ગઝલસંગ્રહ: ‘વાદળો વચ્ચે સૂર્યોદય’ ~ કવિ: સુનીલ શાહ ~ અવલોકન-આસ્વાદ: સૂરજ કુરિયા

બ્લોગ આયોજિત ગઝલ શિબિરમાં માનદ સહાયક તરીકે સેવા આપનાર સુરતના શાયર સુનીલ શાહનો ગઝલસંગ્રહ ‘વાદળો વચ્ચે સૂર્યોદય’ ચૂંટેલા શિબિરાર્થીઓને ભેટમાં આપ્યો. તેનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો છે.

2022થી ગઝલ શિબિરના ગ્રુપમાં સંકળાયેલા સૂરજ કુરિયાએ ગઝલસંગ્રહ મળ્યાના થોડા સમયમાં, નિરાંતે વાંચીને અભિપ્રાય લખ્યો છે એનો આનંદ છે.

‘વાદળો વચ્ચે સૂર્યોદય’
~ કવિ: સુનીલ શાહ
~ અવલોકન-આસ્વાદ: સૂરજ કુરિયા

આપણું આંગણું – ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ તરફથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સારા પ્રયત્નો થઈ રહ્યા છે. બ્લોગ દ્વારા ગુજરાતી સાહિત્યના રસિક મિત્રો માટે વિવિધ શિબિર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમ ફક્ત શિબિર સમયગાળા પૂરતો મર્યાદિત ન રાખીને શિબિરાર્થીને લાંબા સમય સુધી માર્ગદર્શન આપવામાં આવે એ સરાહનીય કદમ છે. શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરવા એમની રચનાઓ બ્લોગની વેબસાઈટ તથા કલમમાં પ્રકાશિત કરવામાં આવે છે.

એથી પણ એક પગલું આગળ વધી બ્લોગ દ્વારા શિબિરના જ એક માર્ગદર્શક કવિશ્રી સુનીલ શાહનો ગઝલસંગ્રહ ‘વાદળો વચ્ચે સૂર્યોદય’ શિબિરાર્થીને સપ્રેમ ભેટ આપવામાં આવ્યો. બ્લોગનું આ કદમ ખરેખર શિબિરાર્થીઓ માટે દીર્ઘદર્શી છે.

નવોદિત કવિઓ ગઝલ લખવાની સાથે અન્યની ગઝલને વાંચે તથા એને ઝીણવટથી સમજે એ ખૂબ જ જરૂરી છે.

કવિશ્રી સુનીલ શાહનો બીજો ગઝલસંગ્રહ ‘વાદળો વચ્ચે સૂર્યોદય’ વાંચીને એના વિશે મારો અભિપ્રાય વિનયપૂર્વક આપની સામે રજુ કરું છું.

કવિ સાથે સીધો પરિચય નથી પરંતુ માર્ગદર્શક તરીકે ગ્રુપમાં જેટલો સંવાદ થયો એ પરથી અને પ્રસ્તાવનામાં દર્શાવ્યા પ્રમાણે તેમનું વ્યક્તિત્વ નમ્ર, લો પ્રોફાઈલ, સૌમ્ય, ચિંતનશીલ, હકારાત્મક, પ્રયત્નજીવી (ભાગ્ય કરતા પ્રયત્નમાં માનનાર), વ્યવહારદક્ષ, અભ્યાસુ અને જિજ્ઞાસુ જણાય છે.

આ તમામ ગુણો એમની ગઝલો ઉભરી આવે છે. આથી જ કદાચ પ્રસ્તાવનામાં ડૉ. રઈશ મનીઆર સરે એમની કવિતાને સૌમ્યતાની ભવ્યતા તરીકે ઓળખાવી છે.

મારી આદત પ્રમાણે ગઝલનું પુસ્તક વાંચતી વખતે જે શેર ગમે એ ટાંકી લઉં. આ ગઝલસંગ્રહમાં પણ એવા ઘણા શેર મળ્યા. અમુક શેર વિષે વાત કરવી છે અને બાકીના એમના એમ જ મૂકું છું. તો ચાલો, વાદળો વચ્ચે જઈને સૂર્યોદયને નિહાળીએ.

