લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 5 ~ લહેકાની લિજ્જત અને ખુમારીની ખુશ્બૂના શાયર અમૃત ઘાયલ ~ રઈશ મનીઆર
લેખ 5
ગુજરાતી ગઝલના દમામની દાસ્તાન
લહેકાની લિજ્જત અને ખુમારીની
ખુશ્બૂના શાયર અમૃત ઘાયલ
(આ લેખમાં મુકેલી કેટલીક તસ્વીરોનું સૌજન્ય: નીલેશ ભટ્ટ)
****
ગભરુ આંખોમાં કાજળ થઈ,
લહેરાઈ જવામાં લિજ્જત છે
ચર્ચાનો વિષય એ હોય ભલે,
ચર્ચાઈ જવામાં લિજ્જત છે
વેચાઈ જવા કરતાંય વધુ
વહેંચાઈ જવામાં લિજ્જત છે
ફુલ મહીં ખૂશ્બૂ પેઠે
ખોવાઈ જવામાં લિજ્જત છે
બે વાત કરીને પારેવાં
થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ,
વીખરાઈ જવામાં લિજ્જત છે.
સારા-નરસાનું ભાન નથી
પણ એટલું જાણું છું ‘ઘાયલ’
જે આવે ગળામાં ઉલટથી
એ ગાઈ જવામાં લિજ્જત છે
ગઝલગુર્જરી લેખમાળામાં અમૃત ઘાયલના લહેકાની લિજ્જત એમની ખુમારીની ખુશ્બૂ આજે આપણે માણીશું.

મુશાયરાની રિયાસતના રાજવી અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઉર્ફે અમૃત ઘાયલ મંચ સામે બેઠેલ દર્શનાતુર અને શ્રવણાતુર શ્રોતાઓ સામે પોતાના આગમનની છડી પોતે જ પોકારતા…
બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ઘાયલની
બાઅદબ, બામુલાહિજા, હુશિયાર
આ દરબારી રાજ્દ્વારી પહેલ પછી બોલચાલની ભાષા જુઓ…
કેમ? ભૂલી ગયા! દટાયો છું,
આ ઇમારતનો હુંય પાયો છું.
તો બેશક ગુજરાતી ગઝલના ગૌરવશાળી ભવનના પાયામાં જેમનો પ્રસ્વેદ છે એવા આ કવિનું ઉપનામ ‘ઘાયલ’ હતું, પણ એમનું નામ અમૃત પણ સાર્થક બન્યું અને એ પણ એમની કવિતાઓનો સ્રોત બન્યું.
અમૃતથી હોઠ સહુના
એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં
હેઠા કરી શકું છું;
આ મારી શાયરીયે
સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું, પાળિયાને
બેઠા કરી શકું છું.
ઘાયલસાહેબે ગઝલમાંથી ઇરાની અને અફઘાની અત્તરોની ખુશ્બૂનો અતિરેક ઊડાડી ગુજરાતની માટીની મહેક એમાં ઉમેરી. સનમ, સાકી, સુરા, ખફા, વફા, ખંજર, કાતિલ, શમા, પરવાના જેવા ઘસાયેલા પીટાયેલા ચવાયેલા શબ્દોનો ઢગલો દૂર કરી સો ટચ સોના જેવા તળપદા શબ્દોના અમૃતથી ગઝલચાહકોના હોઠ ભીના કર્યા. એમનું અવિસ્મરણીય પ્રદાન આજે આપણે યાદ કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો ગઝલની શું વિશેષતા છે? જો એક જ શબ્દમાં જવાબ આપવાનો હોય તો કહી શકાય કે ખુમારી ગઝલનો પ્રાણ છે. ખુમારી એ અમૃત ઘાયલની ગઝલોનો પણ પ્રાણ છે. અને તેથી જ સમીકરણ એમ પણ બેસાડાય કે અમૃત ઘાયલ ગુજરાતી ગઝલનો પ્રાણ છે.
