મ્યુનિક પહોંચ્યા ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:34 ~ ઉત્કર્ષ મઝુમદાર
ફુસ્સેનથી મ્યુનિકનું અંતર વધારેમાં વધારે 133 કિલોમીટર્સ હતું. તમે કયો રૂટ પસંદ કરો છો એના પર ત્યાં પહોંચવાનો સમય અવલંબતો હતો.
નવાઈની વાત એ હતી કે તમે લાંબો રૂટ લો તો તમે જલ્દી પહોંચો કારણકે એ ઓટોબ્હાન હોય. અમે જે રૂટ પસંદ કર્યો એમાં અમને બે કલાક મ્યુનિક પહોંચતા લાગવાના હતા. અમે તો બવેરિયા પ્રદેશનું કુદરતી સૌંદર્ય માણતા માણતા મ્યુનિક પહોંચવાના હતા.
અમારા સારથી કમ કેપ્ટને કહ્યું “કલાકાર થવા દે ત્યારે મ્યુનિકની રસીલી વાતું.” હવે કેપ્ટનને કંઈ ના પડાય? એટલે આપણે તો મ્યુનિકની વાત માંડી પણ એ પહેલા કહી દીધું કે “મ્યુનિક તો મોટું શહેર છે એટલે એની વાત્યું લાંબી હશે. મંડળીમાંથી કોઈને વાંધો નથીને?”
પાછળ બેઠેલાઓએ હોંકારો ભણ્યો, “એ, ના રે ના. કંટાળો આવશે તો બંધ કરાવીશું એટલું ધ્યાનમાં લેજે.”
બંદા શરુ થઇ ગયા. “આપણે અત્યારે જર્મનીના બવેરિયા રાજ્યમાં છીએ જે જર્મનીના રાજ્યોમાં વસ્તીની સંખ્યામાં બીજા નંબરવાળું રાજ્ય છે ને મ્યુનિક એની રાજધાનીનું શહેર છે જે વસ્તીની દ્રષ્ટિએ બર્લિન અને હેમ્બર્ગ પછી ત્રીજા નંબરે આવે છે.
![]()
ઇસર નદી જે ડેન્યુબની ઉપનદી છે તેને કિનારે વસેલું બવેરિયા બોલી બોલતા પ્રદેશનું, ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પછી બીજા નંબરનું શહેર છે.”
આગળ વધુ એ પહેલા કેપ્ટન પત્ની ટહુકો કરતા કહે, “ઓસ્ટ્રિયામાં જર્મન બોલાય છે? મને ખબર નહી. નિશ્ચિન્ત તને ખબર હતી?”
જવાબ આપતા નિશ્ચિન્ત કહે, “વાત નીકળી છે તો આછું આછું યાદ આવે છે કે ઓસ્ટ્રિયા એક કાળે જર્મનીનો એક ભાગ હતું. ને હિટલર ઓસ્ટ્રિયાનો હતો.”
મેં વાત આગળ વધારતાં કહ્યું, “ઓસ્ટ્રિયામાં જર્મન ભાષાની બવેરિયન બોલી બોલાય છે. મ્યુનિક એન્જિનિયરિંગ અને વિજ્ઞાન અને સંશોધન માટેનું અગત્યનું કેન્દ્ર છે. સિમેન્સ, બીએમડબલ્યુ, અલાયન્ઝ જેવી પ્રખ્યાત કંપનીના મુખ્ય કાર્યાલય અહીં આવેલા છે.

કુલ વસ્તીના 37 ટકા લોકો પરદેશથી આવીને વસેલા છે. મ્યુનિક નામ કેવી રીતે પડ્યું એ પણ રસપ્રદ છે. મ્યુનિકનો અર્થ થાય છે – મોન્ક (સાધુ) દ્વારા. બેનેડિક્ટિન સાધુઓનો અહીં મઠ હતો જે આગળ જતાં મ્યુનિકનું જૂનું ટાઉન બન્યું એટલે શહેરના કોટ ઓફ આર્મ્સ પર મોન્કનું ચિત્ર છે.

