પ્રકરણ: ૩ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

એ દીપક આજે ગંભીર હતો?

પ્રેમલના નિમિત્તે એ પાસે આવ્યો. વિખૂટાં પડ્યાં ત્યારે એ કંઈક ઉદાસ નહોતો દેખાયો? કે એ મારો આભાસ હતો? મળ્યું છે એના આનંદ કરતાં ગુમાવ્યાનો રંજ વધી ગયો હતો?

એકાએક સ્કૂટરની બ્રેકનો અવાજ સંભળાયો. શું થયું? અકસ્માત? લાવણ્ય ઝબકી ઊઠી. એણે બાજુમાં જોયું. અકસ્માત નથી થયો એ જોઈને એણે રાહત અનુભવી.

‘અરે આપ લાવણ્ય?’ બ્રેકની મદદથી સ્કૂટર રોકીને પાછા ફરેલા વિશ્વનાથે કહ્યું. અને દસેક ફૂટ દૂર ઊભેલી લાવણ્ય ત્યાં જ સ્થિર છે એ જોઈ વિશ્વનાથ વાહન ઊભું કરી એની પાસે ગયો: ‘મને ઓળખ્યો કે નહીં?’

‘થોડીક વાર થાત પણ તમે “આપ” બોલ્યા એથી ખ્યાલ આવી ગયો કે આ તો, ગુજરાતી શીખવાની ઉતાવળ કરી રહેલા પેલા યુવાન પત્રકાર નામે વિશ્વનાથ.’

‘થેંક્યુ!’

‘એમાંય થેંક્યુ?’

‘એ તમે નહીં સમજો. આપ મને ઓળખો એનો મારે મન શો મહત્ત્વ છે —’ વળી લાવણ્યે એને રોક્યો. ભૂલ સુધારી. ‘શું મહત્ત્વ છે?’ એમ કહો, અથવા ‘શો મહિમા છે’ એમ કહો.

વિશ્વનાથે કાનની બૂટ પકડી. લાવણ્ય હસી પડી. એ જોઈને વિશ્વનાથનું અંત:કરણ કોઈક બંગાળી કવિના પદ્મપુકુરની જેમ ખીલી ઊઠ્યું. કહે:

‘આમ તમે મારી ભૂલો કાઢો એ મને બહુ ગમે. અને એથીય વધુ ગમે તમારી પાસેથી કશુંક શીખવા મળે એ. તેમ છતાં આજે સંકલ્પ લઉં છું – ના, સૉરી, સંકલ્પ કરું છું કે આપણે ફરી મળીએ એ પહેલાં હું બરાબર ગુજરાતી શીખી જઈશ. કેમ હસ્યાં?’

‘તમને ખાતરી છે કે આપણે ફરી મળીશું?’

‘ખાતરી તો નથી, અભિલાષા છે, શ્રદ્ધા પણ.’

‘તમે જાણો છો હું બહારગામ રહું છું?’

‘હા, તમારું સરનામું મારી પાસે છે. પેલા નવલેખક – શિબિરના પૂર્ણાહૂતિ – સમારંભમાં હું મિનિસ્ટર સાથે આબુ આવેલો, ત્યારે તમારો કવિતા પાઠ સાંભળેલો. તમે ગીત પણ ગાયેલું, કહેલું કે હું સ્વરચિત ગીતો ગાઉં છું ખરી પણ સમારંભોમાં તો મારા પ્રિય કવિઓની રચનાઓ ગાઉં છું.

તમે નિરાલાજીનું ગીત ગાયેલું. ‘સ્નેહ-નિર્ઝર બહ ગયા હૈ, રેત જ્યોં તન રહ ગયા હૈ!’ બરાબર? મેં એ સમારંભ વિશે વિસ્તૃત હેવાલ લખેલો. મિનિસ્ટરને તમે છડી આપો છો એ ફોટો પણ છાપેલો.

મારી માને થયેલું કે મિનિસ્ટરના વ્યાખ્યાન કરતાં મેં તમારી કવિતાની ચર્ચા માટે વધુ જગા ફાળવી છે. તમને કદાચ એવું લાગ્યું ન હોત. હું મારી નોંધની નકલ મોકલવાનો હતો પણ છેલ્લી ઘડીએ સંકોચ થયો. કદાચ તમે ગેરસમજ કરો.’

