આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ: ૭ ~ “રવિવારની સવાર..!” ~ વોલેસ સ્ટીવન્સ ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર
રવિવારની સવાર
અમેરિકાના કવિ વોલેસ સ્ટીવન્સ (૧૮૭૯-૧૯૫૫)નું એક દીર્ઘકાવ્ય છે, ‘રવિવારની સવાર.’

રવિવારની સવારે ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય-આ કાવ્યની નાયિકા શું કરે છે?
ગાઉનનો પારદર્શક આનંદ, મોડેથી પીવાતી
કોફી, તડકીલી ખુરશીએ બેસીને ખવાતાં સંતરાં
કાકાકૌઆની લીલી સ્વતંત્રતા
… ઓગાળી નાખે છે
પુરાણા બલિદાનનો પવિત્ર સન્નાટો
નાયિકા ઉતાવળા પગે ચર્ચમાં જતી નથી,પણ શિફોનનો ગાઉન ઝુલાવતી ફરે છે, લહેરથી કોફીની ચુસકી ભરે છે, તડકે બેસી સંતરાની ચીર ખાય છે. કાકાકૌઆ (ધર્મના) પિંજરે પુરાયો ન હોવાથી મુક્ત છે.
આ ત્રણ પંક્તિઓ વડે કવિ વાચકની સ્પર્શ-સ્વાદ-દ્રષ્ટિની ઇંદ્રિયોને જાગ્રત કરી મૂકે છે. તેમણે બગીચે બેઠેલી યુવતીનું આબેહૂબ ચિત્ર દોર્યું છે. ચર્ચમાં ગયેલાં લોકો ઇસુએ બે હજાર વર્ષ પહેલાં આપેલા બલિદાનના ‘પવિત્ર સન્નાટા’માં બેઠાં છે, જ્યારે નાયિકા પ્રકૃતિને આકંઠ માણી રહી છે.
ચર્ચ વિશે વિચારતાં નાયિકાને લાગે છે જાણે ‘પ્રાચીન આપત્તિના ઓળા તેની ઉપર અતિક્રમણ કરી રહ્યા છે.’ ઇસુને શૂળીએ ચડાવાયાની ઘટનાને કવિ ‘પ્રાચીન’ કહે છે, જાણે તેને આજના સમય સાથે કશી લેવાદેવા ન હોય.
આગળ વધીને તેનો ઉલ્લેખ બલિદાનને બદલે ‘આપત્તિ’ તરીકે કરે છે. શૂળીની ઘટના નાયિકા ઉપર અજવાળાના શેરડા નહિ,પણ અંધકારના ‘ઓળા’ પાથરે છે. નાયિકાના આનંદ ઉપર ધર્મ જાણે ‘અતિક્રમણ’ કરી રહ્યો છે.
‘ખટમીઠાં સંતરાં અને ચળકતી લીલી પાંખો, જોડાય છે મૃતાત્માઓના જનાજામાં, જે સમંદર પાર કરીને જઈ રહ્યો છે, રક્ત અને કબરના રાજ્ય સમા પેલેસ્ટાઈનમાં.’ રસબસતાં સંતરાં અને લીલાંછમ પંખી જીવનનાં પ્રતીક છે, જ્યારે પુરાણા બલિદાનની પ્રશસ્તિ કર્યા કરતો ધર્મ મૃત્યુનું પ્રતીક છે. આ કાવ્યમાં વોલેસ ખ્રિસ્તી ધર્મના વિકલ્પરૂપે પ્રકૃતિને આગળ ધરે છે.
નાયિકા વિશે ચિંતન કરતાં કવિ કહે છે:
એ પોતાનો વૈભવ મૃતકને શું કામ સોંપે?
શું દિવ્યતા પ્રાપ્ત થાય
માત્ર પડછાયામાં અને સ્વપ્નમાં?
ન મળી શકે સૂર્યની હૂંફમાં,
ખટમીઠા ફળમાં, ચમકદાર પાંખમાં,
સૃષ્ટિના સૌંદર્યમાં,
એ વસ્તુ, જેને માણી શકાય સ્વર્ગની જેમ?