મ્યુનિક ચુસ્ત કેથલિક હતું ને સુધારાવાદીઓ (પ્રોટેસ્ટન્ટ્સ)ને જરાય મચક ન આપી. 1506માં બવેરિયા જયારે ફરી એકત્ર થયું ત્યારથી મ્યુનિક એની રાજધાની થઇ.
“ઓગણીસમી સદીના વીસમાં દાયકામાં મ્યુનિકમાં ઘણી બધી રાજકીય ઉથલપાથલ થઇ. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બવેરિયામાં સત્તાની ફેરબદલી થઇ ને અલ્પકાળ માટે બવેરિયા સોવિયેત રિપબ્લિકની સ્થાપના થયેલી. લેનિન જે મ્યુનિક રહી ગયેલો એણે અભિનંદનનો તાર પણ મોકલેલો. પણ પછી વાઈમાર રિપબ્લિક હેઠળ ફરી જર્મની સાથે ભળી ગયું.
1923માં નાઝી પક્ષે મ્યુનિકમાં વાઈમાર રિપબ્લિક પાસેથી સત્તા આંચકી લેવાનો પ્રયત્ન કર્યો પણ આ બીયર હૉલ બળવો તરીકે ઓળખાતો બળવો નિષ્ફળ ગયો.”
કેપ્ટને તરત જ પૂછ્યું “બીયર હૉલ બળવો?”
“હા. એ વખતે આપણે ત્યાં જેમ કોફી હાઉસમાં બધા યુવાનિયાઓ કોફી પીતા પીતા રાજકારણની ઉગ્ર ચર્ચા કરે એમ જર્મનીના ઘણા શહેરોના બીયર હૉલમાં સેંકડો ક્યારેક તો હજારો લોકો એકઠાં થતા અને રાજકીય અને સામાજિક ચર્ચા કરતા.
ક્યારેક આવા બીયર હોલ રાજકીય રેલીનું કેન્દ્ર પણ બની જતા. બારગરબ્રાઉકેલર નામનો એક મોટો બીયર હૉલ હતો. ત્યાં હિટલર તેના સાથીઓ સાથે જઈ પહોંચ્યો ને ત્યાં હાજર રહેલા રાજ્યના મુખ્ય ત્રણ અધિકારીઓને પકડી એલાન કર્યું કે રાજપલટો થયો છે.

એના કમનસીબે પછી તેના સાથીઓ જયારે આગેકૂચ કરતા હતા ત્યારે ઑડિયન પ્લાઝા આગળ પોલીસે તેમને પડકાર્યા ને એમાં 16 નાઝી ને ચાર પોલીસના માણસો માર્યા ગયા ને બળવો ફુસ થઇ ગયો.”
કેપ્ટન આશ્ચર્યથી કહે “ઓહ, એમ વાત છે?”
મેં કહ્યું, એક બીજી વાત જાણીને વધુ આશ્ચર્ય થશે. “હિટલરે તુર્કીના કમાલ અતાતુર્કને પોતાનો ગુરુ માનેલો.”

“શું વાત છે?” આ ઉદ્દગારો બધાના હતા.
વાત એમ છે કે એ અરસામાં કમાલ અતાતુર્કે તુર્કીમાં ઓટોમાન સામ્રાજ્યને હટાવીને પ્રજાસતાક તુર્કીની સ્થાપના કરેલી. એના પરથી ઈટાલીના મુસોલિનીએ રોમ પર આગેકૂચ કરીને સત્તા હાંસલ કરી ને હિટલરને આ બીયર હૉલ બળવો કરીને સત્તા મેળવવાની પ્રેરણા મળી.
પોતાના 50માં જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેલા તુર્કી રાજકીય પ્રતિનિધિ મંડળને કહેલું કે, “અતાતુર્ક અમારા ગુરુ. મુસોલિની એમનો પહેલો વિધાર્થી ને હું બીજો.” જોકે અતાતુર્ક પ્રગતિવાદી અને બધાને સાથે લઇ ચાલનારા હતા.”
“વાહ, આ તો દિલચસ્પ ઇતિહાસ છે. આભાર, કલાકાર.” બધાએ કહ્યું.
“આમાં મને શાબાશી નહિ, ઇન્ટરનેટ અને વિકિપીડિયાને શ્રેય જાય છે.” મેં કબૂલ કરતાં કહ્યું. “નાઝી પક્ષ સત્તા પર આવતા એમણે મ્યુનિકને ‘ચળવળની રાજધાની‘નું બિરુદ આપેલું.
પહેલો કોન્સન્ટ્રેશન કેમ્પ પણ અહીંથી થોડેક દૂર ડચાઉ ખાતે ઊભો કરેલો.
![Prisoners carrying bowls in the Dachau concentration camp. [LCID: 44071]](https://i0.wp.com/encyclopedia.ushmm.org/images/large/546739c5-4a5b-4e86-b13e-e4467f0a6fb9.jpg?resize=366%2C271&ssl=1)
બીજા વિશ્વયુદ્ધમાં અહીં ભારે પ્રમાણમાં બોમ્બાર્ડિંગ થયેલું ને 50 ટકા શહેર તહસનહસ થઇ ગયેલું… અચ્છા, તમને મ્યુનિક સાથે સંકળાયેલી કોઈ ઘટના યાદ આવે છે?” મેં પ્રશ્ન કર્યો.
કેપ્ટને તરત કહ્યું, “ઘટના નહિ, મને એક દુર્ઘટના યાદ આવે છે.”
“કઈ? કઈ?”ના જવાબમાં એણે કહ્યું, “1972માં અહીં ઓલમ્પિક્સનું આયોજન થયેલું અને પેલેસ્ટાઇનના ‘બ્લેક સપ્ટેમ્બર‘ જૂથનાં ત્રાસવાદીઓએ ઈઝરાઈલના અગિયાર ખેલાડીઓની કરપીણ હત્યા કરી સનસનાટી મચાવી દીધેલી. વિશ્વ સ્તબ્ધ થઇ ગયેલું આ હિચકારા કૃત્યથી.

ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે આનો બદલો લેવાનું નક્કી કર્યું અને ઓપરેશન ‘રેથ ઓફ ગોડ‘ હેઠળ પેલી હત્યા સાથે સીધા અને આડકતરી રીતે સંકળાયેલા દરેકને ઠાર માર્યા. સ્પીલબર્ગની ‘મ્યુનિક‘ નામની આના પર ફિલ્મ પણ આવેલી. એક ગોઝારા પ્રકરણનો અંત આવ્યો.”

અમારી વાતોનો પણ અંત આવ્યો કારણ કે મ્યુનિક આવી ગયું હતું. અમારે અહીં પણ હોટેલ નહિ પરંતુ એર બી એન્ડ બીમાં ઊતરવાનું હતું.
મને કહેવા દો કે અમારા કેપ્ટને શું કરામત કરી કે આ એપાર્ટમેન્ટ પણ સીટી સેન્ટરમાં નદીની નજીક ને અફલાતૂન હતો. 3 બાલ્દેર સ્ટ્રાસ એટલે કે બાલ્દેર સ્ટ્રીટ પર આ મકાન આવ્યું હતું.
મકાનની બહારની ભીંત પર ચિત્ર દોરાયેલું હતું. એપાર્ટમેન્ટ પહેલે માળે હોવાથી સામાનની હેરફેર માટે બહુ સારું પડી ગયું. પાર્કિંગ પણ ગલીમાં મકાનની સામે જ મળી ગયું એ લટકામાં.
પાર્કિંગ તો મળી ગયું પણ આ કોઈ મફતિયા પાર્કિંગ તો હોય નહિ એટલે પાર્કિંગ મીટરમાં પૈસા નાખવાના.
આને માટે અમને ઘણી મુશ્કેલીઓ પડતી કારણ કે કેપ્ટને અમને કહ્યું હતું રોકડા નહિ લેતા. મારી પાસે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ છે એટલે વાંધો નહિ આવે. છતાં પણ અમે સત્તાવાર ફોરેન એક્સચેન્જ યુરોમાં લઇ ગયેલા. તેમ છતાં મુશ્કેલીઓ આવતી.
મીટરમાં નાખવા માટે છુટ્ટા પૈસા હોવા જોઈએ, એ હોય તો પણ મીટરનું લખાણ બધું જર્મનમાં હોય એટલે મૂંઝવણ થાય. આસપાસ કોઈ હોય પણ નહિ જેને પૂછી શકાય. કોઈ કોઈ જગ્યાએ આવી રીતે અટકી જઇએ તો કોઈની રાહ જોઈએ ને મારગ કાઢીએ.
રાબેતા મુજબ થોડો આરામ કર્યો ના કર્યો ત્યાં તો કેપ્ટનનો હુકમ છૂટ્યો. “ચાલો, તૈયાર થઇ જાવ. ઓક્ટોબર ફેસ્ટમાં જવાનું છે.”
અમે બધા નવાઈ પામી ગયા સવારે અગિયાર વાગે ઓક્ટોબર ફેસ્ટમાં બીયર પીવા જવાનું? કેપ્ટનનું ખસી ગયું છે કે શું?”
અમે કહ્યું ત્યાં તો સાંજે જવાનું હોય, આપણે અત્યારે બીજી જગ્યાએ જઈએ ને સાંજે ત્યાં જઈશું.”
કેપ્ટન બગડ્યો. કહે, “તમારામાં અક્કલ બક્કલ છે કે નહિ, સાંજે કોણ તમારો કાકો ટેન્ટમાં જગ્યા આપશે? (કેપ્ટન અહી પણ સાચો પડવાનો હતો.) અમે નીચી મુંડી કરીને તૈયાર થઇ કેપ્ટનના હુકમનું પાલન કર્યું.
(ક્રમશ:)