‘હું ગેરસમજ કરું? કઈ બાબતે?’

‘માફ કરજો હું સ્પષ્ટ રીતે કહી શકતો નથી. અને કવિતા લખવામાં સફળ થયો નથી. આમ તો હું પણ સાહિત્યનો વિદ્યાર્થી હતો. પણ નોકરીની શક્યતા જર્નાલિઝમમાં હતી. તમે અંગ્રેજી સાથે એમ.એ. થયેલાં છો, ખરું ને?’

‘તમે મારે વિશે ઘણી માહિતી ધરાવો છો!’

‘એમાં અવિવેક થયો હોય તો માફ કરશો. હું થોડોક મહત્ત્વાકાંક્ષી તો છું જ.’ — વિશ્વનાથે જોયું કે લાવણ્ય ધ્યાનથી સાંભળે છે, તો ભવિષ્યમાં ગેરસમજ ન થાય અને સમજણ વધે એવી ભૂમિકા કેમ તૈયાર ન કરવી?

પોતે કન્નડ છે પણ ઘણા લોકો એને હિન્દીભાષી માને છે. એ હિન્દી લખીબોલી જાણે છે પણ એના હિન્દીભાષી મિત્રો કહે છે કે તારે અંગ્રેજીમાં જ લખવું જોઈએ. અહીંના અંગ્રેજી દૈનિકમાં નોકરી કરે છે. સમાચાર અને વિચાર બન્નેમાં ઊંડો રસ ધરાવે છે. ઉદ્યમી છે. મહત્ત્વના હેવાલને છેવટનું સ્વરૂપ આપતાં પહેલાં તંત્રી સાથે ચર્ચા વિચારણા કરી લે છે.

સહુ માને છે કે વિશ્વનાથને થોડાંક જ વરસમાં ‘ચીફ રિપોર્ટર’ કે ‘સ્પેશ્યલ કોરસપોન્ડન્ટ’નો હોદ્દો મળશે. હજી તો એને પૂરાં છવ્વીસ વરસ પણ ક્યાં થયાં છે? એનાં માતાપિતા શુભલક્ષ્મી અને પ્રભાકરને ગુજરાત બહુ ગમે છે. પ્રભાકર નિવૃત્ત થયા છે. જીવનની બધી બચત રોકી દેતાં જીવ ચાલતો નથી છતાં અમદાવાદમાં એક મકાન તો ખરીદવું જ છે.

ગુજરાતી સમાજ સાથે સંબંધ વધે એ એમને ગમે. લાવણ્ય જેવી એમ.એ. બી.એડ. થઈને શિક્ષણ ખાતામાં નિરીક્ષકની નોકરી કરતી યુવતી સાથે વિશ્વનાથનું ગોઠવાય તો એમને બહુ ગમે. નહીં તો કન્નડ કન્યાઓ તો આ રહી. ગ્રેજ્યુએટ હોય એ ઉપરાંત સંગીત જેવી એકાદ કળા પણ જાણતી હોય તો ઘર ગુંજી ઊઠે.

શુભલક્ષ્મી પાસે એક નાનકડી સૂચિ તૈયાર છે. પણ લાવણ્ય જેવી કમાતી કન્યા મળે તો પછી જોઈએ છે જ શું? એનામાં લેખનની શક્તિ છે. અધ્યાપક થવાની યોગ્યતા છે. બૅકમાં ભાષાનિષ્ણાત કે સંપર્ક-અધિકારી પણ થઈ શકે. એનાં રૂપગુણશીલમાં કોઈ ખામી નથી.

વિશ્વનાથે એ પણ જણાવ્યું કે પ્રેમલ સાથે એને બેત્રણ વાર લાવણ્ય વિશે વાત થયેલી: ‘શું એ સાચું છે કે તમે લગ્ન કરવા ઈચ્છતાં નથી?’

‘વગર પરિચયે પણ તમે સાવ અંગત પ્રશ્ન પૂછી નાખ્યો!’

‘પત્રકાર છું ને!’

