|

રોટીના રૂપ  અનેક ~ પૂર્વી મોદી મલકાણ

રોટીના રૂપ કેટલાંતો કહે વિશ્વમાં જેટલી ભાષા તેટલા પ્રકારની રોટી કે તેના રૂપ હોય છે. આ રોટી જેમાંથી બનાવવામાં આવે છે તે ઘઉનું સીધું પ્રમાણ ઈજિપ્તનાં પિરામિડોમાંથી મળી આવ્યું છે. અરે કેવળ ઈજિપ્ત જ નહીં પણ ઇન્ડ્સવેલી સંસ્કૃતિમાં યે રોટી –નાનનો ઉલ્લેખ થયેલો છે. જોકે વિશ્વની સૌથી જૂની રોટી કેવી હતી તે બાબતનું પ્રમાણ તૂતેનખામેન***ની પિરામિડમાંથી મળેલ છે.

 

 

(તૂતેનખામેન*** – પિરામિડ)

 

૧૯૨૨માં જ્યારે આર્કિયોલોજીસ્ટો વિખ્યાત એવી તૂતેનખામેનની પિરામિડમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે એક ખંડમાંથી અમુક ટોકરી મળી આવી જેમાંથી ગોળચકોરચોરસપશુ -પક્ષીઓ અને ફૂલના આકારની રોટી મળી આવી હતી. ઈજીપીશ્યન ડો. પ્રો. ગુલઅહેમદ અબ્બેસનું માનવું છે કેઆ વિવિધ આકારોવાળી અને ચિત્રોવાળી રોટી એ ફેરોની રાણીઓનાં મનોરંજનનાં ભાગ રૂપે બનાવવા આવેલ. કારણ કે આ સમયમાં રાણીઓ ખાસ પેલેસની બહાર નીકળતી નહીંતેથી બહારની દુનિયા કેવી હોય તે વિષે જાણવા માટે આ પ્રકારની રોટી બનાવવામાં આવતી. રોટીરોટલી અને તેનાં વિવિધ રૂપોનો મુખ્ય ઘટક છે ઘઉં અને તેનો સ્ટાર્ચ. પણ વિવિધ પ્રાંત અને સંસ્કૃતિ અનુસાર ઘટક હંમેશા બદલાતું રહે છે. આપણે એ ઘટક વિષે ય જોઈશું,પણ શરૂઆત આપણે ઘઉંથી જ કરીએ.

ઘઉં અને જુવાર:- 

ઉંના પાકનું અસ્તિત્ત્વ ૯૦૦૦ વર્ષ પૂર્વેનાં ઇતિહાસમાં મળે છે. અમે અમારી હરપ્પાની (પાકિસ્તાન) ટૂર કરી ત્યારે ત્યાંના મ્યુઝિયમમાં અમને ઘઉંના ૫૦૦૦ વર્ષ જૂના અવશેષો જોવા મળેલાંપણ ચોખાના કોઈ અવશેષો અમારા જોવામાં આવેલાં નહીં. આથી અમે એ નિષ્કર્ષ કાઢ્યું કેચોખાને પાણી ખૂબ જોઈએ અને આ ભાગમાં નદીઓ હશેપણ ચોખાને પૂરતું થાય એટલું પાણી નહીં હોય તેથી ઇન્ડ્સ સંસ્કૃતિનાં આ ભાગમાં ઘઉંની ખેતી મહત્તમ થતી હશે.

 

 

 

(હરપ્પાના અવશેષ)

 

ઘઉં વિષેની બીજી વાત એ પણ છે કે; સિંધ સંસ્કૃતિ અગાઉના ગ્રંથો કે વેદોમાં ક્યાંય ઘઉંનો ઉલ્લેખ થયો નથી તે જોતાં એવું લાગે છે કે આ સમયમાં આપણે ચોખાનો ઉપયોગ થતો હશે. કારણ કે વેદોના હોમ- હવાનાદી આદી શુભ કાર્ય માટે અક્ષતનો ઉલ્લેખ થયો છે પણ તે પૂર્વ અને દક્ષિણ હિંદુસ્તાન તરફની વાત છે. પણ ઉત્તર પશ્ચિમ હિંદુસ્તાનમાં લગભગ ૧૫૦૦ BC પછી ફરી ઘઉંનો પુનઃજન્મ થયો હોવો જોઈએ કારણ કે આ સમયમાં ઉત્તરભારતે ઘઉંને પૂર્ણ ખોરાક ગણીને પોતાના રોજિંદા ખોરાકમાં શામિલ કરી લીધો હતો. પણ એમાં યે જ્યારે આર્યન લોકો ભારત આવ્યાં ત્યારે તેમણે ઘઉંને મલેચ્છો અને નીચ જાતિના લોકો માટેના અનાજ તરીકે ઓળખ્યું અને જુવાર -ચોખાને વધુ મહત્વ આપ્યુંપણ સમયાંતરે જુવારને આપણે ગરીબોનાં ખાણાં તરીકે માનવામાં આવ્યું આ જુવારનું અસ્તિત્ત્વ ઇ.સ પૂ ૧૮૦૦ વર્ષ પહેલાં આફ્રિકાથી મળેલું પણ આપણાં દેશમાં તે ૧૦૦૦ વર્ષ પહેલાં આવ્યું અને આપણાં ખોરાકમાં ઠાઠથી શામિલ થઈ ગયો.

 

 

 

ઉંજુવાર અને ચોખા વિષે થોડું જાણ્યાં પછી હવે ઘઉંની રોટી વિષે જોઈએ. ૩૦૦ BC માં ઘઉંને પલાળી વાટી તે પેસ્ટમાંથી રોટી બનાવવામાં આવતી હતી. પેસ્ટમાંથી બનતી આ રીતને આપણે ઢોસાપુડલા જેવી વાનગીઓ સાથે જોડી શકીએ.

રોટીનું મહેનતાણું:-

રોટી શબ્દની ઉત્પતિ સંસ્કૃત શબ્દ “રોટીકા”થી થયો. પણ આ શબ્દનો સૌ પ્રથમ લિખિત ઉલ્લેખ આપણને ૧૫ મી સદીમાં જન્મેલાં ભક્તિ પરંપરાનાં સંત અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનાં શિષ્ય એવા અષ્ટછાપીય કવિ સૂરદાસજીનાં ગ્રંથ “સૂરસાગર”માં જોવા મળે છે. જેમાં આપશ્રી કહે છે કે;
रस कनिक बेसन मिलैरुचि रोटी पोई।।
प्रेम सहित परुसन लगीहलधर की माता।

અર્થાત:- બેસન મેળવીને સરસ રીતે ગૂંથેલ આટામાંથી રુચિ લાગે તેવી રોટી બનાવીને હલધરની માતા ( રોહિણી ) પ્રેમ સહિત પીરસવા લાગી.  

 કુલચા અને નાન જેણે પ્રેમપૂર્વક બનાવી ને જેણે પ્રેમપૂર્વક રોટી પીરસી તે બંનેનું મહત્ત્વ કોઈ ને કોઈ રીતે છે, પણ આ જ રોટીનો ઉપયોગ પદની પ્રણાલિકા તરીકે ક્યારેય થયો હશે તે વિષે કલ્પના કરવી યે અદ્ભુત વાત છે. ઈજીપિશ્યન ઇતિહાસમાં જણાવેલ છે કે ફેરો નાં સમયમાં અધિકારીઓસિપાહીઓમજૂરોને અને ગુલામોને પગાર તરીકે કે મહેનતાણાં તરીકે ધનને બદલે રોટી અપાતી હતી. જેમ રોટીની સંખ્યા વધારે તે વ્યક્તિનું મહેનતાણું વધુ ઊંચું ગણાતું. હેરોડોટ્સના મતે ઈજિપ્તવાસીઓ રોટી બનાવવા માટેનો આટો પગથી ગુંદતા હતાં.

