ગોઝારી વાવ (કાવ્ય)~ મનીષા જોષી ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગોઝારી વાવ – મનીષા જોષી
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.
આસ્વાદ: જયશ્રી વિનુ મરચંટ
દરેક કવિની એક Signature Style – આગવી શૈલી હોય છે પણ કોઈ એક એવી કવિતા હોય છે જે માત્ર કવિની આગવી શૈલી જ નહીં પણ, કવિની ઓળખ બની જાય છે. મનીષા જોષીની આ કવિતા પણ એમની એવી જ સશક્ત કૃતિ છે.
આ કવિતામાં મનીષા જોષી એક એવો અનોખો કાવ્યનો વિષય અને મનોવિજ્ઞાનનાં અનેક પાસાંઓને અભિવ્યક્ત કરતી એવી રચના લઈને આવ્યા છે કે કદાચ ગત કે આવનારી પેઢીમાં કદીયે એની Replica – પ્રતિકૃતિ બની હોય કે બનશે.
કવિતાનો ઉપાડ એક Assumption – સ્વીકૃત માન્યતા કે ગૃહિત સિદ્ધાંત સાથે થાય છે કે, વાચકને ખબર છે કે નાયિકા પ્રણયમાં નિષ્ફળ ગઈ છે અને એનો પ્રિયતમ એને નિર્દયતાથી છોડી ગયો છે.
ઘવાયેલી પ્રેમિકાનું દર્દ આ પ્રારંભની પંક્તિઓમાં Subtletyથી – મર્મજ્ઞતાથી કરે છે, એકવાર જે પોતાનો હતો એ પ્રેમી આજે “એ માણસ” બની ગયો છે.
“હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.”
પ્રેમિકાને એ વિચાર માત્રથી ઝીણી ટીસ – પીડાની પ્રબળ અનુભૂતિ થાય છે કે એને તજી જનારો, એનો પ્રેમી, એના પોતાના ઘરમાં સુખેથી જીવે છે!
આમાં હતાશા છે પણ અસહાયતા નથી. તો શું થઈ ગયું કે નાયિકા એને કોઈ દેખીતી રીતે નુકસાન નથી પહોંચાડી શકતી, એના મનોવિશ્વમાં તો એ મરી ચૂક્યો છે. પણ એક Nascent Feelings – અવિકસિત સંવેદનામાં એ પ્રેમી આવિર્ભાવ પામે છે.
એ જીવતા દગાખોર પ્રેમીને હજાર મોતે મારવાની, એક સપાટી પર ક્રૂર લાગે, પણ, અંદરથી તો લોહી નીંગળતી, વિભ્રમિત સ્થિતિમાં, નાયિકા, પોતાને ધોકો દઈ જનારાને કેવું મૃત્યુ આવે એની કલ્પના કરે છે. એટલું જ નહીં, પણ, એના ફરેબી પ્રેમીને મૃત્યુ આવે ત્યારે એ પોતે પણ ત્યાં કઈ રીતે હાજર હોય, એનું પણ એક Last Death Wish – મૃત્યુ પહેલાંની છેલ્લી ઈચ્છા હોય એવી રીતે વર્ણન કરે છે, હા, એ વાત અલગ છે કે આ છેલ્લી ઈચ્છા એના પ્રેમીનું મૃત્યુ ઈચ્છનારની છે!
એક પ્રકારે તો પ્રેમીના મરણના વિવિધ પ્રકારોની કલ્પના વ્યક્ત કરીને, પ્રેમીને ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે, નાયિકાએ હાજર કર્યો છે.
ગુજરાતી સાહિત્યનું મોખરાનું નામ, વિદ્વાન શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ કરેલા આ જ કાવ્યના આસ્વાદનો કેટલોક અંશ, (કોઈ શૃંખલા વિના, અત્યંત આદરપૂર્વક, એમનો આભાર માનીને) અહીં ટાંકવાનો મોહ હું જતો નથી કરી શકતી.
“આ રચના આમ તો અફલિત પ્રેમની છે,…. ઉપર ઉપરથી કેટલાકને એમ પણ લાગે કે આમાં કેટલો બધો પરપીડનનો (Agalomania) ભાવ છે!…… કદાચ, આગળ વધીને કેટલાક એમ પણ કહી શકે કે કોણે કહ્યું કે નારીઓ સુકુમાર હોય છે!… પણ, આખરે તો રચનામાં રહેલી હિંસા કે એમાં રહેલા પરપીડનમાંથી ઊઠતો ઉત્કટ પ્રેમનો ધ્વનિ જ આ કાવ્યને કાવ્ય બનાવે છે…..
