લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 3 ~ લીલાની લીલાથી ગુજરાતને ઘેલું લગાડનારા આસિમ રાંદેરી ~ રઈશ મનીઆર
લેખ 3
ગુજરાતી ગઝલના દમામની દાસ્તાન
લીલાની લીલાથી ગુજરાતને ઘેલું લગાડનારા આસિમ રાંદેરી
અંતકાળે કોઈની આ હાજરી શા કામની
આંખ મીંચાતી હો ત્યારે રોશની શા કામની?
એ હૃદય શા કામનું જેમાં ન તારી યાદ હો?
જે પ્રતિબિંબ ના ઝીલે એ આરસી શા કામની
વ્યર્થ છે એ વાત, જેમા દિલના ધબકારા નથી
દિલ ને ડોલાવે નહી એ શાયરી શા કામની
જે ગઝલમાં પ્રેમભાષાની મહક આસિમ ન હો
કાગળોના ફૂલની એ ગુલછડી શા કામની?
આપણે લેખમાળની શરૂઆતમાં ગુજરાતી ગઝલના ઈતિહાસની સાથે કલાપી યુગની ગઝલો માણી.
https://aapnuaangnu.com/2024/07/12/gazalgurjari-article-1/
બીજા લેખમાં શયદા સાહેબની ગઝલોના વિશ્વમાં વિહાર કર્યો.
https://aapnuaangnu.com/2024/07/19/gazalgurjari-article-2/
આજે ક્યા શાયરના શબ્દોની લીલા માણીશું? આ સવાલની અંદર જ જવાબ છે, જો સમજી શકો તો..
આ શાયરનું ‘સુબેદાર મહેમુદ મિયા મોહમ્મદ ઈમામ’ આવું લાંબુ નામ બોલીએ તો ખ્યાલ ન આવે, પણ આસિમ રાંદેરી એમ કહીએ એટલે તરત ખ્યાલ આવે કે ઓહો! આ તો લીલાની લીલાથી ગુજરાતને ઘેલું લગાડનારા આસિમ! જી હા, તાપી તટે કાવ્યો લખી ગયેલા લીલાના સર્જક શતાયુ કવિ આસિમ રાંદેરી સાહેબની શબ્દ-લીલાને આજે પ્રેમથી યાદ કરીશું.

આસિમ સાહેબને જો કોઈએ રૂબરૂ સાંભળ્યા હોય તો એમને યાદ હશે તેઓ આ ગઝલ ગાઈને રજૂ કરતા. તરન્ન્નુમમાં જિગર મુરાદાબાદી જેવો એમનો અંદાજ રહેતો..
રૂપ સિતમથી લેશ ન અટકે
પ્રેમ ભલેને માથું પટકે
બચપન યૌવન વૃદ્ધાવસ્થા
જીવન પણ છે કટકે-કટકે
એ જ મુસાફર જગમાં સાચો
જેની પાછળ મંજિલ ભટકે
ઊંઘ અમારી વેરણ થઈ છે
નેણ અભાગી ક્યાંથી મટકે
એ ઝુલ્ફો ને એના જાદુ
એક-એક લટમાં સો દિલ લટકે
પ્રેમનો મહિમા ગાતાં રહેવું
જ્યા લગ ‘આસિમ’ શ્વાસ ન અટકે
હસીનોના હ્રદય પર હકૂમત કરનાર આ શતાયુ કવિને એમના જીવનના છેલ્લા બે-અઢી દાયકા દરમ્યાન મળતાં રહેવાનું સદભાગ્ય મને મળ્યું હતું. હું એમને પ્રથમ વાર મળ્યો ત્યારે હું 19 વર્ષનો અને એ 81ના હતા. 19 અને 81 સરવાળો ત્યારથી જ 100 જેટલો હતો.
1985માં લગભગ મારા જીવનનો પ્રથમ મુશાયરો કહી શકાય એ સુરત, રાંદેરના છાછા મહોલ્લામાં થયેલો, એમાં એમની મુલાકાત થયેલી. પહેલાં ઉર્દૂ મુશાયરો પૂરો થયો પછી મોડી રાતે ગુજરાતી મુશાયરાનું સંચાલન મારે ભાગે આવ્યું. કેમ કે બીજા કોઈ શાયર સંચાલનના મૂડમાં નહોતા. ગનીચાચા, ભગવતીભાઈ, ખલીલભાઈ ધનતેજવી અને અમરભાઈ પાલનપુરી પણ એ મુશાયરામાં હતા.