‘તો આ પ્રશ્ન તમે પત્રકાર તરીકે જ પૂછ્યો છે એમ માનીશ.’

વિશ્વનાથ મૂંઝાયો. પળવાર નીચું જોઈ રહ્યો. પછી લાવણ્યની સજાવટ જોતાં બોલવાનું સૂઝ્યું:

‘તમે લગ્નસમારંભમાંથી આવો છો તેથી થયું કે તમે લગ્નનાં વિરોધી નહીં હો.’

‘દલીલ બંધબેસતી આવે છે, પણ હમણાં તો મારો વિચાર પીએચ. ડી. કરવાનો છે.’ ત્યાં બસ આવતી દેખાઈ. લાવણ્યને થયું કે પોતે ઝડપથી ચાલે તો સ્ટેન્ડ સુધી પહોંચી શકે. વિશ્વનાથને એની અવઢવનો ખ્યાલ આવી ગયો. એણે કહ્યું કે હું તમને આ સ્કૂટર પર મૂકી જઈશ.

‘પણ તમારી દિશા —’

‘પત્રકારને વળી દિશા શી?’

‘તો શું દિશાશૂન્ય પત્રકારત્વના ઉપાસક છો?’

‘મારાં લખાણ જોઈને નક્કી કરજો.’ – વિશ્વનાથે ખબરપત્રીની ફરજો બજાવવાની સાથે નાનામોટા લેખો પર પણ હાથ અજમાવ્યો છે. દહેજ અંગે કટાક્ષ કરતા લેખો એણે લખ્યા છે. આઈ.એ.એસ.ની પરીક્ષા પાસ કરીને પ્રભુતામાં પગલાં માંડતા યુવકો પચાસ પચાસ લાખ સુધી દહેજ લે છે. એમને એટલું દહેજ આપનારની ગણતરી હોય છે કે ભવિષ્યમાં આપણે દીકરીના માધ્યમથી કરોડોનું કામ કઢાવી લઈશું.

એકવાર એણે એક લેખમાળા આપેલી, જેમાં સ્ત્રીને પુરુષની સમોવડી બનતી અટકાવતાં પરિબળો વિશે છણાવટ હતી. આ પ્રકારના લેખો લખવામાં દૈનિકની નીતિ સાથે મતભેદ પડવાનો સવાલ પણ ઊભો થતો નથી.

લાવણ્ય આજે વિશ્વનાથમાં થોડોક સંકોચ જોઈ રહી છે. શિબિર વખતે એને પ્રશ્ન થયેલો: આ માણસ વારંવાર મારી સામે કેમ જોયા કરે છે? પત્રકાર થયા એટલે પ્રત્યેક વસ્તુ અને વ્યક્તિનું નિરીક્ષણ કરવાની છૂટ મળી ગઈ? ત્યારે ખબર નહોતી કે આ એક કલારસિક વ્યક્તિ છે. માનેલું કે પ્રધાનશ્રીનો કૃપાપાત્ર હશે.

આજે આઠેક માસ થયા એ ઘટનાને. ઘણું બધું બદલાઈ ગયું છે. દીપકે કદાચ ઉતાવળ કરી. ખેર, એના લગ્નમાં પોતે પ્રયત્નપૂર્વક જે ખુશી ધારણ કરી રાખી એનો વરખ ઊખડ્યા વિના રહેવાનો નથી.

વિશ્વનાથ સાથે ઊભાં રહ્યે માંડ પાંચસાત મિનિટ થઈ હશે ત્યાં તો થયું કે થાક લાગ્યો છે. વિશ્વનાથે એની રજા લઈને સિગારેટ સળગાવી. એના મોં સામે જોવા કરતાં લાવણ્યને ધૂણી સામે જોઈ રહેવાનું વધુ ફાવતું હતું. એની આ વિમુખતા વિશ્વનાથથી અકળ નહોતી, છતાં એની રીતભાત માટે એને માન થયું હતું.

લાવણ્યે એકાએક રિક્ષા માટે હાથ લંબાવ્યો, પણ રિક્ષા ખાલી ન હતી. એક યુવક કાળા વસ્ત્રમાં એકબાજુ લપાઈને બેઠો હતો. એની બેસવાની રીત દીપકની યાદ આપી ગઈ.

