ગરિમાપૂર્ણ ગિરાથી ગુર્જરીનાં ભાલે તિલક કરતી લેખિની: ગિરિમા ઘારેખાન ~ ડૉ. પ્રદીપ રાવલ
(આજે આ સુંદર લેખમાં ડૉ. પ્રદીપ રાવલ આપણને ગિરિમાબહેનની સાહિત્ય અને કલાની સફરે લઈ જાય છે. પણ આપ સહુ વાંચો એ પહેલાં, “મુઝે ભી કુછ કહેના હૈ.”
(મારે વાત આજે કરવી છે એક એવા ગિરિમાબહેનની કે જેમની સૌમ્યતા, આભિજાત્ય અને એમની સ્નેહ-નીતરતી વાણીમાં બધાંને પોતીકાં કરી લેવો એવો ‘આપ્તભાવ’ નાનાંમોટાં સહુને સ્પર્શી જાય છે.
એમને પ્રત્યક્ષ મળવાનો મને મોકો નથી મળ્યો, પણ એમની સાથે ફોન પર અને વોટ્એપ પર થતી વાતચીતમાં હું આ જ સતત અનુભવું છું. અમે વાત કરીએ ત્યારે હું એમની વાણીમાં, એમનો ઋજુતા છલકાતો ચહેરો જોઈ શકું છું, અને એ પારદર્શિતા મને કાયમ સ્પર્શી જાય.
સ્વયં આટલા વિદ્વાન, કર્મનિષ્ઠ, પરંતુ, સતત શીખવાની એમની ધગશ કાયમ મને પ્રેરણા આપે છે. વાર્તા, લેખ, નવલકથા, બાળવાર્તા કે કવિતા, સાહિત્યનાં બધાં જ પ્રકારોનું ખેડાણ નિષ્ઠા અને નિપુણતાથી કરવાનો ભેખ પ્રૌઢવયે ધારવો અને સાથે, સાંસારિક જવાબદારીઓ અને સંબંધો પણ ઉષ્માથી સાચવવા, એ આજનાં સોશ્યલ મીડિયાના સમયમાં ધારો છો એટલું સહેલું નથી.
પહેલાંના સમયમાં તો સગાં અને મિત્રો – જેની સાથે સંકળાયેલાં હોઈએ અને/અથવા મળતાં રહેતાં હોઈએ – એની સાથે જ સંબંધોની સાચવણી કરવાની હોય.
એક સર્જક તરીકે, જાહેર જીવનમાં તો આજનાં સમયમાં, “મીડિયા-મિત્રો” નાં સંબંધો પણ યથોચિત જાળવવાનાં હોય છે. ગિરિમાબહેન કઈ રીતે આ બધું, “હોશ અને જોશ” સાથે આટલા સુપેરે પાર પાડે છે, એ વિચાર કરતાં મને થાય છે કે નક્કી, ઈશ્વર એમને દિવસનાં અડતાળીસ કલાક આપતો હોવો જોઈએ!
ગિરિમાબહેન, તમારી કલમ થકી “આપનું આંગણું” સમૃદ્ધ થયું છે, એ અમારા માટે ગૌરવની વાત છે. ભવિષ્યમાં પણ આપ આમ જ અમને સહકાર આપતાં રહેશો, એવી આશા સાથે, આપને આપના સર્જનકાર્યમાં અને જીવનમાં સતત સફળતા મળતી રહે એવી શુભેચ્છા, “આપણું આંગણું” ની ટીમ અને વાચકો તરફથી પાઠવતાં, હું જયશ્રી મરચંટ અત્યંત આનંદ અનુભવું છું.)

ગરિમાપૂર્ણ ગિરાથી ગુર્જરીનાં ભાલે તિલક કરતી લેખિની
[‘ડૉ પ્રદીપ રાવલ લિખિત ‘અક્ષર આકાશની નિહારિકાઓ’માંથી સાભાર]
‘મારી દ્રષ્ટિએ એ જ માનસ પરિપક્વ છે, જેની પાસે બાળકની મુગ્ધતા, બાળકનું વિસ્મય હોય, અચરજની સૃષ્ટિ જેવી કોઈ સૃષ્ટિ નથી. માણસને પહેલું આશ્ચર્ય તો એ થવું જોઈએ કે ‘હાશ, હું છું !’