આજ પ્રકારની એક વાત શહેનશાહ શાહજહાં વિષે પણ કરવામાં આવે છે. “તવારીખે શાહજહાઁ” માં લખ્યું છે કે; જ્યારે મુમતાઝ બેગમની યાદગીરી માટે તાજમહાલ બનાવવાનું કામ અને કામ પર નજર રાખવાની જવાબદારી શાહજહાઁએ અલી મરદાન શાહને સોંપેલ જેઓ એક ઈરાની કૂર્દ સિપાહી અને આર્કિટેક્ટ એંજિનિયર હતાં. અલી મરદાન દિવસને અંતે જ્યારે કામનું નિરીક્ષણ કરતાં ત્યારે ત્યાં સુંદર રીતે કામ કરનાર કારીગરોને બક્ષિસનાં રૂપમાં કુલચા આપતાં અને આખા દિવસનાં કાર્ય બાદ ભૂખ્યાં થયેલાં કારીગરો માટે ભૂખ સમાવવાથી વધુ મોટું શું હોય? અલબત્ત અલી મરદાન આ પદ્ધતિ કોની પાસેથી શીખ્યાં તેનો કોઈ ઉલ્લેખ ઈતિહાસમાં કર્યો નથી, પણ લોટ બાંધીને કુલચા, નાન રોટીનો જન્મ ૩૦૦ થી ૮૦૦ BC ની વચ્ચે ઈરાનમાં થયેલો અને ત્યાંથી જ આ રોટી-નાને પોતાનો પ્રવાસ પૂર્વના દેશો તરફ શરૂ કર્યો. જોવાની વાત એ છે કે; કુલચા, નાન રોટીની શોધનાં સમયથી લઈ આજ સુધી તેને  બનાવવાની પધ્ધતિમાં હજુ સુધી કોઈ ફર્ક પડ્યો નથી. પણ ૮૦૦ BCના ઉત્તરાર્ધમાં ઈજીપ્તે પેસ્ટ લોટ અને રેગ્યુલર લોટને બાદ કરી પ્રથમવાર રિફાઇન્ડ લોટ એટ્લે કે મેંદાના લોટનો ઉપયોગ કરેલો.

મોટી રોટીથી લઈ રૂમાલી અને ફૂલકા રોટીની યાત્રા:-
रोटी अगर पेड़ पर लगती
तोड़ तोड़कर खाते
तो पापा क्यों गेहूँ लाते
और उन्हें पिसवाते?

रोज सवेरे उठकर हम
रोटी का पेड़ हिलाते
रोटी गिरती टप टपटप टप
उठा उठाकर खाते
                        ( – निरंकार देवराय सेवक 

                                                                                                    (ફુલકા રોટી)

રાનથી થોડી જાડી એવી શેકેલી રોટીને શેરશાહ સૂરી ભારતમાં લઈ આવ્યો હતો એમ ઇતિહાસ કહે છે. જ્યારે મુગલ યુગમાંથી હુમાયું આવ્યો ત્યાં સુધી આ રોટીનું વર્ચસ્વ ભારત પર રહ્યુંપણ બાદશાહ અકબરને આ જાડી રોટી પસંદ ન આવી આથી તેની બેગમ રૂકૈયાએ પરદા જેવી પાતળી રોટીનો ઉદ્ભવ કર્યો જે આજે “રૂમાલી રોટી” તરીકે ઓળખાય છે.

                                                                                                   (રૂમાલી રોટી)

આ રોટીમાં લોટને બદલે મેંદાના લોટનું પ્રમાણ વધુ હતું. તેથી દેખાવ-સ્વરૂપમાં ભલે આ રોટી પાતળી હતી પણ પચવામાં ભારે હોય મોડે સુધી ભૂખ ન લાગતી. આથી આ રોટીનો ખાસ કરીને મુગલ બાદશાહો યુધ્ધ દરમ્યાન ઉપયોગ કરતાં. એક માન્યતા મુજબ આ રૂમાલી રોટીમાંથી ફૂલેલી જાડી રોટીનો જન્મ લગભગ ૧૫ મી સદીમાં અવધમાં થયો. પણ ફૂલેલી રોટીમાં મેંદાને બદલે જાડા લોટનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી કરીને પેટને બહુ ભારી ન લાગે, પણ પેટ ભરેલું રહે. આ ઘઉંની જાડી રોટી જ્યારે મહારાષ્ટ્ર આનર્ત તરફ આવી ત્યારે તે પાતળી રોટીનું સ્વરૂપ ધારણ કર્યું. જોકે આ વાત તો થઈ રોટીનાં પ્રાચીન અર્વાચીન ઇતિહાસની, પણ ભારતીય પુરાણા અને ઉપનિષદ શાસ્ત્ર પ્રમાણે તો રોટીનો ઉલ્લેખ દ્વાપર યુગ અને ત્રેતા યુગમાં યે કરાયો જ છે. જે વાતની પૂર્તિ કરતાં મધ્યકાલીન યુગમાં થયેલ કવિ રસખાનજી કહે છે કે,धूरि भरे अति शोभित श्यामजू तैसी,
बनी सिरसुंदर चोटी।
खेलत खात फिरे अंगना पग पैजनी,
बाजति पीरी कछोटी।

वा छवि को रसखान विलोकत वरात,
काम कलानिधि कोटी।
काग के भाग बड़े सजनी हरि हाथ सौं,
ले गयो माखन रोटी।
અર્થાત:- એક સખી બીજી સખીને કહે છે કે; ધૂળથી ભરેલ શરીરવાળા શ્રી કૃષ્ણ જેવા શોભાયમાન છે તેવી જ શોભાયુક્ત એવી આપની ચોટી છે. પીળા રંગની લંગોટી પહેરેલ એવા કાન્હા ખેલતાં ખેલતાં માખણ રોટી ખાતા પોતાનાં આંગણમાં ઘૂમી રહ્યાં છે ત્યારે તેમનાં પગની પૈંજની વાગી રહી છે જે જોઈ કામદેવ પણ કરોડો કરોડો વાર આપ પર વારી રહ્યાં છે, ત્યાં જ એક કાગ આવ્યો અને તેણે કાન્હાના હાથમાં રહેલ માખણ રોટી પર ઝડપ મારી લઈ લીધી અને ત્યાંથી ઊડી તે બાજુનાં વૃક્ષ પર બેસી ખાવા લાગ્યો. તે જોઈ રસખાનજી કહે છે કે આ કાગનું ભાગ્ય તે સૌભાગ્ય બની ગયું કારણ કે જે માખણ રોટીનો ટુકડો પ્રભુના હસ્તમાં હતો તે જ તેને ખાવા મળી રહ્યો છેબીજી રીતે જોઉં તો પ્રભુના હસ્તે જ તે એક કોળિયો ખાઈ પોતાનું જીવન સાર્થક કરી રહ્યો છે.”

લૂચી-પૂરી:-


પ્રથમ નગર સંસ્કૃતિ હર્પ્પીયન -સિંધ સંસ્કૃતિમાં રોટીનો ઉલ્લેખ થયો છે. જ્યારે આપણાં શીખંડ અને ખીર સાથે જોડી જમાવનાર “લૂચી”નો જન્મ આમ તો વૈદિક યુગમાં જ થઈ ગયેલો તેથી સંસ્કૃતમાં તેનું નામ “પૂરીકા” ને નામે જોવા મળે છેપણ વિદેશી આક્રમણોને કારણે આપણી મૂળ દેવભાષા સંસ્કૃત જેમ જેમ ખોવાવા લાગી તેમ તેમ તેમાં રહેલ વાનગીઓનાં મૂળ નામો પણ ખોવાવા લાગ્યાં. મધ્યકાલીન યુગ એ ભક્તિકાલીન યુગ તરીકે ઓળખાયો. આ સમયમાં શ્રી માધવેન્દ્રચાર્ય પૂરીએ આ વાનગીનો ફરી ઉદ્ભવ કર્યો અને પછી બાલ ગોપાલને ધરી પોતાનું નામ “પૂરી” આપ્યુંઆજે ભારતની મોટાભાગની ભાષામાં પૂરીકાને પૂરીઓડીસીમાં પોરી અને બંગાળમાં લૂચી તરીકે ઓળખવામાં આવે છે. પૂરીની ખાસિયતમાં બે વાત વિષે ધ્યાન દોરવું યોગ્ય રહેશે. પહેલી બાબત એ છે કેપૂરીને ભારત પાકિસ્તાનનાં લોકો તો અપનાવે જ પણ પૂર્વ એશિયામાં આ વાનગી ખૂબ પ્રખ્યાત થઈ અને બીજી બાબત એ કેઉત્તર ભારતીય કુલચાની જેમ પૂરીને પણ સ્ટફડ કરવાની શરૂઆત ૧૮ મી સદીનાં અંતમાં થઈ હતી જે આજ દિન સુધી ચાલુ છે.

