પ્રકરણ: ૧૨ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
લાવણ્ય વનલતાનો તાર માથે ચઢાવીને આગલા દિવસે સાંજે છ વાગ્યે અમદાવાદ પહોંચી ગઈ હતી. એને બેઠકરૂમમાં શ્વાસ પણ લેવા ન દીધો અને વનલતા એને પોતાના રૂમમાં લઈ ગઈ.
જમુનાબેનને આ જરાય ગમતું નથી. દીકરી લાવણ્ય જેવી મહેમાનને પણ બે ઘડી આપણી જોડે બેસવા ન દે! બલા એને આવી કુટેવો ક્યાંથી પડી હશે? હવે કલાકો સુધી ગુસપુસ ગુસપુસ કર્યા કરશે…
થોડી વાર પછી એમણે બૂમ પાડી. વનલતા બહાર આવી નહીં, લાવણ્યને પણ આવવા ન દીધી. ત્રીજી બૂમ સાંભળીને અંદરથી જ સંભળાવી દીધું: ‘મમ્મી, તારી બહેનપણીઓ આવે છે ત્યારે હું તને ડિસ્ટર્બ કરું છું? તને ખબર નથી અમે કેટલા વખતે મળ્યાં છીએ?’
જમુનાબેન અકળાઈને બેસી રહ્યાં ને ધીરજ ખૂટતાં રસોડામાં ગયાં. સ્ટુડિયો માટેની નવી જગાએ પ્રેમલે ગુલમહોર અને કર્ણિકારનાં વૃક્ષો વાવ્યાં હતાં. પાણીની સગવડ કરીને એણે માળી રાખ્યો હતો. એ ચોમાસાની રાહ જોવાને બદલે રોપા લઈ આવ્યો હતો અને છાંયડો કરીને એ રોપા રોપી દીધા હતા. અવળા સંજોગોમાં ઝાડને ઉછેરે એનું નામ માળી!
પ્રેમલ એના માળી વિશે લાવણ્યને વાત કરવા માગતો હતો પણ વનલતા એને બહાર નીકળવા દે તો ને! ઊભા થઈ એણે ટેલિફોન પર છાપું ફેંક્યું. ત્યાં એને ટેલિફોનનો ઉપયોગ કરવાનું મન થયું. વિશ્વનાથ અત્યારે અહીં આવી શકે એમ હતો. બરાબર સાતમી મિનિટે હાજર થઈ ગયો. પછી એના નામે લાવણ્યને બહાર બોલાવી. પહેલાં વનલતા આવી. વિશ્વનાથને જોઈ પ્રેમલ-વનલતા બંને ખડખડાટ હસી પડ્યાં!
‘એપ્રિલ ફૂલ? પણ એપ્રિલ તો ક્યારનો પૂરો થઈ ગયો છે! તો? એવર ફૂલ! મને એનો વસવસો નથી. લાવણ્યના નામે તમે મને ફરીથી પણ મૂર્ખ બનાવી શકશો.’ કહેતાં વિશ્વનાથે પોતાના ગજવામાં રહેલી બોલપેન હાથમાં લીધી. જોઈ અને પાછી મૂકી.
ત્યાં લાવણ્ય આવી. વિશ્વનાથના ઉદ્ગારો સાંભળીને એ સંકોચ પામી હતી. સંકોચ લજ્જામાં ફેરવાઈ ન જાય માટે વનલતા સાથે નજર મેળવીને એ હસી પડી.
વિશ્વનાથ ઊભો થઈ ગયો હતો. લાવણ્ય સોફા સુધી આવે ત્યાં એણે હાથ લંબાવ્યો. લાવણ્યને પહેલાં તો હાથ જોડીને નમસ્કાર કરી દૂર રહેવાનું મન થયું. પણ પછી એમાં અવિવેક જણાતાં એણે ધીમે રહીને પોતાનો હાથ વિશ્વનાથના હાથમાં મૂક્યો અને બેસવા માટે ટેકો લેવાની જરૂર હોય એ રીતે પાછો લીધો.