કવિશ્રી પોતે બુદ્ધ ન હોવાની સત્યતાનો સવિનય સ્વીકાર કરીને જીવનમાં લાગણીનું જે સરોવર સાંપડ્યું છે એને જીવવામાં જ જીવનની સાચી સાર્થકતા સમજે છે. કવિ પોતાના બૌદ્ધિક સ્તરની વાત એમની ગઝલોમાં વારંવાર કરે છે.

પ્રખ્યાત હાસ્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ પોતાની સફળતા વિષે કહે છે કે ‘મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુમ્બ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જવું અને રજુ કરવું એ એમનો મંત્ર હતો’ અને જયારે એ ન થાય ત્યારે ‘સ્ટેજથી નીચે ઉતરી જવું પણ સ્તરથી નીચે ન જવું’.

અહીં કવિ કોઈને પણ ઝૂકીને પોતે જાળવેલા સ્તરથી નીચે ઉતરી ખુદનું અપમાન કરવા ઈચ્છતા નથી. અન્ય એક શેરમાં કહે છે કે મારા બૌદ્ધિક સ્તરની વાતો ન હોવાને કારણે ઘણા લોકો સાથે ફાવ્યું નથી. દેખીતા ફાયદા માટે પણ કવિ પોતાના સ્તર સાથે કોઈ બાંધછોડ કરવા રાજી નથી. એ વિષયના ત્રણ શેર જોઈએ:

મળ્યું છે લાગણીનું નોખું જે સરવર, ત્યજી દઈએ?
અમે સિદ્ધાર્થ ક્યાં છીએ કે, એવું ઘર ત્યજી દઈએ!
*
ઘણાને દઈને હડસેલો તમે ઊંચે ગયા છો, દોસ્ત,
અમે તમને ઝૂકીને શું અમારું સ્તર ત્યજી દઈએ?
*
ન ફાવ્યું ઘણા સાથે એ કારણે કે-
નહીં સંભળાઈ મને સ્તરની વાતો.

એક ગઝલના આ ચાર શેર જુઓ. યથાર્થનો સ્વીકાર, વિપરીતનો સ્વીકાર, સમાજનો સ્વીકાર અને સમષ્ટિનો સ્વીકાર એમ તમામ સ્તરના સ્વીકારને એક જ ગઝલમાં કવિએ વણી લીધા છે.

એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.

એવું નહીં, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.

એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.

એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સહેજ જગા એની છોડીને આગળ જઈએ.

પ્રથમ શેર વાસ્તવિકતાનો સ્વીકાર દર્શાવે છે. આગળ વધવા માટે ફક્ત આંધળી દોડ જરૂરી નથી. એના માટે વિરામ પણ એટલો જ મહત્વનો છે.

બીજો શેર વિપરીત સંજોગોનો સહજ સ્વીકાર દર્શાવે છે. અનુકૂળ સંજોગોમાં તો સૌ હોંશેહોંશે આગળ વધે પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવાથી મોટાભાગની સમસ્યા ત્યાં જ ઉકેલાઈ જાય છે.

ત્રીજો શેર સહકારિતાનો છે. સૌને સાથે લઈને ચાલવાની માનસિકતાનો છે. પણ કવિએ એને કોઈ પ્રકારની અપેક્ષા વગર પોતાની ફરજ પૂરતો સીમિત રાખ્યો છે. અહીં ‘હા અને ના’ બંને પ્રકારના રિસ્પોન્સના સહજ સ્વીકારની વાત છે.

ચોથો શેર સંપૂર્ણ સમષ્ટિના સ્વીકાર વિષે છે. અહીં આ જગતમાં કોઈની માલિકી નથી. તમામ જીવ/નિર્જીવને પોતાની રીતે વિકસવાનો સંપૂર્ણ અબાધિત અધિકાર છે. આપણી કોઈપણ પ્રકારની દખલગીરીની એને આવશ્યકતા નથી.