તંદૂર અને તંદૂરી રોટી:- 

 

 

 

 


૦૦૦ થી ૩૦૦૦ વર્ષ પૂર્વે મધ્ય એશિયામાંથી ઘઉંની અનેક વાનગીઓ નીકળી જેમાંથી એક વાનગી જમીનની અંદર બનાવેલ માટીની કોઠીમાં શેકવામાં આવી હતી. આજે આ માટીની કોઠીને આપણે તંદૂર તરીકે ઓળખીએ છીએ. જો તંદૂરની જ વાત કરવી હોય તો તંદૂરનો સૌથી વધુ ઉપયોગ ગ્રામ્ય સમાજે અને વિભાજન પછી આમતેમ ફરતી પ્રજાએ કર્યો હતો. કદાચ રાંધણની આ કલાએ પંજાબની સાંઝા-ચૂલ્હાની પ્રથાને જન્મ દીધો હશે. ગ્રામ્ય સમાજની તો વાત સમજી શકાય છેપણ વિભાજન પછી બે-ચાર ઈંટસૂકા પાંદડા અને ઝાડની ડાળીઓની વચ્ચે બનેલ આ નેચરલ તંદુરે ન જાણે કેટલા લોકોની ભૂખ મિટાવી હશે તે કોને ખબર.

પણે ત્યાં તંદૂર દ્વારા શેકવાની પધ્ધતિ મધ્યકાલીન યુગમાં મોગલો દ્વારા આવી. આ તંદૂરની અંદર શેકાયેલ તંદૂરી ચિકનથી લઈ રોટી સુધીની બધી જ વાનગીઓ પંજાબના ખાણાનો મુખ્ય હિસ્સો બની ગઈ. પેશાવરની મારી ટૂરમાં મે જેનો સૌથી વધુ આનંદ લીધેલો તે હતી ખમીરી નાન. આ નાનનો સૌથી વધુ ઉપયોગ મધ્ય એશિયાથી લઈ પેશાવર સુધી થાય છે. આ નાનનાં આટામાં ખમીર એટ્લે કે યીસ્ટ ભેળવી ચાર -પાંચ દિવસ સુધી ભીના કપડાંમાં મૂકી રાખવામાં આવે છે,ત્યાર પછી આ અથાયેલાં લોટમાંથી જે ખટાશ પડતો સ્વાદ આવે છે તે અફલાતૂન હોય છે. આ નાનનો ટુકડો મો માં મૂકતાં જ મને યુરોપ -અમેરીકાની સાવર ડોહ બ્રેડની યાદ આવી ગઈ. કદાચ આજ ખાટી નાનથી સાવર ડોહ બ્રેડનો જન્મ થયો હશે. ખરે જ દેશ પ્રમાણે બદલાતી આ રોટીએ એટએટલા રૂપરંગ ધારણ કર્યા છે કે ગણ્યાં ગણાય નહીં.

પેશાવરી નાન:-

ભારત અને પાકિસ્તાન સિવાય આજે વિશ્વની દરેક નોર્થ ઇંડિયન રેસ્ટોરન્ટમાં મળતી આ પેશાવરી નાનનો સ્વાદ મે અગાઉ ઘણી જગ્યાએ લીધેલો છેપણ મારી પેશાવરની ટૂર દરમ્યાન લીધેલો ઓરિજિનલ પેશાવરી લૂફ્ત મનમાં એક યાદ બનીને બેસી ગયો છે. મને યાદ છે કેપેશાવરની આ નાનમાં સૂકી દ્રાક્ષઆલૂબુખારાઅખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ સ્ટફ્ડ કરવામાં આવેલાં. ફૂડ સ્પેશિયાલિસ્ટ ડો. પુશ્પેંન્દુ રાવનું કહેવું છે કે આ પેશાવરી સ્ટફ્ડ નાન પરથી આપણે ત્યાં સ્ટફ્ડ કૂલચાનો જન્મ થયો. આ કૂલચા અંગ્રેજોને એટલા ગમી ગયાં કે તેઓ મૂર્ગછોલે સાથે પોતાના દેશમાં લઈ ગયાં અને આ બંને ડીશ આજે અંગ્રેજી કિચન અને ખાસ કરીને રોયલ કિચનનો એક ભાગ ગણાય છે. જ્યારે કેવળ નાન પરથી નાન ખટાઈ નામની મીઠાઇ બહાર આવી જે મોં માં આવતાં જ ઓગળી જાય છે.

પરાઠા:-
राठा के है दो यार
क है दहीं और दूसरा आम का आचार ।


 

 


ના
ન -રોટી પછી આપણે ત્યાં જે સૌથી વધુ પ્રખ્યાત છે તે છે પરોઠા. આ પરોઠાનો ઇતિહાસ પણ અત્યંત રસદાયક છે. મુગલ શહેનશાહ શાહજહાંનો એક ખાસ સેવક પઠાણ હતો. એક દિવસ આ પઠાણ રાજકીય ઈર્ષાનો ભોગ બની ગયો. તેથી તેની ફરિયાદ ગઈ શાહજહાં પાસે. શાહજહાંને આ સેવક માનીતો હતોપણ અત્યારની પરિસ્થિતિ અલગ હતી તેથી શહેનશાહે આ પઠાણને પોતાની સેવામાંથી કાઢી તેને રસોડામાં રોટી શેકવાનું કાર્ય આપ્યું. બાદશાહે પોતાની વાત પર અને પોતાના પર વિશ્વાસ ન રાખ્યો તે વાતથી તે પઠાણને બહુ ગુસ્સો આવ્યો પણ શહેનશાહ ઉપર ગુસ્સો ઉતારવો શી રીતેઆથી તેણે રસોડામાં કામ મળ્યાંના બીજે જ દિવસે કામ બગાડવાનું નક્કી કર્યું. તેનું મૂળ કામ હતું રોટી શેકવાનું પણ તેણે તે રોટીને તળવાનું શરૂ કરી દીધું. આ તળેલી રોટી અગાઉ કોઈએ જોયેલી નહીંકે ખાધેલી નહીં પણ રસોડામાં આવનાર આ નવો માણસ તે બાદશાહનો પ્રિય છે તેમ જાણી અન્ય ખાનસામાઓ તેને કશું કહેવાનું ટાળતા તેનાથી દૂર રહ્યાં. જ્યારે ભોજનનો થાળ શાહજહાં પાસે ગયો ત્યારે તેણે આ નવી વાનગી ચાખી જે તેને બહુ પસંદ પડી. તેણે રસોડામાં પૂછાવ્યું તો ખબર પડી કે આ વાનગી તેના પ્રિય પઠાણે બનાવી છે. આ વાતથી પ્રસન્ન થઈ બાદશાહે તે પઠાણને માફ કર્યો અને એટલું જ નહીંતેની બનાવેલી આ વાનગીને તેનાં નામ સાથે જોડી તેને શાહી રસોડામાં સ્થાન આપ્યું.

૧૬૫૦ માં જ્યારે શાહજહાંએ દિલ્હીમાં ચાંદની ચોક બનાવ્યો ત્યારે તેણે આગ્રહ રાખ્યો કે આ ચોકની બઝારોમાં “પઠાણ”ને રાખવામાં આવે. જેથી કરીને તે જ્યારે જ્યારે આ બઝારની સફરે આવે ત્યારે ત્યારે તે તેનો આનંદ લઈ શકે. સમયાંતરે આ પઠાણનું નામ અપભ્રંશ થઈ “પરોઠા” પડી ગયું. આમ શહેનશાહ શાહજહાંના અદના સેવકને કારણે આપણને ય પરોઠા મળ્યાં. પણ પરાઠાને ચાંદની ચોકમાં મહત્ત્વ મળ્યું ૧૮૭૦ થી. આ સમયે ચાંદની ચોકથી પસાર થઇ પ્રવાસ કરનારા લોકો પોતાની સાથે પરાઠાના પેકેટ લઈ જતાં હતાં. આજે ચાંદની ચોકની આ ગલી “પરાઠેવાલી ગલી” ને નામે પ્રખ્યાત છે. આ ગલીમાં અનેક ક્રાંતિકારીઓએ પોતાની ભૂખ મિટાવી હોય જવાહરલાલ નહેરુ પોતાની બહેન વિજયાલક્ષ્મી પંડિત સાથે વારંવાર આવતાં અને પરાઠાનો સ્વાદ લેતાં. જોવાની વાત એ કે, આ પરાઠા આમતો આખા ભારતમાં પ્રખ્યાતપણ દક્ષિણ ભારતમાં આ વાનગીમાં અનેક લેયર્સ બનાવી તેને “પોરોત્તા” તરીકેની નવી ઉપમા આપવામાં આવી.

