પ્રકરણ: ૫ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

‘લાવણ્યનાં પોપચાં ઊંચકાયાં. આછો રોષ હતો. પણ વનલતાને આવા રોષની ક્યાં પડી હતી? એણે વિશ્વનાથને કહ્યું:

‘લાવણ્ય પીએચ. ડી. કરવા માગે છે. આજે એ સિંઘસાહેબને મળવા આવી છે. તમારે આજે ને આજે એને મળવું હોય તો ચારેક વાગ્યે યુનિવર્સિટી પર જજો. એક પંથ દો કાજ. હેવાલ લેતા આવજો ને લાવણ્યને જોતા આવજો.’

‘તમે મને ભાવુક ભક્તનું સ્થાન આપો છો એથી મને ખોટું નથી લાગતું પણ એક વસ્તુ કહેવાની રજા લઉં. કશી આસક્તિથી ભક્તિ કરવા પ્રેરાઉં એવો બજારુ ભક્ત હું નથી જ. સ્વમાનના ખ્યાલથી આ કહેતો નથી. હું મારી મર્યાદાઓ અને અયોગ્યતાઓ જાણું છું. પણ મારા વ્યક્તિત્વની એક નબળાઈ પર હું કાબૂ મેળવી શકતો નથી. એક ઉત્તમ કવિતા, એક સુંદર ગુલાબ, કે આ લાવણ્યનો પ્રસન્ન ચહેરો જોતાં હું વાચાળ થઈ જાઉં છું.

આનંદ મૌન દ્વારા પણ વ્યક્ત થઈ શકે. પણ એટલો વિકાસ હજી મેં સાધ્યો નથી. બચાવમાં એટલું જ કહી શકું કે આમ આકસ્મિક રીતે મળી જતાં મારાથી જો આદર અને આનંદ ફરીથી પણ વ્યક્ત થઈ જાય તો એમાં મારો અપરાધ જોવામાં ન આવે.’

‘અરે વિશ્વનાથ! તમે પત્રકાર થવાને બદલે કવિ કેમ ન થયા?’ વનલતા બોલી ઊઠી.

‘જે ભૂલ થઈ ગઈ છે તે આ જીવનમાં સુધારી શકું તો ધન્ય!’ કહેતાં વિશ્વનાથ પગથિયાં ઊતર્યો. સ્કૂટર ચાલુ કર્યું. ઘોડો કુદાવતો હોય એ રીતે અધ્ધર બેસીને ઊપડ્યો. એના અદૃશ્ય થતાં જ વનલતાએ લાવણ્યના ખભે હાથ મૂકતાં કહ્યું:

‘આ માણસ તો રીતસર તારા પ્રેમમાં પડી ગયો છે!’

લાવણ્ય નિરુત્તર! વનલતાએ જોયું કે એના ઉદ્ગારથી સખીને આનંદ થયો નથી. બીજી કોઈપણ યુવતીને આમાં ‘કોમ્પ્લીમેન્ટસ’ જેવું લાગત.

વનલતા માને છે કે આજે એવું માનસ પ્રવર્તે છે કે એક જણને ચાહનાર યુવતી જાણે કે બીજો કોઈક યુવક પણ એના પ્રત્યે ‘સૉફ્ટ કોર્નર’ ધરાવે છે તો એ ધન્યતા અનુભવે છે. જ્યારે આ લાવણ્ય? અવિચળ રહી. કશો ભાવ વ્યક્ત ન કર્યો.

થોડીવાર પછી વનલતાએ ગંભીરતાથી વિશ્વનાથનો ઉલ્લેખ કર્યો. પછી લાવણ્ય તટસ્થભાવે બોલી: ‘મેં સાંભળ્યું છે એ સાચું હોય તો વિશ્વનાથ ગુજરાતી યુવતીને પરણવા માગે છે. કેમકે એને ગુજરાતી સમાજમાં મૂળિયાં નાખવાં છે. કેટલા ઓછા સમયમાં એ ગુજરાતી શીખી ગયો! લઢણો પણ આવતી જાય છે. મને નથી લાગતું કે એ નિર્હેતુક પરિચય વધારતો હોય. એ પત્રકાર છે એ ભૂલવાનું નથી.’

