પ્રકરણ: ૨૧ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

લાવણ્ય જાણે છે કે એના મનમાં રહેલી પ્રેમલની છબિ ઝાંખી પડી ગઈ છે પણ પ્રેમલના મનમાં રહેલી પોતાની છબિને કશી આંચ ન આવે એવું એ ઇચ્છે છે, આ ક્ષણે એનો ખ્યાલ આવી ગયો.

આમ કેમ બનતું હશે? આ તો પોતાની નબળાઈ કહેવાય કે બીજું કંઈ? નબળાઈ કે કલારુચિ? એણે અનેકાન્તની જેમ જુદા જુદા દષ્ટિકોણથી વિચારી જોયું. પ્રેમલની કુટેવો અને દોષો બાદ કર્યા પછી પણ એક એવો સર્જક ઊપસી આવતો હતો જે અનન્ય હતો.

વ્યક્તિ પ્રેમલ સાથે નહીં તોપણ સર્જક પ્રેમલ સાથે એને સંબંધ છે જ. અને અત્યારે એને મળવાનું મન થાય છે એ તો શારદાને લીધે. જવાબદારી સ્વીકારી છે માટે. મળવું અને મન મૂકીને વાત કરવી.

પણ તટસ્થ રહેવાને બદલે પ્રવાહમાં ઊતરવું? વમળમાં ફસાવાનું નહીં બને એની કશી ખાતરી નથી. દુસ્સાહસ બનશે તો —

છેલ્લા ઉપાય તરીકે સિંઘસાહેબ સાંભર્યા. એમની સમક્ષ શારદાનો પ્રશ્ન રજૂ કરવો. એ હા પાડે તો જ જમુનાબેન કે પ્રેમલને વાત કરવી.

બીજા શનિવારે એ સીધી યુનિવર્સિટી ગઈ.

સિંઘસાહેબના ખંડમાં પ્રો. શ્રીવાસ્તવ બેઠા હતા. કોઈક વિદ્યાર્થીની બાબતે ગંભીર ચર્ચા ચાલતી હતી. ખ્યાલ આવી જતાં એ ટકોરા માર્યા વિના પાછી વળી ગઈ.

‘કોણ લાવણ્ય?’ — અંદરથી અવાજ આવ્યો.

પાટિયાની આડશ હોવા છતાં સરને ક્યાંથી ખ્યાલ આવી ગયો કે હું જ છું? પત્રમાં જણાવેલા સમય પરથી એમણે અનુમાન કર્યું હશે? કે મારાં પગલાં પારખી ગયા હશે?

લાવણ્ય અટકી ગઈ. ‘કેટલી વાર પછી આવું સર? અડધા કલાક પછી?’

‘ના રે, અમે તો અમસ્તા બેઠા છીએ ને અપ્રસ્તુત ચર્ચા કરીએ છીએ. પાંચેક મિનિટમાં આવો ત્યાં સુધી વાતાવરણ સ્વચ્છ થઈ જશે.’

લાવણ્ય વાચનાલય બાજુ ગઈ.

આ બાજુ બે અધ્યાપકો વચ્ચેનો વિવાદ અધવચ્ચે અટકી ગયો.

ગયા વર્ષે સિંઘસાહેબ સાથે પ્રો. શ્રીવાસ્તવ અને એમના જેવા એક બીજા અધ્યાપક એમ. એ.માં પરીક્ષક હતા. એક સુંદર અને શ્રીમંત યુવતી એ બંનેના સંપર્કમાં હતી. બંને એના પ્રશંસક હતા અને એ એમની સાથે હળેમળે એથી રાજી રહેતા.

એમની ઇચ્છા હતી કે આ યુવતી એમ. એ. માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવે, સુવર્ણચંદ્રકો તેમજ પારિતોષિકો મેળવી પ્રતિષ્ઠા પામે. દૈનિકોમાં એના ફોટા છપાય, ટી.વી. સમાચારમાં એ ઝબકી ઊઠે. આવું તો જ બની શકે જો બીજો કોઈ પરીક્ષાર્થી એના કરતાં વધુ માર્કસ ન મેળવે અને એ સુન્દર યુવતી અને એના નજીકના પ્રતિસ્પર્ધી વચ્ચે ચારપાંચ ટકાનું અંતર રહી જાય.