મારી પ્રસ્તુતિ પછી મારી પીઠ પર આસિમસાહેબનો હાથ ફર્યો. મને યાદ આવ્યું કે આ જ હાથ 1936માં 19 વર્ષના મરીઝની પીઠ પર પણ ફર્યો હતો. જી હા, મરીઝના જીવનનો પ્રથમ મોટો મુશાયરો, ઑલ ઈંડિયા રેડિયો, મુંબઈ ખાતે થયેલો એમાં આસિમસાહેબે જ મરીઝને નિમંત્રણ આપ્યું હતું અને પ્રમાણમાં નબળી રજૂઆત છતાં આસિમસાહેબે મરીઝને બિરદાવ્યા હતા.
આમ લગભગ 50 વરસ પછી ઈતિહાસ ફરી એ બિંદુ પર પહોંચ્યો.
આ પ્રથમ પરિચય પછીના 24 વરસ અમે નિયમિત સંપર્કમાં રહ્યા. અમેરિકાથી જ્યારે જ્યારે ઈંડિયા આવે હું મળતો એમને. ત્યારે ફોન તો વ્યાપક હતા નહીં, પણ એમનો ઠાઠ નવાબી હતો, એ કોઈ સેવકને મોકલતા, કહેણ મોકલવા કે આસિમસાહેબ આવ્યા છે, તમને મળવા બોલાવે છે.
આસિમસાહેબ સદા સૂટબૂટ ટાઈમાં સજ્જ રહેતા. ગુજરાતી ગઝલે પણ કેવા કેવા ચોળા પહેર્યા? ગનીચાચાની ચોખ્ખી, પણ જરૂર કરતાં મોટા માપની ખાદી, રતિલાલ અનિલની ચોળાયેલી અને કવચિત છીંકણીના ડાઘવાળી ચોળાયેલી સફેદી, મરીઝની સિગારેટ તણખાંઓથી કાણાંવાળી થયેલી સફેદ પેંટ, આ બધાની વચ્ચે સૂટેડ બૂટેડ આસિમ અલગ તરી આવતા.
કિશોર આસિમનો ઉદય અને ઉછેર એવા સમયમાં થયો કે જ્યારે ભારતમાં સ્વતંત્રતા ચળવળ હજુ તીવ્ર નહોતી. પ્રથમ વિશ્વયુદ્ધની આસપાસના સમયમાં ભદ્ર વર્ગ બ્રિટિશ રહેણીકરણીના પ્રભાવ હેઠળ હતો. રાંદેરના મુસ્લિમો વિશ્વભરમાં વ્યાપાર અર્થે ફેલાયેલા હતા.
રમણીય તાપી તટે વસેલા એ સમયના ખૂબસૂરત સુરતમાં એમ.ટી.બી કોલેજ અને સોરાબજી કોલેજ, ટી એન ટી.વી સ્કૂલ વગેરે શિક્ષણ સંસ્કારના તેમ જ યુવા હૈયાઓ માટે મિલનસ્થાનો તરીકે, જીવનશૈલીના આદાન-પ્રદાન તેમ જ ઘડતરના કેન્દ્ર તરીકે, તેમ જ અરસપરસના ઉલ્લાસને ઝીલવાના પ્લેટફોર્મ તરીકે લોકપ્રિય હતા. કન્યા કેળવણી માટે તો ત્યારે સુવર્ણકાળ હતો.
આ માહોલમાં જ આસિમને ‘લીલા’ મળી. કોલેજમાં સખીઓ સંગે સાડી પહેરી આવતી ભદ્ર વર્ગની કલાપ્રેમી કન્યા લીલાના પ્રેમમાં એમના કાવ્યો લખાયાં. રાંદેરમાં વ્યાપેલી ઉર્દૂ ગઝલની આબોહવામાં અખ્તર શિરાનીની કાવ્યનાયિકા ‘સલમા’ આસિમના કવિ હૃદયમાં રમતી હતી. ત્યાંથી પ્રેરણા લઈ એમણે ગઝલ અને નઝમની રચના શરૂ કરી.

આસિમની પહેલી ગઝલ 1927માં શયદાસાહેબના ‘બે ઘડી મોજ’માં પ્રકાશિત થઈ. એમની શરૂઆતની આ રચના જુઓ. આ ગઝલ નથી, આ નઝમ છે. એનું શીર્ષક છે ‘જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે’. આમેય એ જમાનો શીલાની જવાનીનો નહોતો લીલાની જવાનીનો હતો.
