પાંચ ગીત ~ તેજસ દવે (અમદાવાદ)
૧. નામ તારું

દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું
દરિયાના મોજા સંગ વહેતું
છીપલાની જેમ હુંય આવતો કિનારે ને
દરિયામાં ધ્યાન પછી રહેતું
ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર
લાગે છે દૂર છતાં પાસે
આપણીય વચ્ચે દીવાલ જાય તૂટી તો
આપણેય મળવાનું થાશે
આવજો કહીને તારા લંબાતા હાથને
મારાથી દૂર કોણ લેતું ?
દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી
ને છૂટતા કિનારા તો ઠીક
તારાથી દૂર હવે એકલા રહીને મને
લાગે છે મારીયે બીક
મનની ચોપાટ મારે એકલા જ રમવાની
તોય કો’ક જીતવા ના દેતું!
૨. ચાકડો ખાલી
નથી પિંડ માટીનો ત્યાં
છે હવે ચાકડો ખાલી,
રે પીંજારા બોલ કાંતશે
કોના શ્વાસને ઝાલી?
વાતો કરજે પંખી સાથે
દરિયાને દે તાલી,
તારું સર્જન તને મુબારક
કહી જિંદગી ચાલી.
કહેવું પડશે તારે માણસ
તારી ખોટ સાલી?
વાદળ છોને આવે
ચોમાસાનું પાણી પાવા,
નથી ગરગડી ગરજ લઈને
ઊભી ડોલ ભરાવા.
હોય તરસ તો તું જ ભરીને
પીજે જળની પ્યાલી,
ઊગી ગયાં છે બાવળ!
કેવાં બીજ બધે તેં વાવ્યાં?
ખેતર જંગલ થઈ ગ્યા
કેવા નસીબ લઈને આવ્યાં?
હળને જોડી તું જ ખેડજે
આ ધરતી વનમાળી
બધાં જીવને દેજે પણ
ના દેતો અમને કાયા,
ફરી ઝૂંપડી બાંધીશું
તો ફરી લાગશે માયા.
હવે ન ચળશું ગમે તેટલી
દે તું જાહોજલાલી,
3. હવે તમારો વારો
ખુલ્લી આંખે જોઉં રોજ હું ટગર ટગર એ ઝાડ ઝાડના પીળાપીળા પાનપાનની સૂકી ડાળો,
ઊભું એકલું બળબળ બળતું ઝાડ ઝાડનો છાંયો કહેતો હવે તમારો વારો તમને તમે જ બાળો
મૂળથી ઉખડી જાશે હમણાં એમ થતું ત્યાં થડની નીચે નાનકડી એક ખિસકોલી બાકોરું પાડે,
નથી અહીં કોઈ અવરજવર વેરાન થયેલા જંગલ વચ્ચે કોઈ હજી પણ એવું છે જે ઝાડ ગમાડે.
જઉં કેમ હું પાછો એના શૈશવ પાસે દરેક પળમાં વધતી ઉંમર કરે ઝાડનો કાં સરવાળો?
તમે જ ટોચે માળા બાંધ્યા રહી ગયા છે પીછાં એમાં એ પીછાંઓ જાવ જઈને બહાર નીકાળો,
ટહુકાઓનું ગામ મૂકીને ઊડી ગયેલા પંખી પેલા લેણદેણના કિસ્સા કહું છું પાછા વાળો.
ઘટાટોપ કઈ લીલુંલીલું ઊગી રહ્યું છે મારી અંદર હવે રોજ હું કહેતો: આવો મને ઓગાળો.
૪. તને ઓગળતી જિંદગીના સમ

મને મારામાં એકલું ન ફાવે
તું મારામાં આવીને રમ
તને ઓગળતી જિંદગીના સમ
મારો આ ખાલીપો તારા લગ પહોંચવામાં આવે છે એવો તો આડે,
જેમ કોઈ માછલીની ઈચ્છાના દરિયાને એક્વેરિયમ તાણી ડુબાડે.
તું આવ અને તોડી દે તારી પ્રતીક્ષાનો ચાલે જે રોજિંદો ક્રમ
થોડું તો થોડું પણ પાણી જો હોય અગર પંખી એ ઠીબમાંથી પીવે,
સુક્કા તળાવ સમી મારી આ કાયા બસ એમ તારા સ્મરણોથી જીવે.
સાચવે છે ઝાકળને લીલુંછમ ઘાસ એમ સાચવજે મારો તું ભ્રમ
૫. એવા દિવસો આવ્યા છે
પ્રતિબિંબ દર્પણના તૂટે
એવા દિવસો આવ્યા છે
પથ્થરને પણ પીડા ફૂટે
એવા દિવસો આવ્યા છે
મૃત પડેલા મૃગજળને
તડકો લઇ ચાલે કાંધે,
ખાલી રણમાં તરસ હવે
ત્યાં કોનું ઘર જઈ માંડે?
જળની છેલ્લી ભ્રમણા છૂટે
એવા દિવસો આવ્યા છે,
માટીના ઘર બાંધીને
દરવાજે તાળા દેતા,
સ્ટ્રીટલાઇટના અજવાળાને
સૂરજ ધારી લેતા
પડછાયા માણસને લૂંટે
એવા દિવસો આવ્યા છે
સાંજ પડે ને અંધારાની
ગમાણમાં જઈ ઢળતો,
કોઈ હરાયા ઢોર સમો
ત્યાં દિવસ પાછો વળતો
રોજ સવારે દિવસ ખૂટે
એવા દિવસો આવ્યા છે,
પ્રતિબિંબ દર્પણના તૂટે
એવા દિવસો આવ્યા છે.
~ તેજસ દવે (અમદાવાદ)
I love poems, stories 💕