ડકાઉની ખળભળાવી દે તેવી સ્મૃતિ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:44 ~ ઉત્કર્ષ મઝુમદાર
કેમ્પ બે ભાગમાં વિભાજીત હતો. કેમ્પ અને ક્રિમેટોરિયમ. કેમ્પમાં બેરેક હતા. એમાં એકમાં નાઝી પાર્ટીની વિરુદ્ધ એવા પાદરીઓને રાખવામાં આવતા ને બીજા બેરેકમાં વૈદકીય પ્રયોગો થતા.

કેમ્પની ચારે બાજુ વીજળીના પ્રવાહવાળો કાંટાળો દરવાજો અને દીવાલ ફરતા સાત ટાવર જેમાં રાત દિન ચોકીદારો હથિયાર સાથે ચોકી કરતા હોય.
ક્રિમેટોરિયમની વાત જાણીને થશે કે તેઓને સ્મશાનની શી જરૂર? તેઓ તો શબને દાટતાં હોય છે ને? વાત સાવ સાચી. શરૂમાં તો અન્યત્ર દાટતા પણ પછી સંખ્યા વધવા લાગી ને બધું છાનું રાખવાનું હોય એટલે બાળવાનું શરુ કર્યું. તાત્કાલિક શબોનો નિકાલ થઇ જાય. કોઈ પ્રકારના અવશેષો જ ન મળે. સાબિતી જ ન જડે આવું કઈ કર્યું છે તેની.
ગેસ ચેમ્બરમાં પૂરીને ગૂંગળાવીને મારી નંખાયેલા કેદીઓ, અન્ય રીતે મરણ પામેલા કેદીઓ, બધાને અહીં બાળી મૂકવામાં આવતા.

દાટવા કરતા આ વધુ સરળ પડતું ને ઝડપી રહેતું. વળી બીજો ફાયદો એ કે કબરમાં દાટો તો ખબર પડે કે કેટલા જણા માર્યા. બાળી મૂકો તો કોઈને સંખ્યાની ખબર જ ન પડે.
અમે અહીં એક ખૂણે રખાયેલી આ જગ્યા પણ જોઈ. ને ગેસ ચેમ્બર્સ પણ જોઈ. રૂંવાડા ઉભા થઇ જાય એ જોઈને.

આપણે બધા કોન્સન્ટ્રેશન કેમ્પ, ગેસ ચેમ્બર્સ વિષે તો જાણીએ છીએ પણ અહીં ચાલતા વૈદકીય પ્રયોગ વિષે કશું નથી જાણતા. માનવ શરીર વિષે જાણવા જાતજાતના પ્રયોગો થતા એમાંનો એક હતો હાઇપોથર્મિયા.
આમાં ઠંડા વાતાવરણમાં માણસના શરીર પર શી અસર થાય એ જોવાતું. ઠરીને ઠીકરું થઇ જાય એવા વાતાવરણમાં બહાર તદ્દન નગ્ન અવસ્થામાં કેદીને બાંધીને રખાતો કે એકદમ ઠંડા પાણીના ટબમાં રખાતો. આમ કરવાથી માણસનું હૃદય ફેફસા કામ કરતા બંધ થઇ જાય, જો સમયસર સારવાર ન મળે તો.
આવા બેભાન થયેલા કેદીની સ્ત્રી કેદીને નગ્નાવસ્થામાં એની સાથે ફરજીયાત સંભોગ કરવાનું કહેવાતું જેથી એ એની ગરમીથી ભાનમાં આવે છે કે નહિ તે જોવાતું. ઘણાને ગરમાવો લાવવા ઉકળતા પાણીમાં નાખવામાં આવતા. અને આમ સોથી વધારે કેદીઓ મૃત્યુ પામ્યા.