હોવાપણાનો પણ એક અદભૂત આનંદ હોય છે. ‘હું છું’ એટલું જ નહીં, પણ હું કેટલાં બધા સાથે સંકળાયેલો છું !? આ જગતમાં અનાયાસે બંધાતા સંબંધોની પણ એક સભર સૃષ્ટિ છે – વિસ્મયમાં તો ઉઘાડી આંખે ફરવાનું હોય છે ને બાહ્ય જગતને જોવાનું હોય છે.’ આ શબ્દો શ્રી સુરેશ દલાલના છે.
આપણી આસપાસ અનેક કિરણોનો ઉજાસ હોય છે. દરેક કિરણ એ સૂર્યનું પ્રતિનિધિ છે. આ કિરણોને આવકારવા, ઓળખવા ને આપ્તજન માફક અપનાવવામાં જ ઔચિત્ય છે. એ કિરણો આપણા સુધી આવે છે એમાં કોઈ અણદીઠા હાથનો સંગાથ હોય છે. એ હાથ અને સંગાથના અણસારા- ભણકારા વાગતા હોય છે.
આપણા દરેક પગલાંની આગળ-પાછળ એ જ સંગાથના પદ્યપગલાં હોય છે. નરસૈયો, મીરાં, કબીર, કવિ-ભાણ, ગંગાસતી, વૈષ્ણવ સંતો આદિ અનેક અસ્તિત્વોનાં પદ્યપગલાંની છાપ આજે પણ પડઘાતી, જોઈ-સાંભળી શકાય છે. અનેક સર્જકો માટે આ આશીર્વાદ રૂપ છે.
આશરે છસ્સો- સવા છસ્સો વર્ષ પહેલાં પોતાના ઇષ્ટ માટે નરસૈયાએ કરેલા કાલાવાલાની કરતાલનો ઝંકાર અને તાલ અંશીરૂપે કેટલીક કલમોમાં ઝલકી જાય છે. ગઝલકારો સર્વ શ્રી મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, જવાહર બક્ષી, ઉર્વિશ વસાવડા અને ગદ્ય કલમમાં સુશ્રી ગિરિમા ઘારેખાન. આ સર્જકોમાં ભૂમિ- પ્રભાવ અને આનુવંશિક વારસાને કારણે કદાચ નરસી મહેતાની કૃપા અનુભવાય છે.
સુ. શ્રી ગિરિમા ઘારેખાન, જ્ઞાતિએ વડનગરા નાગર [નરસૈયાની જ્ઞાતિ], સિદ્ધપુર [પાટણ-ઉત્તર ગુજરાત] ખાતે તત્કાલીન પ્રથા મુજબ નાનાના ઘરે [મોસાળમાં] જન્મ.
પિતાશ્રીની સરકારી નોકરી, એટલે ત્રણેક વરસે બદલી થાય. જેના કારણે ગિરિમાબહેનને બચપણથી અનેક નાના મોટા ગામો અને ત્યાં વસતા મહાનુભાવ સર્જકોનો પરિચય થયેલો. જેમ કે મોડાસામાં પાડોશી તરીકે આદરણીય રમણલાલ સોની, ધંધૂકા ખાતે શ્રી મહેશ યાજ્ઞિક. રમણલાલ સોનીના સુપુત્ર, ડૉ શ્રીરામ સોની તેઓના સહાધ્યાયી.
તેમની પિયર પક્ષની અટક નાન્દી. તેમણે એમ.એ., બી.એડ., સુધીનો અભ્યાસ અંગ્રેજી ભાષાનો મુખ્ય વિષય લઈને કરેલો, એટલે શરૂઆતથી જ તેમની વાંચન પસંદ ઊંચા દરજ્જાની.
અભ્યાસ જયારે અંતિમ તબક્કામાં હતો ત્યારથી જ તેમણે નવલિકા લખવાની શરૂ કરેલી, જે તે સમયના લોકપ્રિય સામયિકો ‘આરામ’ [તંત્રી શ્રી પીતાંબર પટેલ] અને ‘ચાંદની’માં [તંત્રી શ્રી અશોક હર્ષ] પ્રકાશિત થતી.
