|

ટૂંકી વાર્તા, કેટલી ટૂંકી? ~ બાબુ સુથાર

આર્જેન્ટિનાના લેખક એનરીક એન્ડરસન-ઈમ્બરતની (Enrique Anderson Imbert) એક  ટૂંકી વાર્તા છે:
***

ફાબિયાનનું રક્ષણ કરતા દેવદૂતે એને કાનમાં કહ્યું, “કાળજી રાખજે ફાબિયન. એવું ફરમાન છે કે જો તું ‘ડોયન’ શબ્દ ઉચ્ચારશે તો એની બીજી જ મિનિટે તારું મરણ થશે.”

“’ડોયન’ શબ્દ?” મુંઝાયેલા ફાબિયાને પૂછ્યું.

અને એ સાથે જ ફાબિયાનનું મરણ થયું.
***
કોઈને પ્રશ્ન થશે? આને વાર્તા કરી શકાય? મને પ્રશ્ન થાય છે: કેમ ન કહેવાય? આ વાર્તામાં કથાવસ્તુ છે, પાત્રો પણ છે અને સંવાદ પણ છે. એટલું જ નહીં, આ વાર્તામાં ચમત્કૃતિ પણ છે.

‘ડૉયન’ શબ્દ બોલતાં જ ફાબિયાન મરી જાય છે. ફાબિયાન તો ખાલી ખાતરી કરવા માગતો હતો કે મારે ‘ડૉયન’ શબ્દ નથી બોલવાનો એમને? એથી જ તો એ ખૂબ જ સાહજિકતાથી એ પ્રશ્ન પૂછે છે અને જવાબમાં એને મરણ મળે છે.

ઘણા મિત્રો મને પૂછતા હોય છે: વાર્તા કેટલી લાંબી હોવી જોઈએ. વચ્ચે મેં એક જ વાક્યની વાર્તાનો પરિચય ‘મમતા’માં કરાવેલો. ઘણાને એના વિશે પ્રશ્નો થયેલા. મેં પણ એવો એક પ્રયોગ કરેલો. એક જ વાક્યની વાર્તા લખવાનો. કોઈ સામયિક એ વાર્તા છાપવા તૈયાર ન’તું થયું. આખરે મેં એ વાર્તાને મારા જ સામયિકમાં, ‘સન્ધિ’માં, પ્રગટ કરેલી.

એ વાર્તા હતી: “આ વાર્તાના વાચકનું આજે સવારે અવસાન થયું છે.” મેં આ વાર્તા ૯૫ વરસના હરિકૃષ્ણદાદાને વંચાવેલી ત્યારે એમણે મને પૂછેલું: તો તમે હજી જીવો છો કઈ રીતે? તમે વાચક નથી? હું જે વિરોધાભાવ પ્રગટ કરવા માગતો હતો એ ભાવ એમણે તરત જ પકડી પાડેલો.

પ્રયોગશીલ વાર્તાઓ હંમેશાં પરાપરાગત વાર્તાઓના માળખાને પડકારતી હોય છે. એમ હોવાથી જ્યારે પણ આપણે એ પ્રકારની વાર્તાઓ વાંચીએ ત્યારે આપણે સૌ પહેલો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે આ વાર્તા પરંપરાગત વાર્તાના કયા પાસાને પડકારે છે? અને બીજો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે વાર્તાકાર એ કામ કઈ રીતે કરે છે?

દેખીતી રીતે જ, આ વાર્તામાં વાર્તાકાર પરંપરાગત વાર્તા સાથે સંકળાયેલા લંબાણના મુદ્દાને પડકારે છે. એ એવો સંદેશો આપવા માગે છે કે વાર્તામાં લંબાણ બહુ મહત્ત્વનું નથી હોતું.

વિશ્વ સાહિત્યમાં આવી ઘણી વાર્તાઓ છે. ગુજરાતીમાં પણ હશે. અહીં મને એક અમેરિકન લેખક રસેલ એડસનની ‘Father Father, what have you done?’ વાર્તા યાદ આવે છે.

એમાં એક માણસ ઘોડા પર બેસે એમ એના ઘરના વચલા મોભ પર બેસે છે અને બોલે છે: giddyup. તમે Western ફિલ્મોમાં જોયું હશે. ઘોડેસ્વાર ઘોડા પર બેસી, ચાબૂક ફટકારતાં, ‘giddyup’ (Giddy-up) બોલતો હોય છે. એ સાથે જ એના ઘરની દિવાલો તૂટવા માંડતી હોય છે અને ઘર ઘોડાની જેમ દોડવાનો પ્રયાસ કરતું હોય છે.  જોતજોતામાં ઘર ભોંય પર! ઘરના કાટમાળમાં દટાયેલી એની પત્ની કહે છે: અરે અરે, તમે આ શું કર્યું?