બરાબર તજવીજ થઈ હતી. સિંઘસાહેબ પરીક્ષકોની પેનલના ચેરમેન હતા. કાયમની ટેવ પ્રમાણે એ ગુણપત્રક પર નજર કરી રહ્યા હતા. ત્યાં પ્રશ્ન થયો. એમણે તપાસેલી ઉત્તરવહીમાં પેલી યુવતીને ફક્ત ત્રેપન ગુણ મળ્યા હતા. જ્યારે પ્રો. શ્રીવાસ્તવ અને એમના સાથીદારે તોત્તેર અને સિતોત્તેર ગુણ આપ્યા હતા.

સિંઘસાહેબે પોતે તપાસેલી ઉત્તરવહી પર ફરી નજર કરી. હા, પોતે તો ત્રેપન ગુણ જ આપ્યા છે. સરવાળો પણ બરાબર છે. આખી ઉત્તરવહી ફરીથી ધ્યાનથી વાંચી ગયા. વધઘટ કરવા જેવું લાગ્યું નહીં. એટલું જ નહીં, સામગ્રી અને રજૂઆત જોતાં બીજાં પ્રશ્નપત્રોમાં પણ એ પરીક્ષાર્થી સિત્તેર ટકા જેટલા ગુણ મેળવવા પાત્ર હોય એવું લાગતું ન હતું. શું કરવું?

એ વિદ્યાશાખાના ડીનને મળ્યા. અનૌપચારિક વાત કરી. અનુસ્નાતક કક્ષાએ ચેરમેનને મોડરેશન કરવાનો અધિકાર નથી હોતો. પણ આ દાખલામાં ગેરરીતિ થઈ હોય તો શું કરવું?

બંનેએ પ્રશ્નનાં બધાં પાસાં વિચારીને નક્કી કર્યું કે પ્રો. શ્રીવાસ્તવ અને એમના સાથીદારે તપાસેલી ઉત્તરવાહીઓ પર નજર કરવી. પક્ષપાત થયો હતો, એમાં શંકા ન રહી. કુલપતિશ્રીને જાણ કરવી કે કેમ? ત્યાં સિંઘસાહેબને ડૉ. પ્રબોધ પંડિતનું સ્મરણ થયું. એમણે સ્વવિવેક વાપરીને બીજા પરીક્ષકોએ આચરેલો પક્ષપાત છોલી નાખ્યો હતો.

પરિણામ જાહેર થયું ત્યારે બધા ચોંકી ઊઠ્યા હતા. પણ કરે શું? અમે આટલા બધા માર્કસ આપ્યા હતા એવું કહેવા જાય તો ખુલ્લા પડે, જોખમમાં મુકાય. કેમકે સમગ્ર કાર્યવાહી ગોપનીય ગણાય છે.

પંડિતસાહેબના એ પગલા સામે કોઈ ચૂં કે ચા કરી શક્યા નહોતા. એ દાખલો પૂરતો પ્રેરક હતો. સિંઘસાહેબે એનો ઉલ્લેખ કરીને ડીનની હાજરીમાં જ રંદો ચલાવ્યો. એ મુજબ પરિણામ તૈયાર કરીને કાર્યાલયને સોંપ્યું. પછી કુલપતિશ્રીને કહ્યું કે મેં મોડરેશન કર્યું છે, વણલખ્યું કર્તવ્ય બજાવ્યું છે.

અલબત્ત, એમણે શ્રીવાસ્તવ કે બીજા કોઈ પરીક્ષક વિશે ફરિયાદ ન કરી. પરીક્ષાર્થી વિશે પણ ઉલ્લેખ ન કર્યો. નિયમોની જોગવાઈઓ અને નૈતિકતાના હાર્દ વિશે થોડીક વાત કરીને રજા લીધી.

પરિણામ જાહેર થયું તે દિવસે તો પ્રો. શ્રીવાસ્તવને કમ્પ્યુટરની ભૂલ લાગી. બીજા તરફદારે પોતાની પહોંચનો ઉપયોગ કરીને થોડી વધુ તપાસ કરી. હકીકત જાણી લીધી. આ તો મોડરેશન થયું છે, જે નિયમ વિરુદ્ધ છે!