બાજરો અને જવ:-
લિહારી તુજ બાજરાજેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયુંબુઢ્ઢા થયા જુવાન.

 

 

(બાજરી રોટી અને જવ રોટી)

ત્યાર સુધી આપણે ઘઉં અને તેનાં સ્ટાર્ચમાંથી બનતી રોટીઓ વિષે જોયું હવેઘઉં સિવાયનાં અનાજોમાંથી બનતી રોટી ઉપરે ય એક નજર કરી લઈએ. આપણે ત્યાં બ્રિટિશ ઈન્ડિયા આવ્યું તે પહેલાના સમયમાં પશ્ચિમી રાજસ્થાનસિંધથી અને અફઘાનિસ્તાન સુધીના વિસ્તારમાં જુવાર અને જવનો ઉપયોગ વિશેષ થતો. આ જવ એટ્લે કે “શઈર”નું પ્રમાણ ૭૦૦૦ વર્ષ પૂર્વે ઈજિપ્તમાંથી મળ્યું હતું.  આ જવ -જુવારનાં રોટલા -રોટલી આપણે ત્યાં જેમ પસંદ કરાય છેતેમ બાજરાનાં રોટલાનું યે એક અલગ જ મહત્ત્વ છે. ભારતીય પ્રાંતમાં બાજરો આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે આફ્રિકાથી આવેલો. બાજરને ઓછું પાણી અને ગરમ હવા જોઈએ જે પ્રમાણે તેમને ગુજરાત -રાજસ્થાનની ભૂમિ ખૂબ ફાવી ગઈ તેથી ત્યારથી લઈ આજ સુધી બાજર અને જુવાર બંને રાજસ્થાન -ગુજરાતમાં સ્થિર થઈ ગયાં. ૧૫૪૩માં જ્યારે શેરશાહ સૂરીએ ભારતના પશ્ચિમી પ્રાંત ઉપર હુમલો કર્યો ત્યારે આ પ્રાંતના રાજા માલદેવે શેરશાહ સૂરીનો સામનો કર્યો. આ યુધ્ધમાં રાજા માલદેવનું સૈન્ય રોજ બાજરાના રોટલા અને બાટી ખાઈ એનર્જી મેળવતાં હતાં. રાજા માલદેવના સૈન્યની આ તાકાત જોઈ શેરશાહ સૂરી બોલી ઉઠ્યો કે “ગધેડાની જેમ આખો દિવસ કામ કરીને થાકેલ વ્યક્તિ જો એક ટંક બાજરો ખાઈ લે તો તે બીજે દિવસે ઘોડા જેવો બની જાય છે માટે જોએક મુઠ્ઠી બાજરો કોઈ મને આપી દે તો હું હિંદુસ્તાનના તખ્તોતાજને ભૂલીને મારા દેશમાં પાછો ચાલ્યો જાઉં.” જે બાજરા પર શેરશાહ ઓળઘોળ થઈ ગયો હતો તે બાજરાને કચ્છના રાજવી લાખા ફૂલાણીએ ખૂબ મહત્ત્વ આપેલું.
 
ચોખામાંથી બનતી રોટી:- 

ચોખામાંથી બનતી અનેક જાણીતી અજાણી વાનગીઓનાસ્તાઓ અને મીઠાઈઓએ આખા યે ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું છે ત્યાં અક્કી રોટી કેમ પાછળ રહી જાયઆ “અક્કી” શબ્દ એ મૂળે “કર્ણાટકી” શબ્દ છે, જેનો અર્થ ચોખા તરીકે થાય છે.
   (અક્કી રોટી)

આમેય હિન્દુ ધર્મમાં બાળકનાં અન્નપ્રાશનની વિધિથી લઈ મૃત્યુ સુધી જે અનાજનો સૌથી સાથ હિંદુધર્મમાં મળે છે તે ચોખાનું મૂળ ક્યાંથી નીકળ્યું છે તે વિષે બે મત છે. પ્રથમ મત એ છે કે, હિંદુસ્તાનમાં ચોખાનું પ્રથમ વર્ણન મળે છે યજુર્વેદમાંથી. જેની રચના ૧૫૦૦ થી ૮૦૦ ઇ.સ.પૂર્વેની માનવામાં આવી છે. પરંતુ હાલમાં કરાયેલ એક અભ્યાસુ સર્વે મુજબ ચોખાથી મળતું આવતું અન્ય એક અનાજ મધ્યભારતનાં ઉત્ખનન દરમ્યાન મળેલું જેની આયુ સાડા ત્રણ કરોડ વર્ષની હતી. જ્યારે બીજો મત કહે છે કે ૧૩,૦૦૦ સાલ પૂર્વે ચોખાનું મૂળ ચીનમાંથી નીકળેલું. આ બંને મતમાંથી પ્રથમ મતને વધુ મહત્ત્વ મળે છે તેથી જ તો આપણાં વૈદિક શાસ્ત્રોએ ચોખાને પવિત્ર ધાન તરીકે ઉપમા આપી છે તો આયુર્વેદે પણ પોષક અને પૌષ્ટિક ખોરાક તરીકે ચોખાનાં જ ગુણગાન ગાયા છે. આ પોષક અને પૌષ્ટિક ચોખામાંથી બને છે અક્કી રોટી.Picture of Akki Rotiઆ અક્કી રોટી એ સાદી અને મસાલાવાળી એમ પ્રકારની હોય છે. ચોખાનાં લોટને બાફીને તેને બે પ્લાસ્ટિક વચ્ચે દબાવી તેની રોટલી બનાવી તેને શેકવામાં આવે છેઆ અક્કી રોટીની જેમ જ દક્ષિણ ભારતમાં જે પ્રખ્યાત છે તે છે ઢોસાઇડલીઅપ્પમ અને ઈડાયઅપ્પમ.

(ઢોસા)

આમ તો બોઇલ કરાયેલાં ચોખાની જ આ વાનગીઓ છે જેનો ઉલ્લેખ પાંચમી સદીથી કરાયો છે. પણ આ વાનગીઓ એ રોટીની અવેજીને પૂરી કરે છે અને જે લોકોને ઘઉં, બાજરો કે જુવારજવની એલર્જી હોય. જેમ પશ્ચિમ અને ઉત્તર ભારતીય લોકો માટે રોટી અને રોટલી મહત્ત્વની છે, તેમ જ દક્ષિણ ભારતીયો માટે ઇડલીનું યે એટલું જ મહત્ત્વ છે.

આ ઇડલી અને ઇડલી જેવી દેખાતી મહારાષ્ટ્રીયન વાનગી “સાંદલ” નો પ્રથમ ઉલ્લેખ ૯૨૮ AD પછી લખાયેલ ગ્રંથોમાંથી મળી આવે છે, પરંતુ વિશ્વમાં જે ઇન્ડિયન ફૂડને સૌથી વધુ પસંદ આવે છે તે છે ઢોસા. આ ઢોસાનો પ્રથમ “લિખિત” ઉલ્લેખ ૬ ઠી સદીમાં “સંગમ લિટ્રેચર” માં જોવા મળે છે. આ ઢોસાને મળતી આવતી વાનગી કે ઢોસાની કઝીન કહી શકાય તેવી બીજી વાનગી છે મહારાષ્ટ્રીયન “ઘાવણ”. આ વાનગી બનાવતી વખતે ચોખાને ૩-૪ કલાક પલાળે છે, પછી કેવળ મીઠું નાખી વાટવામાં આવે છે અને પછી રવાઢોસાની માફક જ બનાવવામાં આવે છે. 

 

ઘાવણ અને ઢોસાને મળતી આવતી રોટી જેવી બીજી વાનગી છે ઇથોપિયાની “ઈન્જેરારોટી. જે તે ટેફ ( Teff ) નામનાં અનાજમાંથી બને છે.