‘કેમ? પત્રકાર પ્રેમ કરી ન શકે?’

‘કેમ ન કરી શકે? એ માણસ તો છે જ. પણ મારા મન પર એવી છાપ પડી છે કે પ્રેમ એ વિશ્વનાથની જરૂરિયાત નથી. એને શું જોઈએ છે એ અંગે એ સ્પષ્ટ છે.’

‘એનો અર્થ એ કે તારી બાબતે એણે કંઈ પણ ધારી લઈને ચાલવા જેવું નથી. એ બિચારાને તું ભ્રમમાં ન રાખે તો સારું.’

‘પ્રેમના સંબંધમાં પુરુષ કદી બિચારો સાબિત થયો છે?’ – આટલું કહેતાં લાવણ્યે સોફાનો ટેકો લીધો. નિશ્વાસ સાથે આંખો બંધ કરી. દીપક પ્રત્યેની લાગણી નકારાત્મક બનીને વ્યક્ત ન થઈ જાય એની તુરત કાળજી લીધી. એની આ મનોદશાનો કંઈક અણસાર આવતાં વનલતા કામ શોધીને ઊભી થઈ.

લાવણ્યનું અકળ મન ફરી એકવાર નજીકના ભૂતકાળ ભણી વળ્યું:

દીપક સાથે લગ્નનું નહીં ગોઠવાય એ નક્કી થયા પછી પોતે સંકલ્પપૂર્વક એનું ભલું ઇચ્છતી રહી. લગ્ન થાય એ એને ઇષ્ટ હતું જ. સહજીવનનો આલેખ બંનેના મનમાં તૈયાર હતો. મોટી બહેન સાથે એની વિગતો પણ ચર્ચી હતી. પણ જ્યાં મજબૂર થવાનું આવ્યું, વ્યક્તિત્વને ગીરો મૂકવાની શરત આવી ત્યાં જ એ અટકી ગઈ.

કહે છે કે માણેકનાથ સાદડી ઉકેલતા અને નવો બંધાયેલો કોટ પડી જતો. એવા કોઈ ચમત્કાર વિના લાવણ્ય માત્ર સંકલ્પથી એનું સ્વપ્નગૃહ ઉકેલી શકી હતી. માળો મટી ગયો હતો, માત્ર પાંખો રહી હતી. ભાર હળવો થઈ ગયો હતો, કદાચ દીપકનો પણ. એને બદલે હઠ કરીને એ વળગી રહી હોત તો દીપકને બળ મળ્યું હોત. એનાં માબાપને પુત્રવધૂ પાસે જે સૌથી મોટી અપેક્ષા હતી એ તો માત્ર નમ્રતાની જ ને?

હા, ઊંચા કુળશીલનો ધૂંધળો ખ્યાલ હતો છતાં પોતાની જ્ઞાતિમાંથી જ કન્યા લાવવાનો એમનો આગ્રહ ન હતો, દહેજનો ખ્યાલ સુધ્ધાં ન હતો. કદાચ એક જ શરત હતી: ઘરમાં ઉમેરાય એ વ્યક્તિ ઘરની થઈને રહે. એમને લાગ્યું હોય કે લાવણ્ય મહત્ત્વાકાંક્ષી છે, એ એની પ્રવૃત્તિઓમાંથી ઊંચી નહીં આવે, ગૃહસ્થીની ઉપેક્ષા કરશે…

દીપકે એકવાર કહેલું: માબાપે મને ક્યારેય ટોક્યો નથી, વાર્યો નથી. ઉદારતાની સીમા વટાવીને એમણે દરેક બાબતે મને છૂટ આપી છે. એમણે ભારે જતનથી મારે માટે ઉછેરેલી વાડી તરફ મેં સહેજે ધ્યાન આપ્યું નથી. તારી સાથે વાંચીને મેં પ્રકૃતિ વિષેની કવિતા માણી છે. પણ હું મારી પોતાની વાડી સાથે એટલી આત્મીયતા કેળવી શક્યો નથી.

મારાં માબાપની કલ્પનાના માળીની યોગ્યતા તો તારામાં હતી પણ એમની સમક્ષ વ્યક્ત થવાને બદલે તું રહસ્યમય બની ગઈ. હું જાણું છું કે એ ધારે છે એના કરતાં તું ઘણી સારી છે માત્ર ગુણની દૃષ્ટિએ જ નહીં, સ્વભાવની દૃષ્ટિએ પણ તું મારાથી ચઢિયાતી છે.