વર્ષ ૧૯૭૮ના ગાળામાં એટલે કે આયુના ત્રેવીસમા વર્ષે તેમણે પ્રથમ ટૂંકી વાર્તા ‘ઓફેલીયા’ ‘આરામ’ માં પ્રકાશનાર્થે મોકલી. સ્વીકૃત થઇ અને સુખદ આશ્ચર્ય જન્માવતો પ્રેરણા અને પ્રશંસાપત્ર પણ તંત્રી તરફથી સાંપડ્યો. આ પત્રે પીંછાને ફૂંક મારવાનું કામ કર્યું.
આ પછીનો બીજો ગઢ તે ‘ચાંદની’. તંત્રી તરીકે અશોક હર્ષ એટલે કલમઝવેરી. તેમની પારખુ પરીક્ષા પણ પાસ કરી અને નવલિકાકાર તરીકે સ્થાન મેળવ્યું. તે સમયે આ બંને વાર્તામાસિકો માઈલસ્ટોન ગણાતા. તેનો જબરો વાચક વર્ગ હતો. તેમાં સર્જક તરીકે સ્થાન મેળવવું એ જ મોટો પુરસ્કાર ગણાતો.
સર્જનક્ષેત્રે મોટા ભાગે પ્રારંભ પદ્ય- કવિતાથી થાય છે . એ દ્રષ્ટિએ ગિરિમા બહેનની કલમ કવિતાપથ પર ચાલી અને ૨૦૦૬માં તેમનો કાવ્યસંગ્રહ ‘એકરૂપ’ પ્રકાશિત થયો.
ઈશ્વર આજીવિકા માટે ઇન્સાનને કંઈ- કેટલીયે દિશા-ભૂમિનું ભ્રમણ કરાવે છે. તે ન્યાયે તદ્દન ભિન્ન પ્રદેશ-પ્રજા-પરિવેશવાળા પ્રદેશ મસ્કત ખાતે તેઓને પતિદેવ હાર્દિકભાઈ સાથે જવાનું થયું. ત્યાં પણ તેમણે સાહિત્યિક મનભાવન પ્રવૃત્તિ કરી.
આખી યુવાવસ્થા એટલે દામ્પત્યજીવનના ત્રીસ વર્ષ એમણે ત્યાં વિતાવ્યા. સંતાનમાં તનય કૃપાળુ અને તનયા કૃતિ. પારકી ભૂમિમાં આટલા લાંબા ગાળાના વાસ અને જ્ઞાતિગત સંસ્કારો -લાક્ષણિકતાના કારણે જીવનમાં પર્વતો જેવી ધૈર્યપૂર્ણ સ્થિરતા, ખીણ જેવી પ્રગાઢ સ્તબ્ધતા અને નદીના વહેણ જેવી જીવંત તરલતા આવી ગયેલી. જો કે વિદેશવાસના કારણે ગુજરાતી પુસ્તકો, સાહિત્ય, વાંચન, સર્જકોથી તદ્દન અલિપ્ત થઇ જવાયેલું.
ત્રણ-સાડા ત્રણ દાયકા સુધી પરદેશી પવનના શ્વાસ લીધા પછી પુન: માદરે દેશ-ભૂમિ આવીને અમદાવાદ નિવાસસ્થાને સ્થિર થયા. ત્યારે પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ આદિમાં અપાયેલ વિગત મુજબ તેઓ ‘સિનિયર સિટિઝન’ શ્રેણીમાં આવી ગયા.
આમ છતાં કલમની અકળ ગતિ મુજબ તેને ક્યારે, કઈ ઉંમરે કૂંપળ ફૂટે તે કહી શકાતું નથી તે મુજબ આયખાના છઠ્ઠા દાયકાને આંબીને નવી નવલિકા લખી ’યાત્રા’.