બંને સાગરીતો દલીલો ગોઠવીને આવી પહોંચ્યા. એમની પહેલી દલીલ આ હતી: અમારે યુનિવર્સિટીને સૈદ્ધાન્તિક લડત આપવી જોઈએ પણ એમ કરવા જતાં છેવટે તમારી વગોવણી થશે. લોકોને લાગશે કે સિંઘસાહેબ મનસ્વી છે. અમારું હૃદય પણ કહે છે કે સિંઘસાહેબની ઈમેજ બગાડવા જતાં મિત્રદ્રોહ થશે. અમે સીધાં પગલાં લેતાં શા માટે ખમચાઈએ છીએ એ તમે સમજી શકશો સિંઘસાહેબ!

સિંઘસાહેબે બધી દલીલો શાંતિથી સાંભળી લીધા પછી એમને નિશ્ચિંત કરતાં કહ્યું: ‘હું મારી જાતને સિદ્ધાંતવાદી ગણાવતો નથી. જેમ વ્યાકરણના નિયમો પ્રમાણે હું ભાષા લખું છું તેમ યુનિવર્સિટીના નિયમો પ્રમાણે મૂલ્યાંકન કરું છું. માનું છું કે એક ધોરણે જ બધા પરીક્ષાર્થીઓનું મૂલ્યાંકન થવું જોઈએ. તોપણ કોઈને અન્યાય થાય તો નવી જોગવાઈ મુજબ એ પુનર્મૂલ્યાંકન માટે અરજી કરી શકે છે.’

‘પણ પુનર્મૂલ્યાંકનમાં તો બીજા પરીક્ષક નિયુક્ત થવાના ને?’

— આ ઉદ્ગારમાં શ્રીવાસ્તવની નબળાઈ પ્રગટ થઈ ગઈ. પછી તો સિંઘસાહેબે એમને એક પછી એક પ્રશ્ન પૂછીને ઠંડે કલેજે મૂંઝવી નાખ્યા. મૂંઝવણ થતાં શ્રીવાસ્તવ અખળાઈ ઊઠ્યા. એમ ભાન થઈ ગયું હતું કે પોતે કશુંક ખોટું કર્યું છે એ જાહેર થયા વિના રહેવાનું નથી, અને ધાર્યું થવાનું નથી તેથી એ ગુસ્સે થયા.

સિંઘસાહેબે એમને સાવધ કર્યા. આત્મનિરીક્ષણ કરવા સલાહ આપી. ભૂલો કરતા રહેવાથી નહીં પણ ભૂલોનો સ્વીકાર કરી વિવેકપૂર્વક વર્તવાથી મનુષ્યનો વિકાસ થાય છે. તમે સમજી શકશો. શ્રીવાસ્તવ એ વાતનો સ્વીકાર કરી રહ્યા હતા ત્યાં લાવણ્યનો પગરવ સંભળાયો. ચંપલ ઢાંકતો બંગાળી સાડીનો પાલવ નજરે પડતાં જ સિંઘસાહેબને થયું કે લાવણ્ય હશે.

શ્રીવાસ્તવે ઇચ્છ્યું હતું કે પોતે બેઠા હોય ને લાવણ્ય આવી પહોંચે. પોતે એની સાથે વાતચીત કરે. એના વિષયને લગતાં એક બે પુસ્તકોનો ઉલ્લેખ કરે. જ્યારે પણ જરૂર પડે, મદદરૂપ થવાની તૈયારી દાખવે… પણ લાવણ્ય આવી જ નહીં. અને સિંઘસાહેબ પાસે વધુ બેસી રહેવા માટે કોઈ કારણ નહોતું.