હાથ મેળવવામાં ઉષ્મા નહોતી પણ લાવણ્ય નિ:સંકોચ નજીક બેઠી એથી વિશ્વનાથને અહીં આવ્યાનું ફળ મળી ગયું. વનલતાને બોલવાનું નિમિત્ત મળ્યું:
‘જે જમાનામાં બે મિત્રો મળે ત્યારે પાગલની જેમ ભેટી પડે છે એ જમાનામાં લાવણ્ય તને હાથ લંબાવતાં પણ થાક લાગે છે? આમ ઠંડે કલેજે કેમ વર્તે છે?’
‘ઠંડે કલેજે? કદાચ હા, હું મારી સાથે ઠંડે કલેજે વર્તું છું પણ તમારી જેમ મહેમાનનો ઉપહાસ કરતી નથી.’
‘આ એક જ વિષય એવો છે જેમાં વિશ્વનાથના ભોગે રમૂજ કરી શકાય છે બાકી તો એ એવો ચોક્કસ, ચતુર અને મહેનતુ છે કે એને કોઈ બનાવી શકે તેમ નથી.’ — પ્રેમલ બોલ્યો.
‘આ બાબતે હું થોડોક જુનવાણી પણ ખરો. કુંવારી કન્યા સામે હાથ લંબાવવાનું પણ હું હમણાં શીખ્યો. ભેટવાનું તે —’ કહેતાં એને સંકોચ થયો અને નીચું જોઈ ગયો.
‘તું કેમ બોલી નહીં લાવણ્ય? તું ક્યારેય કોઈને ભેટી જ નથી?’
‘આ સ્મરણો કહેવાનો પ્રસંગ નથી. તું જમાનાની કદર કરવા તારા મિત્રોને ભેટશે ત્યારે હું તને ટોકીશ નહીં, બલ્કે તારી સામે પણ નહીં જોઉં. બીજીઓને ગમતી ફેશનો સામે મને અણગમો નથી પણ હું તો મારી રુચિ પ્રમાણે જ ચાલીશ, મારે આંતરિક અનિવાર્યતા પ્રમાણે જીવવું છે.’
‘તમારા વ્યક્તિત્ત્વનું આ લક્ષણ મને સૌથી વધુ ગમે છે. જોકે તમે એવાં સુંદર અને ચતુર છો કે અજાણ્યા માણસને પણ ગમો —’ વિશ્વનાથે કહ્યું અને પ્રેમલ સામે જોયું. પ્રેમલે તુરત દાદ ન આપી. વનલતાએ એક જ શબ્દ ઉચ્ચાર્યો – ખુશામદ!
‘ગુજરાતીમાં ખુશામદ અને પ્રશંસા સમાનાર્થી શબ્દો છે?’ — આ પ્રશ્ન લાવણ્યને પૂછતાં વિશ્વનાથે વિદ્યાર્થીની જિજ્ઞાસા ધારણ કરી. ફરી એણે પ્રેમલ સામે જોયું. તું કેમ બોલતો નથી?
‘કોઈની ખુશામદ કે પ્રશંસા મારાથી તુરત થઈ શકતી નથી. હું આશા રાખું છું કે મારા મૌનથી લાવણ્યને ખોટું નહીં લાગે.’
‘ખોટું શું કામ લગાડું? હું ક્યાં અહીં સૌન્દર્ય સ્પર્ધામાં ઊતરવા આવી છું? પણ પ્રેમલ તમારે જરા આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.’ — પળવાર વિચારમુદ્રામાં બેસી રહી, પણ કહ્યા વિના નહીં જ ચાલે એની ખાતરી થઈ જતાં એણે સહેજ તીખી નજરે પ્રેમલ સામે જોયું. એથી પણ એ કશું સમજ્યો હોય એમ લાગ્યું નહીં.
કહી દીધું: ‘તમે મારા પ્રત્યે નિ:સ્પૃહતા દાખવો છો એ બદલ આભારી છું પણ સાચું કહેજો? મને પૂછ્યા વિના તમે વિશ્વનાથને કેમ ફોન કરી દીધો? એમના પર હસવા? ના. તમારે વિશ્વનાથને માધ્યમ બનાવવા હતા. જેમ પ્રેતના આહ્વાન માટે કોઈક જીવંત વ્યક્તિને માધ્યમ બનાવવાની જરૂર પડે છે તેમ. તમે જે ભાવૃવૃત્તિ અનુભવો છો એ જાતે કહેવા માગતા નથી, બીજા પાસે વ્યક્ત કરાવવા માગો છો.’