બીજો એક પ્રયોગ હતો ‘હાઈ એલ્ટિટ્યુડ‘નો એટલે કે હવાના દબાણનો. એમાં કેદીને ઊંચાઈથી (14100 ફૂટનો) ધડામ દઈને નીચે લાવે અને જુએ કે એની માનવશરીર પર શી અસર થાય છે.
બહુધા કેદીઓનું મરણ જ થતું. આ પ્રયોગો કરવાનું કારણ એ કે જર્મન સૈનિકો પૂર્વીય યુરોપ ને રશિયન મોરચે લડવા ગયા હતા ને તેમનાથી ઠંડી સહન નહોતી થઇ શકતી. આના રિપોર્ટ્સ સીધા હિમલરને મોકલાતા.

અહીં સિવાય અન્યત્ર આવેલા આવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં પણ આવા મેડિકલ એક્સપેરિમેન્ટ થતા. એમાંથી બાળકો સુદ્ધાં બાકાત ન હતા.
જોડિયા બાળકો ઉપર પ્રયોગો થતા એ દર્શાવવા કે સર્વોપરિતા વાંશિક છે, વાતાવરણ પર આધારિત નથી.
કુલ્લે 1000 જોડીઓ હતી એમાંથી માત્ર 200 બચી બાકી બધા મરણને શરણ. આ જોડીઓને ઉમર અને લિંગના આધાર પર વર્ગીકૃત કરાયેલી. અવયવોના વિચ્છેદન, વિવિધ રોગોના જંતુઓ એમના શરીરમાં દાખલ કરાતા, આંખોમાં ડાઇ નંખાતી એ જોવા કે આંખોનો રંગ બદલાય છે કે નહિ. એકબીજા સાથે જોડી શકાય છે કે નહિ તેનો પ્રયોગ પણ કરાતો. તેમને સાથે સીવી દેવાતા જેનાથી તેમને ગેંગેરીંન થતું ને મૃત્યુ પામતા.
એક બાળક પર પ્રયોગ થતો ને એ મરી જાય તો તાત્કાલિક બીજાને પણ મારી નંખાતું ને સરખામણી કરાતી. વાંચીને કમકમાટી થઇ? પણ પેલા નર રાક્ષસો ડોકટરોનું તો રુવાંડું પણ નહોતું ફરકતું. એમને તો રસ હતો જર્મન ઓલાદની ગુણવત્તા સુધારવાનો.

જર્મન સૈન્યના લાભાર્થે કેદીઓના સ્નાયુ, હાડકા ને જ્ઞાનતંતુઓના ઓપરેશન્સ થતા એ પણ એનેસ્થેસિયા આપ્યા વગર. વિચારો કેદીઓને કેવી મર્માન્તક પીડા થઇ હશે? કાયમી ખોડ રહી જાય તે તો વધારાનું. નવી ઔષધિઓ શોધાય તે કેટલી રામબાણ છે તે જાણવા આ કેદીઓ ઉપર પ્રયોગો થતા.
ડકાઉમાં દરિયાના પાણીનો પ્રયોગ થતો એ જોવા કે દરિયાનું પાણી ક્યારે ને શું કરવાથી પીવાલાયક બની શકે છે ને એ માત્ર એ પીને જીવતા રહી શકાય છે કે નહિ. આ ને માટે કેદીઓની ટુકડીઓને કોઈ ખોરાક અપાતો નહિ. અપાતું માત્ર દરિયાઈ પાણી.
રોમા એટલે કે જીપ્સી કેદીઓ પર આ પ્રયોગ કરાયેલો ને પાણી પીધા વગર બધાને ડિહાઈડ્રેશન થઇ ગયું. પરિસ્થિતિ એટલી કથળી ગઈ કે ફર્શ પર પોતું માર્યું હોય તો તેવી ભોંય ચાટતા ને પેલા પોતાને પણ ચૂસતા.
હજી તો ઘણું ઘણું છે પણ મને લાગે છે કે તમારી સહેવાની હદ આવી ગઈ છે. આ જણાવવાનું કારણ એ કે આપણને ખબર પડે કે માણસે માણસ પર કેવા અત્યાચાર કરેલા ને આબાલવૃદ્ધ કોઈને છોડ્યા નહોતા. દેવતા સમાન ગણાતા ડોક્ટરો આવા પિશાચ પણ બની ગયા હતા એ તો જાણવું રહ્યું.
ટૂંકમાં એક જાતિ પોતાને સર્વશ્રેષ્ઠ માને ત્યારે શું થાય ને બધી ખરાબીને માટે કોઈ એક ચોક્કસ જાતિને બદનામ કરી એનું નિકંદન કાઢવાનો પ્રયત્ન કરે ત્યારે માનવીય મૂલ્યોનું કેવું અધ:પતન થાય છે તે સમજાય.
વાંચનારમાંથી કોઈને પ્રશ્ન થશે કે યુદ્ધ પછી જેમ લશ્કરી અધિકારો માટે ન્યૂરેમ્બર્ગ ટ્રાયલ થઇ, તેમને સજા અપાઈ એવું આ ડોક્ટરો ઉપર કામ ચલાવવું જોઈતું હતું. તો જણાવું કે તેમના પર પણ કામ ચાલ્યું જે ‘ડોક્ટર્સ ટ્રાયલ‘ તરીકે જાણીતું થયું.