1916ની 19 ઓગસ્ટથી 2002ની 25 ડીસેમ્બર સુધી માત્ર અમૃત ઘાયલ નથી જીવ્યાં, ઘાયલના મસ્તીભર્યા અને મિજાજી ખોળિયામાં ગુજરાતી ગઝલ જીવી છે. ગુજરાતી ગઝલ અને અમૃતલાલ સાથે સાથે કઈ રીતે જીવ્યા એની વાત અમૃત ઘાયલે એક ગઝલમાં કરી છે…
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહું ધારદાર જીવ્યો છું.
ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું.
હુંય વરસ્યો છુ જીવનમાં,
હુંય બહુ ધોધમાર જીવ્યો છું.
આમ ઘાયલ છું અદનો શાયર પણ,
સર્વથી શાનદાર જીવ્યો છું.
ગિરા ગુર્જરીના ગઝલરસિકોના હૃદય સિંહાસન પર છ દાયકા સુધી સર્વથા શાનદાર શાસન કરી જીવી ગયેલા અમૃત ઘાયલના જીવનના પ્રારંભિક વર્ષો વિષે થોડું જાણીએ.
1916માં સરધાર ખાતે જન્મેલા અમૃત ઘાયલ રાજકોટમાં મેટ્રિક થયા. ક્રિકેટ, વોલીબોલ અને કુશ્તીના શોખીન ઘાયલ રાજકોટ તરત પાજોદ દરબાર રુસ્વા મઝલૂમી સાહેબની નજરે ચડ્યા. 23 વરસની ઉંમરે તો એમના રહસ્યમંત્રી બન્યા.
બ્રાહ્મણ પરિવારના અમૃતલાલ ભટ્ટ બાબી પરિવારના આ રાજવી પુત્ર સાથે મુશાયરામાં જતા થયા અને અમૃતમાંથી ઘાયલ બન્યા.
નિહાળી નેત્ર કોઇના
એ તારું ન્યાલ થઇ જાવું
અને સ્મિત આછું મળતાં
મારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ
ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી
અમૃતલાલ થઇ જાવું
ઘાયલસાહેબને કવિતાની પ્રથમ સ્ફૂરણા કલાપીની સમાધિ પર થયેલી. પાજોદ દરબારમાં એમની સાથે શૂન્ય પાલનપુરી પણ જોડાયા અને ત્રિપુટી જામી, એ દિવસોને યાદ કરી ઘાયલસાહેબ કહે છે
કીધાં છે સૂર્યસ્નાન
અને સોમપાન પણ
માણી છે ખૂબ મોજ
દુ:ખો દરમિયાન પણ
કરતી નહોતી માત્ર
દિશાઓ જ સરભરા
તેહનાતમાં રહેતા હતાં
આસમાન પણ
આઝાદી બાદ ગુજરાત સરકારના બાંધકામ વિભાગમાં હિસાબનીશ તરીકે નોકરી લીધી. મુશાયરા માટે નિમંત્રણ આવે અને નોકરીમાંથી રજા મળે નહીં ત્યારે કવિતાને માટે એમનું સમર્પણ કેવું હતું? ઘાયલસાહેબ પોતે લખે છે
ઘણાં એવા મારા કવિમિત્રો છે જે
પુરસ્કાર દેવા છતાં ન પધારે ના પધારે
અને એક હું કે કવિતાને માટે
રજાઓ લઉં છું કપાતે પગારે
ઘાયલસાહેબ આમ તો વ્યવસાયે હિસાબનીશ હતા. અને ગમે તેની પાસે હિસાબ માંગે એવો એમનો મિજાજ હતો. 1957માં રાજકોટના સરકીટ હાઉસમાં તત્કાલીન વડાપ્રધાનની સામે આ મુક્તક એમણે રજૂ કરેલું.
થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો!

ઘાયલસાહેબ સાથે જે ત્રણેક મુશાયરામાં શાયર પંક્તિમાં બેસવાની તક મળી હતી. તેમાંનો એક આઈ. એન. ટીનો એમને કલાપી પુરસ્કાર મળ્યો ત્યારે. રાજકોટમાં ચિત્રલેખા સર્કલનું ઉદઘાટન થયું ત્યારે.
હું એમને પ્રથમવાર મળ્યો ત્યારે ઘાયલસાહેબ 75 વર્ષ વટાવી ચૂક્યા હતા. એમની કમર લગભગ કાટખૂણે વળી ગઇ હતી. માંડ ચાલી શકતા કે બોલી શકતા.
