જો ભગવાન શ્રી રામ આજે પૃથ્વી પર અવતરે તો…. ~ સંધ્યા શાહ (ગુજરાતી મિડ-ડે નિબંધ સ્પર્ધા માટે આપેલો લેખ સાભાર)

રામ સદીઓથી આપણા આરાધ્યદેવ છે. રામ ભારતના કણકણમાં, જનજનમાં, મનમનમાં વ્યાપ્ત છે. પરબ્રહ્મ રામ અખંડ શક્તિસંપન્ન છે, તે ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ અને આદર્શોનો પુંજ છે.
યુગ યુગ સુધી કોટિજનોને જેમણે પ્રભાવિત કર્યા છે તે રામ, મહામાનવ રામ – ધરતી પર અવતરે તો? કેટલી મધુર ઝંખના છે! કેટલી સુખદ્દ કલ્પના છે!
શ્રદ્ધા અને આસ્થાથી અંતર છલકાઈ જાય, બત્રીસ કરોડ રોમરાયમાં અજવાળું પ્રગટી જાય, સત્ યુગનો જન્મ થાય.. ફરીથી રામરાજ્ય આવે, ફરીથી સુશાસન આવે….
૫૦૦ વર્ષના દીર્ઘ અંતરાલ પછી, અનંત પ્રતીક્ષા અને પેઢીઓના સંઘર્ષ પછી આજે અયોધ્યા નગરી રામના સ્વાગત માટે ભક્તિનો શણગાર સજીને બેઠી છે. પ્રત્યેક દેશવાસી એ પવિત્ર પળોના સાક્ષી બનવા થનગની રહ્યા છે, પોતાના આરાધ્યદેવના નવ્ય અને દિવ્ય મંદિરમાં આનંદ અને આંસુઓનો અભિષેક કરી રહ્યા છે ત્યારે આ ઝંખના ન જાગે તો જ નવાઈ!
![]()
દેશ આજે અનેક મોરચે આગળ વધી રહ્યો છે, અનેક અઘરા કાર્યો પાર પડી રહ્યા છે, અન્ય રાષ્ટ્રોને સહાય કરવી, આખી દુનિયાના દુ:ખ-દર્દમાં સહભાગી થવું એ બધું આજે ભારતમાં થઈ રહ્યું છે, ઉન્નત મસ્તકે આગેવાની લઈને આપણે પૂરી નિષ્ઠાથી તે નિભાવી છે.
![]()
અનેક વિરલ પરાક્રમો જાણે રામરાજ્યની એંધાણી આપી રહ્યા છે ત્યારે આ ઝંખના સાકાર થઈ જાય તો એનાથી રૂડું શું? પણ સતયુગના માનવી બનવા માટે રામના વ્યક્તિત્વને સમજવું રહ્યું.
એક સમર્થ છતાં અશરણ-શરણ, સર્વસમર્થ ભકતવત્સલ રાજા, ઉત્કૃષ્ટ પ્રજાપાલક, ઉત્કૃષ્ટ યોદ્ધા, ઉત્કૃષ્ટ કર્મયોગી. રામ એટલે અલૌકિક કર્તૃત્વવાન વિભૂતિ. સ્વાર્થત્યાગની પરાકાષ્ઠા અને અભિજાત નેતૃત્વ. રામ એટલે એક લોકોત્તર પુત્ર, લોકોત્તર બંધુ, લોકોત્તર શત્રુ અને લોકોત્તર મિત્ર.
રામના જીવનમાં ભાવના અને કર્તવ્યનો સંઘર્ષ સતત ચાલતો રહ્યો છે, રામે અંતિમ ક્ષણ સુધી ભાવનાને કર્તવ્ય પર હાવી થવા નથી દીધી. સત્યનિષ્ઠા બળ અને પરાક્રમની સાથે ક્ષમા, વિનયશીલતા અને નમ્રતા તેમણે જાળવી છે. રામ સત્યવાદી છે, સત્યપ્રિય છે, સત્ય પરાક્રમ છે. સમાજને વીર્યવાન, ઓજસ્વી, આનંદી અને ઉદાર બનાવે તેવા રામ સાચ્ચે જ ધરતી પર સુશાસન આણી શકે.
રામના જીવનના અનેક પ્રસંગો આજે પણ કુટુંબ, સમાજ, શિક્ષણ કે શાસનની નિષ્ફળતા સામે ગૌરવભેર પથદર્શક બની શકે તેમ છે.
જો રામ પૃથ્વી પર અવતરે તો આપણી અનેક જટીલ સમસ્યાઓનો ઉકેલ જડી આવશે. કૌટુંબિક શાંતિ અને સમૃદ્ધ સમાજનું રહસ્ય મળશે. આર્થિક વિટંબણામાંથી મુક્તિ અને રાજકારણની શુદ્ધિની ચાવી પણ એમની પાસેથી જ મળી આવશે.
આજે સમગ્ર વિશ્વમાં કે રાષ્ટ્રમાં સત્તા, પદ અને લાલસાની હોડ લાગી છે ત્યારે રામનો રાજ્યાભિષેક અને વનવાસ વેળાએ ચારે તરફ ચાલી રહેલી રાજખટપટની પ્રસંગ પરંપરામાં રામનું ધૈર્ય, ઔદાર્ય, શાંતિ અને નિસ્પૃહતા નજરે પડે છે.
ચૌદ વર્ષના વનવાસથી પાછા ફરતી વેળાએ રામ જ હનુમાનને એવું કહી શકે કે, ‘ભરતના હાવભાવ પરથી તેને રાજ્ય ભોગવવાની સૂક્ષ્મ ઈચ્છા દેખાય તો રાજ ભલે તે ભોગવે. મારે જોઇતું નથી.’
આ ત્યાગ, આ ધર્મબુદ્ધિ ચોપાસ પ્રસરે… કર્તવ્યનું પાલન કરવામાં પોતાને કે અન્યને કેટલું દુ:ખ ભોગવવું પડશે તેનો હિસાબ રામે કદી રાખ્યો નથી. માતા-પિતાની આજ્ઞાના પાલનમાં પળવાર પણ તેઓ ચલિત થયા નથી. રામના સ્વજનો અને સાથીઓ પણ તેમના કઠોર નિર્ણયોને વધાવી લે છે. ત્યજી દેવાયેલી સીતા અને લક્ષ્મણ પણ આખર સુધી તેમના ગુણાનુરાગી રહે છે.
રામની મોટાઈ અને સત્યનિષ્ઠા એટલા પ્રખર છે કે દંડકારણ્યના મુનિઓએ તેમને એ પ્રદેશના રાજા થવાની વારંવાર કરેલી વિનંતિ તેમણે ક્યારેય સ્વીકારી નથી. રામની ધર્મનિષ્ઠા તેમના રોજબરોજના જીવનમાં અને સંબંધોમાં કશી અડચણ પેદા કરતી નથી. ઉત્ક્ટ અનુરાગ, ધર્મનિષ્ઠા અને કડક અનુશાસન એ તેમના વ્યક્તિત્વના મહાન ગુણો છે.
તેઓ મનુષ્યત્વનો મહિમા કરે છે. શબરીના બોર તેમને મીઠા લાગે છે અને કેવટને તેઓ ભવપાર ઉતારે છે. શલ્યાને તેઓ અહલ્યા બનાવે છે.

