| |

“હું શું કહીશ..?” એક પત્ર ~ વાર્તા ~ વસુધા ઈનામદાર

(એક અનામી સત્યઘટના પર આધારિત)

વહાલી સખી ગિરા ,

આજે તું મારા મનનાં આકાશમાં સવારથી વિચરી રહી છે! અને એ સાથે જ, મારું મન ભૂતકાળમાં સરી પડ્યું છે! કેટલાં વર્ષોની આપણી દોસ્તી! અડધી સદી ઉપરાંતની તો નક્કી, ખરું ને! તું બટક બોલી ને હું..? જો તારી ભાષામાં કહું તો, ”અલી, બોલને, મોઢામાં મગ ભર્યા છે!” કહી મને ટોકનારી ! “ હજી ય એવી જ છું. નાના હતા ત્યારે સંવાદ કરતા, સાથ મહત્વનો હતો.  સાથે નદીએ ન્હાવા જવું,  શાળાની પાછળની આવેલી વાડીએથી કાચા પાકા સીતાફળ ચોરવા, ને એક જ બેન્ચ પર બેસી ચાલુ કલાસમાં કરેલી ધમાલ મસ્તી ! આજે બધું અકબંધ યાદ આવી રહ્યું છે.

જોતજોતામાં, આપણે મોટાં થઇ ગયાં, પણ કયારેક બાળપણના બગીચાની મહેક મનને ભૂતકાળમાં દોરી જાય છે. કેવા બિન્ધાસ્ત હતા એ દિવસો! આનંદ ,મસ્તી અને ભણવા સિવાય આપણાં જીવનમાં કોઈ ચિંતા કે ડર જેવું કશું જ નહોતું. એકબીજાના મનની વાત કહ્યાં વગર આપણે તે જાણી જતા. આપણી દોસ્તી એટલે હસતી હસાવતી, અને સાથે રડતી રડાવતી. આમ જુઓ તો લ્હારી ઉપરની ચટપટી ભેળ જેવી જ સ્તો હતી અને હજુ રહી છે . આપણે ગમે તે સંકટમાં એકબીજાંને સાથ આપતાં અને અરસપરસનાં મનમાં ચાલતાં ઘોંઘાટને શાંત કરતાં. આપણો નિસ્વાર્થ પ્રેમ એકબીજાને જાણે-અજાણે હૂંફની સાથે સાથે હિંમત અને પ્રેરણા આપતો. તને યાદ છે પેલું ગીત, જે આપણે હીંચકો ચગાવીને ગાતાં ‘તેરે જૈસા યાર કહાઁ , કહાઁ ઐસા યારાના ……’. એ ગીતને જીવતાં જીવતાં જ તો આપણે મોટાં થયાં!

આપણે ભણ્યાં અને પરણીને અલગ અલગ સ્થળે રહેતાં થયાં, તો પણ આપણી દોસ્તીમાં આંચ ના આવી! તને પેલો પ્રસંગ યાદ આવે છે? મને કાર અકસ્માત થયો હતો ને મને તને મળવાનું ખૂબ જ મન થયું હતું , ને તું? તારી અનેક મુશ્કેલીઓ હોવા છતાંય મને મળવા આવી હતી!  આપણાં હ્રદયની ટેલિપેથીનો આ કમાલ હતો કે આપણે ન બોલાયેલી કે ન પાડેલી મદદની “ધા” સાંભળી લેતાં હતાં. ત્યારે તો ક્યાં આવા સ્માર્ટ ફોન, કે મેસેજીસ પહોંચાડવાનાં સો કિમીયાવાળો આજનો સોશ્યલ મિડીયા? પણ, તે છતાંયે, સંદેશાવહન હૈયાથી હૈયા સુધી થઈ જતું! એટલું જ નહીં, તારી નોકરી શોધવાની વાત હોય કે મારા બિઝનેસની, આપણે કંઈ ન સગવડ હોવા છતાં, એકમેક માટે સગવડો કરી લેતાં હતાં!