ઝાંઝવા કે મૃગજળ વિષે આપણે ઘણા બધા શેર સાંભળ્યા હશે. પણ આ શેર જુઓ. આ શેરની ખાસિયત એ છે કે ઝાંઝવા પોતે જ પોતાની ભ્રામકતા દૂર કરે છે. ભ્રમ પોતે જ પોતાના વિષેનો ભ્રમ દૂર એ કેવી સુંદર કલ્પના!! આ તો એવું થયું કે જગત માનવીને કહે કે હું મિથ્યા છું મને ભોગવવામાં સમય બરબાદ ન કરીશ તો કેવું??

સ્વપ્ન એવું ના જુઓ, કયારેય ના સાકાર થાય,
કોઈ તરસ્યા આદમીને ઝાંઝવા એ કહી ગયા.

ઓશો રજનીશ એવું કહેતા કે જયારે કોઈ વાક્ય મારા મુખમાંથી નીકળે છે ત્યાર પછી એ વાક્યના અનેક અર્થો થઈ જાય છે. જેટલા લોકો એ વાક્યને સાંભળે એટલા જુદા જુદા અર્થ થશે.

દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ ઘટનાને જુએ છે. એક જ દ્રશ્યને, એક જ સમયે, એક જ સ્થળેથી જોનાર વ્યક્તિ પણ એને અલગ અલગ રીતે વર્ણવે છે.

નીચેના શેરમાં કવિ ‘દ્રશ્ય એક; દર્શન અનેક’ની વાસ્તવિકતાને સચોટ રીતે રજુ કરે છે. આ જ રીતે કવિએ વ્યક્તિની પરિસ્થિતિ બદલાતા પણ એના ‘વાણી-વર્તનમાં પરિવર્તન’ની ઘટનાને સુપેરે રજુ કરી છે. આ બે શેર જુઓ:

મેં જે જોયું, એણે જોયું, બંનેનું દર્શન નોખું છે;
દૃશ્ય હતું એક જ; પણ સૌના ભીતરનું ચિંતન નોખું છે.
*
ખીણ સમી અંધારી ગઈ કાલે, વાણીમાં પ્રેમ હતો; પણ,
આજે એ ટોચે બેઠા છે, તો એનું વર્તન નોખું છે.

શ્રી અમૃતલાલ વેગડને નર્મદા પરિક્રમા દરમિયાન એક સાધુ એ પૂછ્યું બતાવ કે સ્વાદ શેમાં છે? જીભમાં કે ગુલાબજાંબુમાં?

સાધુ એ જ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે જો સ્વાદ જીભમાં હોય તો દરેક ચીજ ગુલાબજાંબુ લાગે અને જો સ્વાદ ગુલાબજાંબુમાં હોય તો એને ખાધા વગર પણ એનો સ્વાદ આવે અને પછી કહ્યું કે ખરો સ્વાદ બંનેના મિલનમાં છે. એમ જીવન ફક્ત શરીરમાં કે આત્મામાં નથી પરંતુ બંનેના મિલનમાં છે.

આ જ તાત્વિક અર્થમાં નીચેનો શેર જોઈએ તો જીત એ ફક્ત સારી નસલના ઘોડામાં કે ફક્ત અસવારમાં નથી પરંતુ વીર અસવાર અને ઉમદા નસલના ઘોડાના મિલનમાં છે. કેટલી સુંદર અભિવ્યક્તિ!!!

અસવાર વીર હો, એ જરૂરી છે જીતવા,
ઉમદા નસલના એકલા ઘોડામાં કંઈ નથી.

કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર તેમજ જે મળે તેમાં સંતોષ રાખી જીવન જીવતા માણસને આપણે સાધુ, સંત, સંન્યાસીનો દરજ્જો આપીએ છે.