(ઈન્જેરા રોટી)

આ ઈન્જેરાને બનાવવાની રીત પણ આપણાં ઢોસાની જેમ જ આથો બનાવીને બનાવાય છે પણ તે ખવાય છે ઠંડી. એકવાર તવા પરથી ઉતરે પછી આ ઈન્જેરા રોટીને ગરમ કરવાનો રિવાજ હોતો નથી. ઈન્જેરા રોટીને ખાવાની રીત પણ અનુપમ હોય છે. એક મોટા થાળમાં સૌથી નીચે ઈન્જેરા રોટી છૂટી છવાઈ મૂકવામાં આવે છે. તેની ઉપર બીજી કરી- શાક જેવી ૫-૬ સામગ્રીઓ રોટીની ઉપર મૂકવામાં આવે છે. પછી બીજી અમુક ઈન્જેરા રોટીને સાઈડમાં પીરસવામાં આવે છે. આ રોટી શાક કે અન્ય સામગ્રીને પૂરી કરી થાળમાં સૌથીનીચે મૂકેલી ઈન્જેરા સુધી પહોંચો ત્યાં સુધી તે રોટીમાં ઉપરની સામગ્રીનાં બધાં રસ સમાઈ ગયાં હોય તેનો સ્વાદ અલગ જ ખુશ્બુ દઈ જાય છે.


અનાજમાંથી બનતી આ રોટીની વાર્તા અહીં સુધી જ નથી અટકતી પણ કઠોળમાંથી વિવિધ રોટી સુધી યે જાય છે. અલબત્ત આ સ્વરૂપ બદલાય જાય છે, પણ તે બદલાયેલું સ્વરૂપે ય એક પ્રકારે રોટીનો જ ભાગ છે. 

મગ:-
ગ કહે હું ઝીણો દાણોમારે માથે ચાંદુ,
બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.
ટોર્ટિલા, ચીલ્લા અને મૂનકેક જેમાંથી બને છે તે મગનાં દાણા અમે હરપ્પાના મ્યુઝીયમમાં જોયેલાં જેની આયુ ૬૫૦૦ વર્ષ જૂની હતી. આ મગનો ઇતિહાસ એ આપણાં દેશની ભૂમિથી લઈ મોંગોલિયા અને ચીન તરફ જાય છે, પણ મગની મૂળ આયુ ૧૨,૦૦૦ વર્ષની માનવામાં આવી છે. ગયા વર્ષે કેલિફોર્નિયામાં આવેલ મોંગોલ મ્યુઝીયમમાં ગયેલી, ત્યાં રહેલ ઇતિહાસમાં જણાવેલું મોંગોલિયાની ભૂમિ પર મગ એ વિડ એટ્લે કે જંગલી ઘાસની જેમ ઉગેલા. આ વિડને ગરમ પાણીમાં ઉકાળી મોંગોલ લોકો એનર્જી મેળવતાં. સમયાંતરે ચીને આ મગને અપનાવી લીધાં જેને પરિણામે આજે આપણી જેમ જ મગની બનેલ  મૂનકેક, મુંગક્રેપ અને સ્પ્રાઉટેડ મગ એ ચીનનાં મુખ્ય ખોરાકનો એક ભાગ છે. મગ વિષે ટૂંકાણમાં જાણ્યાં પછી હવે ચણા તરફ જઈએ.
ચણાની મિસ્સી રોટી:-
ણો કહે હું ખરબચડોપીળો રંગ જણાય,
ભીની દાળ ને ગોળ ખાયતે ઘોડા જેવો થાય.

                                                                                              (મિસ્સી રોટી)

પ્રો
ટીનનો મુખ્ય સ્ત્રોત ગણાતાં ચણાનો ઉપયોગ યુગની શરૂવાતમાં પ્રાણીજ માંસની અવેજીનાં સ્તોત્ર તરીકે થતો હતો અને આજે પણ થાય છે. સંભવતઃ જે જે દેશોમાં માંસનો વપરાશ પ્રતિબંધિત હતો અથવા માંસ દુર્લભ હતું તે સમસ્ત દેશોમાં ચણા અને તેમાંથી બનતી વાનગીઓને ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું. આ ચણાનું મૂળ ૭૫૦૦ વર્ષ પહેલાં અફઘાનિસ્તાન ને મધ્ય એશિયામાંથી નીકળ્યું હતું. ( હરપ્પા મ્યુઝિયમમાં વાંચેલ ઇતિહાસ મુજબ ) અગર આ અમે વાંચેલ ઇતિહાસનું પ્રમાણ જોઈએ તો એમ માની શકાય કે; હરપ્પન સંસ્કૃતિમાં યે ચણાનો મહત્તમ ઉપયોગ થતો હશે. હરપ્પા સિવાય તુર્કીની નિયોલિથિક માટીકામનાં અવશેષોમાં યે ચણાનો ઉલ્લેખ ચિત્રકારી રૂપે મળી આવ્યો છે.

અફઘાની અને અરેબિક શાસ્ત્રોને બાદ કરતાં લગભગ ૧૩૩૮માં બ્રિટિશ ગ્રંથોમાં ચણાનો પ્રથમવાર ઉલ્લેખ જોવા મળે છે. બ્રિટિશ ગ્રંથોમાં તેનો પ્રથમવા ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ચણાનો બીજો ઉલ્લેખ ૧૫૩૫ માં યુરોપનાં લિથુએનિયાનાં ઇતિહાસની બુક્સમાં થયેલો જોવા મળે છે૧૭૯૩ માં તો વળી એક જર્મન રાઇટર આલ્બર્ટ મગ્નસે ચણાને કોફીનાં સબ્ટિટૂય્ટ તરીકે ઓળખેલ હતું. એક સમયે બે સ્વરૂપે ચણાને અખંડ ભારતમાં લાવવામાં આવ્યાં હતાં તેવો મત છે. એક તો મધ્ય એશિયાથી આવતા મુસ્લિમ સૈન્યનાં ઘોડાઓ લાંબુ દોડી શકે તે માટે પ્રોટીન ખાદ્ય રૂપે ચણાને ભારતીય ભૂમિ પર લાવવામાં આવ્યાં હતાં તો બીજા મતે અફઘાની પઠાણોએ જ્યારે સૂકા મેવા અને હિંગનાં ટુકડાઓ સાથે હિંદુસ્તાનની ધરતી પર પગ મૂક્યો ત્યારે તેઓ પોતાની સાથે લાવ્યાં હતાં. મત જે હોય તે પણ અંતે બાજરાની જેમ આ કઠોળને ય કચ્છ, ગુજરાત અને રાજસ્થાનની ગરમ હવા માફક આવી ગઈ જેથી કરીને ચણા, ચણાની દાળ, ચણાનો લોટ અને આ લોટમાંથી બનતી વિવિધ વાનગીઓ ગુજરાતીઓનાં રોજિંદા ખોરાકમાં વણાઈ ગઇ, ત્યાં રાજસ્થાનની સૂકી ઝમીમાં તે મિસ્સી રોટી બની રાજસ્થાનીઓનાં હૃદયમાં સમાઈ ગઈ.

ફ્રાય ડોહ, ટોર્ટિલા અને મક્કાઈની રોટી:-

(ટોર્ટિલા)

પણી પૂરી કે લૂચીને મળતી આવે એવી અમેરિકન વાનગી છે “ફ્રાય ડોહ”. જેની સાઇઝ આપણાં ભથુરાની જેમ વિશાળ હોય છે. આ ફ્રાય ડોહ જેવાં તાવડામાંથી બહાર આવે કે તરત જ તેની પર તજનો પાવડર અને પાવડર સુગર છાંટવામાં આવે છે. આપણી રોટી જેવી જ મેક્સિકોની રોટી તે “ટોર્ટિલા” છે. જે મૂળે મકાઇમાંથી અને તેનાં સ્ટાર્ચ બને છે. આ ટોર્ટિલાનો ઇતિહાસ દક્ષિણ અમેરિકા અને મેક્સિકો તરફ લઈ જાય છે જ્યાંથી કોર્ન એટ્લે કે મકાઇ મળી આવી હતીઆ મકાઇનો સમયગાળો લગભગ ઇ.સ પૂર્વે ૧૦,૦૦૦ વર્ષ જૂનો બતાવવામાં આવે છે. પણ આપણાં દેશમાં તે લગભગ ૧૬ મી સદીનાં અંતમાં યુરોપિયનો સાથે આવ્યો અને પંજાબની હરીભરી ધરતી પર સરસોનાં સાગ પાસે પોતાનું ઘર શોધ્યું. જેથી કરીને ૧૬ મી સદી થી લઈ આજ સુધી મક્કાઇની રોટી કે મક્કે કી રોટી એ આજેય આપણાં શરીરમાં તાકાત ભરી રહી છે. આજે ટોર્ટિલા માટે ઘઉંપોટેટો અને કોર્ન ત્રણેયનો ઉપયોગ તો થાય છેપણ સાથે વેરાયટી માટે તેમાં પાલખટામેટાં જેવા શાકભાજી પણ ઉમેરવામાં આવે છે.