જોત જોતામાં તેં તારી ને મેં મારી ગૃહસ્થી સંભાળી! મારાં ને તારાં બાળકો પણ હવે મોટાં થઈ ગયા છે.  હવે હું કિરીટના જવાથી એકલી પડી ગઈ છું અને તું બીમાર સાસુની સેવામાં વ્યસ્ત! ખેર, જવા દે એ બધી વાતો… પણ સાચે જ આજે તું મને બહુ યાદ આવે છે અને મીસ પણ થાય છે! તું પણ અમેરિકામાં છે અને હું પણ .. છતાંયે આ બસો માઈલનું અંતર હવે પહેલાંની જેમ જલદી ક્યાં કાપી શકાય છે?

અરે ,આ બધું આજે તને કેમ લખું છું? કિરીટના ગયા પછી જેને આવી વાત કહી શકાય, એવી એક તું જ છે. સંતાનોને કે અન્ય કોઈને કહી શકાય એવું નથી. મારે માટે આપણી યાદોના મોસમની તું વસંત છે.  ભલેને, આજે પાનખરમાં લપેટાયેલાં બેઠાં હોઈએ, પણ જે મૈત્રીની વસંતને ભરપૂર માણી છે, એની મહેક તો મંદારપુષ્પોની સુગંધ જેવી… ભૂલી કેમ ભૂલાય? વોટસ એપ પર આપણે ઢગલાંબંધ વાતો કરીએ છીએ, પણ સાચું કહું, આ પત્રમાં દિલનો ઊભરો ઠાલવવાની ‘કન્ફર્ટ’ જ કંઈ ઓર છે! આથી જ તો, આજે બપોરનાં હું ઈન્ડિયા જવા નીકળું છું, છતાં હું આ પત્ર લખવા બેઠી છું!   (માત્ર લખતી જ નથી, જતાં પહેલાં મારા હાથે જ પોસ્ટ પણ કરી દઈશ.) હા, મારા મનને ડંખતી કેટલીક અનિચ્છનીય વાતોને વોટ્સએપ પર  i-cloud પર હવામાં વહેતી મૂકીને કે ફોન દ્વારા કહેવાનું મારા દિલને ના રુચ્યું! પહેલા તો થયું કે હું ઈન્ડિયાથી પાછી આવીને તારે  ત્યાં જ્યારે આવીશ ત્યારે જ આ વાત કરીશ. પણ ના, આજે તો હું મનના વહેણને તારા સુધી વહેતો મૂકીશ તો જ મને થોડુંક ચેન મળશે!

સખી, તને યાદ છે, થોડા સમય પહેલાં me too ની ચળવળ ચાલતી હતી? ઘણી સ્ત્રીઓનાં દૂઝતાં જખમોને ખોતરતો ભૂતકાળ, વર્તમાન બનીને ને એમને ડંખવા લાગતાં તેઓ આગળ આવીને ને એ બધી પીડાજનક હકીકત કોર્ટમાં કે ટી.વી. પર આવીને કહેવા લાગ્યા ત્યારે હું તે સાંભળતી. અને, મારું મન ક્રોધ અને કરુણાના મિશ્ર ભાવોથી ઘવાતું! કયારેક હૃદયને વલોવી નાખતી એ સ્ત્રીઓની પીડાને હું સાંભળી શકતી નહોતી. ત્યારે સદભાગ્યે કિરીટ મારા જીવનમાં મારી સાથે હતો. ત્યારે હું ઉકળી ઊઠતી અને એને કહેતી, “આવા મોટા કોર્પોરેટમાં કામ કરતા, ઊંચો હોદ્દો ધરાવતા, so called ‘રેપ્યુટેબલ’, (પરણિત કે અપરણિત) પુરુષોની આવી માનસિકતા?”

