે આ એક સવાલ ઊકલી જાય તો સારું.’ — ખેમરાજે સિગારેટ કાઢી, એનો છેડો પેકેટ પર દબાવ્યો. લાઈટર સળગાવ્યું.
‘પ્રેમલ સાથે મારું ગોઠવાઈ જાત. તમે બગાડ્યું.’
‘અત્યારે લાગતું હશે. પછી નહીં લાગે. એ સાલા સુવ્વરને હું બરાબર ઓળખી ગયો હતો. એને તમારો શો ખપ હતો —’
‘જે તમને હતો એ જ. સરપંચ, સાચું કહેજો હોં, મલૂકચંદ સાથે મારું લગ્ન થાય એમાં તમને આટલો બધો રસ કેમ છે? તમને એમ છે કે મારા બેડરૂમમાં ઘૂસી આવવાનો તમને પરવાનો મળી જશે?’
‘ના, મારી ગણતરી બીજી છે. હું એવો કામી નથી. અત્યારની જ વાત કર ને! આ તું તુરત નાહીને ખુલ્લા વાળ રાખીને રાત-રાણીની જેમ મઘમઘતી બેઠી છે. મારે માટે બાવડું લંબાવું એટલી જ વાર છે. પણ તને છે એવી કશી બીક?
હું ખરેખર ઇચ્છું છું કે તું સુખી થાય. મારા હાથે તારું કશું બગડ્યું હોય તો એનું સાટું વળી જાય. અમારા ઘૈડિયા બબ્બે બૈરાં કરતા. અત્યારે એવી છૂટ હોત તો તને મારી મેડી ઊતરવા ન દેત.
ખેર, સમય સમય બલવાન હૈ! એટલું ખરું કે કોઈક વાર તું મને જોઈને બારણું ઉઘાડશે તો તને એકલી જોઈને પાછો વળી નહીં જાઉં. પણ તારી મરજીની ઉપરવટ જઈને તારો હાથ નહીં ઝાલું. બસ?
હવે પાયાની વાત. તારે નોકરી છોડવી પડશે. તારો પાંત્રીસ વર્ષનો પગાર થાય એટલી રકમ અને એક મકાન તારા નામે થઈ જશે. સગાઈ જાહેર થતાંની સાથે જ એ બધું પતી જશે. બસ?’
‘એટલું બસ નથી. તમારે મને ભૂલી જવી પડશે.’
(ક્રમશ:)