કવિ નીચેના શેરમાં ગીતાના यदृच्छालाभसंतुष्टो કે आत्मयेवात्मना तुष्टः વચન મુજબનો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ખરેખર જગમાં હશે કે કેમ એવી શક્યતા અંગે કોઈપણ પ્રકારના ગહન ગૂઢાર્થ વગર સરળ શબ્દોમાં સાહજિક સવાલ કરે છે.

હોય ખરો શું જગમાં એવો માણસ? જેને-
આ પણ અથવા તે પણ અથવા ચાલે કંઈપણ?

જે મળ્યું એને મન પૂરું માણે નહીં,
ના મળ્યું એ તરફ રોજ ખેંચાય છે.

આગળ કહ્યું એમ કવિ નમ્ર, લો પ્રોફાઈલ અને સૌમ્ય સ્વભાવના છે. એમનો એ સ્વભાવ શેરના મિજાજમાં જોવા મળે છે. જોઈએ કેટલાક શેર:

એટલે ભપકા વગર જે છીએ એ દેખાઈએ,
આયનાની ધન્યતા લઈને અમે ઊભા છીએ.
*
પાસ આવે તો હૃદય ખોલીને દઈશું છાંયડો,
વૃક્ષ જેવી સૌમ્યતા લઈને અમે ઊભા છીએ.
*
મૌન થઈને કામ કરતો રહું સતત,
પાંચ વચ્ચે મારે પૂછાવું નથી.
*
એટલે તો બહુ વધારે યશ હજી પામ્યો નથી,
ક્યાંય ફેલાઈ જવાનો શોખ મેં રાખ્યો નથી.

કવિ પોતે વિજ્ઞાનના શિક્ષક હોઇ પ્રયોગમાં માને છે. સાહિત્યની ભાષામાં પ્રયોગ એટલે પ્રયત્ન, પ્રયાસ, અવકાશ, તક, મોકો, કોશિશ વગેરે વગેરે.. ભાગ્ય કરતા પ્રયત્નમાં વધુ માનનાર વ્યક્તિને પ્રયત્નજીવી કહેવાનું મન થાય.

આવો જ પ્રયત્નજીવી માંહ્યલો ધરાવતા કવિ આ વિષયમાં કેટલાક સુંદર શેર રજૂ કરે છે.

કેટલો સુંદર સરળ મોકો હતો, જોયો જ નહીં,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહીં.
*
ભાગ્યમાં મારા ભલે અડધો ભરેલો જગ મળે,
શી ફિકર છે? મારી ભીતર કોશિશોના ઢગ મળે.
*
હું ધરાનો માનવી છું, પાંખ લઈને શું કરું?
અડચણો વીંધીને ચાલે બસ મને એ પગ મળે.
*
કદાચ નાટક કશેક અટકે તો માર્ગ જાતે જ કાઢવાનો,
તમે જુઓ કેમ રાહ એવી, બચાવવા સૂત્રધાર આવે?
*
તે પછી પહોંચી શકાશે તટ સુધી,
મન મનાવી રાખજે છેવટ સુધી.
*
જે કદી દુર્ભાગ્યથી ડરતા નથી,
કોઈને ક્યારેય કરગરતા નથી.

ધાર્મિકતા અને ધર્માંધતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. આ ભેદરેખાનો ફાયદો ઉઠાવી કેટલાક અસામાજિક તત્ત્વો સમાજમાં અંધાધૂંધી ફેલાવવાનું કાર્ય કરતાં હોય છે. દરેક કવિ આ વિષયને પોતાની સમજ પ્રમાણે સંબોધતો હોય છે.

માણસ જ્યારે વ્યક્ત થાય ત્યારે તેને વ્યક્તિ કહેવાય છે. ટોળાંને પોતાનું કોઈ વ્યક્તિત્વ નથી. એ તો ફક્ત કોઈના દોરીસંચાર મુજબ વર્તે છે. નીચેના શેરમાં કવિ આ વાત અસરકારક રીતે રજૂ કરી છે.

ટોળું બોલ્યું, ‘ધર્મ ભયમાં છે’ અને દોડયા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહીં.