કિરીટ મને સમજાવટના સૂરમાં કહેતો, ”હોય છે એવા કેટલાક લંપટ પુરુષો, જેઓ સ્ત્રીઓની લાચાર પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે.  ક્યારેક સ્રીઓની સુંદરતા કે સ્માર્ટનેસ એમને આકર્ષે, તો વળી ક્યારેક પોતાની વાસનાને પરાઈ સ્ત્રીમાં પૂર્ણ કરવા ઇચ્છતા, વિકૃત માનસિકતા ધરાવતા પુરુષો આવી હરકત કરી બેસે છે!” ……અને કિરીટ પછી વાતનો દોર બીજે વાળી મને ગમતા ગીત ગઝલોની વાત કરતો, અથવા તો ટી.વી.પર મારો ગમતો કોઈ શો મૂકી દેતો! હું એને સતત મીસ કરું છું. મને હજીય એ મારી આસપાસ હોવાનો ભાસ થાય છે . ને ક્યારેક પેલું ગીત ગવાઈ જાય છે ? “જરાસી આહટ હોતી હૈ ,તો દિલ સોચતા હૈ , કહીં એ વો તો નહીં ……” ને હું ફરી એની સાથે વિતાવેલા પાંચ દાયકાને શોર્ટ ફિલ્મમાં ‘ફિલ્માયા’ કરું છું!

મારે ખરેખર તો તને કોઈ બીજી જ વાત કરવી છે.  તું મારી બાળપણની સખી, આપણે બેય સારી કે માઠી અંગત વાતોનાં ભાગીદાર…! કિરીટ આપણને મજાકમાં કાયમ ‘પાર્ટનર્સ ઈન ક્રાઈમ’ કહેતો, યાદ છે ને? હું પાછી આવું ઈન્ડિયાથી, એ પહેલાં, મારાં જીવનમાં ગઈ કાલે જ બનેલાં અને મને ડંખ્યા કરતાં એક અનિચ્છનીય પ્રસંગની વાત તને કહેવી છે.

વાત એમ છે કે તું આપણાં ગ્રુપની વૈભવીને ઓળખે છે ને? એણે એનાં પતિ અનિલની બર્થ ડે પાર્ટી રાખી હતી, તું તો જાણે છે ને કે કિરીટના ગયા પછી હવે એવી કોઈ પાર્ટીઓમાં મને રસ નથી રહ્યો. ખાસ કરીને જ્યાં મને કિરીટની યાદ તીવ્રતાથી સ્પશર્તી રહે, ત્યાં જવું નથી ગમતું. મેં એને ના પાડી હતી છતાં પણ પાર્ટીના આગલા દિવસે એનો ફોન આવ્યો અને વૈભવીએ ખૂબ જ આગ્રહ કરીને કહ્યું, “તારે આવવું જ પડશે! કિરીટ હોત તો આવ્યા વગર રહેત નહીં. કિરીટ અને અનિલને પણ કેટલું બધું બનતું હતું!”

મેં એને કહ્યું પણ ખરું કે કિરીટના ગયા પછી હું ઈન્ડિયા ગઈ  નથી, અને પરમ દિવસે જ હું નીકળું છું. પણ, વૈભવી જેનું નામ..! એણે ખૂબ ભાવથી આગ્રહ કર્યો, એટલું જ નહીં,  પાછું એણે એમ પણ કહ્યું કે, “અમે એમાં કાવ્યગોષ્ઠિનો પ્રોગ્રામ પણ રાખ્યો છે. અને તું નહીં હોય તો કેમ ચાલશે!”આમ જોવા જઈએ તો આવી પાર્ટીઓમાં આવા પ્રોગ્રામ કોણ રાખે? પણ બંને જણાં સાહિત્ય પ્રેમી છે અને વૈભવી સાથે તો કોલેજના સમયથી આટલી જૂની દોસ્તી છે!  આથી જ મેં જવાનું નક્કી કર્યુ. ત્યાં ઘણાં બધાંએ પોતપોતાની કૃતિ વાંચી,  મેં પણ કિરીટને ઉદ્દેશીને મારી લખેલી કવિતા વાંચી!

