‘વૃક્ષોત્સવ’ ~ ચૂંટેલા શેર, વૃક્ષોને નામ ~ ભાવિન ગોપાણી
વૃક્ષોત્સવ માત્ર વિશ્વ પર્યાવરણ દિને જ નહીં, પણ રોજે જ ઉજવવાનો દિવસ છે. કારણ, વૃક્ષ છે તો પર્યાવરણ છે.
અને પર્યાવરણ જેટલું શુદ્ધ રહેશે, એટલા જ હ્રદયના ધબકારા પણ સ્વસ્થ રહેશે.

અને પર્યાવરણ જેટલું શુદ્ધ રહેશે, એટલા જ હ્રદયના ધબકારા પણ સ્વસ્થ રહેશે.

પંખીની આવજાવ નથી, શું કરી શકું?
હું વૃક્ષ કે તળાવ નથી, શું કરી શકું?

હજી ભેટી રહ્યા છે સામસામે વૃક્ષ બે,
આ રસ્તો કેમ વચ્ચેથી ગયો કોને ખબર?

સાવ સુક્કા વૃક્ષને જીવી જવાનું મન થયું
બાળકે આવીને થડ પર પાંદડું દોર્યું હતું

બાંધીને હીંચકો બધે ઝૂલી શકો નહી
શાખા વગરનાં ઝાડને જોયાં નથી તમે

ફકત આ જ કારણ સલામત રહ્યું વૃક્ષ,
હું તૂટી ગયો, પાંદડું તોડવામાં.

છે શક્યતા કે ફરીથી એ વૃક્ષ લીલું થાય
એ વૃક્ષ નીચે ઊભા રહી રડી ગયું છે કોઈ

આંગણાનું એક અંતિમ ઝાડવું છે, જોઈ લો
ક્યાં સુધી ને કેટલું ખંખેરવું છે, જોઈ લો

ઝાડનાં ખોળામાં બેસી છાંયડા
સાંભળે સૂરજ વિષેની વારતા

પર્ણો નથી ને ઝાડ પર માળો નથી,
ક્યાં માનવીનો કાંકરીચાળો નથી ?

ગમે, જો બાલ્કનીમાંથી બગીચો દૂરનો દેખાય,
પરંતુ આંગણાના વૃક્ષની ડાળી કપાવીને? 

બે આંગણાં વચ્ચેનું અંતર આખરે ઓછું થયું,
દીવાલને તોડી ગયું છે ઝાડનું ઊગી જવું.

પડ્યો જ્યાં વ્હેમ કે પડશે તિરાડો મૂળ જો વધશે,
તરત દીવાલ પરથી વૃક્ષના ચિત્રો હટાવ્યા છે?

વ્હેતી હવાને આજ જે ઠેબે ચઢાવે છે
બીજા જનમમાં વૃક્ષનું એ પાન થાય તો

વૃક્ષ ઊગી પણ શકે અંધારનું
છાંયડાને દાટવો સારો નહી

તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયુ’તું
નગરપાલિકા ત્યાં બગીચો કરે છે.

માણસોએ વૃક્ષની હત્યા કરી છે
એટલે તો વાદળે વાંધો ઉઠાવ્યો.

~ ભાવિન ગોપાણી
સરસ પર્યોગ
વૃક્ષ વિશે આટલા ભાવપૂર્ણ અને કાવ્યતત્વથી સમૃદ્ધ શેર પહેલી વાર વાંચવા મળે છે. કવિને અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ.
સોળે સોળ શેર લાજવાબ…