 બ્રેડ,પીતા(પીટા)બ્રેડ અને પીતા(પીટા)પોકેટ:-


પણે ત્યાં જેમ રોટીનાનપરાઠાનું ચલણ છે તેમ યુરોપઅમેરિકામાં બ્રેડપાસ્તા અને પીઝાનું ચલણ છે. આ બ્રેડ તો છેક ૧૦૦ CE માં યુરોપમાં પહોંચેલ. યુરોપમાં નાન જેવા જ આથેલા લોટમાંથી બનતાં લોફબ્રેડને બનાવવા માટે બેકરને જે તે દેશના રાજા પાસેથી ખાસ પરવાનો લેવો પડતો અને આ પરવાનો જેની પાસે તેની પાસેથી જ બ્રેડ લેવી તેવો એક નિયમ હતો. જોવાની વાત એ કે સૌથી પહેલી બ્રેડ બની તે રેય ( Rey ) અને મેઝ ( જુવાર જેવું ધાન ) ના લોટમાંથી બનેલી. પણ પાછળથી જુવાર એ અરેબીક લોકોનું ખાણું છે તેવી માન્યતા યુરોપીયનોમાં પ્રચલિત થઈ તેથી તેમણે રેયબ્રેડને વધુ મહત્વ આપ્યું. જ્યારે ઘઉંનો રિફાઈન્ડ લોટ ( મેંદો ) માર્કેટમાં આવ્યો ત્યારે રેય કરતાં આ લોટ થોડો સસ્તો હતો અને આ લોટની બનતી બ્રેડ સ્વાદમાં વધુ સારી હતી તેથી આ બ્રેડનો ફેલાવો જલ્દી થયો. આ રિફાઈન્ડ લોટની બ્રેડનો ફેલાવો થવામાં બીજું કારણ એ પણ રહ્યું કે રેય બ્રેડ કરતાં આ બ્રેડની ઉંમર સારી હતી અને આ બ્રેડને સૂકવીને તેને લાંબા સમય સુધી સારી રાખી શકાતી હતી.

બ્રેડનો ઇતિહાસ કહે છે કે; એક સમયે ફ્રાંસના રાજાના કિચનમાં ૨૦ પ્રકારની બ્રેડ બનતી હતી અને આજે બ્રિટનના શાહી કિચનમાં ૧૭ પ્રકારની બ્રેડ બને છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ બ્રેડ યુરોપીયન રાજાઓને એટલી ગમી ગઈ કે તેમણે પોતાના કિચનમાં સ્ટૂયુ કરતાં બ્રેડને વધુ મહત્ત્વ આપ્યું તેથી આજે પણ મધ્ય એશિયા છોડીને યુરોપીયન બ્રેડનું એક અલગ જ સ્થાન રહેલું છે. આ બ્રેડને બાદ કરીએ તો યુરોપીયન લોકોએ જ્યારે એશિયામાં પગદંડો જમાવ્યો પછી તેમણે નાન -રોટીને બે ય હાથોએ સ્વીકારી. પણ આ નાન-રોટીને તેમણે પોતાના કિચનમાં કેવળ ભારતીય સ્વાદ તરીકેનું સ્થાન આપ્યું હોય તેની ઓળખાણ કેવળ રેસ્ટોરન્ટનાં કિચન સુધી રહી ગઈ. અંતે ૧૯૨૬ માં તેમણે આ નાન -રોટીનો આઇડિયા લઈ તેને નવું નામ આપ્યું “પીતાબ્રેડ”. આ પીતાબ્રેડનાં અડધા પોકેટમાં મીટવેજીટેબલ સ્ટફ્ડ કરવાનો આઇડિયા તેમણે ઈજીપ્તિશ્યનો પાસેથી લીધો અને નામ આપ્યું “પીતા(પીટા)પોકેટ”.

બ્રેડ ટોસ્ટ:-

(જુદા જુદા પ્રકારનાં બ્રેડ)

બ્રેડ ટોસ્ટની શોધ પારસી કમ્યુનિટી દ્વારા અકસ્માતે થઈ હતી. ૧૯ મી સદીનાં ઉત્તરાર્ધમાં આખા દિવસનાં જૂના થઈ ગયેલ બ્રેડને થોડી ગરમ કરવા હેતુસર ભઠ્ઠામાં મૂકેલ, પણ ભઠ્ઠામાં જ બ્રેડ રહી ગઈ અને કડક થઈ ગઈ. આ કડક થઈ ગયેલ બ્રેડ  રેગ્યુલર બ્રેડ કરતાં સ્વાદમાં વધુ મીઠી લાગી, વળી ચા સાથે તેની જોડી જામી ગઈ. ૨૦ મી સદીમાં આ બ્રેડ અંગ્રેજી કલ્ચરનો એક ભાગ બન્યું. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડનાં સૈનિકો તરફથી આ બ્રેડનો ઘણો જ ફેલાવો થયો ત્યાર પછી આ બ્રેડ ટોસ્ટનો સૌથી વધુ લૂફ્ત કારીગર વર્ગે ઉઠાવ્યો.

પાઉં બ્રેડની શોધ અને તેની વાનગીઓ :-

પાઉં બ્રેડની શોધ ૧૭૦૦ ની સાલમાં બ્રાઝિલની ઔરો પ્રેટૌની ખાણ પાસે થયો હતો. આ બ્રેડને ઉપાડી નાના નાના ડબ્બામાં મૂકી બ્રાઝિલિયન વેપારીઓ વેચવા માટે ફરતા હતાં. સમયાંતરે બ્રાઝિલિયનોએ આ બ્રેડમાં ખાટો અને મીઠો એમ બે સ્વાદનો ઉદ્ભવ કર્યો. બ્રાઝિલિયનો પાસેથી આ પાઉં બ્રેડની કલા પોર્ટુગિઝોએ શીખી અને પછી પોર્ટુગિઝો સાથે આ બ્રેડ અને તેની કલાએ ભારતમાં પગ મૂક્યો. પણ અમુક વર્ષ સુધી આ બ્રેડ કેવળ પોર્ટુગિઝોનાં રસોડાને જ મહેંકાવતી રહી. લગભગ ૧૯૭૦ માં મુંબઈમાં રસાદાર ભાજી સાથે પહેલીવાર આ પાઉંને કાપડ મિલ્સનાં કારીગરોને પીરસવામાં આવી ત્યારપછી આ બ્રેડનો ભારતનાં મોટા શહેરોમાં વધુ પ્રચાર થયો.

૧૯૬૦ માં કચ્છની સૂકી ભૂમિ પર કેશવજી ચુડાસમા ગાભાવાળાએ આ બ્રેડમાં બટેટાની સૂકી ભાજી સાથે ખાટી મીઠી ચટણી દાબી માંડવીની ગલીમાં વેચવાનું શરૂ કર્યું. ગાભાવાળાની આ વાનગીએ કચ્છી ગુજરાતી લોકોનાં મુખ પર એવો સ્વાદ લગાડ્યો કે કચ્છી દાબેલી નામે આ પાઉંબ્રેડે દેશનાં સીમાડા વટાવી દીધાં. પાઉંમાં દાબેલ શાકનાં સ્વાદ પછી આ જ પાઉંમાં વડુ મૂકી તેને ખાવાની રીતનો જન્મ મુંબઈમાં થયો હતો.


૧૯૬૬ માં મુંબઈનાં દાદરમાં રહેતા અશોક વૈદ્યએ રેલ્વે સ્ટેશન પાસે વડા પાઉંનો સૌથી પહેલો સ્ટોલ નાખ્યો હતો. ૪ જ વર્ષમાં આ વડા પાઉં દાદરમાંથી નીકળી મુંબઈનાં ગિરગામ તરફ ગયાં. ૧૯૭૦ માં ગિરગામ પાસે રહેલ ફેકટરીમાં કામ કરતાં કારીગરોએ એકસરખા જમવાની જગ્યાએ અનુકૂળતાએ હાથમાં લઈ ખાવાની આ વડા પાઉંને ખૂબ વધાવ્યાં અને તેનો ઘણો જ બહોળો જ પ્રચાર પ્રસાર કર્યો.

