મ્યુનિકની લટાર હજી ચાલુ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:41 ~ ઉત્કર્ષ મઝુમદાર
આગળ કહેલું તેમ અમે હોપ ઓન હોપ ઑફની બધી ટુર લીધેલી. બીજી ટુર નીમફેનબર્ગ / ઓલમ્પિયાની હતી. જૂના શહેરથી આ થોડો બહારનો વિસ્તાર હતો. બીએમડબલ્યુ આ વિસ્તારમાં આવ્યું હતું. બસમાં બહુ થોડા મુસાફરો હતા. તેમાં એક પંજાબી કુટુંબ પણ હતું. મને ટગરટગર જોઈ રહ્યા હતા.
હું સમજી ગયો કે તેઓ દ્વિધામાં છે કે ટીવી સીરિયલમાં આવતો કલાકાર જ છું કે ત્રાહિત વ્યક્તિ. મેં વળતું સ્મિત આપ્યું એટલે તેઓને હિંમત આવી ને પૂછી બેઠા કે હું ટીવી કલાકાર જ છું ને!
મેં હા પાડી એટલે ઉમંગથી ફોટાઓ પડાવ્યા પછી વાતચીત થઇ. શું શું જોયું. ઓક્ટોબરફેસ્ટ જઈ આવ્યા કે નહિ? આ પૂછ્યું ને એમના મોં પડી ગયા.
મેં પૂછ્યું “કયું ક્યા હુઆ” તો એમણે જણાવ્યું કે “કલ શામ કો હમ ગયે થે પર એક ભી ટેન્ટ મેં અંદર જગહ નહિ મિલી તો બીયર પીનેકા મૌકા નહિ મિલા. અબ આજ શામકો ફિર જાયેંગે.”
કેપ્ટને અમારા બધાની સામે અર્થપૂર્વક જોઈ લીધું. અમે પણ આંખોથી આભાર દર્શાવી દીધો કે સારું કર્યું તું સવારમાં જ લઇ ગયો નહીંતર આપણી દશા પણ આ લોકો જેવી થાત કે ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો.’
અમે એમને કહ્યું, “શામકો મત જાના ફિર કલ જૈસા હી હોગા. મુમકિન હો તો યે બસ ટુર કે બાદ તુરંત હી વહાં ચલે જાના વરના ફિર પછતાના પડેગા.”
“શુક્રિયા, શુક્રિયા, અચ્છા હુઆ આપને બતા દિયા.”
બસની કોમેન્ટ્રી શરુ થઇ ગઈ. “આ સામે જે દેખાય છે તે જ છે નીમફેનબર્ગ પેલેસ. બારોક શૈલીમાં બનેલો આ મહેલ એના બગીચા સાથે યુરોપનો મુખ્ય મહેલોમાંનો એક છે.

બાવેરિયાના શાસકોનું આ ઉનાળુ રહેઠાણ હતું. બાવેરિયાના ગાદી વારસ મેક્સમિલિઅનના જન્મની ખુશાલીમાં આ બંધાયો હતો. એના ખૂબસૂરત બગીચા ને અફલાતૂન મહેલને લીધે લોકોમાં આ પ્રખ્યાત થઇ ગયો.
અહીંના બધા જ રૂમ્સ જોવા મળતા નથી કારણ કે હાઉસ ઓફ વહીટલબાખના વર્તમાન વંશજ ફ્રાન્ઝ ડ્યૂક ઓફ બાવેરિયા અહીં રહે છે. કિંગ લુડવિંગ બીજો અહીં જન્મેલો એની અને બિસ્માર્ક વચ્ચેની એકમાત્ર બેઠક અહીં થયેલી જોકે તેમની મૈત્રી જીવન પર્યન્ત રહેલી.
ભૂતપૂર્વ રાજવી ઘોડારમાં ‘કેરેજ મ્યુઝિયમ’ આવેલું છે. અહીં ઘોડાગાડીના કોચીસનો જબરદસ્ત સંગ્રહ આવેલો છે.