એ ઊઠીને ગયા પછી પટાવાળો વગર બોલાવ્યે આવ્યો અને ‘લાવણ્યબેન વાચનાલયમાં બેઠાં છે, મોકલું?’ કહી ઊભો રહ્યો. શ્રીવાસ્તવ અને એમના સાગરીતની વિકૃત મનોદશાએ એમને શૂન્યમનસ્ક બનાવી દીધા હતા. એ પંખો વધારીને આરામખુરશીમાં બેઠા. ‘પહેલાં બેત્રણ ચાનું કહો ને પછી લાવણ્યને મોકલો.’ ત્રીજી ચા પોતાના માટે છે એ સમજાતાં પટાવાળાને વાર ન થઈ.

પાંચેક મિનિટના આરામ પછી સિંઘસાહેબે લાવણ્ય માટેની નોંધ કાઢી. લાવણ્ય રજા લઈને પ્રવેશી. વંદન કરીને બેઠી. ‘આપે મને વગર જોયે ઓળખી એ બદલ આભારી છું.’

સિંઘસાહેબે ગંભીરતાથી ખુલાસો કર્યો કે એ આ રીતે ત્રણ જણને જ ઓળકી શકે છે. શ્રીમતી સિંઘને, એમની પુત્રીને અને પુત્રી જેટલી જ લાડકી આ શિષ્યાને.

જવાબ સાંભળીને ખીલી ઊઠેલી લાવણ્યને જોઈને સિંઘસાહેબના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. પટાવાળો કપમાં ચા કાઢીને પંખો ઓછો કરીને બહાર ગયો. સિંઘસાહેબે એને પૂછ્યું: ‘તારા માટે લાવ્યો કે નહીં?’ ‘એમાં કદી કહેવું પડ્યું છે સાહેબ?’

‘વાહ, આ રીતે પોતાની કાળજી લેનારા માણસો મને બહુ ગમે. મને થયું કે ત્રીજો કપ કદાચ તું શ્રીવાસ્તવને આપી આવશે!’ પટાવાળો એ પછી પણ તુરત જવાબ આપી શક્યો: ‘એમને ચા પાનારાઓની ક્યાં ખોટ છે?’

 — આ રમૂજી વાતાવરણમાં સિંઘસાહેબને એમના કૉલેજના દિવસો સાંભર્યા. શ્રીદેવીની સખીઓમાં બે જોડકા બહેનો હતી. બંને એકસરખી રૂપાળી હતી. અવાજ પણ મળતો આવે. છતાં એ સહેલાઈથી ઓળખી શકાતી કેમ કે એ જુદું જુદું અત્તર વાપરતી! કોઈક વાર મને અત્તર પણ ગમે છે.

એક વાર મકરંદ દવેનું તમે ગીત ગાયેલું: ‘અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતાર ને!’… પણ તમે અત્તર નથી વાપરતાં, ખરું ને? મને રોજરોજ અત્તર વાપરનાર વ્યક્તિઓ વિલક્ષણ લાગે છે. અત્તર એ કંઈ રોજેરોજની જીવન-જરૂરિયાત નથી. તેથી જ ગાઈ શકાય છે: ‘તમે અત્તર રંગીલા રસદાર!’

કોણ જાણે લાવણ્યને એકાએક અતુલ દેસાઈનું સ્મરણ થયું… પછી સ્વાભાવિક ક્રમમાં વનલતા સાંભળી.

‘વનલતા અત્તર વાપરતી સર, જાણો છો?’

‘ખરેખર? હું તો એના મૌનને જ જાણું છું. એનું વ્યક્તિત્વ જ એવું હતું કે જાણે એને અત્તર કે ફૂલોની સુગંધમાં રસ જ ન હોય! જોયું? આપણે કેવું કેવું ધારી લઈએ છીએ? અથવા એમ પણ કહી શકાય કે મારી ઈન્દ્રિયોની સંવેદનશીલતા ઘટી હશે…

જો કે નાના બાળકને નવડાવીને પાવડર લગાવ્યો હોય ત્યારે એની સુગંધથી હું તરબતર થઈ જાઉં છું. હમણાં મૃણાલ એના બાબાને લઈને આવી હતી. અઠવાડિયું એવું સારું ગયું કે ન પૂછો વાત!’

લાવણ્યને આઘાત લાગ્યો. મૃણાલબહેન અમેરિકાથી આવે, એક અઠવાડિયું રોકાય છતાં પોતાને જાણ પણ કરવામાં ન આવે? ‘આ ન ચાલે સર!’ લાવણ્યની આંખના ખૂણા ભીના થઈ ગયા.