પોતાના આત્મયજ્ઞથી અન્યને જીવનદર્શન શીખવનાર અને તેના થકી જ રાવણના પાશવી સામર્થ્યનો નાશ કરનારા રામના જીવનના અગણિત પ્રેરક પ્રસંગો – ભાઈઓ પ્રત્યેનો અપૂર્વ સ્નેહ, જટાયુ પ્રત્યેની આભારવશતા, સીતાનો વિરહ ને સંતાનોનો વિયોગ, શત્રુ પરનો આદર એમના સર્વોચ્ચ ચરિત્રને આલેખે છે. હનુમાનની ભક્તિ, વાનરોની શક્તિ, ખિસકોલીનું અર્પણ તેમને વંદનીય બનાવે છે.

રામ જો આ ધરતી પર અવતરે તો પુણ્યનો પુંજ પ્રગટે, સત્ય, કરુણા અને શુચિતાનું સામ્રાજ્ય પ્રવર્તે, તેમનો પારસમણિ સ્પર્શ આપણા સહુના જીવનમાં પરિવર્તન આણે. મન, વચન અને કર્મ થકી સંયમ અને તપ સાથેનું અનુશાસન જીવનને મંગલમય બનાવે.
રામ જો આ ધરતી પર અવતરે તો નવા કાળચક્રનો ઉદ્દગમ થાય. ઉમંગ અને ઉત્સાહની હેલી ચડે. તેમના ત્યાગ, તપસ્યાની અગણિત પરાક્રમ ગાથાઓ જીવંત થઈ જાય. શાંતિ, સદભાવ, ધૈર્ય અને સન્માનનું વાતાવરણ સર્જાય. ‘સર્વે ભવન્તુ સુખિન:’ની સર્વતોભદ્ર ભાવના ‘વસુધૈવ કુટુમ્બકમ’માં પરિણમે.
ભારતીય સંસ્કૃતિના મૂલ્યો – ભારતની આસ્થા, વિચાર, વિધાન, ચેતના, ચિંતન, પ્રતિષ્ઠા, પ્રવાહ અને પ્રભાવ સમગ્ર વિશ્વમાં વ્યાપી વળે. ભારત પથપ્રદર્શક બની જાય. હજારો વર્ષની ધરોહર રચાય, એક સમર્થ, સક્ષમ, સબળ, દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થાય. ‘યતો ધર્મ: તતો જય’ના નાદ થકી નવો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાઈ જાય.
આપણા ભૂલાઈ ગયેલા જીવનમૂલ્યો, વિસરાઈ ગયેલી ત્યાગ, સમર્પણ અને ઔદાર્યની ભાવના જીવંત થાય આપણી સ્વાર્થી અને સંકુચિત બની ગયેલી વિચારસરણી અન્યનો વિચાર કરવા પ્રેરે. ભૌતિકતા તરફની દોટમાં આપણે પાછા વળીએ. ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું પુન: નિર્માણ થાય.
~ સંધ્યા શાહ (મુંબઈ)
+91 93246 80809
બહુ સરસ