ગઝલ પંચવટી (૨) ~ કવિશ્રી ગૌરાંગ ઠાકર

૧.) “.. કેવા પુરાવા જોઈએ….?”

 

કેમ છાપા સનસનાટીથી ભરાવા જોઈએ?

ફૂલ ખીલ્યાનાં સમાચારો છપાવા જોઈએ.

હું તને પૂજું ખુશીમાં, પણ ઉદાસીમાં નહીં

મારી શ્રધ્ધાનાં બીજા કેવા પુરાવા જોઈએ?

કલરવોમાં વાત એની કેમ સમજાતી નથી?

કેમ ઈશ્વરને સમજવા સાધુ બાવા જોઈએ?

કોઈ બીજા તો તમારાં ક્યાં અહીં દુશ્મન બને?

હા તમારાથી તમારા ઓળખાવા જોઈએ.

માણસાઈ ત્યાં ઉભી છે, દોડ ને ભેટી જ પડ,

એટલાં પગલા તો તારાથી ચલાવા જોઈએ

આ જગતમાં કઈ રીતે માણસ હવે માણસ બને?

પ્રશ્ન એવાં પણ પરીક્ષામાં પૂછાવા જોઈએ

કોઈને પણ કામ આવે, જિંદગી જીવી જવા;

શેર મારાથી અહીં એવા લખાવા જોઈએ.
– કવિ ગૌરાંગ ઠાકર 

૨.)  “અકળાયા લાગો છો. ..!” 

આજે બદલાયા બદલાયા લાગો છો.

દુનિયાને ઠુકરાવી આવ્યા લાગો છો.

અમને શાને કટકે કટકે ભીંજવો રોજ?

લોન ઉપર ચોમાસુ લાવ્યા લાગો છો.

શર્મ તમારી પાંપણ પર જઈ બેઠી છે.

દર્પણમાં જોતા પકડાયા લાગો છો.

અંધારાને દોડીદોડી ભેટ્યા કેમ?

પડછાયા પ્હેરી પસ્તાયા લાગો છો.

મીઠી નદીઓ સસ્તામાં વેચી મારી.

લીમડા પાછળ બહુ ખર્ચાયા લાગો છો.

ભીતરના દીવે સરનામે પ્હોચ્યા હોત,

સૂરજને પૂછી અટવાયા લાગો છો.

ચાલો પાછા લોકોથી આઘા ચાલો

પાસે જઈ જઈને અકળાયા લાગો છો.
– કવિ ગૌરાંગ ઠાકર 

૩.) “…ચાલે છે…!” 

તમે પણ રંગમાં આવો અષાઢીમાસ ચાલે છે;

અને મારોય કાલીદાસ પર અભ્યાસ ચાલે છે.

બધા તમને નિહાળે છે સભામાં એકધારુ કેમ?

તમારી આંખમાં અજવાશનાં શું ક્લાસ ચાલે છે?

તમે આવ્યા નથી આજે ઝરુખામાં, અને પાછુ;

ગ્રહણ પણ ચંદ્રનું નભમંડલે ખગ્રાસ ચાલે છે.

મને મળવા તમે આવ્યા નહીં વરસાદી મોસમમાં,

તો લાગ્યું જાણે ચાતુર્માસનાં ઉપવાસ ચાલે છે.

સફેદી આવવા લાગી તો એને આવવા દીધી,

અમારા ભાતીગળ ઇતિહાસ સાથે શ્વાસ ચાલે છે.

પકડવું કૈં નથી ને છોડવું પણ કૈં નથી અહીંયા;

અમારો આ રીતે સંસારમાં સન્યાસ ચાલે છે.
– કવિ ગૌરાંગ ઠાકર 

૪.)  “…થઈ જાય…!” 

બસ હવે તારાથી ચાહત થઈ જાય;

બાકી પૂજા તો ખુશામત થઈ જાય.

જ્યારે દર્પણમાં અદાલત થઈ જાય;

મારી મારાથી મરામત થઈ જાય.

રાહ બસ જોયા કરું છું એની;

કૈંક અંદરનું તથાગત થઈ જાય.

મારી તો એ જ વ્યસનમુક્તિ છે;

જ્યારે મારી તને આદત થઈ જાય.

હું તો ચાહતના ગુના હેઠળ છું;

મારી તારાથી જમાનત થઈ જાય.

તારી વાતોની હિમાયત માટે;

છો ને દુનિયાથી બગાવત થઈ જાય.

સહુને સરનામુ મળે મારામાં;

મારામાં એવી વસાહત થઈ જાય.

એમ જીવ્યો છું જીવન આખું દોસ્ત;

જેમ બાળકથી શરારત થઈ જાય.

એ જ કારણથી લખું છું ગઝલો;

મારી ભાષાની હિફાજત થઈ જાય.
– કવિ ગૌરાંગ ઠાકર 

૧૦.)  “બીજું તો શું થઈ શકે….?” 

તમારાથી તમને મિલાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

તમે કહેવા માંગો એ બોલી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

સૂની સાંજે બારીનાં એકાંતને, સ્મરણ ન્હોર મારીને ઘાયલ કરે,

ત્યાં પંક્તિ મલમ લઈને આવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

અચાનક સમંદરનાં તોફાનમાં, તમારી ડૂબે નાવડી જે ઘડી,

હલેસામાં જુસ્સો ટકાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

અગાસીમાં વરસાદ જોયા પછી, જૂની કોઈ વરસાદી પળ મૂંઝવે,

જીવાયેલી એ પળ જીવાડી શકે,કવિતાથી બીજું તો શું થઈ શકે?

કદી સાંજ પહેલા ડૂબે સૂર્યને, બધે ઘોર અંધાર અંધાર હોય,

તો દ્રશ્યો નયનનાં એ બદલી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

જગત રાગ ને દ્વેષની આગમાં, કદી લોહીલુહાણ જોવા મળે,

એ માણસ ને માણસ બનાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?
– કવિ ગૌરાંગ ઠાકર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.