સિંઘસાહેબે ખુલાસો કર્યો. ખાસ ઈરાદાથી કોઈને જાણ નહોતી કરી. પોતે યુનિવર્સિટીમાંથી હકરજા લઈ લીધી હતી. ઘેર રહેલા. વાંચવા-લખવાનું પણ સદંતર બંધ હતું. પોતે બાળગોપાળ સાથે રમતા અને મા-દીકરી આખી દુનિયાની પંચાત કરતી.

એમનું બંનેનું ડહાપણ વધ્યું અને મારું ઘટ્યું. એવામાં હું પાંચેક વર્ષ નાનો થઈ ગયો હતો. પણ હમણાં શ્રીવાસ્તવે મારી એ ઘટેલી ઉમ્મર વધારી આપી! એ મારી સાથે સૈધ્ધાન્તિક લડતની તૈયારી કરી રહ્યો છે! એનું ચાલે તો હજી પણ પેલી સુંદરીને સરસ્વતી બનાવી દે!

વિગત જાણીને લાવણ્ય વિચારમાં પડી ગઈ. એની ભ્રમરો ખેંચાઈ.

‘આવા સાથીદારોના અનુભવ પછી શિક્ષણજગત છોડી દેવાનું મન નથી થતું સર?’

‘ના, લડી લેવાનો વિચાર આવે છે.’

‘મારું એથી ઊલટું છે, કશુંક અજુગતું થાય એની સાથે પલાયનવૃત્તિ જાગે.’ — લાવણ્યે શારદા-પ્રેમલ-પ્રકરણ જણાવીને સિંઘસાહેબનું માર્ગદર્સન માગ્યું. ઇડરમાં શારદા વિરુદ્ધ છપાયેલી પત્રિકામાં એનું નામ આવ્યું ત્યારે નોકરી છોડી દેવાનું મન થયેલું એ પણ જણાવ્યું.

પલાયનની વૃત્તિ પર કર્તવ્યભાવના વિજયી નીવડે એ રીતે તમે જીવો છો. અને અનાસક્તિ જેવું કશુંક તમારા સ્વભાવમાં હોવાથી અપમાન કે અન્યાયથી ખિન્ન થતાં નથી. મને લાગે છે તમારાં ઉમદા માતાપિતાનો આ વારસો હશે.’

‘માતાપિતાનો વારસો તો વિરાજબેને ઉજાળ્યો. એ નક્કર કામ કરતાં થયાં. હું તરંગોમાં જીવવા લાગી. સમગ્ર પ્રાથમિક શિક્ષણ સુધારી નાખવા ધારતી હતી! શું વળ્યું? શારદાની અંગત સમસ્યા સામે આવીને ઊભી રહી.’

‘સમસ્યા? તમારી દષ્ટિએ હશે, એમની દષ્ટિએ ન પણ હોય. તમે પોતાને વચ્ચે લાવ્યા વિના શારદા અને પ્રેમલને એમના ભાગ્ય પર છોડી દો, અને સ્કોલરશીપ માટે અરજી કરો. મંજૂર થાય પછી નોકરી છોડી દો. થોડા વખત પહેલાં શ્રીદેવીએ એવું અનુમાન કર્યું હતું કે તમે અને પ્રેમલ નજીક આવશો, કેમ કે તમારો ચિત્રકળામાં અને પ્રેમલનો કવિતામાં રસ વધી રહ્યો હતો! પણ એ એમનું વીશફુલ થિંકિંગ હતું. આત્મીય વ્યક્તિનું ભલું જોવાની સહુને પતાવળ હોય છે.’

‘પ્રેમલનાં માતાપિતા તો આજેય એમ ઇચ્છે પણ —’

‘હું સમજી શકું છું તમારો સંકોચ. તમે પરંપરામાં ઊભેલાં છો, સમગ્રને સ્વીકારનારાં છો. જ્યારે પ્રેમલ વિદ્રોહનો શોગન છે. વિદ્રોહે એને સારું એવું વળતર આપ્યું છે, ઝડપી નામના અપાવી છે. તમારામાં શક્તિ અસીમ હોય પણ સચ્ચાઈ ન હોય તો શું થાય?’

