ચૂંટેલા શેર ~ કમલેશ શુક્લ (સુરત) ~ ગઝલસંગ્રહઃ નભે આજ સૂરજ અસરદાર લાગે

અધૂરાં હતાં તે થયાં કામ પૂરાં
નિરંતર પ્રભુનો એ સહકાર લાગે
*
કરી વાત છાની, મળ્યાં ચોરપગલે
છતાંયે બધાને ખબર થઈ ગઈ છે
*
હોય કોઈ પણ સવાલો જિંદગીની દોડમાં
એક ચપટીમાં જવાબો આપવાનું યાદ છે
*
જો ગયો એ બાળવાને હાથ પણ દાઝી ગયો
આગ ચાંપી ભાગવાની વાત એ ભારે પડી
*
જાણું છું દરિયો તોફાની
તોયે નાવ તરાવી બેઠા
*
સંત સામે બેસવાથી શું થશે?
સાંભળીને ચાલવાથી છે કથા
*
પાક સારો આવશે તો ગોળધાણા રાખશું
દીકરી પરણાવવાની કામના છે કેટલી!
*
સમયને જતાં અહીં ઘણી વાર લાગે
રહી એક ક્ષણ પણ વજનદાર લાગે
*
સાવ પાસે આવીને એ હાથ હાથોમાં ધરે
પ્રેમ નામે ગ્રંથ આખો ત્યાં લખાતો હોય છે
*
કહે ઈશ્વર નથી ક્યાંયે, પુરાવા એ ઘણા માંગે
મળી ક્ષણ એક એવી તો ગયા માથું નમાવીને
*
આઘાં રહીને પ્રેમ, નહીં પાલવે હવે
અમને હતી એ જાણ, તમને ખબર હતી?
*
સ્વપ્નમાં રોજ આગમન તારું
નીંદ સાથે કરાર મારો છે
*
કહ્યું’તું એક જોષીએ બધું સારું નસીબે છે
તમે આવી મળ્યા તો વાત એ સમજાય છે આખી
*
જરાય એવું બન્યું નથી કે
પ્રયાસ સીધો સફળ થયો છે
પડીપડીને ઊભા થયા તો
કરી જે કોશિશ બધી ફળી છે
*
અમે ચાલી જશું તોયે તમારા દિલથી ક્યાં જાશું?
અમારી હાજરી વર્તાય, તો રડતા નહીં રાતે
*
વહે ફોરમ બધે એની, ‘મા’ સુંદર ફૂલ જેવી છે
રહી હાજર બધે ખૂણે, સરસ એ ઘર સજાવે છે
*
જરાયે ભાર ભણતરનો હતો ના બાળપણ આખું
અમે શીખ્યાં બધું રમતાં, સમય કેવો હતો પ્યારો
*
ચાદર પણ સંકેલી જાતે
રોયા થોડા મનની અંદર
*
થશે જો એક બારી બંધ, બીજી ખોલવી પડશે
જરા અજવાસ મેળવવા ઉપાયો શોધવા પડશે
*
જિંદગી આખી નમીને ચાલતાં ફાવ્યું નથી
હાથ જોડી એટલે તો મેં કશું માગ્યું નથી
*
આમ તું ક્યાં જાય છે ઓ રાહબર?
અંત તક કરવી પડે સાથે સફર
*
નવા રંગે, નવા રૂપે, ફરી પાછા છે ફરવાનું
બધું છોડી સહજ ચાલ્યા, હવે આ ભવ થશે પૂરો

~ કમલેશ શુક્લ (સુરત)
~ ગઝલસંગ્રહઃ નભે આજ સૂરજ અસરદાર લાગે
~ સંપર્કઃ +91 98241 01208

~ સાયુજ્ય પ્રકાશન
+91 99980 03128
+91 96012 57543

Leave a Reply to કમલેશ શુક્લCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. વાહ ! કમલેશ , ઘણી જ સુંદર રચના 👏👏👌👍

  2. બધાં જ શેર સરસ છે.
    સમયને જતાં અહીં ઘણી વાર લાગે
    રહી એક ક્ષણ પણ વજનદાર લાગે.
    સરયૂ પરીખ

  3. ‘નભે આજ સૂરજ અસરદાર લાગે’ ગઝલસંગ્રહમાંથી પસંદગીના શેરના સંકલન માટે કવિ શ્રી હિતેન આનંદપરા સાહેબનો ખૂબ ખૂબ આભાર.🙏

    આ ગઝલસંગ્રહ મારા એકલાની ઉપલબ્ધિ નથી એમાં ‘આપણું આગણું’ દ્વારા આયોજીત શિબિરે પણ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. મારી આ યાત્રામાં આદરણીય જયશ્રીબહેન મર્ચન્ટ, કવિ શ્રી હિતેનભાઈ આનંદપરા, કવિ શ્રી રઈશ મનીઆર અને કવિ શ્રી સુનીલભાઈ શાહનો પણ સિંહ ફાળો છે. તદુપરાંત ગૃપના સભ્યોના સુચનો પણ મને ખૂબ કામ લાગ્યા છે . આ ગઝલસંગ્રહ જેટલો મારો છે એથી વિશેષ એ આપ સૌનો છે.

    આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