ફક્ત એક જ વાર ફરીથી આવીને તેં એમની ગેરસમજ દૂર કરવા પ્રયત્ન કર્યો હોત તો તો મારું ભાગ્ય ઊઘડી જાત. આપણો સંબંધ થાય એમાં મારી જેમ બલ્કે અમારી જેમ તને પણ ગરજ છે એવી એમને ખાતરી થાય તો પછી કોઈ પ્રશ્ન જ ન રહે…

લાવણ્ય ત્યારે એમ માનતી હતી કે મારા સદ્ગુણોની સાબિતી આપવાની જવાબદારી મારી નથી. દીપકનાં માબાપને કે બીજા કોઈને પણ હું મારી યોગ્યતા વિશે કેફિયત આપવા જાઉં એનો અર્થ એવો થાય કે હું અયોગ્ય બચાવ કરી રહી છું. વળી, આપણે વિશે કોઈના મનમાં ચોક્કસ ખ્યાલ ઊભો કરવાનો સભાનપણે પ્રયત્ન કરીએ અને પછી એ રીતે વર્તી શકીએ તો? મારામાં એવો કયો કાયમી સદ્ગુણ છે જેનો હું દાવો કરી શકું?

દીપકને મારી સાથે જીવવામાં રસ હતો, સાહચર્યની ઉષ્મા મળશે એવો વિશ્વાસ હતો એ પૂરતું નહોતું? મોટા ભાગનાં માબાપ સામા પક્ષના સદ્ગુણોની ખાતરી કરી લઈને જ પુત્રવધૂ પસંદ કરતાં હતાં એ જમાનામાં પણ ‘સાસુ-વહુની લડાઈ’ જેવી કથાઓ લખાતી હતી. આજે આટલી જાગૃતિ પછી પણ કન્યા પાસે ઓગણીસમી સદીને અનુરૂપ નમ્રતાની અપેક્ષા રાખવામાં આવે છે.

ઘણી કન્યાઓ આરંભમાં એવું નાટક કરે છે અથવા સ્વાભાવિક શરમસંકોચથી સાસરિયાને જીતી લે છે અને પછી કાં તો સાસુને નમ્ર બનાવે છે કાં તો પોતાનો અલાયદો માળો બાંધવા પતિને પ્રેરે છે. આ બધું દીપક નહોતો જાણતો? એનો મારી સાથેનો પરિચય બલ્કે સંબંધ ગૌણ બની જાય અને મારે ઇન્ટરવ્યૂ આપવાની દશામાં મુકાવું પડે એ કેવું?

સ્વાતંત્ર્ય પૂર્વે કન્યા લગ્ન પછી પુત્રવધૂ જ બની રહેતી. જાણે કે એનું લગ્ન વર સાથે નહીં, આખા ઘર સાથે થતું. બધાંને સંભાળવાની જવાબદારી એની. ધીરે ધીરે એ ભાર ઘટ્યો, છતાં શિક્ષિત સ્ત્રી પણ માત્ર ગૃહિણી બની રહી. સારો પગાર લાવતી વહુ પણ રસોઈ અને બાળઉછેર પરત્વે તો ઘરની એક માત્ર સેવિકા બની રહી.

મારી સમજણ એ રીતે કેળવાઈ રહી હતી કે પત્ની તરીકે નહીં, જીવનસાથી તરીકે જોડાવાનું હોય. દીપક પણ કંઈક એવું જ માનતો હતો. તો પછી એ મને પુત્રવધૂની પરીક્ષામાં બેસાડવા કેમ હઠીલો બન્યો? મારો દોષ ઢાંકવા મારી વકીલાત કરવા તો હું એને કહું જ નહીં. પણ મારા વ્યક્તિત્વનું રક્ષણ કરવાની એની જવાબદારી નહોતી? હું એને માટે અનન્ય અને અનિવાર્ય હતી તો પછી એકાએક શું થયું? ગરજ ઘટી કે સંપત્તિથી લલચાયો?