‘સચ્ચાઈની ઊણપ? એટલે?’

‘એ જે કંઈ કરે છે એમાં માનતો ન હોય. કેટલાકને બેજવાબદારીથી જીવવામાં બેવડું સુખ વરતાય છે.’

‘બેજવાબદારી? હું એમ ધારતી હતી કે પર્મિસિવ સોસાયટીના – મુક્ત જીવનના ખ્યાલોથી એ પ્રભાવિત છે. કદાચ એ શારદા સાથે એ રીતે —’

‘આપણે એને અન્યાય કરવો ન જોઈએ, પણ એ કોઈને અન્યાય કરતાં સંકોચ પામતો નથી. વચ્ચે વિશ્વનાથ મળ્યો ત્યારે એણે પ્રેમલની પરપીડન-વૃત્તિ વિશે વાત કરી હતી. એને પોતાના સામર્થ્યમાં અતિવિશ્વાસ છે. જેમ અદ્યતન ટૅકનોલોજીમાં દુરિતના ખ્યાલને સ્થાન જ નથી તેમ કેટલાક કલાકારો પણ શુભ-અશુભ વચ્ચે ભેદ કરવાની ના પાડે છે.

વિશ્વનાથ એ ભેદ કરે છે અને જુનવાણી તરીકે વગોવાઈ જવાની બીક રાખ્યા વિના દુરિત સામે લડવામાં માને છે. વિશ્વનાથને તમારા પ્રત્યે કેવો ભાવ છે એ તમે જાણતાં હશો.

એણે થોડા દિવસ પહેલાં પ્રેમલને કહ્યું હશે: ‘તું વારંવાર જણાવે છે કે લાવણ્ય સાથે લગ્ન કરવાની તારી ઇચ્છા નથી. તો પછી હું એનો સંપર્ક કરવા સહેજ પણ પ્રયત્ન કરું તો તું ઉપહાસ કેમ કરે છે? તું મિત્ર હોય તો મારે વિશે ભલામણ ન કરે?’

પ્રેમલે નફ્ફટ થઈને કહી દીધું: ‘એકવાર લાવણ્યને જીતી લઉં પછી તારે માટે એને છુટ્ટી મૂકી દઈશ.’ તારે વિશે કોઈ આમ બોલે એ વિશ્વનાથને ગમે નહીં. એ માને છે કે કોઈ યુવતી બે જણની વહેંચણીનો વિષય નથી.’

આ લોકો પર હસવું કે ગુસ્સે થવું? લાવણ્ય મિશ્ર ભાવ અનુભવી રહી. શરતી સ્વયંવરોમાં સ્ત્રીને જીતી જવાની હોડમાં ઊતરતા પ્રાચીનકાળ અને મધ્યયુગના પુરુષો કરતાં આ માનસ કઈ રીતે જુદું પડે? વળી, અત્યારે એ અંગે નિર્ણય તો લેવાનો નથી, પછી?

‘લગ્ન અંગે મારે હમણાં નિર્ણય કરવો નથી. સ્કોલરશીપ મળે તો નોકરી છોડી પીએચ.ડી. કરું, પછી વાત. કદાચ એકલી રહેવા પણ ટેવાઈ જાઉં.’

‘ત્રીસ-બત્રીસ સુધી તો કેટલીક યુવતીઓ ખેંચી કાઢે છે. પણ પછી એકલતા સાલે છે અને ચાળીસ પછી અભાવ ન જીરવાય તો વિવેકના ભોગે હૂંફની લાલચ જાગે છે. જોકે તમારી વાત જુદી છે —’ સિંધસાહેબ અટકી ગયા. બિનજરૂરી પક્ષપાત તો નથી થતો ને?

લાવણ્યને એની ઉમ્મર યાદ આવી. અત્યારે છવ્વીસમું ચાલે છે. અઠ્ઠાવીસ થતાં સુધીમાં પી.એચ.ડી. પૂરું કરી શકાય. પછી… પછી શું? કોણ જાણે…

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.