ગોષ્ઠિ ~ (કાવ્ય) વિપિન પરીખ ~ આસ્વાદઃ હિતેન આનંદપરા
(કવિ પરિચય: વિપિન પરીખનો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૯૩૦ના દિવસે મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર ચિખલી (હાલ વલસાડ જિલ્લો, ગુજરાત) નો વતની હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો અને પ્લમ્બિંગના ધંધામાં તેમના પિતા સાથે જોડાયા. તેમણે જાતે જ જીવ-રસાયણ શાસ્ત્ર અને જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ૮ ઓક્ટોબર ૨૦૧૦ના દિવસે મુંબઈમાં તેઓનું અવસાન થયું.
વિપિન પરીખે પાછલી ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. તેઓ મુખ્યત્વે અછાંદસ કવિતાઓ લખતા હતા. અછાંદસના સાચા સ્વરૂપને સમજવાની ઈચ્છા ધરવતાં સૌએ વિપિન પરીખની કવિતાઓ એકવાર અવશ્ય વાંચવી જોઈએ. એક પણ શબ્દ વધારાનો નહિ અને વિષયોચિત કાવ્યત્ત્વ ક્યાંય ડચકાં ના લે, એ એમના કાવ્યોની ખાસિયત છે. એમની કવિતામાં સામાજિક ચિંતન પણ આધુનિક સંવેદનશીલતા બનીને વ્યક્ત થાય છે.
તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છેઃ “આશંકા (૧૯૭૫)”, “તલાશ (૧૯૮૦)” અને “કોફી હાઉસ (૧૯૯૮).”
“મારી, તમારી, આપણી વાત (૨૦૦૩)” એ તેમની સમગ્ર કવિતાઓના કાવ્યસંગ્રહ છે.
“આલિંગનને કાટ લાગે છે (૧૯૯૯)” અને “હું પાછો આવીશ ત્યારે (૨૦૧૧)” એ તેમના નિબંધ સંગ્રહો છે.
“શાંતિ પમાડે એને સંત કહીએ (૧૯૯૯)માં” તેમણે વિવિધ સંતોના ટૂંકા જીવનચરિત્રો આલેખ્યા હતા.
શ્રી વિપિન પરીખ પર “કવિ એની કવિતા “શ્રેણી અંતર્ગત કવિશ્રી સુરેશ દલાલે એક પુસ્તક તૈયાર કર્યું હતું.)
***
ગોષ્ઠિ
બે વૃક્ષ મળે ત્યારે
સોના અને રૂપાનું પ્રદર્શન નથી કરતાં
માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે
રેલવેના ટાઇમટેબલની ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે
સિદ્ધાંતોની ગરમાગરમ ચર્ચા નથી કરતાં
ફ્કત સુવાસોની આપલે કરે છે
બે તારા મળે ત્યારે
આંગળીના વેઢા પર
સ્કવૅર ફીટના સરવાળા-બાદબાકી નથી કરતા
અનંત આકાશમાં વિરાટ પગલાંની વાતો કરે છે.
~ વિપિન પરીખ
~ આસ્વાદ: હિતેન આનંદપરા
બે અજાણ્યા લોકો મળે ત્યારે વાત શું કરવી એ પેચીદો પ્રશ્ન હોય છે. બ્રેક થ્રૂ થતાં વાર લાગે.
એક રસપ્રદ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એક રૂમમાં એકબીજાથી અપરિચિત પુરુષોને ભેગા કરવામાં આવ્યા. બીજા રૂમમાં અપરિચિત સ્ત્રીઓને રાખવામાં આવી. પછી જોવામાં આવ્યું કે કેટલી વારમાં તેઓ અંદરઅંદર હળેમળે છે.
કહેવાની જરૂર નથી કે સ્ત્રીઓ દૂધમાં સાકર ઓગળે એટલી સહેલાઈથી વાતોમાં ભળી ગઈ. પુરુષોને વાર લાગી એટલું જ નહીં, ખુલીને તેઓ એકબીજાને મળ્યા પણ નહીં. પુરુષને પોતાપણું પૂરવાર કરવામાં રસ હોય છે, સ્ત્રીને પોતીકાપણું જન્મથી મળેલી દેણ છે.
કુદરતના સર્જનો જ્યારે એકબીજા સાથે વાત કરતા હોય ત્યારે એમાં એક ધન્યતા વર્તાય. તેમને પ્રદર્શનમાં નહીં દર્શનમાં વધારે રસ હોય છે.