1745માં રાજગાદીએ આવ્યા બાદ રાજ્યની કથળેલી આર્થિક પરિસ્થિતિ સુધારવા મેક્સમિલિઅન જોસેફ ત્રીજાએ ફેક્ટરીઓ સ્થાપી. એમાંની એક હતી નીમફેનબર્ગ પોર્સલીન ફેક્ટરી જે 1747માં સ્થપાઈ.
અહીં ઉત્તમ ગુણવત્તાવાળી પોર્સલીનનું ઉત્પાદન થતું હતું. આ ફેક્ટરી વિશ્વની પહેલી પોર્સલીન બનાવનાર કેકટરી હતી જ્યાં સમગ્ર કામ હાથો દ્વારા થતું હતું.
અહીં નીમફેનબર્ગ પોર્સલીન મ્યુઝિયમ પણ આવ્યું છે જેની ગાઇડેડ ટુર લેખિત પરવાનગી મેળવી લઇ શકાય છે.
સમયાભાવને કારણે અમે તો આ મહેલ અને એની સાથેના અન્ય મહેલની મુલાકાત ન લઇ શક્યા પણ આ જોવાની ભલામણ અવશ્ય કરું છું. કંઈ નહિ તો અમે જેમ હોપ ઓન હોપ ઑફ ટુર લીધી એ લઈને બહારથી તો આ ભવ્ય પરિસરનું સૌંદર્ય અવશ્ય માણી શકો. અહીંની વિશાળતા જ તમને અચંબિત કરી મુકશે.
આ મહેલની બાજુમાં જ આવેલો છે પચાસ એકરમાં ફેલાયેલું બોટનિકલ ગાર્ડન. મ્યુનિકનું પ્રથમ બોટનિકલ ગાર્ડન 1809માં બન્યું.

કાર્લ્સપ્લટઝમાં જે જૂનું બોટાનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે. આજે પણ તેના અવશેષો જોવા મળે છે.
આ પેલેસની બાજુમાં નવો બન્યો ને ખુલ્લું મુકાયું 10 મે 1914ના રોજ. આજે આ ગાર્ડનમાં 196000 જેટલા જુદા જુદા છોડવાઓ ઉછેરાય છે. ઉદ્દેશ છે લોકોને એના વિષે જાણકારી પ્રાપ્ત થાય ને અને કુદરત સાથે વધુ તાદાત્મ્ય કેળવે.
રમણીય પરિસર ઊભું થયું છે. અહીં એક કાફે પણ છે જ્યાં ભોજન, શરાબ અને ઉત્તમ આઈસ્ક્રીમ મળે છે. વરસાદી મોસમમાં પણ આ બગીચાની મુલાકાત અનેરી મઝા અર્પે છે.
મહેલની નજીક આવેલો છે ઓલમ્પિયા પાર્ક. 1972માં અહીં યોજાયેલ ઓલમ્પિક્સ વખતે આ બનેલો.

1930માં નાઝી પક્ષ મ્યુનિક ને ‘કેપિટલ ઓફ મૂવમેન્ટ’ બનાવવા માગતા હતા. આ વિસ્તારને તેઓ બજારમાં વિકસિત કરવા માગતા હતા જે બીજા વિશ્વયુદ્ધને કારણે સંભવ ન બન્યું ને આ વિસ્તાર પડતર બની ગયો.
1957ના ઓક્ટોબરમાં હંગેરિયામાં થયેલી ક્રાંતિને કારણે ત્યાંથી આવેલા શરણાર્થીઓને અહીં કેમ્પ ઊભો કરીને વસાવવામાં આવ્યા; તોય મોટા ભાગની જમીન ખાલી રહી હતી એટલે જયારે ઓલમ્પિક્સનું આયોજન થયું
ત્યારે સ્ટેડિયમ અને ઓલમ્પિક સંકુલ માટે આ જગા મોકાની સાબિત થઇ. આજે આ પાર્ક સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક ઉત્સવો માટેનું સ્થળ બની ગયું છે.
આ સમગ્ર વિસ્તારના ચાર ભાગ છે. પહેલામાં આવે છે ઓલમ્પિક એરિયા: ઓલમ્પિક રમતગમતને લગતી પ્રવૃતિઓ માટેનું. અહીં સ્ટેડિયમ અને ઓલમ્પિક હૉલ, ઓલમ્પિક ટાવર, એકવેટિક સેન્ટર અને ઇવેન્ટ હૉલ આવેલા છે. બીજા વિભાગમાં આવે છે બે ઓલમ્પિક વિલેજીસ – એક પુરુષ માટેનો અને બીજો મહિલા માટેનો.