રોજ જિર્ણોધ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહીં.
*
મને સમજાવ ઈશ્વર, કેમ ટોળું થઈ ગયો માણસ?
છે લોહી સરખું તો શાને ધજાનો રંગ જુદો છે?
*
બીક છે, આગળ જતાં ટોળું થશે,
કાફલામાં એથી જોડાવું નથી.

કવિની પ્રકૃતિ સત્યભાષી, સ્પષ્ટ વક્તા, યથાર્થવાદી, સ્વત્વવાદી હશે એવું એમના નીચેના કેટલાક શેર પરથી જણાઈ આવે છે. આજે ભવ્યતાના મોહમાં સત્યને અને અફવાની બજારમાં તથ્યને પસંદ કરવાવાળા જૂજ લોકો મળી આવે છે.

જેણે સત્યને પસંદ કર્યું છે એ પછી કોઈનો ઝંડો લઈ ચાલી શકે નહીં. ના તો કોઈ સંકુચિત મતને વળગીને જીવન વિતાવી શકે, પણ અહી કવિ અસંમત મતનો પણ સહજતાથી સ્વીકાર કરે છે.

કદાચ આપણને એવો પ્રશ્ન થાય છે સત્ય વિષે ચાર-પાંચ શેર લખવાથી કોઈ સત્યના સાધક થોડાં સાબિત થઈ જાય? આ જ પ્રશ્નનો જાણે જવાબ આપતા હોય એમ કવિ આગળ કહે છે સત્યનો સાથ એક-બે પ્રસંગે ચાલે નહીં એના માટે સાતત્યતા જોઈએ. જોઈએ કેટલાક શેર:

એ ભલેને ભવ્યને નમતો રહ્યો,
હું તો કેવળ સત્યને નમતો રહ્યો.

રાજ અફવાનું હતું જ્યાં શહેરમાં,
એક માણસ તથ્યને નમતો રહ્યો.
*
એટલો હું સ્પષ્ટ છું જીવન વિશે,
કોઈ ખીલે મારે બંધાવું નથી.
*
મને સાચું લાગે જે, કહું શિર ઉઠાવી,
અસંમત મતોનેય વંદન કરું છું.
*
હંમેશ ચાલું છું હું, લઈ સત્યને જ સાથે,
અડચણ ભલે પડે પણ રસ્તો મને ગમે છે.

મારી જ ભીતરે રહી કાયમ મને જગાડે,
સમજણ ને સત્યનો એ કૂકડો મને ગમે છે.
*
એકાદ બે પ્રસંગે તું બોલે, એ ચાલે નહીં,
વ્યક્તિત્વ માટે સત્યનું સાતત્ય જોઈએ.

આજે સૌથી મુશ્કેલ કાર્ય જો કોઈ હોય તો એ સ્વની ઓળખ છે. બીજાને ઓળખવાનું તો દૂર, આપણે સ્વયંને જ ઓળખી શકતા નથી અથવા ઓળખવા માંગતા નથી. સ્વયંની સાચી ઓળખાણથી આપણા અહંકારનો ફુગ્ગો ફૂટી જાય છે. એટલે સતત આપણે કોઈને કોઈ વિશેષણની તલાશમાં રહીએ છીએ.

અંતે એટલા વિશેષણો સાથે લઈને ચાલીએ છીએ કે હું સ્વયં કોણ છું એનું ભાન રહેતું નથી. આ વિશેષણો એ બીજું કશું નહીં પણ વસ્ત્ર પરના થીંગડાં જ છે. પછી એમાં મૂળ વસ્ત્ર કયાં છે એ શોધવું મુશ્કેલ થઈ જાય છે. આ એક વાતને બે અલગ અલગ શેરમાં કવિએ સુંદર રીતે અભિવ્યક્ત કરી છે.

કોણ છું હું; પ્રશ્ન ખુદને એટલે પૂછું સતત કે,
હું વિશેષણની સતત ભરમારની વચ્ચે ઊભો છું.
*
વસ્ત્ર પર થીંગડાં એટલાં થઈ ગયાં,
લે, હવે ક્યાં અસલ પોત પરખાય છે!