તમે પણ જુઓ કેવી શાલીનતાથી આસિમભાઈએ લીલાની વાત મૂકી છે…
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે,
મને દિલની ધડકન ખબર દઇ રહી છે,
પ્રણય રૂપના રંગ જોવાને માટે,
બધાની નજર એ તરફ થઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી,
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી,
છતાંય એની રંગત છે સૌમાં નિરાલી,
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે,
છે સાદાઇમાં એની જાહોજલાલી,
શું ખાદીની સાડી મજા દઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…
કવિનો આ લીલા-પ્રેમ સોળે કળાએ હશે ત્યારે આવી રચનાઓ આવી..
આ વર્ષાની ઝરમર, આ મોસમ દુલારી,
ન પૂછો અમે કેવી રીતે ગુજારી
મદીલી મદીલી એ આંખો તમારી,
કરી યાદ હરપળ વિસારી વિસારી
પ્રણયની રમતમાં હ્રદય ખોઈ દીધું,
છતાં એ જ બાકી છે હિંમત અમારી…
હવે દાવમાં પ્રાણ મૂકી દીધો છે,
કે હારે તો બમણું રમે છે જુગારી…
સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી,
હિસાબ એનો દુનિયાને શા કાજ દઈએ…
અમારી હતી જિંદગાની અમારી,
ગુજારી અમે, તે, ગમે ત્યાં ગુજારી…
પ્રણય-પંથના ભેદ એ કેમ જાણે,
અને રૂપ-દર્શનની શી મોજ માણે…
નજર જે ઉઠાવે બચાવી બચાવી,
કદમ જે ઉપાડે વિચારી વિચારી…
તો આવી રમતિયાળ અને જીવંત ગઝલોના સાંભળીએ ત્યારે લાગે કે ખાખી પુસ્તકના પૂઠાંની વચ્ચે સૂતેલી ભાષારાણીને જ્યારે સોળ વરસની કન્યા બનીને આળસ મરડીને ઊભા થવાનું મન થાય છે ત્યારે એ આવી ગઝલસુંદરીનું રૂપ ધરે છે.
આસિમ રાંદેરીના પિતાજી વ્યવસાય અર્થે અરબસ્તાન હતા ત્યાં એમનું અચાનક અવસાન થયું. ત્યારે આસિમ રાંદેરી સુરતની એમ.ટી.બી કોલેજમાં અભ્યાસ કરતા હતા.

એમને અભ્યાસ અધૂરો છોડીને આજીવિકા માટે વિદેશ જવું પડ્યું. 24 વર્ષની ઉંમરે ઇસ્ટ આફ્રિકામાં કેન્યામાં 1928થી 1932 – ચાર વર્ષ એ રહ્યા અને ‘ડેઇલી મેલ’ના તંત્રી વિભાગમાં કામગીરી કરી.

ચાર વર્ષ પછી સ્વદેશ મુંબઈ આવ્યા અને મેચ-બોક્સની માચીસની એક વિદેશી કંપનીમાં સેલ્સ-એક્ઝિક્યુટીવ બન્યા.
24 વરસની ઉંમર પછી જીવનભર મુંબઈ તથા વિદેશ રહ્યા પણ કવિ તરીકે આસિમભાઈની ઓળખ તાપી નદીને પ્રેમ કરનાર અને તાપી નદીના કાંઠે લીલાને પ્રેમ કરનાર કવિ તરીકે જ રહેશે અને એ જ યોગ્ય પણ છે; કેમ કે આ કવિ જીવનભર 22 વર્ષની ઉંમરના રોમાંચમાં જ અટકીને જીવ્યા.
જેના પ્રેમમાં આસિમસાહેબે આવા કાવ્યા લખ્યા એ લીલા પ્રત્યેનો આસિમ રાંદેરીનો પ્રેમ સફળ થાય એવી કોઈ સંભાવના નહોતી. એના સામાજિક કારણો હતા.
આસિમસાહેબે એ પ્રેમિકાનું સાચું નામ ન તો જાહેર કર્યું, ન તો પ્રેમની નિષ્ફળતાને ગળે વળગાડીને કોઈ આક્રોશ કર્યો કે નશાખોરી કરી. પ્રેમમાં નિષ્ફળ ગયા પછી પણ આસિમસાહેબ સાંસારિક અર્થમાં સુખી અને વ્યાવસાયિક અર્થમાં સફળ જીવન જીવ્યા.