ત્રીજો વિભાગ ઓલમ્પિક શોપિંગ સેન્ટર અને ચોથો ઓલમ્પિક પાર્ક જેમાં ઓલમ્પિક હિલ અને લેકનો સમાવેશ થાય છે.
ફિલ્ડમાર્શલ ગેટથી ઑડિઓનપ્લાત્ઝપર તમે સીધેસીધા આગળ જાવ એટલે આવે વિક્ટરી ગેટ.

ફિલ્ડમાર્શલની જેમ આ પણ બાવેરિઅન લશ્કરના માનમાં લુડવિંગ પ્રથમે બંધાવેલો. આને માટેની પ્રેરણા રોમમાં આવેલા આર્ચ ઓફ કોન્સ્ટેન્ટિન પરથી લેવામાં આવેલી.
ત્રણ દરવાજાવાળા આ વિક્ટરી ગેટની છેક ઉપર છે બાવેરિયાનું શિલ્પ જેમાં એ ચાર સિંહોને દોરે છે. સામાન્ય રીતે ઘોડાઓને દોરતું/હાંકતું હોય એવું શિલ્પ હોય પણ સિંહ બાવેરિઅન રાજકુળનું કુળચિહ્ન્ હોવાથી સિંહો લેવામાં આવ્યા.
બીજા વિશ્વયુદ્ધ પછી આને તોડી પાડવાનો વિચાર આવેલો કારણ બોમ્બમારાથી ખાસું નુકસાન થયેલું પણ પછી એ વિચાર માંડી વાળી એનો પુનરોદ્ધાર કરાયો. જોકે એની પાછળના ભાગમાં લખવામાં આવ્યું શાંતિનું પ્રતીક.
અમારી બધી હોપ ઓન હોપ ઓફ ટુર પતી ગઈ. ચાલીને અમારે જે જગ્યાઓએ જવું હતું એ પણ જોઈ લીધી. હવે તરસ બૂઝાવાની હતી. એને માટે અમે ગયા હોફબ્રાઉહાઉસ. ચતુર સુજાણ સમજી ગયા હશે અમે શેની વાત કરી રહ્યા છીએ.
આ જૂનામાં જૂનો બીયર હૉલ છે. અહીંયા પણ એક નિયમ છે. તમને બેસવાની જગા મળે તો જ બીયર અપાય.
આ બીયર હૉલ 1589માં અસ્તિત્વમાં આવ્યો. બાવેરિઅન ડ્યુક મેક્સમિલિઅન પહેલાએ રાજ્યની હોફબ્રાઉહાઉસ બ્રુઅરીના વિસ્તરણ રૂપે આ ઊભું કર્યું. રાજ્યે આ શું કામ કર્યું તેની પણ દિલચસ્પ ગાથા છે.
વિલિયમ ડ્યુક ઓફ બાવેરિયાને મ્યુનિકનો બીયર ગુણવત્તામાં એટલો હલકો લાગ્યો કે એ નારાજ થઇ ગયો અને સેક્સઓની પ્રાંતમાંથી બીયર મંગાવા લાગ્યા અને એના રાજદરબારમાં આ બાબતનો ઉકેલ લાવવા કહ્યું. આમ 1589માં આ સ્થાનિક બ્રુઅરી સ્થપાઈ.
આ મકાનમાં બીયર હોલ ઉપરાંત બોલરૂમ છે બિરગાર્ડન છે અને અહીં બાવેરિઅન ક્યુઝિન મળે છે.
ઓક્ટોબરફેસ્ટ પછીનું આ મ્યુનિકનું સૌથી વધુ લોકપ્રિય આકર્ષણ છે. સ્થાનિક લોકો પણ અહીં ખાસ આવે છે એમના કેટલાક તો અહીં આવેલા નાના નાના લોકર્સમાં પોતાના અંગત બીયર ગ્લાસીસ પણ રાખે છે.
છે ને શોખીન પ્રજા. રોજિંદા કલાકોમાં અહીં બાવેરિઅન સંગીત વગાડવામાં આવે છે.