ડોક્ટરના આવા ઘૃણાસ્પદ કૃત્ય પછી ‘ન્યૂરેમ્બર્ગ કોડ ઓફ મેડિકલ એથિક્સ‘ અસ્તિત્વમાં આવ્યો. નાઝી ડોક્ટરોએ પોતાના બચાવમાં કહયું કે લશ્કરી જરૂરિયાતને લીધે તેઓ આ કરવા બાધ્ય થયા હતા.
એમણે એમના ભોગ બનેલા કેદીઓની સરખામણી મિત્ર રાષ્ટ્રોએ જર્મની પર કરેલા બોમ્બાર્ડિંગ સાથે કરી કે એમાં કેટલાય બેકસૂર નાગરિકોએ પણ પોતાના જાન ગુમાવવા પડેલા, પણ ટ્રિબ્યુનલે એમનો બચાવ માન્ય ન રાખ્યો.
એમણે કહ્યું કે બાળકો પર કરાયેલા આ અધમ પ્રયોગોનો લશ્કર સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હતો. ને બધાને સજા થયેલી.
કેમ્પમાં ચોકિયાતો તરીકે બહુધા પુરુષો જ રહેતા પણ જાણીને નવાઈ લાગશે કે પંદરેક સ્ત્રીઓએ પણ ચોકિયાત તરીકે ફરજ બજાવેલી.
જેવી ખબર પાડવા લાગી કે પોતે હારી રહ્યા છે કે એમણે આ કેમ્પના દસ્તાવેજો બાળવાની શરૂઆત કરી દીધી. કેટલાય કેદીઓને મારી નાખ્યા અથવા દરિયામાં ડુબાડી દીધાં.
29મી એપ્રિલના રોજ અમેરિકન સૈન્યની સામે ડકાઉના જર્મન અધિકારીઓએ શરણાગતિ સ્વીકારી. ત્રીસ હજારથી વધુ યહૂદીઓ ને રાજકીય કેદીઓ મુક્ત થયાં.
ડકાઉ વોર ક્રાઈમ્સ હેઠળ 42 જર્મન ઓફિસર્સ પર ખટલો ચાલ્યો. બધા ગુનેગાર પુરવાર થયા. એમાંથી 36ને ફાંસી થઇ જેમાં ડોક્ટર શિલિંગ પણ હતા.

એક મહત્વની વાત. મૂળ ભારતીય વંશની (ટીપુ સુલતાનની વંશજ)ને આગળ જતા બ્રિટિશ સિક્રેટ સર્વિસમાં જોડાયેલી નૂર ઇનાયત ખાન જે પેરિસમાં પકડાઈ, તેને ડકાઉ કેમ્પમાં લવાયેલી. 13 સપ્ટેમ્બર 1944ના રોજ બીજી ત્રણ ફ્રેન્ચ અને બ્રિટિશ સ્ત્રી જાસૂસ જોડે ફાયરિંગ સ્ક્વોડે તેને ગોળી ચલાવીને મોતને ઘાટ ઉતારેલી.
કેમ્પમાં મૃત્યુ પામેલા કેદીઓને અંજલિ આપી અમે ભારે હૈયે વિદાય લીધી..
(ક્રમશ:)