આ વાર્તા પ્રથમ પ્રયત્ને જ પ્રતિષ્ઠ સામયિક ‘અખંડ આનંદ’માં પ્રકાશિત થઇ એટલું જ નહીં, વર્ષ ૨૦૧૫ના વર્ષની શ્રેષ્ઠ વાર્તાનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું.! બસ, પછી તો ‘અપની તો ચલ પડી’ માફક તેમની કલમ સાહિત્યના રાજમાર્ગ પર પૂરપાટ ઝડપે દોડવા લાગી.
સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે ૨૦૧૮ થી ૨૦૨૨ ના ચાર વર્ષોમાં બાર પુસ્તકો પ્રકાશિત થયા. જેમાં લઘુનવલ, નવલિકા, બાળવાર્તા, લઘુકથા, નવલકથા, વ્યક્તિચરિત્રો અને સંશોધનાત્મક લેખો જેવું વૈવિધ્ય છે.
‘ચિત્રલેખા’ જેવા માતબર અને બહોળો ફેલાવો ધરાવતાં લોકપ્રિય સાપ્તાહિક સામયિકથી માંડી ‘નવનીત સમર્પણ’, ‘શબ્દસૃષ્ટિ, ‘પરબ’, ‘અખંડઆનંદ’, ‘શબ્દસર’, ‘કુમાર’, ‘નવચેતન’, શમણું’, ‘છાલક’, ‘વિ વિદ્યાનગર’, ‘સહજ બાલઆનંદ’, જેવા લગભગ બધા સામયિકો અને અનેક અખબારોમાં એમના શબ્દોનો દરબાર ભરાયો.
જેમ કે દરબારની કુંવરીને અપાતો દાયજો, રોજ સવારે ખીલતાં- ખૂલતાં વિધવિધ પુષ્પો, એની વિવિધ સૌરભ, રંગ, રૂપ, સૌન્દર્ય, લાવણ્યની જેમ અનેકરૂપે એમની કલમ ખીલતી રહી અને સમગ્ર સાહિત્યજગત – સર્જકજગતમાં વિશિષ્ટ રીતે સામ્રાજ્ય જમાવી બેઠી.
અન્ય કલમે આટલા ટૂંકા ગાળામાં આવી હરણફાળ ભર્યાનું ધ્યાનમાં નથી. વડનગરા નાગરજ્ઞાતિની ક્યારીમાં અવતરેલી આ નવી નાજુક વેલમાં કદાચ વંશજ તરીકે નાગર નરસિંહકૃપા હોય એવું અનુભવાય અથવા તો કલ્પી શકાય.
ચારેક વર્ષની આવી અકલ્પનીય અને યશસ્વી યાત્રામાં એમણે અનેક આયામો પણ સર કર્યા છે. વર્ષ ૨૦૧૮માં સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી નવલિકા સંગ્રહ ‘ટુકડો’ અને બાળવાર્તા સંગ્રહ ‘પતંગિયાની ઉડાન’ માટે પ્રથમ પુરસ્કાર મળેલો.
૨૦૧૯-૨૦૨૦માં એમના બાળવાર્તા સંગ્રહ અનુક્રમે ’રમકડાં પાર્ટી‘ અને ‘પંખીઓના દેશમાં’ને પ્રથમ અને પ્રથમ નવલકથા ‘વાયા રાવલપિંડી’ને દ્વિતીય પુરસ્કાર મળ્યો.
તદ્દઉપરાંત નર્મદ સાહિત્યસભા – સુરત દ્વારા એનાયત થતો પ્રતિષ્ઠિત ‘બાળસાહિત્ય પુરસ્કાર’ ‘ડૉ ફેની રતન માર્શલ ચંદ્રક‘ તેમના બાળવાર્તાસંગ્રહ ‘રમકડાં પાર્ટી’ને વર્ષ ૨૦૧૭, ૧૮, ૧૯ ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે એનાયત થયો.
બાળસાહિત્ય સર્જન માટે સીમાચિન્હરૂપ ગણાતા ‘અંજુ નરશી પારિતોષિક’થી એમના બે પુસ્તકો: ‘પતંગિયાની ઉડાન’ અને ‘પંખીઓના દેશમાં’ પોંખાયા.
આ ઉપરાંત અનેક હરીફાઈઓ, ટી.વી. ચેનલોમાં પણ એમની કૃતિઓ અવ્વલ નંબરે રહી છે. પુસ્તકોની સંખ્યાથી વધુ પારિતોષિકો આ કલમે હાંસલ કર્યા છે.
