આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગઃ ૧૨ ~ “શાળાના દિવસોમાં…!” : ~ જ્હોન વ્હિટિયર ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર

 

 

 

 

 

કવિ પરિચયઃ
જ્હોન ગ્રીનલીફ વ્હિટિયર (જન્મ ડિસેમ્બર 17, 1807, હેવરહિલ નજીક, મેસેચ્યુસેટ્સ, યુ.એસ.- મૃત્યુ 7 સપ્ટેમ્બર, 1892, હેમ્પટન ફોલ્સ, ન્યુ હેમ્પશાયર)

એક અમેરિકન કવિ અને નાબૂદીવાદી (abolitionist) હતા, જેમણે તેમના જીવનનો ઉત્તરાર્ધ, હેનરી વેડ્સવર્થ લોંગફેલો સાથે વીતાવ્યો હતો. હેનરી વેડ્સવર્થ લોંગફેલો, તે વખતે ઇંગ્લેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેમાં ઘરઘરમાં પ્રચલિત નામ હતું. ક્વેકર પરિવારમાં ખેતરમાં જન્મેલા વ્હિટિયર પાસે માત્ર મર્યાદિત ઔપચારિક શિક્ષણ હતું. જો કે, તે બ્રિટિશ કવિતાને વાચક તરીકે  પચાવી ગયા હતા. તેઓ ખાસ કરીને સ્કોટ રોબર્ટ બર્ન્સથી પ્રભાવિત હતા. બર્ન્સની રોજિંદા ગ્રામીણ જીવનની ગીતાત્મક શૈલીથી  લેખક બનવાના તેમના પોતાના સપનાને સાકાર કરવાનું બળ મળ્યું હતું.

વ્હિટિયરની કારકિર્દી કુદરતી રીતે ચાર સમયગાળામાં વિભાજિત થાય છે: કવિ અને પત્રકાર (1826–32), નાબૂદીવાદી (1833–42), લેખક અને માનવતાવાદી (1843–65), અને ક્વેકર કવિ (1866–92). 19 વર્ષની ઉંમરે તેણે ન્યૂબ્યુરીપોર્ટ ફ્રી પ્રેસમાં પ્રકાશન માટે નાબૂદીવાદી વિલિયમ લોયડ ગેરિસનને તેની કવિતા “ધ એક્સાઈલ્સ ડિપાર્ચર” સબમિટ કરી, અને તે સ્વીકારવામાં આવી. ગેરિસને વ્હિટિયરના અન્ય કાવ્યાત્મક યોગદાનને પ્રોત્સાહિત કર્યા, વ્હિટિયર ટૂંક સમયમાં જ પત્રકારત્વ તરફ વળ્યો. તેમણે બોસ્ટન અને હેવરહિલમાં અખબારોનું સંપાદન કર્યું અને 1830 સુધીમાં હાર્ટફોર્ડ, કનેક્ટિકટમાં ન્યૂ ઈંગ્લેન્ડ વીકલી રિવ્યૂના સંપાદક બન્યા. આ દરમિયાન તેમણે કવિતાઓ, સ્કેચ અને વાર્તાઓ લખવાનું પણ ચાલુ રાખ્યું, અને તેમણે 1831માં તેમની કવિતાઓનો પ્રથમ ભાગ, લિજેન્ડ્સ ઓફ ન્યૂ ઈંગ્લેન્ડ પ્રકાશિત કર્યો. 1832માં, જો કે, નિષ્ફળ રોમાંસ, નાદુરસ્ત તબિયત અને તેમના સાહિત્યના અભાવને કારણે તેમણે નિરાશા અનુભવી. માન્યતાએ તેમને રાજીનામું આપ્યું અને હેવરહિલ પરત ફર્યા.