‘લાવણ્ય, મારે વિશે કોઈએ ભ્રમમાં રહેવાની જરૂર નથી.’
‘હું ભ્રમમાં નથી માટે જ આમ કહી શકું છું. વિજાતીય આકર્ષણની લાગણી મારે માટે પ્રેતરૂપ બની ગઈ છે. વિશ્વનાથ કરતાં તમે મારે વિશે ઘણું વધારે જાણો છો. તો પછી નિખાલસ કેમ બનતા નથી?
હું ને વનલતા એના ભાવિની રંગવાતોમાં હમણાં ગરકાવ હતાં. ત્યાં તમે બહારથી આવ્યા. ઇચ્છા થાય તો બહેનના ઓરડામાં તમે આવી શકતા હતા. એમ કરતાં કઈ ગ્રંથિ નડી? એમ ન થઈ શક્યું તો અમને બહાર કેમ ન બોલાવ્યાં? એને બદલે આ ભલા માણસને એમના કામના સમયે બોલાવ્યા!’
— લાવણ્યના અવાજમાં દૃઢતા હતી અને ચહેરા પર પ્રસન્નતા. એથી એના વિરોધી બનવાની તો શું વિરોધ કરવાની પણ છૂટ નહોતી મળતી. પણ વિશ્વનાથને ખુલાસો કરવો જરૂરી લાગ્યો:
‘મારે અત્યારે કામ નહોતું અને તોય તંત્રીની રજા લઈને આવ્યો છું. હું પ્રેમલનો આભારી છું, કે એણે મને બોલાવ્યો. તમને મળવાથી મારા ઘણા દિવસો સુધરી જાય છે. આવું કબૂલતાં આ લોકો માટે રમૂજનો વિષય બનું છું એ હું જાણું છું પણ મજબૂર છું.
હા, મારા આ વર્તનથી તમારી ઈમેજને નુકસાન થતું હોય તો કહેજો વીજળીનો પુરવઠો બંધ થતાં અટકી જતા મશીનની જેમ ઠપ થઈ જઈશ… પણ જ્યાં સુધી તમારું બીજે લગ્ન ન થઈ જાય અથવા તમે મને અયોગ્ય સમજી ધુતકારી ન કાઢો ત્યાં સુધી પ્રેમલ જાણ કરશે એટલી વાર હું તમને મળવા આવીશ.’
‘જરૂર આવજો. હું કોઈની બાદબાકી કરતી નથી. પછી ધુતકારી કાઢવાની તો વાત જ ક્યાં આવી? તમે પોતાને જુનવાણી માનો છો, પ્રેમલ સમજે છે કે પોતે અતિઆધુનિક છે અને ભૌતિક જગતનું રહસ્ય એને સમજાઈ ગયું છે. એ જે હોય તે પણ હું તમારા સહુમાં કશુંક સૌજન્ય હોવાની પ્રતીતિથી જીવું છું.
અન્યની ભલમનસાઈ સ્વીકારવી એ મારે મન સુવિકસિત સમાજનો પાયાનો વિવેક છે. એ વિવેક હું નહીં ચૂકું. બાકી, મનની ગતિને તો કોણ નાથી શકે છે? મારું ચાલશે ત્યાં સુધી સહુ માટે સદ્ભાવ ટકાવી રાખીને એકલી જીવીશ. હમણાં તો હું એકલી જ જીવી શકું તેમ છું.’
‘એટલે? લગ્ન કરે તો જીવી ન શકે?’ – વનલતા બોલી ઊઠી.
‘આજ સુધી તારી સાથેની વિશ્રંભકથાઓ એળે ગઈ કે શું?’