કાઠિયાવાડી બોલીમાં કહેવું હોય તો કહી શકાય કે ‘ગિરિમા બહેનની કલમે તો માતૃભાષાને આંટો લૈ લીધો.’ મુબારક હો. માતૃભાષામાં મઘમઘતી તેમની વાર્તાઓની સૌરભ ભગિની ભાષા મરાઠી, હિન્દી, અંગ્રેજી અને ઉડિયા સુધી પ્રસરી છે.
‘બાણશૈયા’ ઉપરાંત અન્ય નવલિકાઓ મરાઠીના અલગ-અલગ અનુવાદક-લેખક દ્વારા અનુદિત થઇ છે.
સ્વદેશગમન પછી ૨૦૧૮માં પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘ટુકડો’માં ૧૬ વાર્તાઓ છે. તે-તે નવલિકાઓના સર્જનસંદર્ભે લેખિકાએ નોંધ્યું છે:
‘સેફટી ફર્સ્ટ’ વાર્તાના અંતે મને પોતાને પણ ઘણી રાતો સૂવા નહોતી દીધી. આ વાર્તાઓએ મને ઘણી પજવી છે-દિવસે ને રાત્રે, રોટલી કરતાં કે રસ્તા ઉપર, મેં એમને ઘણા લાડ કર્યાં છે. એક જ વાર્તાને ત્રણ-ચાર વાર અલગ-અલગ રીતે સજાવી જોઈ છે. છેવટે અમે બંને જે સમાધાનબિંદુ ઉપર ભેગાં થઈએ ત્યાં તે શબ્દદેહ પામી છે.’
આ કલમ માફક ઘણી નારીકલમોના સ્પર્શે વેલણ પણ લેખણ બની જતું હોય છે. ઘણાં નારીસર્જકોની કેફિયતમાં રસોડું, ડાઈનીંગ ટેબલ, ચાલતા પાટલો-વેલણ, તળાતી પૂરી, સમારાતા શાકભાજી જેવી પ્રક્રિયા અને જગ્યામાં વિશેષ રૂપે અને એકાગ્રતાથી મનોલમ ચાલતી હોવાની વિગતો જાણવા-જોવા મળી છે.
વાર્તાસંગ્રહ ‘ટુકડો’ ની વાર્તાઓ વિષે શ્રી રમેશ ર. દવેનું નિરીક્ષણ રહ્યું છે: ‘વાર્તાકાર ગિરિમાને વાર્તાનાં પાત્રોનાં, બની ગયેલી વેળાનાં, હૈયા મહીં સંઘરાયેલાં મધુરાં સંવેદનો અને માઠા દિવસો દરમિયાન એ જ હૈયાએ બળબળતા તાપમાં કેવું શેકાવું પડ્યું હતું – એના સ્મરણો આલેખવા ગમે છે… અહીં સરેરાશ ગુજરાતી સમાજના મધ્યમવર્ગથી સહેજ ચડિયાતા લોકોની છબી ઝિલાઈ છે…
સાથોસાથ એ પણ ધ્યાન- પાત્ર બાબત છે કે વાર્તાઓના પાત્રોના નામકરણમાં વાર્તાકાર ગિરિમા ઘારેખાનનું ‘નાગર’પણું પણ પ્રગટ થયું છે.’ અન્ય નવલિકા સંગ્રહો છે ‘લંબચોરસ લાગણીઓ’ અને ‘ભીનું ભીનું વાદળ.’
એવોર્ડ વિનર દ્વિતીય પુસ્તક એટલે બાળવાર્તાસંગ્રહ ‘પતંગિયાની ઉડાન’, જે એમના પૌત્રો ચિ. શ્લોક અને ચિ. સર્વમને અર્પણ થયેલ છે. દાદી તરફથી દુલારી ભેટ!