તો આ આસિમ સાહેબની શાલીનતા એવી કે એમની પ્રેમિકાની કંકોતરીને પણ પોતાની એક નઝમમાં અમર કરી દીધી.
કંકોત્રીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે
આ અમર શેરમાં દર્શાવાયેલી ઘટના પછી તેમની કવિતા એ પ્રેમ પ્રસંગમાં અટકીને રહી ગઈ. જીવનભર એમની ગઝલોમાં અહીં સુધીની ગાથા જ ગવાતી રહી. એ રચનાનો અંશ માણીએ…
‘આસિમ’ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો.
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું.
મારી એ કલ્પના હતી, ગઈ વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને.
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સરનામું મારું કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી.
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે.
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી.
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.
તો આવા રંગદર્શી છતાં શાલીન એટલે કે રોમેંટિક છતા ડિસન્ટ શાયર આસિમસાહેબ 1904ની 15મી ઓગસ્ટે જન્મ્યા અને 105 વર્ષનું દીર્ઘાયુ ભોગવીને 5 ફેબ્રુઆરી 2009ના દિવસે તેમનું અવસાન થયું.

આ કેવું વિશિષ્ટ ભાગ્ય લઈને આવેલા કવિ છે કે ગઝલમાં એમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સો વર્ષની ઉંમર સુધી લગભગ એમને કોઈ પુરસ્કાર મળ્યો નહીં અને 2005ની સાલમાં ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ તથા ‘કલાપી પુરસ્કાર’ એ બંનેથી એમને સન્માનિત કરવામાં આવ્યા.
મને તક મળી કે શ્રી મનહર ઉધાસની વિનંતિથી એમના એક કાર્યક્રમમાં આસિમસાહેબને સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં હું લઈ જઈ શક્યો અને લગભગ 7000 જેટલા શ્રોતાઓએ એમને જે અઢળક પ્રેમ આપ્યો, એનો હું કાર્યક્રમના સંચાલક તરીકે સાક્ષી બની શક્યો.
ત્યારબાદ એ શતાયુ થયા ત્યારે ખાસ એમને કલાપી પુરસ્કાર રૂબરૂ આપી શકાય તે માટે આઈ.એન.ટીનો સ્વાતંત્ર્યદિનનો મુશાયરો પહેલીવાર મુંબઈની બહાર સુરત સરદારસ્મૃતિ ભવન ખાતે યોજાયો એમાં પણ હું નિમિત અને કાર્યવાહક બન્યો. આ બધી મારા જીવનની સોનેરી પળો છે.

તો તેમણે સો વર્ષ પૂરા કરી 101 માં વર્ષમાં પ્રવેશ કર્યો બરાબર એ જ દિવસે રીતે જ એમને કલાપી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સો વરસની ઉંમરે માત્ર સ્મૃતિને આધારે 20- 25 મિનિટ સુધી ગઝલપાઠ કર્યો.
હકડેઠઠ શ્રોતાઓની અને પોતાની પણ તબિયત સુધારી દીધી. સ્ટેજ પર આંખને આંજી દેતી હેલોજન લાઈટોથી બચતાં, ઓડિયન્સના ઝાંખા અજવાળામાંથી શ્રોતાઓના પ્રતિસાદને આકંઠ પી રહેલા આ શતાયુ શાયરના હોઠે “વરસ બાવીસમું એ લાવું ક્યાંથી” પંક્તિ હતી.
હું એમની બિલકુલ બાજુમાં બેસીને એમનું 100 વર્ષનું શરીર, એમનો 22 વર્ષનો મિજાજ અને એમની એક વર્ષના ભોળા શિશુ જેવી આંખો એકસાથે જોઈ રહ્યો હતો. ત્રણ કાળ એ બિંદુ પર એક થઈ ગયા હતા.
નિષ્ફળ પ્રણયે આપણને અનેક કવિઓ આપ્યા છે એમાંથી ત્રણને સરખાવીએ. સાહિર લુધિયાનવી, મરીઝ અને આસિમ.
આ ત્રણે કવિઓ પોતાની પ્રણય અનુભૂતિઓમાં સ્થિર, કહો કે, ફ્રીજ થયેલા કવિઓ છે. આ ત્રણે પોતાની કવિતામાં વીસ બાવીસ વરસના નિષ્ફળ પ્રેમથી આગળ વધ્યા જ નથી.