‘પણ તું સમજાય નહીં એ રીતે બોલે પછી —’
‘સમજાવું. કોઈ માણસને ઝેરી સાપ કરડે ને એ પછી તુરત એ પોતાની તરસ છિપાવવા પાણી પીએ તો ઝેર લોહીમાં ઝડપથી ભળી જાય અને એનું મૃત્યુ થાય. મારે મૃત્યુ નથી જોઈતું. જીવવું છે.
મને શ્રદ્ધા છે કે વિજાતીય સાહચર્ય વિના સ્વસ્થતાથી જીવી શકાશે અને સાહિત્ય-કળા જેવી વસ્તુઓનો સાત્ત્વિક આનંદ લઈ શકાશે… અને વનલતા, તું ઝેરી સાપની જગાએ પાછી દીપકને ગોઠવી ન દે.
દીપક સામે મારે કશી ફરિયાદ નથી. આવા સંક્રાન્તિકાળમાં અણધારી ઘટનાઓ બનવાની. હું આખા દેશને મારો સમાજ માનતી હતી. દીપકનાં માબાપને હું ઉન્મૂલિત લાગી. એ પછી સવિતાનો વિકલ્પ ઊભો થતાં જે આર્થિક અને સામાજિક પ્રલોભનોથી દીપક પ્રેરાયો, ખેંચાયો એને પણ હું પરિબળ તરીકે જોઉં.
વ્યક્તિની ઇચ્છા સામાજિક-આર્થિક પરિબળો કરતાં વધુ શક્તિશાળી પુરવાર ન થઈ… મારા મનને અત્યારે મોકળાશ જોઈએ છે. વળી મારી મૈત્રી એ વિશ્વનાથના વ્યક્તિત્વની આંતરિક અનિવાર્યતા નથી.
એમણે ગુજરાતી સમાજમાં સરખી રીતે ગોઠવાઈ જવું છે એ મુખ્ય હેતુથી મારી સાથે લગ્ન કરવું છે. તમે બંને આ વસ્તુ જાણો છો. મને ઓળખો છો છતાં એમની પાસે આંટાફેરા કરાવો છો! મને દુભવવાથી તમને આનંદ થતો હોય તો જુદી વાત છે —’
પ્રેમલ ઊભો થઈ ગયો.
વિશ્વનાથનું મોં પડી ગયું. જવાબ તૈયાર કરતાં એને વાર થઈ:
‘હું તમારી ક્ષમા માગું છું. ગુજરાતી સમાજમાં ગોઠવાઈ શકાય એ માટે અહીંની કન્યા સાથે લગ્ન કરવાની યોજના હતી એ વાત સાચી. પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે મારા જેવા એક સામાન્ય નોકરિયાત માણસના ભાગ્યમાં પણ પ્રેમ જેવી અલૌકિક અનુભૂતિ હશે…
હું ફરીથી ક્ષમા માગું છું. તમારા ભૂતકાળ વિશે હું બહુ ઓછું જાણું છું. માનતો હતો કે ચાહનારને વળી જાણવાથી શું? પણ એ ભૂલ હતી. હું જોઈ શકું છું કે મારા આજ સુધીના વર્તનથી તમને આઘાત લાગ્યો છે, અને છતાં તમે તમારી મમતામાં ઊણપ આવવા દીધી નથી.
આપણા બેની યોગ્યતામાં ઘણું અંતર છે, એ ખ્યાલ આજે દઢ કરીને જાઉં છું. હવે તમને સંયોગે કરીને ક્યાંક મળવા પામીશ તો ત્રાહિત વ્યક્તિની જેમ વર્તીશ. “ત્રાહિત” શબ્દ મેં સમજીને વાપર્યો છે?’
લાવણ્યની તટસ્થતામાં મમતાનો દોરો ફૂટ્યો. એથી વિશ્વનાથની હિંમત વધી. આગળ બોલ્યો:
‘થાય છે કે આ પ્રેમલને ક્યારેય ન મળું. એની કળાના શુભેચ્છક તરીકે એને વિશે લખીને મેં એને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી. એનો આ બદલો?’