શું દીપકને મારી ખોટ નહીં વરતાય?

અને મને? કોણ જાણે! પોતે કશુંય ખોટું કર્યું હોય એવું નથી લાગતું, પછી શું? હવે તો હાલ જ અહીંથી નીકળવું જોઈએ. બસ પકડીને ઘેર પહોંચી જવું છે. બારી બહાર જોવું નથી. ઘેર જઈને ઊંઘી જવું છે. જોકે નિર્ણય કરીને ઊંઘી શકાતું નથી, ફક્ત જાગી શકાય છે.

બીજી રિક્ષા પણ ખાલી નહોતી.

‘રિક્ષાની શી જરૂર છે? આઈ શૅલ —’

‘ના, ના, તમે શા માટે તકલીફ —’

‘તકલીફ? ધેટ વીલ બી માય પ્લેઝર!’

‘નો થેંક્યુ! આજે તો હું રિક્ષામાં જઈશ. જુઓને આ મોંઘીં સાડી વગેરે પહેર્યું છે એ! આનો ભાર લાગે છે. સવારે જ એક યુવતીની અઢારસો રૂપિયાની સાડીનો પાલવ સ્કૂટરના વ્હીલમાં ભરાઈ ગયો. સારું થયું કે તુરત વનલતાનું ધ્યાન ગયું. હું તો સાવ બેધ્યાન હતી. વનલતાની બૂમે અકસ્માત અટકાવ્યો, નહીં તો વિવાહમાં વિઘ્ન થાત.

ત્યારથી મારા મનમાં કોઈકનું અમંગળ થવાની ફડક પેસી ગઈ છે. બીજી વાર આવો અકસ્માત નહીં થાય ને? આ ફડક ને દબાવી રાખવા મારે વનલતા સામે ત્યારે પ્રયત્નપૂર્વક ખુશ રહેવું પડ્યું હતું. હવે ઘેર જઈ મારી સ્વાભાવિક દશાએ પહોંચી આરામ કરવા માંગું છું. તેથી મારી રીતે જઈશ, એકલી. આભાર.’

‘આ વિગત જાણ્યા પછી મને તમારી ચિંતા થાય છે.’

‘કોઈ મારી ચિંતા કરે એ મને કદાપિ ન ગમે. મારાં મોટી બહેન પણ —’

‘શું નામ એમનું?’ – વિશ્વનાથનો આ પ્રશ્ન પણ લાવણ્યને ગમ્યો નહીં, છતાં એ જવાબ ટાળી શકી નહીં. એને અંદેશો હતો કે ફક્ત નામ દેવાથી નહીં ચાલે. થયું પણ એમ જ.

વિરાજબેન, એમના પતિ ચંદ્રકાન્તભાઈ અને પુત્ર શ્યામસુંદર વિશે પણ વાત કરવી પડી. અને એ દરમિયાન જ રિક્ષા રોકી. પણ રિક્ષાવાળો એસ. ટી. બસસ્ટેન્ડ બાજુ આવવા તૈયાર ન હતો. બીજા ડ્રાઈવરને રિક્ષા સોંપી દેવાનો સમય થઈ ગયો હતો.

છેવટે બસ ચૂકી જવાને બદલે લાવણ્યે વિશ્વનાથના સ્કૂટર પર બેસવાનું પસંદ કર્યું. વિશ્વનાથે સ્કૂટર ઉપાડતાં પહેલાં ખાતરી કરી લીધી. સાડી ક્યાંય ભરાય એમ તો નથી ને?

જોવા જતાં લાવણ્યની સહેજ ખુલ્લી થયેલી પાની નજરે પડી. શ્રાવણી સંધ્યાએ જાણે વાદળની ધારે સૂર્યની કિનારી ડોકાઈ! સંયમપૂર્વક ત્યાંથી નજર પાછી વાળી લઈને સંસારની સહુથી વધુ મૂલ્યવાન વસ્તુનું વહન કરવાના મનોભાવથી વિશ્વનાથે સ્કૂટર ચલાવ્યું.