કંઈ બોલવા જાય તો જીભ લપલપ થાય. આપણને સંભળાય નહીં, પરંતુ જેવું માઇક હાથમાં આવે એટલે પેલો 90 અંશનો ખૂણો ધીમે ધીમે સીધો થવા માંડે.
![]()
બે ચાર શેર રજૂ થાય, દાદ મળે એટલે ઘાયલસાહેબ ટટ્ટાર થઇ જાય. અવાજની અસ્પષ્ટતા ગાયબ થઇ જાય. સ્મૃતિદોષગાયબ થઇ જાય. એક પછી એક ગઝલ એમના સ્મૃતિના પટારામાંથી બહાર આવતી જાય.
એક ગઝલ, બે ગઝલ, ત્રણ, ચાર પછી ગઝલની ગણતરી ભૂલાઇ જાય અને તાળીઓના ગડગડાટથી હૉલ ગજવતાં ખુરશીઓ પર ઉછળતાં કૂદતા શ્રોતાઓની સામે સભારંજનીની દરેક કળાના જાણતલ શાયરની નટરંગી વાકધારા રેલાય.
સ્ટેજ પર ક્યારે કોટ પહેરવો, ક્યારે કાઢી નાખવો, ક્યારે માથું પીટવું, ક્યારે છાતી કૂટવી, ક્યારે બન્ને હાથ પહોળા કરવા, આ બધી અદાઓ એમને હસ્તગત હતી.

જાણે 75 વર્ષના એક વયોવૃદ્ધની જબાનમાં ગઝલસુંદરી 16 વરસની જવાન થઇ જતી.
અમે ધારી નહોતી એવી
અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ
ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત
શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની
પૂર્વતૈયારી કરી લીધી.
ભલે એ ના થયાં મારાં,
ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી
વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના
આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક
મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં
નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત
અંધારી કરી લીધી.
વાતાવરણ આખું રોમેન્ટિક બની ગયું હોય ત્યારે ઘાયલ એમનું ટ્રમ્પ કાર્ડ કાઢે…

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.
દુઃખ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.
આ કલીપ જોવાનું ચૂકતા નહિ. https://www.youtube.com/@AmrutGhayalfanclub
ઘાયલસાહેબનું એકવાર સનમાન થયું સ્ટેજ પર કવિમિત્રોએ ઉત્સાહમાં આવી એમને ઉંચકી લીધા. ઘાયલસાહેબ તરત શેર બોલ્યા,
જેમણે આજે ઉપાડ્યો છે મને
એમણે પુષ્કળ પછાડ્યો છે મને
મિત્રોનો ઉપરછલ્લો પ્રેમ એમની કવિતામાં વિષય બનીને આવે છે…
જગનો પદાર્થ છું
ન તો ઘરનો પદાર્થ છું
ભગવાન જાણે હું
કયા બરનો પદાર્થ છું
મારી પહોંચ ક્યાં હજી
મિત્રો, હ્રદય સુધી
છું નામ પૂરતો જ
અધરનો પદાર્થ છું
અને એમની એકલતા જુઓ…
સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું?
ઊંચકી હું મને જ લાવું છું.
દરવાજો, પોતાના ઘરનો હોય, પ્રેમિકાના ઘરનો હોય કે ઇશ્વરના ઘરનો શાયરનો ધર્મ છે ટકોરો મારી રાહ જોવાનો…
તું ખોલે કે ન ખોલે દ્વાર,
ઊભો છું અદબ વાળી,
ભલે પાગલ મને તું ધાર,
ઊભો છું અદબ વાળી.
તને જો હોય કે આ
જીવતરનો ભાર ઓછો છે,
વધારે મૂક માથે ભાર,
ઊભો છું અદબ વાળી.
અદબવાળીને અદબપૂર્વક ઊભા રહીને માથે ભાર સહેવાની માનવમાત્રની નિયતિ કવિને પજવે તો છે પણ મૂંઝવતી નથી. અવદશાનોય લય અને તાલ પકડીને એની ગઝલ બનાવે તે જ સાચો શાયર.

દશા મારી અનોખો લય,
અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ
એ માલામાલ રાખે છે!
નથી સમજાતું, મન અમને
મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે,
કદી ખુશહાલ રાખે છે!