‘એ બધું લખવા માટે આપશ્રીને પગાર નથી મળતો?’ — પ્રેમલ કંઈક હળવો થઈને પાસે આવ્યો. – ‘શું એ આપશ્રીની ફરજનો ભાગ નથી?’
‘હવે ફકત ફરજ બજાવીશ.’ — કહેતાં વિશ્વનાથ ઊઠ્યો એવો ચાલવા લાગ્યો. એ દેખાતો હતો એટલો હળવો નહોતો.
‘તારો ચાહક તો “વર્ક ટુ રુલ”ની ધમકી આપીને ગયો લાવણ્ય! બિચારો!’ – વનલતા હસી પડી. લાવણ્ય હાસ્યમાં જોડાઈ નહીં. પ્રેમલના મોં પર ફરી પાછી તંગદિલી ઊપસી આવી હતી.
ચાનાસ્તો મોકલ્યા પછી, વિશ્વનાથ ચાલ્યો ગયો છે એ જાણીને જમુનાબેન રસોડામાંથી બહાર આવ્યાં. જીવ બાળ્યો.
એમને વિશ્વનાથ બહુ ભલોભોળો છોકરો લાગતો હતો. એનાં માબાપ પ્રત્યે પણ એ લાગણી ધરાવતાં હતાં. સારા ઘરની કોઈ ભણેલીગણેલી છોકરી હશે તો એ અચૂક ભલામણ કરશે.
હા, લાવણ્ય માટે એ કશું નહીં બોલે. ઊંડે ઊંડે એમને આશા છે કે આમ સંપર્ક વધતો જશે તો કંઈક રસ્તો નીકળશે. વનલતા પરણીને સાસરે જાય પછી પણ લાવણ્ય અહીં આવવાનું ચાલુ રાખે તો કંઈક બને. કંઈક વિચાર આવતાં એમણે ફ્રિજ ખોલ્યું અને વનલતાને ફળ લેવા મોકલી.
લાવણ્ય અને પ્રેમલ એકલાં પડ્યાં. મૌન ભારરૂપ લાગતાં પ્રેમલે ટી.વી.ની સ્વીચ દબાવી. પછી અવાજ બંધ કર્યો. વનલતાએ આવવામાં મોડું કર્યું. દરમિયાન પ્રેમલને પોતાનો બચાવ સૂઝી આવ્યો હતો. લાવણ્યની સામે જોયા વિના જ બોલ્યો:
‘તમે જાણો છો કે મને બહુ બોલવાની ટેવ નથી, પણ તમારી ગેરસમજ તો મારે દૂર કરવી જ જોઈએ. કેમ કે તમને ચિત્રકળામાં રુચિ છે, સમજણ છે.
તમારે કશો સ્વાર્થ નથી. જ્યારે વિશ્વનાથની મારી કળા વિશેની રુચિ વ્યાવસાયિક છે. એ મૂલ્યાંકનમાં ખોટો નથી પડતો પણ થોડાક શબ્દોની બહાર નીકળીને પ્રત્યેક કલાકૃતિની ખાસિયત દર્શાવી શકતો નથી. જ્યારે તમે એક જ સહજ ઉદ્ગારમાં, અગાઉ ન સાંભળેલા વાક્યમાં આખો મર્મ જણાવી દો છો. તેથી તમારે માટે મને માન છે.
પણ તમે માની લીધું કે મને તમારો લોભ છે? આવી ગેરસમજ કરવામાં કદાચ મારા ઘરનાં બીજાં માણસોનો વધુ ફાળો હશે.. હું કંઈક “પઝેસિવ” છું, થોડોક પશુ છું. તેથી આપણાં વ્યક્તિત્વ વહેલાંમોડાં ટકરાયા વિના રહે નહીં.
તમે અભિજાત છો પણ સ્વમાન અંગે બાંધછોડ કરો એવાં નથી. હું જાણતો નથી કે ક્યારે પરણીશ, અથવા પરણીશ કે નહીં. પણ એ જરૂરી લાગશે તો સાદીસીધી કહ્યાગરી અબળાને પરણીશ, જે મારી ઝનૂની આદતો નભાવી લે અને બદલામાં હું એની બધી જરૂરિયાતો પોષું.
