|

આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૯ ~ “જ્હોન્સન બ્રધર્સ લિ…!” ~ રટ્ગર કોપ્લેંડ ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર

(કવિ પરિચયઃ ડૉ. રટ્ગર કોપ્લેંડ (ઓગષ્ટ ૪, ૧૯૩૪ થી જુલાઈ ૧૧, ૨૦૧૨) એક સાઈકાઈટ્રીસ્ટ અને ખૂબ લોકપ્રિય ડચ કવિ હતા. ડૉ. રટ્ગર કોપ્લેંડની માન્યાતા હતી કે કવિતા લખવાની પ્રક્રિયા અને વૈજ્ઞાનિક રિસર્ચની પ્રક્રિયામાં કોઈ અંતર નથી. બેઉ માટે એક પ્રકારની ઉત્કંઠા હોવી જોઈએ.

સાઉથ આફ્રિકન  લેખક, નવલકથાકાર, અને ૨૦૦૩નું સાહિત્યમાં નોબેલ પ્રાઈઝ જીતનાર જ્હોન મેક્સવેલ કોએટ્ઝી રટગર કોપ્લેંડ માટે લખે છે કે “કોપ્લેંડ એક એવો કવિ છે કે જેના વિચારો બાકીની દુનિયાની જેમ છીછરા અને દોરવણીહીન નહોતા.”

કોપ્લેંડે ૧૯૬૬થી કવિતા લખવી શરૂ કરી અને એના પંદરેક જેટલાં સંગ્રહો થયા છે. એમને ડચ સાહિત્યના અનેક ઈનામો મળ્યાં છે, જેમાં The prestigious VSB Poetry Prize 1998 and the P.C. Hooft Prize 1988, એવોર્ડ્સ મુખ્ય છે.

કોપ્લેંડ નેધરલેન્ડમાં ખૂબ લોકપ્રિય કવિ હતો અને એનામાં કાવ્યત્વ અને એના વાચક સાથે સાદી ભાષામાં તાદાત્મ્ય સાધવાની અદભૂત શક્તિ હતી. કોપ્લેંડની કવિતાઓ ભાવકને ઉત્કંઠિત કરીને એક ખોવાઈ ગયેલા સ્વર્ગ મળ્યાની અનુભૂતિ કરાવે છે. 

એના જ શબ્દોમાં કહીએ તોઃ “Everyone finds almost nostalgic atmosphere of a lost paradise in my poetry, a longing for it. I don’t long for the past, I long for ex. – (અર્થાત્ઃ “હું અતીતનો કવિ નથી.  પાછળ જે કંઈ છૂટી ગયું છે એની “નોસ્ટાલ્જીયા”ની લાગણીને જગાડનારો કવિ છું.”) જોકે ૧૯૭૮ પછીની એની કવિતાઓમાં જીવનની ફિલોસોફી પણ એણે ગોપિત અર્થમાં વણી લીધી હતી.)

જ્હોન્સન બ્રધર્સ લિ. –  રટ્ગર કોપ્લેંડ

તે દિવસો, જ્યારે બાપુ હતા પડછંદ
ખિસ્સામાં જોખમી ઓજારો જાતજાતનાં
પોશાકમાં જરા જસતની ગંધ, સહેજ સીંદરીની
આંખો પાછળ પુરુષનું વિશ્વ, અકળ
ગેસ-ફિટર, ફર્સ્ટ ક્લાસ, બા કહેતી
તે દિવસોમાં કેવું થતું મને
જ્યારે એ કમાડ વાસી દેતા
મને અને બા-ને બહાર રાખીને.

હવે એ રહ્યા નથી
હું એમની ઉંમરનો થઈ ગયો છું એકાએક
અચરજ થાય છે
એમનામાંયે કોહવાટ હતો?
એમની ડાયરીમાં મુલાકાતો, અજાણી વ્યક્તિઓ સાથેની
એમની ભીંતે, ગેસપાઈપની ભુલભુલામણીવાળું કૅલેન્ડર
મેજ ઉપર સ્ત્રીનું ચિત્ર
પૅરિસમાં રહેતી એમની સ્ત્રીનું
પુરુષનું વિશ્વ અકળ.

હું જોઉં છું
ચિનાઈ માટીથી બનેલા, ત્રીસીના સમયના વૉશબેસિનને
તેમાં બેસાડેલા ચિત્રવિચિત્ર લાગતા બે સિંહને
જ્હોન્સન બ્રધર્સ લિ. સાંભળું છુM ઘરના સન્નાટામાં
બા – ના પગરખાંની ઉદાસ અવરજવર
જિસસ ક્રાઈસ્ટ! ઓ પિતા! આ આવ્યાં આંસુ
ત્યારને માટે અને અત્યારને માટે
હંસલીની ડોક જેવી પાઈપમાં થતાં વહી ચાલ્યાં
‘કોલ્ડ’ લખેલા તાંબાના નળમાંથી વહેતા જળ સાથે
સેળભેળ થઈને.