મહાન સંગીતકાર મોઝાર્ટ અહીંથી નજીક જ રહેતો હતો અને એણે એની એક કવિતામાં કહ્યું છે કે એને એનો એક ઓપેરા ‘ઇડોમેનીઓ’ લખવાની પ્રેરણા અહીંની વારંવારની મુલાકાત પછી મળેલી.

ઓગણીસમી સદીમાં ઘણીબધી બ્રુઅરીસે પોતાના મોટા બીયર હોલ બનાવેલા ને અહીં લગ્ન માટેના, મનોરંજન માટેના કેન્દ્રો ઉભા કરેલા. પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા રશિયન ક્રાંતિનો જનક લેનિન જે અહીં રહેલો તેણે પણ અસંખ્ય વાર આની મુલાકાત લીધેલી.

1919 માં મ્યુનિક કોમ્યુનિસ્ટ સરકારે પોતાનું કાર્યાલય અહીં ઊભું કર્યું હતું. 1920માં હિટલર અને તેની નેશનલ સોસિયાલિસ્ટે એમની પહેલી બેઠક ત્રીજે માળે આવેલા ફેસ્ટિવલરૂમમાં રાખેલી.
25મી ફેબ્રુઆરી 1920ના રોજ પોતાની નાઝી પાર્ટીનો 25 મુદ્દાનો કાર્યક્રમ અહીં બીયર હોલમાં રજુ કરેલો. ચોથી નવેમ્બર 1921ના રોજ નાઝીનું એસએ નામનું એક ભય પમાડનારું સંગઠન પણ અહિયાંથી ઉદ્ભવ્યું.
![]()
અહીં મોટી સભા ભરાયેલી ને પછી કમ્યુનિસ્ટ સાથે થયેલા છમકલામાં જબરી તોડફોડ થયેલી.
અન્ય વીઆઈપી મુલાકાતીઓમાં લુઇ આર્મસ્ટ્રોંગ, ગોર્બાચેવ, અમેરિકન પ્રમુખ કેનેડી અને જ્યોર્જ બુશનો પણ સમાવેશ થાય છે.
ઓક્ટોબર ફેસ્ટને લીધે અમને સાંજે પણ જગા મળી ગઈ જોકે પાંચ મિનિટ રાહ જોવી પડી નહીંતર વિલે મોઢે પાછા જવું પડત.
એક વિશાળ હૉલ હતો અને તેમાં લાંબા ટેબલ અને બેંચીસ ગોઠવાયેલી હતી. અમારી બાજુમાં બે જોરાવર ને હસમુખ રશિયન્સ બેઠા હતા. અમારો વેઈટર રમુજી ને મશ્કરો હતો. અહીં પણ બીયર માસમાં એટલે કે એક લિટરના મોટા જગમાં મળતો હતો.
અહીં અમે અમારું મોડું બપોરનું ભોજન લીધું. લાઈવ બેન્ડ મધુર સંગીત પીરસી રહ્યું હતું એટલે માહોલ ઔર જામ્યો હતો. ચારે બાજુ ઘોંઘાટ, હસવાના અવાજો આવી રહ્યા હતા.
વાતાવરણમાં મસ્તી વર્તાઈ રહી હતી. આજ બ્રુઅરીનો બીયર અમે ઓક્ટોબરફેસ્ટમાં એમના ટેન્ટમાં પીધો હતો. ચાલવાનો બધો થાક ઉતરી ગયો હતો.
એક વાત અહીં જોઈ, જર્મનીમાં લોકો બીયર પાણીની માફક પીએ છે ને પાણી ઓછું પીએ. મેં ભાગ્યે જ કોઈ વ્યક્તિને હાર્ડ લીકર પીતા જોઈ. જ્યાં જ્યાં જાવ ત્યાં બીયર વહેતો હતો.

અમે ઉબર કરીને ઉતારે પાછા ફર્યા. રાતના ભોજન માટે રેસ્ટોરંટમાંથી ખાવાનું બંધાવી લઇ આવ્યા ને ખાઈ કરીને જે સૂતા તે વહેલી પડે સવાર.
(ક્રમશ:)
ઘણો રસપ્રદ અહેવાલ.