આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગઃ ૧૩ ~ “પ્રેમળ જ્યોતિ…!” : ~ જ્હોન ન્યૂમેન ~ ભાવાનુવાદઃ નરસિંહરાવ દિવેટિયા ~આસ્વાદ: ઉદયન ઠક્કર

કવિ પરિચયઃ જ્હોન હેનરી ન્યુમેન (21 ફેબ્રુઆરી 1801 – 11 ઓગસ્ટ 1890) એક અંગ્રેજ ધર્મશાસ્ત્રી, શૈક્ષણિક, ફિલસૂફ, ઈતિહાસકાર, લેખક અને કવિ હતા. પ્રથમ ઈવેન્જિકલ પાદરી તરીકે અને પછી કેથોલિક પાદરી અને કાર્ડિનલ તરીકે એમણે સેવાઓ આપી હતી. તેઓ એક મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ ધાર્મિક વ્યક્તિ હતા.
19મી સદીમાં ઈંગ્લેન્ડના ધાર્મિક ઈતિહાસમાં તેઓ 1830ના દાયકાના મધ્યભાગ સુધીમાં તો રાષ્ટ્રીય સ્તરે જાણીતા થઈ ગયા હતા. 2019માં કેથોલિક ચર્ચમાં સંત તરીકે તેમને સ્વીકારવામાં આવ્યા હતા.
મૂળ રૂપે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પાદરી, ન્યુમેન ઑક્સફર્ડની ઈવેન્જલિકલ ચળવળના વધુ નોંધપાત્ર નેતાઓમાંના એક બન્યા. તેઓ ઈવેન્જિલિકલોનાં એક પ્રભાવશાળી અને વિવાદાસ્પદ જૂથની ઇંગ્લિશ રિફોર્મેશન પહેલાંની ઘણી કૅથલિક માન્યતાઓ અને ધાર્મિક વિધિઓને ચર્ચ ઑફ ઇંગ્લેન્ડમાં પુનઃસ્થાપિત કરવા ઇચ્છતા હતા. આ આંદોલનને થોડીક સફળતા પણ મળી હતી.
1845માં, ન્યૂમેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અધ્યાપન પદ પરથી એમણે રાજીનામું આપ્યું, અને, સત્તાવાર રીતે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ છોડી દીધું. એમને કેથોલિક ચર્ચમાં આવકાર મળ્યો. તેઓ ઝડપથી પાદરી તરીકે નિયુક્ત થયા અને બર્મિંગહામ સ્થિત, પ્રભાવશાળી ધાર્મિક નેતા તરીકેની એમની ખ્યાતિ સદા રહી.
1879માં, પોપ લીઓ XIII દ્વારા ઇંગ્લેન્ડમાં કેથોલિક ચર્ચના હેતુ માટે તેમની સેવાઓની માન્યતામાં તેમને કાર્ડિનલ બનાવવામાં આવ્યા હતા. 1854માં કેથોલિક યુનિવર્સિટી ઓફ આયર્લેન્ડની સ્થાપનામાં તેમનો મહત્વનો ભાગ હતો, જે પાછળથી યુનિવર્સિટી કોલેજ ડબલિન બની.
ન્યુમેન એક સાહિત્યિક વ્યક્તિ પણ હતા: તેમના મુખ્ય લખાણોમાં ટ્રેક્ટ્સ ફોર ધ ટાઈમ્સ” (1833-1841), તેમની આત્મકથા “એપોલોજિયા પ્રો વિટા સુઆ” (1864), “ધ ગ્રામર ઓફ એસેન્ટ” (1870), અને કવિતા, “ધ ડ્રીમ ઓફ ગેરોન્ટિયસ” (1865) નો સમાવેશ થાય છે, જેને એડવર્ડ એલ્ગર દ્વારા 1900માં સંગીત આપવામાં આવ્યું હતું.
તેમણે લોકપ્રિય સ્તોત્રો “લીડ, કાઇન્ડલી લાઇટ”, “ફર્મલી આઈ બિલીવ, એન્ડ ટ્રુલી”, અને “પ્રાઈઝ ટુ ધ હોલીસ્ટ ઇન ધ હાઈટ” લખ્યા છે અને આ કવિતાઓના વિશ્વની અનેક ભાષામાં અનુવાદો પણ થયા છે. તેઓ લંડન શહેરના પાંચમા સંત છે.
