શિલ્પ જાતે આવશે બાહર સુધી ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
જીવ હોય એટલે એને મર્યાદા હોવાની. ઊંચાઈ અમુક ફીટ સુધી જ વધે. હોનહાર ખેલાડી હોય તોય એની છલાંગને એક મર્યાદા હોય. તેજ ગતિએ ભાગતો સુવર્ણચંદ્રક વિજેતા એથ્લેટ પણ ચિત્તાની ઝડપ સામે ન ટકી શકે. મજા આપણી મર્યાદામાં રહીને દાયરાને સાર્થક કરવાની છે. ઈશ્વરે દરેકને એક પ્રતિભા આપી છે જેને ઓળખીને એને વિકસાવવાની છે.

પ્રમોદ અહિરે એની ચાવી આપે છે…
જાય છે રોજ્જે ઘણા સાગર સુધી
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?
તું ફક્ત પથ્થરમાં જા અંદર સુધી
શિલ્પ જાતે આવશે બાહર સુધી

શિલ્પકારે પોતાના કૌશલ્ય સાથે એકાગ્રતા ઈન્વેસ્ટ કરવાની હોય. એ ગણપતિની આંખ બનાવતો હોય ત્યારે વારેઘડીયે મોબાઈલ ફોન પર વાત કરવી પડે તો અંતિમ પરિણામમાં ભલીવાર ન આવે. સાધનમાં સાધના ઉમેરાય ત્યારે કૌવત બહાર આવે અને દૈવત ઝળકી ઊઠે. અન્યથા ટોળાનો એક હિસ્સો બની જતાં વાર નથી લાગતી. મેહુલ ભટ્ટ લાલબત્તી ધરે છે…
ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું
ફક્ત એક ટોળામાં સામિલ થવાયું
ભર્ય઼ું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું
વાચકોને ખ્યાલ જ હશે કે શયદા, ઘાયલ, બેફામ, શૂન્ય, મરીઝ, ગની, સૈફ, આદિલ, મનોજ જેવા અનેક શાયરોએ ગુજરાતી ગઝલની ઈમારત અને ઈબારત ઘડવામાં ચિરકાલીન ફાળો આપ્યો છે. આ શાયરો ન હોત તો અમારા જેવા કેટલાય ભાવકો અનાથ હોત એમ કહેવું અતિશયોક્તિ નહીં લેખાય. ક્યારેક સોનાની લગડી જેવો એકાદ શેર વાંચીને થાય કે ગોલ્ડની લોન આપનારી કંપનીઓને ગઝલના શેરની સામે લોન આપવાનો ગોલ્ડન વિચાર આપવો જોઈએ. જો કે વાતમાં દમ હોવા છતાં દામ નથી એટલે વાત પડતી મૂકીને મનોજ ખંડેરિયાની બારીકી પાસે જઈએ…
પગલાનું વહેતું જાય ઝરણ ક્યાંથી ક્યાં સુધી
પહોંચ્યા હશે તો બોલો ચરણ ક્યાંથી ક્યાં સુધી
આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ
દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી
ઝંખનાના હરણ તો કાયમ દોડવાના. એમાંય ચૂંટણી ટાણે તો અત્ર, તત્ર, સર્વત્ર દૃશ્યમાન થશે. મતદાર તરીકે આપણે જાગૃત રહેવાનું છે. ભોળા હરણનું રૂપ લઈને આવતા ઉમેદવાર પાછળ વરુની શેતાનિયત છૂપાવીને આવતો હોય તો એ ઓળખતાં શીખવું પડશે.

મૂર્ખ, અણસમજુ, બાળકબુદ્ધિ ઉમેદવારને મત આપવાનો તો સાત જનમમાં પણ વિચાર ન કરવો. સરકારી જનકલ્યાણ યોજનાઓમાં દયામાયા આવકાર્ય છે; સત્તાધીશ ચૂંટવાનો હોય ત્યારે જીવદયા બાજુએ મૂકવી પડે નહિતર શિવદયા પર ગુજરાન ચલાવવાનો વારો આવે. વિકસિત ભારતના પાયા મંડાઈ રહ્યા છે ત્યારે શેખાદમ આબુવાલાની વાત સમજવા જેવી છે…
ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને
એને ઠોકર મારીને રસ્તે લગાવ
ક્યાં સુધી પંપાળશે તકદીરને?
દેશની તકદીર માત્ર શાસકોથી બદલાતી નથી. શાસકની આવડત અને નિષ્ઠા જેટલી જ જરૂરી પ્રજાની માનસિકતા છે.

જાપાનના લોકોને જાણીએ તો દેશદાઝ, શિસ્તપાલન, સમયપાલન, સ્વચ્છતા જેવા અનેક ભારેખમ લાગતા શબ્દોનો અર્થ ઊઘડતો આવશે. કમનસીબે સિદ્ધાંતોને ઓહિયા કરી જવા માટે સ્વાર્થ જાણીતો છે. અનિલ ચાવડા પ્રકૃતિ પાસેથી શીખ લેવાનું સૂચવે છે…
આપણા કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી
`આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી
વાત જો ટ્રેનની નીકળે તો ત્રણેક વાર વંદે ભારતમાં સફર કરીને દિલ બાગ બાગ નહીં પણ ટ્રેન ટ્રેન થઈ ગયું.

જેઓ યુરોપ, યુકે, અમેરિકા જેવા દેશોમાં ફર્યા હશે તેઓ ભારતની બદલાતી તસવીરને તારવી શકશે. રાજકારણીઓ વચ્ચે ગમે એટલી સાંઠમારી ચાલતી રહે પણ દેશના વિકાસ પર એની અસર ન પડવી જોઈએ. મનોજ જોશી `મન’ બ્રેકેટ તોડવાની વાત કરે છે…
જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે
ભાવ રાખો, અભાવ છોડી દો
જો કિનારા સુધી જવા માટે
હો જરૂરી તો નાવ છોડી દો
લાસ્ટ લાઈન
ભાળશું, અજવાળશું, પથ ટાળશું બસ ત્યાં સુધી
વારશું, સંભાળશું, મન મારશું બસ ત્યાં સુધી
આ અજંપો નીતરે આંસુ બનીને આંખમાં
ખાળશું, અજમાવશું, છળ ગાળશું બસ ત્યાં સુધી
નિત્યક્રમ સત્કારવા હા, ખુદ વિફળ એવો થયો
હારશું, સ્વીકારશું, વળ વાળશું બસ ત્યાં સુધી
જે ઘડી ઘરમાં ચણેલી ભીંત પણ બોલી ઊઠે
જાણશું, વિસ્તારશું, મદ પાળશું બસ ત્યાં સુધી
બાળતાં સૌ દેહને જ્યારે છૂટે છે પ્રાણથી
સારશું, ઢંઢોળશું, તથ ધારશું બસ ત્યાં સુધી
~ હરીશ શાહ, વડોદરા
~ ગઝલસંગ્રહઃ પ્રસ્વેદની પૂજા
વાહ સરસ આલેખન, અને છેલ્લે હરીશભાઈની પ્રયોગાત્મક સુંદર ગઝલ. અભિનંદન બંને સર્જક મિત્રોને.
Outstanding
લાસ્ટ લાઈનની ગઝલ બહુ ગમી.
ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું
ફક્ત એક ટોળામાં સામિલ થવાયું
સરસ રજુઆત.
સરયૂ પરીખ.