રોબર્ટ બર્ન્સનું અનુકરણ કરીને તેણે લખેલા રોમેન્ટિક કવિતાને આગળ વધાર્યા પછી, વ્હિટિયર ન્યાય, સહિષ્ણુતા અને ઉદાર માનવતાવાદના છટાદાર હિમાયતી બન્યા. ગુલામીની પ્રથાની વિરુદ્ધમાં અનેક યાદગાર કાવ્યો રચ્યાં છે. તેમણે જાહેર કરેલા ઉચ્ચ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને કારણે તેમને “અમેરિકાના શ્રેષ્ઠ ધાર્મિક કવિ”નું બિરુદ મળ્યું અને તેમની ઘણી કવિતાઓ આજે પણ વિવિધ સંપ્રદાયો દ્વારા ચર્ચમાં ગવાય છે. ગૃહયુદ્ધ પછી તેમણે ગ્રામીણ જીવનમાં પ્રકૃતિ અને ઘરગથ્થુ ઘટનાઓનું નિરૂપણ કરીને તેમનું ધ્યાન બદલ્યું. વ્હિટિયરની શ્રેષ્ઠ કવિતાઓ તેમની નૈતિક સુંદરતા અને સરળ લાગણીઓ માટે હજુ પણ વાંચવામાં આવે છે.

“શાળાના દિવસોમાં….!’

રસ્તાની ધારે ચૂપચાપ બેઠું છે શાળાનું મકાન
પડખે સૂતો છે ચીંથરેહાલ ભિખારી
ઊગે છે આસપાસ હજી
ડેઝીનાં ફૂલ, બ્લેકબેરીના વેલા

અંદર દેખાય છે
માસ્તરની મેજ, હાથપછાડથી ઘસાયેલી
મરડાયેલી ભોંય,તરડાયેલા બાંકડા
ચપ્પુથી કોતરાયેલા આદ્યાક્ષર

કોલસાથી ચિતરાયેલી ભીંતો.
બારણાંના ઘસાયેલા ઉંબરા ચાડી ખાય છે
એ પગોની,જે શાળાએ આવતા તો ઘસડાઈને
પણ ધરણી ધ્રુજાવતા રમવા જતા

વર્ષો પહેલાં શિયાળાના સૂરજે
ઢળતાં ઢળતાં
ઝગમગાવી હતી આથમણી બારીઓ
હિમથી છવાયેલી છાપરીઓ

તેનાં કિરણો સ્પર્શ્યાં હતાં
નિશાળ છૂટ્યા છતાં ઘેર ન ગયેલી કિશોરીનાં
સોનેરી,વાંકડિયા જુલ્ફોને
વિહ્વળ બદામી આંખોને

સમીપે હતો તેને ગમતો કિશોર
જેણે નીચે તાણેલી ટોપી તળે
છુપાવ્યાં હતાં નિજનાં
ગૌરવ અને શરમ

કિશોર લાતોથી ઠેલતો હતો
હિમને,ડાબે-જમણે
કિશોરી આંગળીઓ ફેરવતી હતી
ભૂરી ચોકડીવાળા ફરાક પર

કિશોરે બદામી આંખોને ઉંચકાતી જોઈ
કોમળ હસ્તનો હળવો સ્પર્શ અનુભવ્યો
કિશોરીના સ્વરની ધ્રુજારી સાંભળી
જાણે કોઈ ભૂલ કબૂલતી હોય

‘મેં ખરી જોડણી કરી તે માટે માફ કરજે
તારાથી ચડિયાતા થવું હું ધિક્કારું છું
કારણ કે…’ બદામી આંખો નીચે ઢળી ગઈ
‘કારણ કે હું તને પ્રેમ કરું છું!’

આજેય રાખોડિયા કેશવાળા તે માણસને
સાંભરે છે મોં, એ મીઠી છોકરીનું
જેની કબર પર
ચાળીસ વર્ષોથી ઘાસ ઊગી રહ્યું છે

જીવનની નિષ્ઠુર નિશાળમાં તે શીખ્યો છે
કે તેનાથી ચડિયાતું સિદ્ધ થનારું કોઈ
સફળતાનો વસવસો નથી કરતું
જેમ કરેલો પેલી કિશોરીએ
જે તેને પ્રેમ કરતી હતી

      –  જ્હોન વ્હિટિયર
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન)

“કારણ કે હું તને પ્રેમ કરું છું…..!”