ડચના અંગ્રેજી અનુવાદ ૫૨થી, અનુવાદઃ ઉદયન ઠક્કર

આસ્વાદઃ ‘બૅસિન સાચવ્યું, ઘરગૃહસ્થી ન સાચવી ~’

રટ્ગર કોપ્લેંડ હોલેન્ડમાં ન્યુરોલૉજિસ્ટ હતા. તેમના કાવ્યસંગ્રહોની બે લાખથી વધુ નકલ વેચાઈ છે.

શીર્ષક વાંચીને અચંબો થાય કે, શું આ કાવ્ય જહૉન્સન બ્રધર્સ લિમિટેડ નામની પેઢી વિશે હશે? જોઈએ. તે દિવસો, જ્યારે બાપુ હતા પડછંદ’. બાળક માટે બાપુ એટલે કોણ? ‘Father – a boy’s first hero, a girl’s first love!’ બાળક બાપુને અહોભાવથી જુએ. ક્યાં જતા હશે? શું કરતા હશે?

એમના ખિસ્સામાં ખતરનાક ઓજારો – વ્યક્તિત્વ જ કંઈ એવું કે નિકટ ન જવાય. બાપુ માત્ર ગૅસ-ફિટર નહોતા, પણ બા અભિમાનથી કહેતી તેમ, ગૅસ-ફિટર, ફર્સ્ટ ક્લાસ! આંખોનો ભાવ કળી ન શકાય. (‘ગૅસમાસ્ક પહેરતા હશે?’)

પિતા જોકે વૈષ્ણવજન નહોતા. મોડે મોડે કવિને સમજાયું કે પિતામાં કોહવાટ હતો. આર્થર મિલરનું નાટક ‘ડેથ ઑફ અ સેલ્સમૅન’ યાદ આવે છે. શાળાની ફૂટબૉલ ટીમનો એક્કો બિફ, પોતાના પિતા, વિલી લોમેનને મહાન પુરુષ માને છે.

વાસ્તવમાં વિલી છે એક નિષ્ફળ સેલ્સમૅન. વિલી વ્યવસાયના કામ માટે બૉસ્ટન ગયો છે. આ બાજુ ગણિતમાં નાપાસ થયેલો બિફ મદદ માટે પિતા પાસે દોડી જાય છે. જુએ છે તો પિતા કોઈ હોટેલમાં, વારાંગના સાથે છે. બિફ બોલી પડે છે. ‘You poor little phoney.’ ‘એમનામાંયે કોહવાટ હતો’ અહીં ‘યે’ શબ્દ મહત્ત્વનો છે. થોડો કોહવાટ તો સૌમાં હોય.

કવિ બાપુના ઘરનું રાચ૨ચીલું તપાસે છે. (કદાચ ઘણે વ૨સે ઘેર આવ્યા હોય.) ડાયરીમાં અજાણી વ્યક્તિઓનાં નામ. ગૅસપાઇપની ભુલભુલામણીવાળું – ગુપ્ત નિશાનીઓવાળું – કૅલેન્ડર, (ગૅસપાઇપનો સંદર્ભ બાપુના વ્યવસાય સાથે સુસંગત છે.)

મેજ ઉ૫૨ પૅરિસ રહેતી ‘એમની’ સ્રીનું ચિત્ર. બા—નું વર્ણન કવિ ક૨તા નથી. (બા સાથે આંખ મેળવી શકતા નથી.) બસ તેની ઉદાસ અવરજવર સાંભળે છે.

બાપુ ચિનાઈમાટીનું છેક ત્રીસીમાં બનેલું વૉશસિન તો સાચવી શક્યા, પણ પોતાની ઘરગૃહસ્થી ન સાચવી શક્યા. બૅસિન ઉપરના બે ચિત્રવિચિત્ર સિંહ કવિને હાસ્યાસ્પદ લાગે છે. બહાદુરી, અને તે પણ બાથરૂમમાં? બૅસિન ૫૨ કોતર્યું છે : જ્હૉન્સન બ્રધર્સ લિ.

કવિએ બૅસિન નિમિત્તે પોતાની પીડાની વાત કરી છે. તેમના મુખેથી નિશ્વાસ સરી પડે છે: ઓ પિતા! એક જ ઉદ્ગાર વડે કવિ સ્મરે છે પોતાના પિતાને, અને સૌના પિતા ઈશુ ખ્રિસ્તને.

બેસિનના નળમાંથી ગરમ અને ઠંડાં જળ જોડાજોડ વહેતાં હોય. કવિનાં ઊનાં આંસુ અને સમાજની ઠંડી ઉપેક્ષા સેળભેળ થઈને હંસલીની ડોક જેવી પાઇપમાંથી સાથોસાથ વહે છે.
***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.