બે વૃક્ષ મળે ત્યારે વસંત ને પાનખરની વાતો કરી જાણે. પોતાની પાસે કેટલાં પાંદડા છે, ફળ છે, ફૂલ છે એની બડાઈ કરવામાં તેમને રસ નથી હોતો. ભાર વધે તો પોતે જ જાતે ખેરવી નાંખે.
બે પંખીઓ મળે ત્યારે ટહુકાઓની આપલે થાય. એકબીજાની પાંખો મજામાં છે કે નહીં તેની પૃચ્છા થાય. સાંજના ચણની ફિકર જરૂર હોય, પણ ડર ન હોય. માળો બનાવવા સારી સળીઓ ક્યાં મળે છે એની ઈન્કવાયરી હોય, પણ ચોવટ ન હોય.
બે ફૂલ મળે ત્યારે બે સુવાસ એકમેકને ભેટતી હોય છે. બંનેની પાંદડીઓના રંગ ભલે જુદા હોય, પણ બંને એક જ સર્જકના સર્જન છે એનું ગૌરવ હોય. મને સવારે જેટલું ઝાકળ મળ્યું એટલું તને પણ મળે એવી શુભેચ્છા હોય. મારા કરતાં તારા પર વધારે પતંગિયા બેસે એની બેસ્ટ વિશિઝ હોય.
બે તારા મળે ત્યારે અનંત બ્રહ્માંડની વાતો છેડાય. સચરાચરમાં ફેલાતી ચેતનાની ચર્ચા થાય.
બે માણસ મળે ત્યારે?
કવિએ ઉલ્લેખ કર્યા વગર એવી સલૂકાઈથી ચાબખા માર્યા છે કે ઠંડો આઘાત લાગે. બે માણસ મળે ત્યારે શું લાભ થશે એની ગણતરીઓ રચાતી જાય. પ્રતિસ્પર્ધી હોય તો બેટમજીને કેમ સાણસામાં લેવો એની બાજી રમાતી હોય. વૅવલેન્થ ન મળતી હોય ત્યારે હવામાનથી વાત શરૂ થાય અને ત્યાં જ પૂરી જાય.
રોજિંદી સમસ્યાઓની રોકકળ, પાણીના પ્રોબ્લેમ, શેરમાં પૈસા ડૂબી ગયાનો વસવસો, શાકભાજીના વધતા ભાવ, ગેસના વિસ્તરતા ઘાવ, પ્રમોશન અટકી પડયાનો રંજ, ઑફિસમાં ચાલતા રાજકારણનો આતંક, નવું ઘર લેવામાં પડતી ઘટની ઘટમાળ, છોકરાવના ઍડમિશનનું ચક્કર, દીકરીને સારી જગ્યાએ પરણાવવાની ચિંતા… વગેરે અનેક અનેક મુશ્કેલીઓનું મહાભારત ખેલાતું હોય ત્યારે પ્રકૃતિની પારાયણ વળી કોણ માંડે?
આપણને પ્રકૃતિ કરતાં પ્રદર્શનમાં, સ્વીકારની બદલે અધિકારમાં, પ્રાપ્તિને બદલે પરિગ્રહમાં, પૃચ્છાની બદલે પંચાતમાં, સંતોષને બદલે સ્વાર્થમાં વધારે રસ છે. એટલે આપણે કુદરતનો અવાજ સાંભળી શકતા નથી. અહોભાવને બાદ કરતી આકાંક્ષાઓ માનવીને મૂળથી વિખૂટો પાડે છે.
***
1980 ની સાલમાં મને એક આકાશવાણી રેડિયો નાં રૂબરૂ ઇન્ટરવ્યુ માં પૂછેલું કે તમારો પ્રિય કાવ્ય સંગ્રહ
ક્યો?અને કેમ ?
ત્યારે મારો જવાબ શ્રી વિપિન પરીખ નો “આશંકા”
હતો.કેમ? અંગે વાત બહુ તેમના કાવ્યો સાથે , માન.વસુબેન અને પલાણ સાહેબ સમક્ષ લંબાણ પૂર્વક કરેલી .પણ આપણી વાત આપણને ટૂંકાણમાં કહેતો કવિ એ શ્રી વિપિન પરીખ.સલામ શ્રી હિતેન અનંદપરા જી ને, આ કવિનો સરસ સાક્ષાત્કાર કરાવ્યો.ધન્યવાદ.
વિપિન પરીખની સાથે કાવ્યગોષ્ઠીનો અનુભવ માણવા જેવો છે. કવિતા માસિકમાં તેમની કવિતાઓ વાંચીને મંત્રમુગ્ધ થઈ જતો. હિતેન આનંદપરાનો આસ્વાદલેખ પણ તેમની કાવ્યસૂઝનો પરિચાયક છે