એ બહુ ધીમે ધીમે ચલાવે છે એ જોઈને લાવણ્યે કહ્યું કે મને જીપ ચલાવતાં પણ આવડે છે. હું ડરપોક નથી. મોડું થશે. પેલી યુવતીની સાડી સ્કૂટરમાં ભરાઈ જવાથી મને મારી નહીં કદાચ સવિતાની ચિંતા થઈ હશે.

વિશ્વનાથે સ્કૂટરની ઝડપ વધારી પણ એને તુરત સમજાયું કે આ ઝડપ એના ફાયદામાં નથી. લાવણ્ય બસમાં બેસી જશે પછી પોતે ત્યાંથી પાછા વળવું પડશે. અને પછી તો કોણ જાણે કયારે મળાશે? આ

જે ભલું થજો પ્રેમલનું કે એણે જાહેરખબરનું મેટર વળગાડતાં આ શુભ સમાચાર પણ આપ્યા. એણે મશ્કરીમાં કહ્યું હશે. મારી નબળાઈ જાણે છે, પણ મશ્કરી કરીનેય એણે ઉપકાર જ કર્યો છે. હવે દિવસો સુધી આપણું માનસર લહેરાતું રહેશે. આ જે થોડીક ક્ષણો છે એ હંસલા માટે મોતીનો ચારો બનશે.

લાવણ્યને ઉતારતાં વિશ્વનાથે એનું કાર્ડ આપ્યું. કહ્યું: ‘તમે મારી સાથે આટલો પ્રવાસ કરવાનું કબૂલ રાખ્યું એ મને ગમ્યું.’

‘પણ ફરજ તો ચૂક્યા જ ને? તમે ખબરપત્રી છો —’

‘હા. પણ અમે તો જ્યાં હોઈએ ત્યાં ફરજ પર ગણાઈએ. થોડીવાર પછી બધા મિત્રો વેનિટી કોર્નર પાસે ભેગા થઈશું. ભેગી થયેલી માહિતીની આપલે કરીશું. શું સાંભળ્યું, શું જોયું?’

‘કોને લિફટ આપી —’

‘ના ના, જોજો એવું માની બેસતાં. તમારે વિશે હું કોઈની આગળ એક શબ્દ પણ નહીં બોલું. જે વસ્તુ હૃદયના અંતરતમ ખૂણે સુરક્ષિત રાખવા જેવી હોય એ તો પરમ શુભચિંતકને પણ ન કહેવાય. જ્યારે અમારા પત્રકાર મિત્રો તો રજનો ગજ કરનારા —’

‘રજનો ગજ નહીં, રજનું ગજ —’ લાવણ્ય ભૂલ સુધાર્યા વિના રહી ન શકી. પણ આ વખત વિશ્વનાથ તુરત સંમત થયો નહીં. એના માનવા પ્રમાણે ગજ પુલ્લિંગ છે તો પછી નપુંસકલિંગ કેવી રીતે બોલાય?’

‘ભલે. તો તમે એમ બોલજો. સાંભળનારાઓને હસવું આવશે. તમારે રૂઢિપ્રયોગો અને કહેવતોનો જરા ધ્યાનથી અભ્યાસ કરવો પડશે.’

‘તમે એ અભ્યાસ કરાવો એવું તો મારા ભાગ્યમાં ક્યાંથી હોય?’

‘મારા ભાગ્યમાં પણ નથી લાગતું. બહુ દૂર રહું છું અને વારંવાર અમદાવાદ આવતી નથી. તમે જાણો છો, આપણી વચ્ચેનું અંતર —’

લાવણ્યના ઉદ્ગારમાં સૂચવાયેલો ‘અંતર’નો દ્વિઅર્થી સંકેત વિશ્વનાથ પામી ગયો. લાવણ્યની બસ મુકાઈ ગઈ હતી. એ બારી પાસે બેઠી. વિશ્વનાથ પાસે ગયો.

‘આવજો, તમે સ્કૂટર બહુ ધ્યાનથી ચલાવ્યું.’

‘એટલી કાળજી જરૂર રાખતો હતો કે બ્રેક મારવી ન પડે. પાછળ બેઠેલાને આંચકો ન લાગે, એ અથડાઈ ન પડે.’