જેને જીવથી ચાહ્યો હતો, જેને ખભે માથું મૂકીને એકલાં હોવાનો ભાર હળવો કર્યો હતો એ માણસ આત્મીયતાના બધા દાવા વિસારીને એક અપરિચિત યુવતીના અંત:પુરમાં પ્રવેશવા તૈયાર થઈ ગયો? આમ બને જ કેમ?

— લાવણ્યને આમ વિચારમગ્ન જોઈને વનલતાને નવાઈ લાગી. આટલી બધી વાર એ કદી નિષ્ક્રિય બેસી ન રહે. એણે પાસે આવીને કહ્યું:

‘ચાલ લાવણ્ય, મમ્મી બોલાવે છે, જમી લઈએ.’

લાવણ્ય ઊભી ન થઈ. એણે ધીમે રહીને પોપચાં ઊંચક્યાં. ‘કેમ, કોના વિચારમાં ડૂબેલી હતી?’

‘ભૂતકાળના.’

‘હું વ્યક્તિ વિશે પૂછતી હતી.’

‘વ્યક્તિ? ખરું. તું કઈ વ્યક્તિનો સંકેત કરે છે એ સમજું છું. પણ આજે તો હું મારી જાતને જ જરા દૂરથી જોઈ રહી હતી. પોતાની ઊલટતપાસ કરી રહી હતી.’

વનલતાને આ ઝીણી વાતમાં રસ ન પડ્યો. એણે સીધો પ્રશ્ન કર્યો:

‘સાચું કહેજે, તું દીપકને ભૂલી શકી છે?’

‘એ જરૂરી છે?’

‘હા, જરૂરી છે. તારા, એના, સહુના માટે જરૂરી છે. જુદાં પડતાં તેં કહેલું કે હવે માત્ર મિત્રો બની રહીશું. એના લગ્નનું ગોઠવાયું પછી તો તેં માત્ર ઔપચારિક સંબંધ રાખવા માંડેલો. વળી, એના લગ્નના દિવસે તેં અણધારી પલટી ખાધી, વર-કન્યા બેઉ પક્ષે તારું સગપણ હોય એમ ભારે ઉત્સાહથી વર્તવા માંડી.

એ સાંજે મેં માની લીધેલું કે તું લાગણીઓના વમળની બહાર આવી ગઈ છે. પણ આજે? એના લગ્નના પાંચ-છ માસ પછી તું એને માટે ખાસ ફૂલદાની લેતી આવી! સારું થયું કે પેલો પત્રકાર એ પડાવી ગયો.

તેં રાજીખુશીથી આપવાનો દેખાવ કર્યો પણ મેં જોયું કે કશુંક અનિચ્છાએ છીનવાઈ જવાનો ભાવ તારા હલનચલનમાં હતો. એમાંથી હું એવો અર્થ તારવું છું કે તું દીપકને ભૂલવામાં સફળ નહીં થાય. હવે એક સલાહ સાંભળી લે. ત્યાં ઈડરમાં માટલાના કદની ફૂલદાનીઓ મળતી હોય તો દીપકને તું એની જ ભેટ આપજે, જેથી એ એમાં ફૂલને બદલે બે નંબરના પૈસા રાખી શકે.’

‘હું એની મજાક કરું? ફજેતી કરું? હું એની મિત્ર મટી વિરોધી બનું?’

‘એમ નહીં કરે તો તું એને ભૂલવામાં સફળ નહીં થાય.’

‘એની સાથેનાં સંસ્મરણો જે છે તે, જેવાં છે તેવાં મારે માટે મૂડીરૂપ છે. એ મારા અસ્તિત્વનો અંશ છે. તેથી હું એને ભૂલવામાં સફળ નહીં થાઉં. એટલું જ નહીં, બીજા કોઈના વ્યક્તિત્વમાં રસ પણ નહીં લઈ શકું.

વિરાજબેને આ અરસામાં ત્રણેક યુવકો ચીંધ્યા, એકનો પરિચય કરાવ્યો પણ હું ઉદાસીના કોચલા બહાર નીકળી ન શકી. કહી શકતી નથી આ મનોદશા ક્યાં સુધી ચાલશે. દીપક સાથેના વિચ્છેદે મને પ્રત્યેક યુવક પ્રત્યે ઉદાસીન કરી મૂકી છે.’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.