|

વિશ્વ સંગીત દિવસે નવાં મ્યુઝિક આલબમની પ્રસ્તુતિ | “મળીએ તો કેવું સારું” | ગીત-૧ (છમાંથી)

વિશ્વ સંગીત દિવસને અનુલક્ષીને નવું મ્યુઝિક આલબમ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આ આલબમમાં જયશ્રી વિનુ મરચંટ રચિત ૬ ગીત-ગઝલનો સમાવેશ કરવામાં આવ્યો છે. છમાંથી પાંચ ગીતનું સ્વરાંકન અસીમ મહેતાએ અને એક ગીતનું સ્વરાંકન માધ્વી મહેતાએ કર્યું છે.

આ સંગીત બેલડીની સાથે વિવિધ ગીતમાં કંઠ આપ્યો છે બ્લોગના સંનિષ્ઠ કર્મી હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, નવ્ય પ્રતિભા પ્રિયા શાહ તથા સૂરીલા યુગલ – અચલ અને આણલ અંજારિયાએ.

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા આ સૌ કલાકારોએ કાવ્યસંગીતની મશાલ ઝળહળતી રાખવામાં સતત યોગદાન આપ્યું છે.

આ આલબમનાં ચાર ગીતોનું સંગીત નિયોજન કર્યું છે સુગમ સંગીતને હેમાશિષથી સમૃદ્ધ કરનાર દેસાઈ પરિવારના વારસ અને સર્વપ્રિય આલાપ દેસાઈએ. વર્ષ ૨૦૨૨માં રજૂ કરેલું આલબમ “વાત તારી ને મારી છે” પણ આલાપની અમાપ પ્રતિભાથી લાભાન્વિત થયું હતું.

આપણું આંગણું બ્લોગની પરંપરા મુજબ નીવડેલા ક્લાકારો સાથે અન્ય પ્રતિભાવંત કલાકારોનો પરિચય વાચકો – શ્રોતાઓને થાય એવા પ્રયાસો સતત કરવામાં આવે છે. બ્લોગની ગઝલ અને ગીત શિબિરમાં ભાગ લેનાર ગાયક-સ્વરકાર રાઘવ દવે બે ગીતોનું સંગીત નિયોજન કરીને આ પ્રવૃત્તિમાં જોડાયા છે તેનો આનંદ છે.

દર અઠવાડિયે (શનિવારે) આલબમમાંથી એક-એક ગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. આમ કુલ છ ગીતની પ્રસ્તુતિ થશે.

સુગમ સંગીતના ઓસરતા ઓજસમાં એક નાના દીવાનો ઉજાસ આપના પ્રતિસાદની રાહ જોશે.

વિશ્વ સંગીત દિવસે નવા આલબમની પ્રસ્તુતિ | “ મળીએ તો કેવું સારું”

ગીત-1:
એકમેકને ચાલ હવે તો ફૂલ દઈને મળીએ

~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~
કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~
સ્વરકાર-સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: આણલ અંજારિયા

Lyrics:
એકમેકને ચાલ હવે તો
ફૂલ દઈને મળીએ
એકમેકની સંગે
હળવાફૂલ થઈ ઝળહળિયે

કોણે જાણ્યો રાત પછીનો
તોર અહીં ઉષાનો?
આજે રાતે ભરવરસાદે
ચાલને સંગે પલળીએ

તારલા સંગે ગુલમ્હોરો
પછી દેશે આંખો મીંચી
ચાંદની પીતાંપીતાં સૂઈએ
સેજ ઢાળીને ફળિયે

કાલ હઈશું તું કે હું
વિખૂટા કે સંગાથે?
કાળના ફોડી પરપોટા
જઈએ સાગર તળિયે

એકમેકને ચાલ હવે તો
ફૂલ દઈને મળીએ…

(ક્રમશ:)

Leave a Reply to કમલેશ શુક્લCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. Very nice e song n compose too
    Like it please 🙏 With prem n om.
    Vineshchandra chhotai

  2. કાલ હઈશું તું કે હું
    વિખૂટા કે સંગાથે?
    કાળના ફોડી પરપોટા
    જઈએ સાગર તળિયે. સરસ રચના. સરયૂ પરીખ

  3. ખૂબ સરસ શબ્દો , સ્વર અને એટલું જ સરસ સ્વરાંકન.
    સવાર સુધરી ગઈ!