જેના વાળ હવે ભૂખરા,રાખોડી થઈ ગયા છે તેવો કાવ્યનાયક દાયકાઓ પછી પોતાની શાળા જુએ છે…ના, ‘શાળાનું મકાન’ જુએ છે, કારણ કે શાળાને તો ક્યારનાં તાળાં દેવાઈ ચૂક્યાં છે.જો શાળા ચાલતી હોય તો ‘ચૂપચાપ’ ન હોય,કલબલતી હોય, ‘બેઠેલી’ ન હોય, ઉછળકૂદ કરતી હોય.લાંબા સમયથી બંધ પડી ગઈ હશે, માટે જ પડખે ભિખારીએ ઘર કર્યું છે.ડેઝીનાં ફૂલ (જેને કદી વિદ્યાર્થિનીઓ વીણતી હશે) અને બ્લેકબેરીનાં ફળ (જેને વિદ્યાર્થીઓ ખાતા હશે) જોકે હજી ફૂલેફાલે છે.

નિશાળ હવે જોવા જેવી રહી નથી- માસ્તરોએ મુક્કી પછાડીને મેજના ટાંટિયા ઢીલા કરી નાખ્યા છે, ફરશની કે બાંકડાઓની મરમ્મત કરાઈ નથી.આવાં વર્ણનોથી કવિ આપણને પાછાં પગલે અતીતમાં લઈ જાય છે.

શબ્દચિત્ર દોરવું હોય તો સ્થળ-કાળની વિગતો આપવી પડે. કવિ વાત માંડે છે એક શિયાળાની સાંજની, જ્યારે છજા-છાપરીએ એકઠું થયેલું હિમ ઝગમગતું હતું.આથમતા કિરણની આંગળીએ કવિ આપણને એક કિશોરી પાસે લઈ જાય છે, જે નિશાળ છૂટ્યા છતાંય ઘેર ગઈ નહોતી.તે રાહ જોતી હતી એને ગમતા કિશોરની. વર્ગમાં હંમેશા પ્રથમ આવતા કિશોરનું આત્મગૌરવ ઘવાયું હોવાથી તે લાત મારીને હિમ પર દાઝ કાઢતો હતો. કિશોરી ફરાક પર આંગળીઓ વારેવારે ફેરવતી હતી એ બતાવે છે કે તે વ્યગ્ર હતી.

આખરે કિશોરી પોતાની સફળતા માટે કિશોરની માફી માગે છે. જેમાં પ્રિય વ્યક્તિનો પરાજય હોય તેવો વિજય કિશોરીને સ્વીકાર્ય નથી.સાચો પ્રેમ કોને કહેવાય તે આ નાનકડા પ્રસંગથી કવિ કહી દે છે.

કિશોરીનું મૃત્યુ થયાને ચાર દાયકા વીતી ગયા છે. કવિ પોતાની નિશાળ સાથે જીવનની નિષ્ઠુર નિશાળને સરખાવે છે.જીવનની નિશાળમાં બીજાની નિષ્ફળતા માટે કોઈ રોતું નથી. આ કાવ્ય લોલક ગતિએ ચાલે છે: વર્તમાનકાળ, અતીત, ફરી વર્તમાનકાળ.

અમેરિકન કવિ વ્હિટિયર ( (૧૮૦૭-૧૮૯૨) ગુલામીની પ્રથાની વિરુદ્ધમાં અનેક યાદગાર કાવ્યો રચ્યાં છે.

-ઉદયન ઠક્કર

…………

Leave a Reply to PARAG GYANICancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. કવિ વિશે અધિકૃત માહિતિ આપવા બદલ આભાર જયશ્રીબેન