ઋતુઓમાં પાનખર અને વસંત એ કવિઓના મનગમતા વિષય રહ્યા છે. પાનખરને સર્જન અને સ્વીકારની ઘટના સાથે સાંકળીને કવિએ શેરમાં અદ્ભૂત સૌંદર્ય ઊભું કર્યું છે. વસંતનો ચરખો એ જ ખૂબ સુંદર કલ્પન છે અને સુંદર કલ્પનથી રંગીન સૃષ્ટિ બને એમાં નવાઈ જ શી?

એ અંતની નહીં, નવા સર્જનની ઘટના છે;
એથી જ પાનખરની ઉપેક્ષા નહીં કરું.
*
ગુમાવ્યાનો સહજ સ્વીકાર જીવનમાં જરૂરી છે,
ખરે છે પાન, પણ ક્યારેય ડાળી કરગરી ક્યાં છે?
*
રંગીન વસ્ત્રો સૃષ્ટિને કઈ રીતથી મળ્યાં,
એ જાણવા જ જોવાં છે ચરખા વસંતના.

અને અંતે ગઝલસંગ્રહના કેટલાક છૂટા શેર:

ઈશ્વર એ કામ તારું છે, બસ તું જ કરજે એ;
ક્યારેય કોઈનીયે પરીક્ષા નહીં કરું.
*
પછી માપ બાબતની પીડા નહીં રહે,
તમે સાંભળો, સમજો ચાદરની વાતો.
*
ઘણું કહેવું છે એને સ્કૂલેથી આવી,
છતાં સાંભળે કોણ દફતરની વાતો?
*
છે ઝરણથી ધોધની યાત્રા, અને-
તું કહે છે મારે બદલાવું નથી.
*
જ્યોત પોતાનીય બુઝાઈ ગઈ,
એક દીવો બીજા દીવામાં પડયો.
*
સર્જનની ચાહ છે તો વિસર્જન જરૂરી છે,
જર્જર ન થાય અસ્ત તો નૂતન ઉદય નથી.

કવિશ્રી સુનીલ શાહને એમના બીજા ગઝલસંગ્રહ “વાદળો વચ્ચે સૂર્યોદય” માટે ખૂબ ખૂબ અભિનંદન

– સૂરજ કુરિયા

Leave a Reply to ડૉ. સૂરજ કુરિયાCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

9 Comments

  1. સરસ ગઝલ સંગ્રહ નો, એટલો જ ઉત્તમ આસ્વાદ

  2. ગઝલ સંગ્રહ વિશેનો આ આસ્વાદલેખ પણ સુઘડ સરસ અને સમૃદ્ધ છે.

  3. મારા ગઝલસંગ્રહના સુંદર આસ્વાદ બદલ સૂરજભાઈ તથા “આપણું આંગણું”નો દિલથી આભારી છું.

    1. આટલો સુંદર ગઝલસંગ્રહ આપવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  4. “મેં જે જોયું, એણે જોયું, બંનેનું દર્શન નોખું છે;
    દૃશ્ય હતું એક જ; પણ સૌના ભીતરનું ચિંતન નોખું છે.” અને બીજી રચનાઓ સરસ. છે.
    સરયૂ પરીખ.

  5. કવિ શ્રી સુનીલભાઈને મળ્યા વગર એમનો સાચો અને સ્પષ્ટ પરિચય આપ્યો છે. પ્રથમ શિબિરના વિદ્યાર્થી તરીકે હું તમારી બધીજ વાતો જોડે સહમત છું. શિબિરને કારણે ઘણું શીખવા અને જાણવા મળ્યું અને હજુ શીખી રહ્યા છે.

    કવિ શ્રી સુનીલભાઈ અને કવિ શ્રી સૂરજભાઈને ખૂબ ખૂબ અભિનંદન!

  6. સુંદર અવલોકન અભિનંદન સૂરજભાઈ અને સુનીલભાઈ બંનેને.