નથી એ રાખતાં
કંઇ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં
તો કોણ મારો ખ્યાલ રાખે છે?
જીવનનું પૂછતા હો તો
જીવન છે ઝેર ‘ઘાયલ’નું,
છતાં હિમ્મત જુઓ
કે નામ અમૃતલાલ રાખે છે!
ઘાયલનો આ અંદાઝે બયાં ગુજરાતી ભાષાના અન્ય કોઇ ગઝલકારમાં જોવા નહીં મળે. અરે ઉર્દૂ કવિમાંય દુર્લભ છે એવી ભાષા અમૃત ઘાયલને હસ્તગત હતી
પૂછે છે જિગર તો સોચું છું,
સોચું છું જિગરને પૂછું છું
જે વાત મને ઘર પૂછે છે,
એ વાત હું ઘરને પૂછું છું
એક બૂંદ મળી’તી માંડ પીવા,
તે ઊડી ગઇ ક્યાં પળભરમાં
પૂછે છે મને અંતર ફફડી,
ફફડી હું અધરને પૂછું છું
આ જન્મ મરણના મર્મોને,
જાણી ન શક્યું કોઇ ઘાયલ
પૂછે છે ઈંટે ઈંટ મને,
હું કબરે કબરને પૂછું છું

ઘાયલની ગઝલો એક તરક રૂમાનિયતથી રંગીન છે તો બીજી તરફ રુહાનિયતથી સંગીન છે. રૂમાનિયત એટલે રોમેંટિસિઝ્મ અને રુહાનિયત એટલે આધ્યાત્મિકતા. એમની ફિલસૂફી આમ જુઓ તો સરળ છે
જીવન જેવું જીવું છું,
એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું
એને મઠારું છું.
તફાવત એ જ છે,
તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે,
હું જીવીને વિચારું છું.
ગાલિબ કહે છે:
બનાકર ફકીરોં કા હમ ભેસ ગાલિબ
તમાશાએ એહલે કરમ દેખતે હૈં
કબીર કહે છે: કબીરા ખડા બાજાર મેં, માંગે સબકી ખૈર
ઘાયલ પણ એ જ અદાથી કહે છે…
કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની
આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની,
નજરોની કતારે ઊભો છું.
પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ
નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો
એના જ ઈશારે ઊભો છું.
આ તારી ગલીથી ઊઠી જવું
સાચે જ નથી મુશ્કેલ છતાં
તું સાંભળશે તો શું કહેશે!
બસ એ જ વિચારે ઊભો છું.
જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’
આ ટોચેથી ફેંકાઈ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ
આવીને મિનારે ઊભો છું.
તેથી જ કવિને સફળતા કે નિષ્ફ્ળતામાં આશા કે નિરાશામાં કેવું વલણ લેવું એની બરાબર જાણ છે.
વલણ હું એક સરખું
રાખું છું આશા નિરાશામાં,
બરાબર ભાગ લઉં છું
જિંદગીના સૌ તમાશામાં,
સદા જીતું છું એવું કૈં નથી,
હારું છું બહુધા પણ,
નથી હું હારને
પલટાવવા દેતો હતાશામાં.
જીવનમાં હાર આવે પરંતુ નિરાશા ન આવે એવી કાળજી રાખનાર શાયરના જીવનમાં કે શાયરીમાં ક્યાંક હતાશા ડોકાઇ ન હોવાથી હાર પણ ક્યાંય ટકી શકી નથી. કવિ મિજાજી છે અને પાછા ખુશમિજાજી પણ છે.
કવિને ઈશ્વર સાથે કેવો સંબંધ છે? કવિ પોતાને ઇશ્વરનો ટીકાકાર નહી પરંતુ ઇશ્વરનો ભાગીદાર સમજે છે.
ચોરાનો જો કહો તો
ચોરાનો વંશ છું હું
ઇશ્વર નથી પણ
ઇશ્વરનો અંશ છું હું
છે કૃષ્ણના સુદર્શન
જેવો જ ઘાટ મારો
ધારો તો ધર્મ છું હું
ફેંકો તો ધ્વંસ છું હું
મરીઝ ઇશ્વર પર આધાર રાખીને નિરાધારતા અનુભવે છે. માનવમાત્ર વતી અપેક્ષા રાખે છે અને દુ:ખી થાય છે. ઘાયલ ઇશ્વર વતી વર્તે છે અને સુખી રહે છે.