મૂળ વાર્તામાં ‘અરે, અરે’ને બદલે ‘Father, Father’ છે. ગુજરાતમાં પણ ઘણી સ્ત્રીઓ પતિનું નામ બોલવાને બદલે ‘મગનના કે છગનના બાપા’ બોલતી હોય છે એમ.

આ વાર્તા પણ લાંબી નથી. એમાં પણ પાત્રો છે. સંવાદ છે. પરિવેશ પણ છે. એમાં પણ ન બનવાનું બને છે. કોઈ માણસ વચલા મોભ પર ઘોડા પર બેસે એમ બેસે અને એનો આદેશ થતાં જ ઘર ઘોડાની જેમ આજ્ઞાંકિત બનીને દોડવા માંડે એ અતિવાસ્તવવાદી કલ્પના આ વાર્તાને magic realismની પરંપરાની વાર્તા બનાવે છે. એટલું જ નહીં, એની પત્નીનું પાત્ર પણ એટલું જ મહત્ત્વનું બની જાય છે.

જો ઘરના કાટમાળમાં દટાયેલી એની પત્નીએ ચીસાચીસ ન કરી હોત તો કદાચ આ વાર્તા એક તરંગ કે તુક્કો બની જાત. સૌથી વધારે મજા અહીં એ બાબતની છે કે વાર્તાકાર જેની વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય એમ છે જ નહીં એ બે વસ્તુઓ વચ્ચે અર્થાત્ ઘર અને એના માલિક વચ્ચે કાર્યકારણનો સંબંધ બાંધે છે. એથી આપણે ધાર્યું ન હતું એવું બને છે. જેમ ઈશુએ પ્રકાશ થાઓ એમ કહેલું ને પ્રકાશ થયેલો એમ અહીં પણ બને છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં ઘણા વાર્તાકારો ‘ફ્લેશ ફિક્શન’ લખે છે. એમાં પણ આમ જુઓ તો વાર્તાની પરંપરાગત લંબાઈની સામેનો વિદ્રોહ હોય છે. પણ, એમાંનું મોટા ભાગનું ફિક્શન કાં તો સાદી ઘટનાનું વર્ણન બની જતું હોય છે કાં તો નબળી નીતિકથા બની જતું હોય છે. એ ફિક્શનમાં આ બે વાર્તાઓમાં જોવા મળે છે એવો જાદુ ભાગ્યે જ જોવા મળતો હોય છે.

***  


લેખક પરિચયઃ Enrique Anderson Imbert – એનરિક એન્ડરસનઈમ્બર્ટ –
જન્મઃ  ફેબ્રુઆરી ૧૨, ૧૯૧૦, કોર્ડોબા, આર્જેંટીના, મૃત્યુઃ  ડિસેમ્બર ૬, ૨૦૦૦, (૯૦ વર્ષ) બુઆના એરેસ, આર્જેંટીના

પ્રોફેસર એનરિક એન્ડરસન-ઈમ્બર્ટનું સ્થાન વૈશ્વિક સાહિત્યમાં ઊંચા સ્થાને રહેશે. તેઓ આગવી અને આકર્ષક, શૈલી માટે વખણાતા હતા. તેમનાં આંતરસૂઝ અને સમજદારીથી ભરપૂર પ્રવચનો, વિદ્યાર્થીઓને મુશ્કેલ, અને “સોક્રેટિક” પ્રશ્નો તરફ લઈ જવામાં સક્ષમ હતાં, અને તે પણ થોડા માપેલા “હિસ્ટ્રીયોનિક્સ” એટલે કે અવાસ્તવિક અને નાટકીય ઢંગે. આ કારણથી તેઓ વિદ્યાર્થીઓમાં ખુબ પ્રિય હતા. એન્ડરસન-ઈમ્બર્ટને તેમના જીવનના છેલ્લા દિવસ સુધી પોતાને “સમાજવાદી” હોવાનો ગર્વ હતો.