વૈભવીએ મને છેલ્લે સુધી રોકી રાખી હતી. પાર્ટીમાં આવેલાં મોટાભાગના લોકો જતાં રહ્યાં હતાં. વૈભવી સાથે અલકમલકની વાતો કરવામાં મોડું થઈ ગયું હતું. મેં વૈભવીને કહ્યું, ” રાતનાં અગિયાર થઈ ગયા છે. હું જાઉં. આજે પાર્કિંગ પણ સાઈડની સ્ટ્રીટ પર મળ્યું છે.  કાલે તો ઈન્ડિયા જવા નીકળવાનું છે અને વાતોમાં હું યે બેસી જ રહી!”

વૈભવી બોલી, “અરે, તને એરપોર્ટ માટે રાઈડ છે કે અમે મૂકી જઈએ?”  મેં એને કહ્યું કે મારો દીકરો કાલે મને એરપોર્ટ પર મૂકવા આવવાનો છે. તો વૈભવી કહે કે, “ઠીક છે પણ હમણાં તો એકલી નહીં જા. રાતનાં અગિયાર થયાં છે તો અનિલ સાથે આવશે.”

વૈભવીના હસબન્ડ અનિલ પણ ત્યાં જ હતા. એમણે મને કહ્યું, ”અરે, હું તમને કાર સુધી મૂકી જઉં. રાત થઈ ગઈ છે તો એકલાં ક્યાં જશો?”

મેં હસીને કહ્યું, “આટલા સારા નેબરહુડમાં મને, સિત્તેર વરસની ડોસીને કોણ ખાઈ જવાનું છે?”

મારી ઘણી આનાકાની છતાં વૈભવી અને અનિલ આગ્રહ કરતાં જ રહ્યાં . વૈભવીએ પણ કહ્યું, “ભૂમી, મોડું થયું છે, અનિલ ભલેને તને કાર સુધી મૂકી જાય.”

મેં એમને કહ્યું ,”અરે, તમે આજે એંસી વરસના થયા છો! આ ઉંમરે ક્યાં મને મૂકવા આવો છો? બેસો, તમે, હું જઈશ મારી મેળે! તમારી તો આજે …… “ પણ, મારી વાત પુરી સાભળતા પહેલાં તો તેઓ શુઝ પહેરીને ઘરમાંથી બહાર નીકળીને દરવાજા પર મારી રાહ જોતા ઊભા રહ્યા. પછી હું પણ વૈભવીને ‘બાય’ કહીને નીકળી અને એમનાથી થોડીક આગળ ગઈ. રસ્તામાં અનિલે એમ કહીને  વાત કરવા કોશિશ કરી કે, ‘અરે, જરા ધીમે, સાથે તો ચાલો.” પણ કોને ખબર, મારું મન કંઈક તો ઉચાટ અનુભવતું હતું કે મેં માત્ર સાંભળ્યા જ કર્યું અને એક બે ડગલાં આગળથી જ હોંકારો દીધો.

હું જેવી મારી કાર આગળ આવીને ઊભી રહી, તો એ એંસી વર્ષના ખૂસટે મને પાછળથી જકડી લીધી. એકાદ મિનીટ તો મને કંઈ સમજાયું નહીં અને આ કોણ છે એ જોવા મેં ગરદન ફેરવી. અનિલને જોયો કે ગુસ્સામાં મેં ખુબ જોશથી એને ધક્કો માર્યો, ને એ પડી ગયો! મને એની પડવા સમયની વેદનાસભર ચીસ પણ સંભળાઈ હતી. ક્રોધથી હું ધ્રૂજતી, ધ્રૂજતી, જલદીથી ગાડીમાં બેસી ગઈ. એકાદ મિનીટ તો મને થયું કે બારી ખોલીને હું કહું કે, ”હું વૈભવીને કહી દઈશ!” પણ જો એણે નિર્લજ્જતાથી સામો એવો કંઈ્ક જવાબ આપ્યો કે, “કિરીટના ગયા પછી તું તો હવે એકલી રહે છે. અને આપણાં સર્કલમાં બધાં મને અને મારી સજ્જનતાને સારી રીતે ઓળખે છે!  વૈભવી તો શું, કોઈ પણ તારી વાત નહીં માને ……!” તો, હું વાત પણ ખોઈશ અને સ્વાભિમાન પણ ખોઈશ! અને એમાંયે એ પડી ગયો છે ને એને વાગ્યું હોય તો, માણસાઈની રૂએ પણ મારે રોકાવું પડશે…? આમ મનમાં મૂઝાતી મેં નકી કરી લીધું કે, મારે એને પાછળ વળીને જોવો નથી! આંખોમાં આંસુનાં ઓઅડલ જામ્યાં હતાં અને, મેં  કાર મારી મૂકી.