ગાગર મહીં ઘૂઘવતો
સાગર થઇ શકું છું
સંસારમાં રહીને
શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર
તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે
હાજર થઇ શકું છું
આપણને સૌને ટપારતાં ઘાયલસાહેબ કહે છે…
કૈં નહોતું એવા હોવામાં
દિવસ વીતી ગયા
મેળવ્યું ના કૈં જ
ખોવામાં દિવસ વીતી ગયા
ઘટ વિષેના જળની જિજ્ઞાસા
ન જન્મી આજીવન
ઘટ ઉપરના ચિત્ર જોવામાં
દિવસ વીતી ગયા
શાયરીમાં વ્યસનની વાત આવે ત્યારે શરાબના માધ્યમથી ઘણીવાર શાયર વાત તો બીજી જ કરવા માગતા હોય છે…
ખરું પૂછો તો એ કંટક નથી,
ગુલાબ નથી
જીવન જીવન છે
જીવનનો કશો જવાબ નથી
તને પીતા નથી આવડતું
મૂર્ખ મન મારા
પદાર્થ એવો ક્યો છે
કે જે શરાબ નથી
આમ બીટવીન ધ લાઈંસ વાંચતા આવડે, બે પંક્તિઓ વચ્ચેનું મૌન સાંભળતા આવડે તો શાયરો સ્પીરીટથી સ્પીરિચ્યુઅલની અને વાઈનથી ડિવાઈનની યાત્રા કરાવતા હોય છે.
શબ્દદેહે ગઝલદેહે અમર રહેનારા ઘાયલસાહેબને આપણે ઔપચારિક શ્રદ્ધાંજલિ આપવા જઇશું તો ખુદ જ તેઓ જ પોકારી ઉઠશે…
સાચે જ તમાચાઓથી
ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ
તો આ ગાલ ધર્યો, લે!
‘ઘાયલ’ને પ્રભુ જાણે,
ગયું કોણ ઉગારી!
મૃત્યુય ગયું સૂંઘી,
પરંતુ ન મર્યો, લે!
મરવાની અણી પર છું
છતાં જીવી શકું છું
સંદેહ તને હોય તો
આ પડખું ફર્યો લે

ઘાયલસાહેબનો નશ્વર દેહ 25 ડીસેમ્બર 2002ના દિવસે પંચમહાભૂતમાં વિલીન થયો એ પહેલા જીવતેજીવતા જ તેઓ દંતકથારૂપ બની ચૂક્યા હતા.
ભૂલી ગયા છે જાણે
કિરણ ફૂટવાનું નામ,
ને રાત છે કે લેતી નથી
ખૂટવાનું નામ.
ઘાયલ અમોને મૃત્યુ વિષે
કંઇ જ ન કહો
અમને ખબર છે એ છે
નશો તૂટવાનું નામ
પોતાની હયાતી દરમિયાન જ ગઝલના ઇતિહાસના પૃષ્ઠ પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થતું જોનાર આ બડભાગી કવિ સુદીર્ઘ જીવન જીવી મૃત્યુ પામ્યા ત્યારે એમના જ શબ્દો આપણને યાદ આવે…
ઉઠાવો કોઇ જનાજો
જવાન પ્યાસ તણો
કે મીટ માંડી નથી જાતી
ભગ્ન જામ તરફ
હતો એ મસ્ત પ્રવાસી,
સફળ કરીને પ્રવાસ
અનોખી શાનથી ઘાયલ
ગયો સ્વધામ તરફ
જ્યારે જ્યારે કોઇ ગઝલરસિક તૃષા લઇને નીકળશે ત્યારે ત્યારે એને રસ્તે ઘાયલનો ભેટો થવાનો જ છે.

લાગે છે એ જ લાગશે
ક્યારેક ખપ મને
પહોંચાડશે તળાવ સુધી
ખુદ તલપ મને
(ક્રમશ:)
અમૃત ઘાયલની ગઝલ જેવો જ પાણીદાર અને નખશિખ સુંદર લેખ