‘બાળસહજઆનંદ’ બાળસામયિકના સંપાદક શ્રી યશવંત મહેતા લખે છે: ‘છે ને અનેકરંગી કથાવસ્તુઓ! ક્યાંક તોફાનનાં પરિણામ, ક્યાંક ઉતાવળનાં તો ક્યાંક છેતરપિંડીનાં પરિણામ… ક્યાંક સદ્દગુણોની કેળવણી તો ક્યાંક સદ્દવર્તનની. આવી પતંગિયાની પાંખો જેવી ૧૫ વિવિધરંગી વાતો બહેન ગિરિમા અહીં રજૂ કરે છે.’
આની સાથોસાથ લેખિકાના બાળસાહિત્ય સર્જનને લાગુ પાડી શકાય એવું કથન શ્રી રોહિત શાહે કર્યું છે. ‘દરેક બાળવાર્તા બાળકના મનમાં અને દિલમાં વસી જવા આતુર હોય છે. એ માટે બાળવાર્તા હવે ‘અપડેશન’ ઝંખે છે. સોશિયલ મીડિયાના પ્રભાવમાં ઉછરતાં બાળકને હવે બોધ કરતાં બુદ્ધિમાં અને જ્ઞાન કરતાં તર્કમાં વધારે રસ પડે છે.
નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવીને, જીવનને જોવા- સમજવાની ખુલ્લી દ્રષ્ટિ આપે એવી તાજગીસભર બાળવાર્તાઓ લખાય તે જરૂરી છે.
ગિરિમા ઘારેખાનની આ પંદર વાર્તાઓ [પતંગિયાની ઉડાન] એ દિશામાં આગળ વધતી લાગે છે એ કારણે બાળકોના મનમાં અને દિલમાં તે જરૂર વસી જશે.’ આવાં અન્ય બે પુસ્તકો છે : ‘રમકડાં પાર્ટી [૨૦૧૯] અને પંખીઓના દેશમાં.[૨૦૨૦].
અને હવે ‘વાયા રાવલપીંડી’– નવલ. ‘હવે તમારે નવલકથા લખવાનો પ્રયત્ન કરવો જોઈએ’ અને ‘તમારી કલમને દોડવા માટે વધારે જગ્યા મળશે’ જેવા જુસ્સાદાર અને અનુભવી ઉદ્દગારો જાણતલ સમવયસ્ક સર્જકો પાસેથી મળતાં જ એ શબ્દો લેખિકાની કલમને દોડાવવા નિમિત્ત બન્યા અને રચાઈ પ્રથમ નવલ.
સુરતના લોકપ્રિય અખબાર ‘ગુજરાત ગાર્ડિયન’માં હપ્તાવાર પ્રકાશિત થયેલી આ નવલ ૩૦ પ્રકરણોમાં વિસ્તરેલી છે. નવલની સર્જનપ્રક્રિયા અને પુષ્ઠભૂમિકા ‘કલમનો હાથ ઝાલીને કરેલી સફર’માં લેખિકાએ જણાવ્યું છે:
‘અમેરિકાથી દુબઈ આવતી કઈ ફ્લાઈટ પાકિસ્તાન ઉપરથી ઊડીને આવે એની તપાસ કરવાથી માંડીને રાવલપિંડીના રસ્તાઓ, શહેરનું વાતાવરણ, એરપોર્ટથી હોસ્પિટલનું અંતર, ત્યાંના જોવાલાયક સ્થળો, વગેરે જાણવા માટે ‘ગૂગલદેવ’ અને બીજા પુસ્તકોની આરાધના કરવાનું ચાલુ થઇ ગયું.
અમેરિકા અને દુબઈમાં રહેતાં બે કુટુંબોની વાતમાં એ બે દેશોના ઈતિહાસ- ભૂગોળની ચર્ચા પણ સંકળાઈ ગઈ… આપણા પાડોશી, આટલા નજીકના દેશ વિશેની ઘણી અંધારામાં રહેલી વાતો આ નવલકથા લખતાં લખતાં ઉજાગર થઇ.’
આમ કશા જાતઅનુભવ વિના માત્ર મેળવેલ માહિતીના આધારે, કલ્પનાશક્તિના જોરે રચાયેલી નવલકથાને ખૂબ જ બહોળો લોકાદર મળ્યો અને પ્રોત્સાહિત કરનાર મહાનુભાવોને પણ સંતોષનો ઓડકાર આવ્યો.