સાહિરના પહેલા કાવ્યસંગ્રહનું નામ હતું ‘તલ્ખિયાં’.

તલ્ખિયાં એટલે કે કડવાશ. સાહિરે, નિષ્ફળ પ્રેમના દોષનો ટોપલો કદાચ અડધો પ્રેમિકાને માથે અને અડધો દુનિયાને માથે નાખ્યો, તો મરીઝ એમની સરખામણીમાં કડવાશ કે ડંખ વગર લખતા રહ્યા. એમની પ્રેમિકા કવિતા પ્રત્યે રસિક હતી, પણ પ્રેમી પ્રત્યે નિષ્ઠુર હતી તો એ પ્રેમિકાના દોર-દમામ અને ચાલાકીને એ વિનોદથી, હળવાશથી વર્ણવતા રહ્યા. પોતાના પ્રેમપ્રસંગની કરૂણતાને એમણે રમૂજનું આવરણ ઓઢાવી રજૂ કરી. પણ એમ કરવામાં પોતે લાપરવાહી, અને બરબાદી ઓઢી લીધા.
આ બન્નેથી અલગ વલણ આસિમભાઈનું રહ્યું. પ્રેમ તો એમનો પણ નિષ્ફળ જ હતો પણ પ્રેમિકા કે ઈશ્વરને દોષ આપવાને બદલે એ પ્રેમના માત્ર રોમાંચક અને રોમેન્ટિક પાસાને પોતાના કાવ્યોમાં ઉજાગર કરવામાં સંતોષ માન્યો. પ્રેમિકાથી વિખૂટા પડીને પણ કવિ સાંસારિક અર્થમાં સુખી અને વ્યવસાયિક રીતે ઉદ્યમી અને કર્મઠ જીવન જીવ્યા. પોતાના પરિવાર ઉપરાંત ઘણા કવિઓનો પણ સહારો બન્યા.
આસિમ રાંદેરીના લીલાકાવ્યો એની સચ્ચાઈને કારણે એના કથારસને કારણે, એના પરિચિત સંદર્ભોને કારણે, અમુક અંશે કાવ્યેતર કારણોસર પણ લોકપ્રિય થાય એ સ્વાભાવિક હતું.
આસિમસાહેબ એટલા માટે આદરના અધિકારી છે કે શયદા પછી ગઝલ અને નઝમના શુદ્ધ સ્વરૂપ વિશેની સભાનતા ધરાવનાર, શિષ્ટ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરનાર બીજા કવિ હતા.
ઉંમરમાં મરીઝથી મોટા પણ પોતાના ગઝલ લેખનના ગઝલ આદર્શ તરીકે શયદા ઉપરાંત મરીઝને પણ એમણે સ્થાપ્યા હતા. ‘લીલા’ ‘શણગાર’ અને ‘તાપી તીરે’ના આ કવિ ગુજરાતી ગઝલ ઇતિહાસની ચોપડીનું એક મહત્વનું પાનું બનીને સદાય જીવશે એવી શ્રદ્ધા છે.

સફળ હો કે નિષ્ફળ, મહોબ્બત કરી છે
અમે જિંદગી ખૂબસૂરત કરી છે.
તમે કેવી આ મારી હાલત કરી છે?
બધાં કહી રહ્યાં છે મોહબ્બત કરી છે
પરિણામ એનું ખુદાને હવાલે
મોહબ્બત નહીં મેં ઇબાદત કરી છે
ઘણી વેળા મારાં કવનનાં પ્રતાપે
હસીનોનાં દિલ પર હકૂમત કરી છે
હસીનોના દિલ પર હકૂમત કરનાર શાયર આસિમ રાંદેરીની કથાને અહીં વિરામ આપીએ. આ ગઝલ ગુર્જરી લેખમાળામાં ગુજરાતી ગઝલનો વિકાસ અને સાથે સાથે એનો વૈભવવિલાસ આપણે માણી રહ્યા છીએ.
આસિમ રાંદેરી પછીના શાયરોમાં કોનું નામ આવશે એ આપ વિચારી રાખો, અમે એમની વિનયથી સજ્જ પ્રેમબાની લઈ આવતા અંકમાં ઉપસ્થિત થઈશું.
(ક્રમશ:)
પૂરા આદર સન્માન સાથે ગઝલકારોના જીવન અને કવિતા વિશે વાત કરનાર આ લેખમાળા માટે રઈશભાઈને ધન્યવાદ.
ખૂબ જ સુંદર લેખ… માણીને મજા આવી.