***
“પ્રેમળ જ્યોતિ”
“પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ …
પ્રેમળ જ્યોતિ
દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ …
પ્રેમળ જ્યોતિ
ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય …
પ્રેમળ જ્યોતિ
આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ન લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર …
પ્રેમળ જ્યોતિ
ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ …
પ્રેમળ જ્યોતિ
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર …
પ્રેમળ જ્યોતિ
કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર …
પ્રેમળ જ્યોતિ
રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર …
પ્રેમળ જ્યોતિ
~ જ્હોન ન્યૂમેન
~ અંગ્રેજીમાંથી ભાવાનુવાદ: નરસિંહરાવ દિવેટિયા
~ આસ્વાદ: ઉદયન ઠક્કર
મારો જીવનપંથ ઉજાળ
૧૬ ફેબ્રુઆરી,૧૯૦૯ની બપોરે ઈંગ્લેન્ડના ડરહેમની કોલસાની ખાણમાંથયેલા ધડાકામાં, ૧૬૮ મજૂરો માર્યા ગયા હતા. ચોતરફ અંધારું ઘોર. બચેલા ૨૭ મજૂરોએ પ્રાર્થના (hymn) ગાવા માંડી:
Lead, Kindly Light, amidst the encircling gloom,
Lead Thou me on!
The night is dark, and I am far from home,
Lead Thou me on!
૧૯૧૨માં ટાઈટેનિક જહાજ ડૂબ્યું. ત્યારે લાઈફ બોટમાં બેઠેલા ઉતારૂઓએ, એમને સહાય કરવા આવતું કાર્થેજિયા નામનું જહાજ જોઈને, આ જ પ્રાર્થના ગાઈ હતી.
જ્હોન ન્યુમેન નામના પાદરીએ ૧૮૩૩માં રચેલી આ પ્રાર્થનાથી પ્રભાવિત થઈને ગાંધીજીએ તેનો અનુવાદ કરવા નરસિંહરાવ દિવેટિયાને વિનંતી કરી હતી, જેથી આપણને ‘પ્રેમળ જ્યોતિ તારો’ પદ મળ્યું, જે પરંપરાથી માઢ રાગમાં ગવાતું આવ્યું છે.
‘જ્યોતિ’ શબ્દ સ્ત્રીલિંગને વિકલ્પે પુંલિંગમાં પણ વપરાય છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રભુને ‘પરમપિતા’ કહે છે.
પોતાને રાહ ભૂલેલા શિશુ તરીકે કલ્પીને કવિ પિતાને પંથ ઉજાળવાની અને નિજ ધામ પહોંચાડવાની વિનંતી કરે છે. આપણે પ્રેમ અને કરુણાને સદા ઐશ્વરીય ગુણો માન્યા છે.
એકની લોટરી ખરીદીને એક લાખ માગે, તેવા નથી આ કવિ. તેમને તો એક જ ડગલું પૂરતું છે. કર્દમ (કાદવ) ભરેલી ભૂમિ, પર્વતની કરાડ (ભેખડ) અને ધોધપ્રપાતો ઓળંગાવીને પ્રભુ સુખરૂપ પહોંચાડશે, એવો કવિને વિશ્વાસ છે.
આ પદ ગાંધીજી સાથે આજીવન સંકળાયેલું રહ્યું હતું.
૧૦ ઓક્ટોબર ૧૯૪૬ને દિને પૂર્વનિયોજિત હોય તેમ, બંગાળના નોઆખલી જિલ્લામાં એકપક્ષી નરસંહાર ફાટી નીકળ્યો હતો. મુસ્લિમ લીગે ‘ડાયરેક્ટ એક્શન’નાં દુદુંભિ વગાડ્યાં હતાં, તેને પગલે આ ઘટના બની હતી.
અહીંની વસ્તીમાં હિંદુઓ લઘુમતિમાં હતા અને તેમને તારાજ કરવામાં આવ્યા હતા. ગાંધીજીએ દિલ્લીથી નોઆખલી આવીને, ગામડે ગામડે ફરવા માંડ્યું. સરકારીઅધિકારીઓ તેમની સાથે ફરતા હતા, પણ સહકાર નહોતા આપતા.
૨૦ નવેમ્બરે ગાંધીજીએ પોતાની છાવણી વિખેરી નાખી અને માત્ર સ્ટેનોટાઈપિસ્ટ અને દુભાષિયાને લઈને નાનકડી હોડીમાં શ્રીરામપુર તરફ ઊપડ્યા.
થોડા દિવસો પછી ગાંધીજીએ એક પત્રમાં લખ્યું હતું,
“માર્ગ સૂઝે નહિ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવનપંથ ઉજાળ – હું એ સોએ સો ટકા વાજબી રીતે ગાઈ શકું એમ છું. આવું અંધારું મારા માર્ગમાં આવેલું, યાદ નથી…વિચાર એવો છે કે અહીં કરવું કે અહીં મરવું.”
***
This poem has been woven in our souls from childhood. Thanks for taking us to the root of it’s creation. It matters.
Thanks for sharing. It is very informative