હોટ ડોગ બ્રેડ:
હોટ ડોગ બ્રેડની શોધ ૧૩ મી સદીમાં ફ્રેન્કફર્ટમાં થયેલ, પણ આ સમયે આ બ્રેડનો બહુ ફેલાવો થયો નહીં. ૧૭-૧૮ મી સદીમાં જર્મનીમાં જ હોટડોગમાં વપરાતા સોસેજની શોધ કરવામાં આવી, પણ આ સમયે સોસેજનો સાદી બ્રેડ સાથે મેળ કરવામાં આવ્યો. ૧૯૧૫ માં અમેરિકામાં જ્યુઈશ કમ્યુનિટી દ્વારા હોટ ડોગની બ્રેડ બનાવવામાં આવી. ૧૯૪૪ માં પહેલી વાર આ બ્રેડ અમેરિકન પ્રમુખ ફેંકલીન રૂઝવેલ્ટ સાથે ઈંગ્લેન્ડ ગઈ અને ત્યાં અમુક હાઈ વર્ગમાં આ બ્રેડે પોતાનું સ્થાન બનાવ્યું. અગર અમેરિકાની વાત કરીએ તો ૧૯૮૦ સુધી આ બ્રેડનો સૌથી વધુ ઉપયોગ અમેરિકનો જ કરતાં હતાં, પછી ધીરે ધીરે આ બ્રેડે વિશ્વ પ્રવાસ શરૂ કર્યો.    

ગોઝલેમે બ્રેડ:-
ગોઝલેમે લિફાફા નામની રોટીની ( Gozleme Lifafa ) શોધ બારમી સદીમાં એ ટર્કીશ સૈનિકો દ્વારા યુદ્ધ મેદાનમાં થયેલી. આ સૈનિકો પોતાને ઘેર સંદેશો મોકલવા ઇચ્છતાં હતાં પણ મોકલી શકતાં ન હતાં આથી આજ વિરહમાં તેઓએ લિફાફા એટ્લે કે પત્ર મોકલવાનાં કવરનાં જેવા આકારમાં આ રોટી બ્રેડ બનાવી અને તેની અંદર ફિલિંગ્ઝ તરીકે ભરવા માટે મટનનો ઉપયોગ કર્યો. આ લિફાફા બ્રેડ જ્યારે યુરોપ પહોંચી ત્યારે તેમણે આ બ્રેડમાં હેમ અને ચીઝનો ઉપયોગ કર્યો. ૧૯૯૦ પછી ઈંગ્લેન્ડ પહોંચેલા વેજીટેરિયન લોકોએ તેમાં વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો. આમ આ બ્રેડમાં સ્ટફ કરવા માટે ઘણાં જ ફિલિંગ્ઝ બન્યાં, પણ તેનો મૂળ આકાર તો લિફાફા કવર જેવો જ રહ્યો. અગર દબદબાની વાત કરીએ તો ગોઝલેમે બ્રેડનો ટર્કી અને યુરોપને બાદ કરતાં અન્ય દેશોમાં તેટલો જોવા મળતો નથી.  

પીઝા બ્રેડ:-
 પીઝાબ્રેડની શોધ ૧૮૮૦ માં ઈટાલિયનો દ્વારા થયેલી. જોવાની વાત એ છે કે; પીઝાબ્રેડની શોધનું શ્રેય ટોર્ટિલાબ્રેડને મળ્યું જેનું મૂળ માયન સંસ્કૃતિમાં રહેલું હતું. આ કારણે શરૂઆતમાં બનેલાં પીઝાની બ્રેડ પાતળી રોટલી જેવી હતીપણ પીતાબ્રેડની શોધ પછી પીઝાની બ્રેડમાં યે ફર્ક આવ્યો અને પીઝાના રોટલા જાડા બનવા લાગ્યાં. અલબત્ત આજે ઈટાલીમાં આ પાતળી પીઝા બ્રેડ અને જાડી પીઝા બ્રેડ બંનેનું સરખું જ મહત્ત્વ છે, પણ પાતળી મોટી રોટલી પરનાં પિઝાનું સ્થાન ઈટાલીની પારંપારિક ડિશોમાં કરાયું.

સ્પેગેટી,પાસ્તા, રાવીયોલી, ગનોચી અને નૂડલ્સ:-

                                                                                 (જુદા જુદા પ્રકારના પાસ્તા)

ઈટાલિયન પાસ્તાને ઈટાલીમાં લાવવાનો શ્રેય માર્કો પોલોને જાય છે જેમને આપણે શરૂઆતના વર્લ્ડ ટ્રાવેલર તરીકે જાણીએ છીએ. માર્કોપોલોએ પોતાનો પ્રવાસ એશિયાઈ દેશો તરફ આરંભ્યો ત્યારે તેઓને ખ્યાલ નહીં હોય તેઓ આ દેશોમાંથી એવી વાનગી શોધી લાવશે જેનો ચટાકો વર્ષો સુધી આખા વિશ્વને લાગશે. “ધ ટ્રાવેલ્સ વર્લ્ડ ઓફ માર્કો પોલો” માં કહ્યું છે કે તેઓ જ્યારે ચીન પહોંચ્યાં ત્યારે તેમણે “બ્રેડફ્રૂટ” નામનાં ફળના લોટમાંથી બનેલાં સ્પેગેટી ખાધી હતી. આ સ્પેગેટીથી તેમને એટલો સંતોષ થયો કે તેમણે તેને બનાવવાની રીતભાત લોકલ ચીની લોકો પાસેથી શીખી. આ શીખવાની પ્રક્રિયામાં એ ય જાણ્યું કે કદાચ બ્રેડફ્રૂટ તેઓને ન મળે પણ બ્રેડફ્રૂટ જેવા અન્ય દળદાળ ફ્રૂટ, વેજીટેબલ્સ કે અનાજનો ઉપયોગ કરી શકાય છે. આમ આ સ્પેગેટી એ ઈટાલીમાં આવી પાસ્તાનું નવું નામ ધારણ કર્યું. 

કેટલાક યુરોપીયન વિદ્વાનોનું માનવું છે કેમાર્કો પોલોની ચીનની સફર પૂર્વે એશિયામાં સ્પેગેટી અસ્તિત્વમાં હતી જ બસ તેનાં વિષે જાણ ઓછી હતી. સ્પેગેટીની જેમ નૂડલ્સનો ઈતિહાસ કહે છે કેતેની ઉત્પતિ મધ્ય એશિયામાં હજારો વર્ષો પહેલા થઈ હતી. જ્યારે ૪ થી સદીમાં ચીની યાત્રાળુ “જીયાંગ” મધ્ય એશિયામાં આવ્યો ત્યારે તેને આ નૂડલ્સ ખૂબ પસંદ આવ્યાં અને તે તેને પોતાની સાથે ચીન લઈ ગયો પણ કોઈક કારણસર આ વાનગીનો એટલો ફેલાવો થયો નહીં જેને કારણે ૩ સદી સુધી આ વાનગી લગભગ લુપ્ત રહી.

                                                                                                  (ચાઈનીઝ નૂડલ્સ)
૭ મી સદીમાં ચીની યાત્રાળુ હ્યુ એન સાંગ દ્વારા ફરી આ વાનગી ચીનમાં પહોંચી અને ત્યાર પછી આ નૂડલ્સનો ફેલાવો વધુ થયો અને રેગ્યુલર ફૂડ તરીકે ચીનના ઇતિહાસમાં સમાઈ પણ ગયો. માર્કોપોલોએ પોતાની વર્લ્ડ ટ્રાવેલની શરૂઆત ૧૨ -૧૩ મી સદીની આસપાસ કરેલી અને આ સમય દરમ્યાન તેઓ આ મૂળ વાનગીને ફરી મધ્ય એશિયાથી યુરોપ તરફ લઈ ગયાં ત્યારે આ વાનગી એ સમયે મધ્ય એશિયામાં સ્થાપિત ન થઈ કારણ કે આ સમય દરમ્યાન લોટને શેકવાની પધ્ધતિને મધ્ય એશિયાએ અપનાવી લીધેલી.