‘એકવાર અથડાઈ પડેલાને પછી નથી રહેતો એનો કશો ભય કે નથી થતો રોમાંચ.’ — લાવણ્ય ગંભીર હતી.

વિશ્વનાથ સમજ્યો કે અહીં વાત પૂરી થાય છે. લાવણ્યના જીવનના ગોપિત રહસ્યને સ્પર્શવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ નહીં. એ અનાધિકાર ચેષ્ટા થશે. એણે પગ ઉપાડયો.

ત્યાં વળી એની સામે જોઈને લાવણ્યે કહ્યું, ‘પ્રેમલની બહેન વનલતા મારી સાથે જ અંગ્રેજી સાથે એમ.એ. થયેલી છે. એ ગુજરાતી પણ સારું જાણે છે. તમને એ જરૂર શીખવશે.’

વિશ્વનાથ કશું બોલ્યો નહીં. એની પીઠ પરથી એમ લાગતું હતું કે એની ચાલમાં દૃઢતા નથી. એ અદશ્ય થયો, અણગમતી દિશામાં….

લાવણ્યની બસ ભરાઈ ગયા પછી પણ ભરાતી ગઈ. હવાની અવરજવર બંધ થઈ ગઈ. હજી કંડકટરે આવીને ટિકિટો આપવાનું શરૂ કર્યું ન હતું સમય થઈ ગયો હતો.

બપોરે થોડીકવાર માટે લગ્નમંડપની આજુબાજુ પણ ભીડ જામી ગઈ હતી. લાવણ્ય કશુંક કામ સૂઝતાં ખુલ્લા મંડપ નીચે આવી ગઈ હતી. નિરાંતે શ્વાસ લઈ શકાયો એમાં પણ સુખ વરતાયું હતું. એ ક્ષણની એકલતા એને રાહતરૂપ લાગી હતી.

બસ ઊપડી ત્યાં સુધી એને મનુષ્યની મૂળભૂત એકલતા વિશે જ વિચારો આવ્યા કર્યા.

દીપક સાથેનું સાયુજ્ય કલ્પીને ચાલનારી પોતે આજે એકલી જઈ રહી છે. દીપકે એક અજાણી યુવતી સાથે જાણીતાં પ્રલોભનોથી પ્રેરાઈને લગ્ન કરી લીધું. એ સુખી થાય તો સારું. કોઈકવાર એવું પણ બનતું હોય છે કે સાવ અજાણી વ્યકિત સાથે લગ્ન કર્યા પછી શિક્ષિત અને સંવેદનશીલ વ્યક્તિની એકલતા બેવડાય.

દીપક શિક્ષિત તો છે જ, એને સંવેદનશીલ પણ માન્યો હતો. એ વિશે હવે પુનર્વિચાર કરવો પડે.

કે પછી આ જે કંઈ બન્યું એમાં મુખ્યત્વે મારો જ વાંક નહોતો? હું સહેજ પણ નમતું જોખવા ક્યાં તૈયાર હતી?

બસ ઊપડી એ પહેલાં બે યુવતીઓ ચઢી. એમણે ઈડરની ટિકિટ માગી. લાવણ્યનું ધ્યાન ગયું: એ લલિતા અને શારદા હતી. એણે બીજાં મુસાફરોને વિનંતી કરીને એમને માટે જગા કરાવી.

લાવણ્ય શું વાંચે છે એ જોવા લલિતાએ પાછળથી ડોકિયું કર્યું: રવીન્દ્રનાથ! આનો શો અર્થ થાય દીદી?

‘વીણી લાવવું અને વેરી નાખવું, એ શું તારી એકની એક રમત છે?’

કુડિયે આના છડિયે ફૅલા, એઈ કિ તોમાર ઍકઈ ખેલા?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. રધુવીર જી ની આ રચના વાંચી બહુ જ આનંદ આવ્યો પણ રધુવીર જી ના અન્ય કૃતિઓના સંદર્ભે સામાજિક અથવા આંચલિક નવલિકા પર સંશોધન ગ્રંથ નું નિર્માણ થયેલ હોય તો કૃપયા મને ૯૯૦૪૩૪૫૪૩૪ પર જણાવશો