ગાડી ચલાવતાં હું હજુ કાંપતી હતી અને કિરીટને મિસ કરતાં, આંસુ મારા ચહેરા પરની વેદનાનાં રંગો ધોવાની સતત વિફળ કોશિશ કરઈ રહ્યાં હતાં! હું વિચારતી રહી કે વૈભવી તો કેટલી રૂપાળી અને શરીરે કેવી ફિટ છે, એનર્જીથી ઊભરાય છે અને તોયે આ માણસને. …! મને પહેલી વખત અહેસાસ થયો કે, જીવનના કોઈ પણ પડાવ પર એકલાં પડી જવું શું ચીજ છે…!

બીજે દિવસે વૈભવીનો ફોન હતો. હું મારી જવાની ધમાલમાં હતી અને એણે વોઈસમેઈલ પર મેસેજ મૂક્યો કે, ”અરે, તને મૂકીને આવતા અનિલને ઠોકર લાગીને એ પડી ગયો. કમ્મરમાં સારું એવું વાગ્યું છે, ડોકટરે આરામ કરવાનું કહ્યું છે. થેંક ગોડ કે ફ્રેક્ચર નથી! ઘેર આવતાંવેંત જ એણે કહ્યું કે સારું થયું કે તું ન પડી નહીંતર તારું ઈન્ડિયા જવાનું  અટકી પડત! એની વે, ડિયર, ચિંતા નહીં કરતી. હેવ અ ગુડ ટ્રીપ. વોટ્સએપ પર વાત કરતાં રહીશું!”

હું તો વોઈસમેલને માની જ ન શકી! પહેલીવાર મને થયું કે સારું થયું કે મેં એને ધક્કો માર્યો અને કંઈ પણ કહ્યા વિના અને પાછળ જોયા વિના, કાર મારી મૂકી હતી!

તને શુ લાગે છે કે મારે વૈભવીને સાચું કહેવું જોઈએ? થેંક ગોડ, કે હું હાલ તો બે મહિના માટે ઈન્ડિયા જાઉં છું. પણ, આવીને હું વૈભવીને શું કહીશ કે કેમ મળીશ?

આજે મને કિરીટ પર પણ ગુસ્સો આવે છે કે મને એકલી મૂકીને કેમ જતા રહ્યા? અને, અત્યારે  આ એક જ શેર સૂઝે છેઃ
“ભીડમાં આ રીતે  એકલાં  પડવું   શું ચીજ છે!
સાવ છેલ્લાં આ શ્વાસો સુધી લડવું શું ચીજ છે!
બાગમાં આજ ફોરમ પવનથી રિસાણી છે શું?
સૌરભો વિનાની આ હવાનું અડવું શું ચીજ છે!”

શેર તો સૂઝી ગયો પણ, પાછી આવીને વૈભવીને હું શું કહીશ? એને કઈ રીતે મળીશ? બસ, આનાં જવાબો નથી સૂઝતાં..! આથી જ જતાં પહેલાં આ પત્ર લખીને પોસ્ટ કરી રહી છું. આશા રાખું છું કે હું પાછી આવું ત્યાં સુધીમાં તને કંઈ સૂઝે…!

લિ. તારી વહાલી સખી,
ભૂમી

આપનો પ્રતિભાવ આપો..

One Comment