ઝાડ જેવી આપણી મિરાત હોવી જોઈએ ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

આપણને શું જોઈએ છે એ સમજતાં ઘણી વાર અડધી જિંદગી વીતી જાય છે. ક્યારેક તો પિંડ જ ન બંધાયો હોય. ક્યારેક ધ્યેય ધુમ્મસમાં ઓગળી ગયું હોય. સાધ્ય ખબર હોય તો સાધના નિષ્કર્ષ સુધી પહોંચે અન્યથા એ આંટાફેરા કે હવાતિયાના નામે વગોવાઈ જવાનો સંભવ રહે છે. રઇશ મનીઆર આ વિચારમાં એક સોપાન ઊંડા ઉતરે છે…

કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં નજર હોવી જોઈએ
જે જોઈએ છે તમને મળે આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ

What Do I Want? 11 Questions and Tips to Figure It Out

બિઝનેસમાં સફળ થવા માર્ગદર્શન આપતા જે સેમિનાર થાય છે એમાં અચૂક લક્ષ્યનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે. એ નક્કી થાય એટલે એને હાંસલ કરવા માટેની કાર્યપદ્ધતિ, યોજના વગેરેમાં શક્તિ કેન્દ્રિત થાય. આ ગતિવિધિઓ આખરે લક્ષ્યની નજીક લઈ જાય. ટાટાએ એર ઈન્ડિયા ખરીદી ત્યારે માલિકોને ખબર જ હતી કે કેટલાક વર્ષો તો પૈસા નાખવાના જ છે, રાતી પાઈનો નફો મળવાનો નથી. પણ દર વર્ષે ખોટ ઓછી થતી જાય અને એક તબક્કે નફાની સાયકલ શરૂ થાય.

ઘણા બધા ઉદ્યોગોમાં બ્રેકઈવન પૉઈન્ટ પાંચેક વર્ષ પછી આવતો હોય છે. ત્યાં સુધી આહુતિ આપ્યા જ કરવી પડે. આ જ મુદ્દાને માતૃભાષાના સંદર્ભે વિચારીએ તો ચિરાગ ત્રિપાઠીની પંક્તિઓનું હાર્દ સમજાશે…

કો‘ક આવીને ઈમારત બાંધશે
આપણે પાયો ચણી તો જોઈએ
જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
એમ ગુજરાતી ભણી તો જોઈએ

બાળક સ્કૂલમાં ભણવા જાય એ પહેલાં માતૃભાષા બોલતાં શીખી જ ગયું હોય. સંભળાતા શબ્દોને એ જાણતા-અજાણતા આત્મસાત કરતું જાય. ઘણી ભાષાઓની લિપિ નથી તોય એ કંઠોપકંઠ ટકી રહેતી હોય છે, જોકે સમય જતાં એમાં ઘસારો પડવાનો. ગુજરાતમાં ઘણા શહેરોમાં ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા લાગી છે એ હકીકત ચિંતાજનક છે.

In Ahmedabad, Gujarat's largest city, Gujarati schools started closing, 12 private schools will be closed | અંગ્રેજીના કારણે ગુજરાતી માધ્યમની પડતી: ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ...
2023

નવી શિક્ષણનીતિ અનુસાર માતૃભાષા ફરજિયાત ભણાવાશે એ આવકાર્ય પગલું છે. અન્યથા મુંબઈની જેમ ગુજરાતમાં ભણવામાંથી કક્કો નીકળી જાય તો એની દીર્ઘકાલીન અસરો પડવાની. માતૃભાષા માટે પ્રેમ હોવો એ એક વાત છે અને એના માટે મરી પડવું એ બીજી વાત છે. રતિલાલ અનિલનું અવલોકન કઠોર લાગશે…

સત્ય પણ ક્યારેક કડવું જોઈએ
જાતની સાથે ઝગડવું જોઈએ
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો
ખાલીપાએ પણ ખખડવું જોઈએ

પોતાના અસ્તિત્વની નોંધ લેવાય એ માટે બધા પ્રયત્નો કરતા જ હોય છે. માન-અકરામ કમાયા પછીની મુશ્કેલી એને સંભાળવાની અને ટકાવવાની હોય છે. ઘણા લોકોથી સફળતા જીરવતી નથી અને છકી જાય છે. આવડત ઉપર અહમ્ હાવી થઈ જાય ત્યારે પડતીની શરૂઆત થાય. દરેકનો એક દસકો કે વીસકો હોય. બધું મેળવ્યા પછી પણ જો પ્રેમ ન મળે તો એની સાર્થકતા કેટલી એ પણ વિચારવું રહ્યું. ગુણવંત ઉપાધ્યાયની વાત સમજવા માટે થોડું અલગારીપણું આવશ્યક છે…

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ
બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ
એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ

જિંદગી છે તો ભૂલો તો થવાની. ભૂલ સુધારતાં વર્ષો નીકળી જાય એ સમજી શકાય પણ દાયકાઓ નીકળી જાય તો એનો રંજ ભારોભાર રહે. દરેક કામનો એક યોગ્ય સમય હોય છે. ભણવાનું પચ્ચીસીમાં પૂરું થઈ જવું જોઈએ એ જ રીતે સંસાર ત્રીસીમાં શરૂ જાય એ ઉચિત છે.

Is There a Right Time to Buy Life Insurance? When Is It? - Article

પચાસ વર્ષે તનમેળ અને મનમેળનો યોગ થાય તો રોમાન્સ અને રોમાંચની બાદબાકી થઈ જવાનો સંભવ રહે છે. પ્રકૃતિનું સમયચક્ર આપણે ઘણું શીખવાડે છે. મયૂર કોલડિયા એમાંથી તારણ આપે છે…

હું-પણું મારું મને પીંછાંથી હળવું જોઈએ
એક બસ, સ્વપ્ન છે, સ્વપ્ન ફળવું જોઈએ
ક્યાં? સતત ઊગેલ રહેવું કદાપિ શક્ય ક્યાં?
સૂર્યની માફક ફરી ઊગવાને ઢળવું જોઈએ

લાસ્ટ લાઈન

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ

વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં
ઝાડ જેવી આપણી મિરાત હોવી જોઈએ

આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા
ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ

શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે
લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ

જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે
એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ

મંઝિલો આવીને ચૂમી લે સ્વયં `ચાતક’ ચરણ
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ

~ દક્ષેશ કોન્ટ્રાકટર `ચાતક’ (અમેરિકા)

Leave a Reply to Saryu ParikhCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. હિતેનભાઈ, સરસ સંકલન.
    “શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે
    લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ” દક્ષેશભાઈની વાત બરાબર છે.
    સરયૂ પરીખ.