વે પ્રશ્ન એ છે કે મધ્ય એશિયાથી ચીન અને ચીનથી યુરોપ તરફ જનાર આ વાનગી પશ્ચિમ તરફ કેવી રીતે પહોંચીતો તેના જવાબમાં ઇતિહાસકાર “એરીન યુરોહ” કહે છે કે પશ્ચિમ તરફ નૂડલ્સને લાવનાર આરબ લોકો હતાં. પણ આરબોને આ વાતનું શ્રેય ક્યારેય ન મળ્યું અને આ વાતનો શ્રેય માર્કોપોલોને મળ્યો. ખેરઆ પાસ્તા, નૂડલ્સ જે કહો તે જ્યારે ભૂમધ્યના સાગર સુધી પહોંચ્યાં ત્યારે આ પ્રાંતના લોકોએ તેનું શુધ્ધિકરણ કરવાનું ચાલું કર્યું. આ શુધ્ધિકરણ દરમ્યાન મધ્ય એશિયાનો મુખ્ય પાક “ડુરામ”નો ઉપયોગ કરવામાં આવ્યો. ( ઘઉં જેવા અનાજની એક જાતઆજે ડર્રમ ) આ સમય પછીના યુગમાં આ “ડર્રમ” તે પાસ્તાના લોટ માટે પસંદગીના ઘટક બની ગયાંએક ઇટાલિયન સર્વે મુજબ ૧૭૮૫ સુધી ઈટાલીમાં ૨૮૦ જેટલા સ્ટોર હતાં જેઓ પાસ્તા બનાવતાં હતાં અને વેચતાં હતાં. જ્યારે ૧૮૦૦ માં ગલી ગલીમાં ફરી ફ્રેશ પાસ્તા બનાવી વેચનાર તો અનેક વેપારીઓ હતાં.

                                                                                           (રાવોયેલી)

આ વેપારીઓએ હરીફાઈમાં ટકી રહેવા માટે “સ્ટફડ પાસ્તા” નો ઉદય કર્યો જે પાછળથી “રાવીયોલી” તરીકે ઓળખાયાં. આ સ્ટફડ પાસ્તાને મળતાઝૂલતા એક અન્ય પણ પાસ્તા છે “ગનોચી કે ગ્નોકી”. આ ગનોચીનો જન્મ ૧૫ મી સદીમાં “સિસલી” ના એક “કાર્નિવલ” માં થયેલો પણ સિસલીથી અમેરિકા આવતાં આ વાનગીને ખાસ્સો લાંબો સમય થયો. ગનોચીના પ્રમાણમાં પાસ્તા થોડા વહેલાં આવ્યાં પણ આ પાસ્તા અમેરિકામાં કેવી રીતે આવ્યાં તેનો ય એક રસપ્રદ ઇતિહાસ છે. પાસ્તાને અમેરિકાનાં બોસ્ટનમાં પ્રથમવાર લાવનાર સ્પેનથી આવનાર પ્રારંભિક સ્પેનિશ લોકો હતાં, 
પણ અમેરીકામાં પાસ્તાને લોકપ્રિય બનાવવા માટે અમેરિકાનાં ત્રીજા પ્રેસિડન્ટ થોમસ જેફરસનનું મહત્ત્વનું યોગદાન હતું. તેઓ પેરિસમાં એક અધિવેશનમાં ગયેલાં ત્યારે તેમને ડિનરમાં પાસ્તા સર્વ કરવામાં આવેલાં. આ પાસ્તા સર થોમસને એટલાં પસંદ પડ્યા કે તેઓ પાસ્તાનો સ્ટોક ભરીને અમેરિકા લઈ આવ્યાં. જ્યારે આ પાસ્તાનો સ્ટોક પૂરો થયો ત્યારે તેઓએ તેવા લોકોને હાયર કર્યા જેઓ પાસ્તા બનાવી જાણતાં હતાં. આ પ્રસંગ પછી પાસ્તા અમેરિકામાં લોકપ્રિય તો બન્યાં પણ એટલાં નહીં. કારણ કે આ તે સમયે આ વાનગી એ લક્ઝુરિયસ ગણાતી હતી. 

 
 ૦ મી સદીના પૂર્વાર્ધમાં ઈટાલીથી એવા લોકો અહીં આવીને વસ્યાં જેઓનું મૂળ કામ કેવળ પાસ્તા બનાવવાંનું હતું. આ લોકોએ ડિહાઈટ્રેટ કરેલાં લાંબી સળી જેવી ડ્રાય “સ્પેગેટી” બનાવી. આ ડ્રાય સ્પેગેટી બનાવવાનું અન્ય એક કારણ એ કહી શકાય આ સમયમાં ફ્રેશ ચીજ વસ્તુઓ જે અમેરિકાની બહારથી આવતી હતી તેની ઉપર હજુ યે બ્રિટિશરો ટેક્સ લેતાં હતાં. આથી બ્રિટિશ ટેક્સનો વિરોધ કરવા માટે અને વસ્તુ લાંબા સમય સુધી રહી શકે તે હેતુથી તેમણે ઘરઆંગણે જ આ વાનગી બનાવવાનું શરૂ કર્યું. આમ રોટી, ટોર્ટિલા. નાન, બ્રેડ, પાસ્તા, પીઝા બ્રેડ, પીતાબ્રેડ, ગોઝ્લેમે એમ કોઈપણ રોટી હોય પણ અંતે આપણાં સમાજની જેમ આ વાનગીઓનો ય મોટો સમુદાય છે જે વિવિધ રૂપરંગે, આકારે, સ્વાદે આપણી આજુબાજુ રહેલો છે.


અં
તનો હુકો
: આ તંદૂર શબ્દ પરથી બે ખાસ નામોની યે યાદ આવે છેએક છે તંદૂર ગામ અને એક છે તંદૂરી રેલ્વે સ્ટેશન. તંદૂરી “રેલ્વે સ્ટેશન” એ બલૂચિસ્તાન પાકિસ્તાનમાં આવેલ છે અને આપણાં ભારતમાં તંદૂર નામનાં બે ગામ છે જેમાંથી એક ગામ તૈલંગાણા રાજ્યમાં અને બીજું બંગાળમાં છે.

©  ISBN-10:1500299902 
 
૨૦૨૪ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ

purvimalkan@yahoo.com

(***Tutankhamun[a] or Tutankhamen[b] (c. 1341 BC – c. 1323 BC), was an ancient Egyptian pharaoh who ruled c. 1332 – 1323 BC during the late Eighteenth Dynasty of ancient Egypt. Born Tutankhaten, he was likely a son of Akhenaten, thought to be the KV55 mummy. His mother was identified through DNA testing as The Younger Lady buried in KV35; she was a full sister of her husband.)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. Wah !! ખૂબ મઝા આવી બ્રેડ, રોટી, નો ઈતિહાસ વાંચવાની!

  2. પૂર્વીબેન, તમે ગુજરાત, ભારતની બહાર વસેલાં , ગુજરાતી ભાષાને માન આપનારા ઈતિહાસકાર છો. ને સાહીત્ય ક્ષેત્રે તમારું યોગદાન અનોખું જ છે. મારા ખ્યાલથી ગુજરાત સાહીત્યકે તમારી, તમારા લેખોની નોંધ લેવી જોઈએ.

    બેન, તમે જ છો જે એક શ્વાસે , ઊંચા શ્વાસે મારી પાસે વંચાવો છો. દરેક વખતે શ્વાસ ઊંચો. ?? મને આશ્ચર્ય થાય છે કે; તમારા લેખ કેમ અમને અદ્ભૂત દુનિયા તરફ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે. આજ સુધી આપણા રોજીંદા ખોરાકમાં આવતી રોટલીનાં ઈતિહાસ વિષે ખબર ન હતી. પૂર્વી બેન અગાઉ પણ તમારા વિવિધ વિષયોનાં ઈતિહાસ વિષે વાંચ્યું છે, ને તમે માનશો, આજે ય આટલા વર્ષ પછી યે વારેવારે વાંચું છું , રાધાજી ને વ્રજ ભાષાનો ઈતિહાસ, ગોળ ને ખાંડનો ઈતિહાસ ને આજે આ રોટલીનો ઈતિહાસ ને એ ય સદી, સાલ ને સમય સાથે? અદ્ભૂત અદ્ભૂત ને અદ્ભૂત.

    મને કહેતાં દુઃખ થાય છે કે; નવનીત સમર્પણ ચિત્રલેખા, અખંડ આનંદ જેવા સામયિકોમાં આવા ઉત્તમ ને ઈતિહાસથી ભરપૂર લેખ જોવા નથી મળતા. આંગણાનો આભાર , ખૂબ ખૂબ આભાર ને સાથે વધાઈ પણ ને પૂર્વી બેન જેવાં ઉત્તમ લેખીકા મેળવવા માટે પણ. એમનાં આવા બીજા લેખો જલ્દીથી લાવવાં વિનંતી.