દિવ્યતા તો વસવી જોઈએ અંતરમાં:
વર્ષાની વિહ્વળતા, વરસતા હિમના મનોભાવ
એકલતાનો ઉચાટ, ઉલ્લાસ
વન મહોરી ઊઠે ત્યારનો, પાનખરની રાત્રિએ
ભીના માર્ગે ઊડું ઊડું થતી ઊર્મિઓ
ગ્રીષ્મનો ગુચ્છો, શિશિરની શાખ
–આવાં તત્વો હોવા જોઈએ, આત્મા માટે
નાયિકા પોતાનાં તનમનધનનો વૈભવ મરી ગયેલી ગઈ કાલને સોંપવા માગતી નથી. નવા કરાર (ન્યૂ ટેસ્ટામેન્ટ)માં કહ્યું છે કે ફરિસ્તા ગેબ્રિયલે મેરીને ૨૫ માર્ચે જણાવ્યું હતું કે તેને ઈશ્વરનો પુત્ર અવતરશે.
આવી રહસ્યમય અને સ્વપ્નવત્ દિવ્યતામાં કવિને બહુ રસ પડતો નથી. એમને તો ત્વચાથી અડી શકાય તેવું, જીભથી ચાખી શકાય તેવું, અને આંખોથી દેખી શકાય તેવું સ્વર્ગ જોઈએ છે. વર્ડ્સવર્થ અને કીટ્સની જેમ વોલેસ પણ પ્રકૃતિમાં પરમાત્માનાં દર્શન કરે છે.
આઠ સ્ટાન્ઝા (પરિચ્છેદ)માં રચાયેલા આ કાવ્યના પહેલા બે સ્ટાન્ઝા આપણે વાંચ્યા. અંતમાં કવિ લખે છે:
આપણે વસીએ છીએ સૂર્યની અંધાધૂંધ અવ્યવસ્થામાં
અથવા દિવસ–રાતના પુરાણા અવલંબનમાં
અથવા દ્વીપના નિ:શુલ્ક એકાંતમાં, જેનો પુરસ્કર્તા કોઈ નથી
‘કેઓસ’માંથી ‘કોસ્મોસ’ એ બ્રહ્માંડનો ક્રમ છે, પણ કવિને આજેય અંધાધૂંધી દેખાય છે. પૃથ્વી આપણને સાવ મફતમાં મળેલો આયલેન્ડ રિસોર્ટ છે, જેની ચોતરફ અવકાશ ઘૂઘવે છે.કવિ કહે છે કે આ આનંદમય એકાંતનો કોઈ ‘સ્પોન્સર’ (પુરસ્કર્તા) નથી.યોજનાનો મુસદ્દો રજૂ કરનારને ‘સ્પોન્સર’ કહેવાય. બાળકના બાપ્તિસ્મા વખતે હાજર રહી, તેની ધાર્મિક કેળવણીની જવાબદારી સ્વીકારનાર ‘ગોડફાધર’ને પણ ‘સ્પોન્સર’ કહેવાય. કવિના મતે આ સૃષ્ટિનો કોઈ ‘સ્પોન્સર’ નથી.
હરણાં ફરે છે આપણી ટેકરીઓ પર, ટિટોડીઓ
સિસોટી બજાવે છે આપણી આસપાસ
વગડામાં બોરાં પાકીને થાય છે મીઠાં
સાંજે યોગાનુયોગે એકઠાં થયેલાં પારેવડાંનું વૃંદ
પાંખો ફેલાવતું,અચોક્કસ ચકરાવા લેતું, ડૂબે છે
તળેટીના અંધકારમાં
યોગાનુયોગે એકઠાં થયેલાં આપણે અંધકારમાં ડૂબીએ તે પહેલાં આપણે ટેકરીઓ ચાખવાની છે, સિસોટી બજાવવાની છે, અને પાકીને મીઠાં થવાનું છે.
~ ઉદયન ઠક્કર
Modern Poetry with Langdon Hammer (ENGL 310)