હું માનું છું કે નવાણું ટકા સ્ત્રીઓ “સેકંડ સેકસ” છે અને રહેશે. તમારા જેવી એકાદ તેજસ્વી યુવતીને જોઈને સમગ્ર સ્ત્રીજાતિને પુરુષ સમોવડી માનવા કદાચ વિશ્વનાથ તૈયાર થશે, હું નહીં થાઉં. મેં જોયું છે કે જેમણે ક્રાંતિકારી તરીકે જાતને ઓળખાવવી છે એ પણ વિશ્વસુંદરી બનવાનો મોહ જતો કરી શકતી નથી.’
‘સ્પષ્ટતા બદલ આભાર. એ વિના પણ ચિત્રકાર તરીકેની તમારી પ્રતિભા માટે મને માન છે અને રહેશે. ભવિષ્ય અંગેના તમારા ખ્યાલો વિશે જાણ્યું. એ સાચા પડે તોય મને શો વાંધો? પણ અનુભવે કરીને જોયું છે કે આપણા ખ્યાલો પ્રમાણે ભવિષ્ય ચાલતું નથી. તમે ધાર્યું કરી શકો એ માટે મારી શુભેચ્છાઓ છે.
આજે સહેજ ખોટું લાગ્યું કેમ કે તમે વિશ્વનાથને બનાવવા મારો ઉપયોગ કર્યો. એ રીતે જાણેઅજાણે અમારા બંનેનું અપમાન થયું. તમારી જેમ હું વિશ્વનાથને હળવાશથી લઈ શકતી નથી. એની નિષ્ઠા અને શક્તિ માટે મને માન છે.’
પ્રેમલને ઈર્ષા થઈ, જેની એને નવાઈ લાગી.
ત્યાં ફોનની ઘંટડી રણકી. લાવણ્યે ફોન લીધો. કામ પ્રેમલનું હતું.
‘અતુલ દેસાઈ આવે છે.’
‘કોણ સંગીતકાર?’
‘ના, મારો મિત્ર છે. મોસાળપક્ષે સગો થાય. અમેરિકા રહે છે. સી. એ. છે. સાહિત્યકાર થતાં થતાં રહી ગયેલો. પરણવા આવ્યો છે. એણે લખેલું: અમે પાંચસાત મિત્રો કન્યાહરણ કરવા ભારત આવીએ છીએ. જરા વાચાળ છે. ખોટું ન લગાડતાં. હું તો ભૂલી જ ગયો હતો કે એ આજે આવવાનો છે. સારું થયું. તમારી સાથેના ઝઘડાને કારણે ઘેર રોકાવાનું બન્યું.’
ઝઘડો?
ત્યાં અતુલ દેસાઈનું આગમન થયું. પ્રેમલે એને ઊંચકી લીધો. પછી અતુલ લાવણ્યને ભેટી પડયો. પણ સામે ઉમળકો નથી એ જોઈને જલદી છૂટો પડ્યો.
‘મેં ધાર્યું નહોતું કે લતા આવી મોટી અને આવી સુન્દર થઈ ગઈ હશે!’
‘અરે મૂરખ! આ વનલતા નથી, લાવણ્ય છે.’
‘તારી ફિયાન્સી?’
‘એવું ભાગ્ય ક્યાંથી? લાવણ્ય એક વિદુષી સન્નારી છે.’ – પછી એના કાનમાં કહ્યું – ‘ભાગ્ય અજમાવી જો, કુંવારી છે.’
‘પણ એ તો વાગ્દેવીની પ્રતિમાની જેમ મૌન છે. હવે પ્રતિમા નહીં ખરીદવી પડે.’ કહેતાં એણે મશીનગનની જેમ કેમેરા ચલાવ્યો.
લાવણ્યના ત્રણેક ફોટા પાડી લીધા. અવાજ સાંભળીને જમુનાબેન આવ્યાં.
‘અરે ફોઈ! તમે તો એવાં ને એવાં જ છો!’ — કહેતાં પગે લાગ્યો. જમુનાબેને એનું માથું સૂંઘીને આશિષ આપી.
(ક્રમશ:)