અહીં હિંસા અને પ્રેમ એક જ સિક્કાની બે બાજુઓ જેમ રહ્યાં છે…. વક્રતા તો એવી છે કે પ્રેમીના મૃત્યુની જુદી જુદી કલ્પનાઓ કરે છે. આ સમજવા આપણે સાર્ત્ર પાસે જવું પડશે. સાર્ત્રે (**વીસમી સદીનો, વિખ્યાત ફ્રેંન્ચ મનોવૈજ્ઞાનિક) કલ્પના કરતું વ્યક્તિત્વ અને વાસ્તવિક વ્યક્તિત્વ – એમ બેનો ભેદ કર્યો છે.
સાર્ત્ર સમજાવે છે કે કોઈક પોતાના શત્રુને કલ્પનામાં લાવે, એના પર શારીરિક અત્યાચાર ગુજારે એ દરમિયાન કલ્પનામાં તો શત્રુ નિષ્ક્રિય અને અક્રિય રહેશે, ઈચ્છા મુજબ. અવાસ્તવિક કાલ્પનિક વ્યક્તિ, વસ્તુ બનીને બધું સહન કરે છે, પણ જેવી વાસ્તવિકતા હાજર થાય છે કે આક્રમકતા જતી રહે છે….
લોહીમાંસનો સાચુકલો માણસ પ્રત્યક્ષ હાજર થાય છે ત્યારે, કલ્પના ભાંગી પડે છે…. અહીં નાયિકાનું કલ્પના કરતું વ્યક્તિત્વ, પ્રેમીને વસ્તુ બનાવીને, એના પર ઈચ્છે એટલું ગુજારે છેઃ”
“રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.”
અહીં પ્રેમીને પાંચ પ્રકારના કાલ્પનિક મૃત્યુદંડ આપતી સમયે, નાયિકા એવું પ્રતીત કરાવવાની કોશિશ કરે છે કે એના છળ આચરનારા પ્રેમીના મૃતદેહને જોઈને, એની સ્વાભિવિકતાથી આચરાતી ક્રિયાઓમાં કોઈ ફરક નહીં પડે, અને એ પણ એ હદ સુધી કે ગોઝારી વાવના તળિયે એની લાશ પડી હોય અને એનું પાણી પોતે એકદમ જ સ્વસ્થતાથી પી શકશે!
અહીં એવું ફલિત થાય છે કે આવી કાલ્પનિક કે “આભાસી” હત્યાઓ દ્વારા, કોઈ પણ રીતે, નાયિકા “એક વસ્તુ” બની ગયેલા નિર્જીવ પ્રેમી પર મનોમન વિજય પામવાની ઠાલી કોશિશ કરે છે. આ સમયે વાચક સૂક્ષ્મ રૂપે નાયિકા સાથે અનાયસે જોડાઈ જાય છે અને વાચકના મનમાં નાયિકા માટે છાની કરૂણા ઉદભવ પામે છે.
અહીં રજુ કરેલી છેલ્લી ચાર પંક્તિઓમાં, આખી કવિતા, આકાશ સુધી વ્યાપ પામે છેઃ
“રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.”
મનોજગતમાં, અનેક પ્રકારના કલ્પનોમાં, એક વસ્તુ બની ગયેલા પ્રેમીને જાતજાતની પીડા આપતાં મરણોની આભાસી વાસ્તવિકતા હવે નાયિકાની હસ્તીનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. તો, હવે સાચેસાચ, યમરાજ પણ એના પ્રેમી નામના “વસ્તુ”ને નાયિકા પાસેથી છીનવી જવા સમર્થ નથી, એ વાંચતાં કોઈ પણ સહ્રદયી વાચકની આંખ ભીની ન થાય તો જ નવાઈ!
કોઈ પણ રીતે નાયિકા પોતાને, એનાથી છીનાવાઈ ગયેલા પ્રેમી પર પોતાનો હક જમાવીને, પોતાને આશ્વસ્ત કરે છે, તે સમયની નાયિકાની મનોભાવના સમજતા, આંખો વરસી પડે છે. પાંચ પ્રકારના મૃત્યુની વાત વાંચતાં એમ લાગે કે વાત અહીં એક “ડીટેચમેન્ટ”ની કરી છે પણ સાચા અર્થમાં, છેલ્લી પંક્તિઓમાં વાત અવિભાજ્ય “એટેચમેન્ટ”ની જ છે સમગ્ર કવિતા અહીં ચરમ સીમા પર પહોંચે છે.
(વિદ્વાન શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ આ કવિતાનો આસ્વાદ કરાવ્યો હતો. એમના આસ્વાદમાંથી અમુક અંશ અહીં લીધા છે તે બદલ હ્રદયપૂર્વક એમની ઋણી છું.)
મનીષા જોષીએ કદાચ આ કાવ્ય પછી કઈં પણ ન લખ્યું હોત તો પણ એમનું નામ ગુજરાતી કવિતાને વિશ્વકવિતાના ફલક પર મૂકનાર એક “ટાઈમલેસ” કવિ તરીકે અમર રહેત.
***
અદભૂત કવિતા અને તેનો આસ્વાદ અભિનંદન મનીષા બેન અને જયશ્રી !!