ધારાવાહિક નવલકથાના માહિર અને લોકપ્રિય નવલકાર તેમ જ એલ.આઈ.સી.ના અધિકારી શ્રી મહેશ યાજ્ઞિકે નવલની પ્રસ્તાવના કરતાં નોંધ્યું છે:
‘બહેન ગિરિમા સાથેના પરિચયની વાત કરું તો ઈ.સ. ૧૯૬૩થી ૧૯૬૫માં ધંધૂકાની બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલમાં ધોરણ ૫, ૬ અને ૭માં અમે એક જ વર્ગમાં સહાધ્યાયી હતા.
બહેન ગિરિમા પાસે કલ્પનાશક્તિ છે, ઈર્ષા આવે એવી અલંકારિક ભાષાની તાકાત છે અને એ ઉપરાંત સશક્ત કથાગૂંથણી માટેની પૂરેપૂરી સજ્જતા હોવાથી નવલકથા ક્ષેત્રે પણ એમના ઉજ્જવળ ભવિષ્ય વિષે મારા મનમાં કોઈ શંકા નથી…
લેખનમાં લાગણી અને સંવેદનની વાત આવે ત્યારે ગિરિમાની કલમ ખીલી ઊઠે છે. નવલકથાની ભાષા કવિતાની ઊંચાઈને સ્પર્શી જાય છે… આમ નવલના તમામ માપદંડથી મૂલ્યાંકન કરીએ તો ‘વાયા રાવલપીંડી’ને પૂરા માર્ક્સ આપવા પડે. ‘ગુડ બીગીનીંગ ઈઝ હાફ ડન!’
આ ઉપરાંત રાઈના દાણા જેવા સાહિત્યપ્રકાર લઘુકથાનો સંગ્રહ ‘તેજ તિખારા’ અને સંશોધનાત્મક પુસ્તક ‘શ્રદ્ધાના શિખરો’ પણ આવા જ નોંધપાત્ર સર્જનના સર્ટિ. સમાન છે. આમ આરંભે નોંધેલું અવતરણ લેખિકા સંદર્ભે મહદ્દઅંશે સાર્થક થતું લાગે છે.
આવી ઈશ્વર આસ્થા-પૂજાથી તરોતાજાં રહેતાં અને પ્રેરણાના સોનાને પરિશ્રમથી તાવતાં પ્રૌઢીએ પહોંચેલ સર્જકની યુવાન કલમ આમ જ મબલખ વહેતી અને વરસતી રહે એવી આશા-આસ્થા અસ્થાને નહીં ગણાય.
તેમને ગમતું એક અંગ્રેજી અવતરણ છે: ‘It is never too late to start any new work’.
આમ જ ગરિમાપૂર્ણ ગિરાથી ગુર્જરીના ભલે તિલક થયા કરે એ માટે ઈર્શાદ… ઈર્શાદ… ઈર્શાદ…
[‘ડૉ. પ્રદીપ રાવલ લિખિત ‘અક્ષર આકાશની નિહારિકાઓ’માંથી સાભાર]
ગિરિમાબહેને નાટકોમાં પોતાનાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે. એમનાં જ શબ્દોમાંઃ
“પહેલું નાટક સ્કૂલમાં હતી ત્યારે કર્યુ હતું – ધીરુ બેન પટેલનું લખેલું. એ પછી કોલેજમાં Shakespeareના લખેલા નાટકો પણ ભજવ્યા, Hamlet માં ઓફેલીઆનો રોલ કર્યો હતો. મસ્કત જ ને તો સુનિલ વૈદ્યના directionમાં નાટકો સાથે ઘણું શીખવા પણ મળ્યુ. અહીં વિશ્વકોશમાં પણ એ તક મળી. રંગભૂમિ આજે પણ એટલી જ ગમે. આજે વિશ્વ રંગભૂમિ દિવસે થોડી યાદો તાજી કરું છું.”
***
અઢળક અભિનંદન ગિરિમાબહેન.
તમારી સર્જનયાત્રાનો અવિરત લાભ તમારાં વાચકોને, ચાહકોને મળતો રહેશે એવો વિશ્વાસ છે.