તેમનો જન્મ ૧૯૧૦ માં કોર્ડોબા (આર્જેન્ટિના) માં થયો હતો. તેમણે ‘લા પ્લાટા’ ના “કોલેજિયો નેસિઓનલ”માં અભ્યાસ કર્યો હતો. જ્યારે તેઓ અઢાર વર્ષના હતા ત્યારે “બ્યુનોસ એરેસ” યુનિવર્સિટીમાં પ્રવેશ લઈને, પ્રખ્યાત પેડ્રો હેન્રીક્વેઝ યુરેના અને અલેજાન્ડ્રો કોર્ન હેઠળ “ફિલોલોજી” (ભાષાવિજ્ઞાન) અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો. તેમના વિદ્યાર્થી વર્ષોથી તેઓ પત્રકારત્વ તરફ આકર્ષાયા હતા અને “બ્યુનોસ એરેસ”ના દૈનિક ‘લા વેનગાર્ડિયા’ માટે લખવાનું શરૂ કર્યું હતું, અને ટૂંકા સમયમાં જ તેઓ પત્રકાર અને સાહિત્યિક વિભાગના એકમાત્ર સંપાદક તરીકે લાંબા સમય સુધી સેવા આપી, અને અહીં તેમણે પત્રો અને સાહિત્યિક વિવેચક તરીકે તેમની પ્રતિષ્ઠા સ્થાપિત કરી.

૧૯૩૪માં તેમણે તેમની પ્રથમ નવલકથા “વિજિલિયા” (એ વિજિલ) પ્રકાશિત કરી અને ત્રણ વર્ષ પછી “લા ફ્લેચા એન અલ એર” (ધ એરો ઇન ધ એર), નિબંધોનો સંગ્રહ પ્રકાશિત કર્યો. ટૂંકી વાર્તાના સિદ્ધાંત અને તકનીકોથી આકર્ષિત, તેમનું પ્રારંભિક સાહિત્યિક સર્જન તેમને કહેવાતા “જાદુઈ વાસ્તવિકતા”ના સ્થાપક પિતા તરીકે સ્થાપિત કરવા માટે પૂરતું હતું.

“ગુગેનહેમ ફેલોશિપ” તેમને ૧૯૪૭માં કોલંબિયા યુનિવર્સિટીમાં માટે લઈ લાવી.  એ જ વર્ષમાં, પછી તેમણે મિશિગન યુનિવર્સિટીમાં તેમનો કાર્યકાળ પણ શરૂ કર્યો, જ્યાં તેઓ ૧૯૬૫ સુધી રહ્યા. ત્યાં જ તેમણે સ્પેનિશના ક્ષેત્રોમાં કામ કરીને તેમની સંપૂર્ણ શૈક્ષણિક ક્ષમતા વિકસાવી. તેમને અમેરિકન અને પેનિન્સ્યુલર શૈલીશાસ્ત્ર અને સાહિત્યિક સૌંદર્ય શાસ્ત્રોના જ્ઞાતા તરીકે આકર્ષક, વ્યક્તિગત શૈલી માટે વખાણવામાં આવ્યા હતા.

૧૯૫૬માં “ધ અધર સાઈડ ઓફ ધ મિરર” – અંગ્રેજીમાં ભાષાંતરિત ટૂંકી વાર્તાઓનું તેમનું પ્રથમ પુસ્તક પબ્લીશ થયું. ત્યાર પછી, એન્ડરસન-ઈમ્બર્ટે ટીકા અને કાલ્પનિક બંનેનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં. ૧૯૬૫માં એનરિક એન્ડરસન-ઈમ્બર્ટની હિસ્પેનિક સાહિત્યના, સૌ પ્રથમ “વિક્ટર એસ. થોમસ” પ્રોફેસર તરીકે, હાર્વર્ડ યુનિવર્સિટીના “રોમાન્સ લેંગ્વેજીસ એન્ડ લિટરેચર્સ” વિભાગમાં નિમણુક થઈ.

હાર્વર્ડ ગેઝેટમાં એમને અપાયેલી શ્રદ્ધાંજલિમાં તે સમયના ડીને ટાંક્યું હતું કે, “ડોન એનરિકે હાર્વર્ડના રોમાન્સ લેંગ્વેજીસ અને લિટરેચર વિભાગના કોલેજીયલ જીવનને જે સિદ્ધિઓથી સમૃદ્ધ બનાવ્યું છે, તેનો સારાંશ આપવો પણ અશક્ય છે. ડિસેમ્બર ૬, ૨૦૦૦ ના રોજ,  હાર્વર્ડ ફેકલ્ટીએ તેના સૌથી પ્રતિષ્ઠિત સભ્ય, પ્રોફેસર એનરિક એન્ડરસન-ઈમ્બર્ટને ગુમાવ્યો છે.”

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments